મેટિની

સાત્વિકમ શિવમઃ કર્મ એવાં કરો કે ફળ ભોગવતાં ‘તક’ મળે, ‘તકલીફ’ નહીં…

અરવિંદ વેકરિયા

નાટક ‘મા.મા.લ.પા.’ અને ‘બે દુની..’ સરસ રીતે ચાલી રહ્યાં હતાં. હાઉસ ફૂલનાં બોર્ડ જુલતા રહેતાં. ક્યારેક કોઈ કારણે થોડી સીટ્સ બાકી રહી જતી, પણ ક્યારેક તો પણ નિર્માતાની બેલેન્સ-શીટ ‘પ્લસ’ જ બતાવતી. જોકે,ન જાણે કેમ મારું મન આઈ.એન.ટી. માં લાગતું નહોતું, સુરેશ અને જતિન સિવાય દીપક ઘીવાલાની રમૂજ ગમતી, પણ શાતા નહોતી વળતી. મન ઉચક રહેતું. બે ‘કવર’નાં લોભે હું હકારાત્મક વિચારવાયુ કેળવતો જતો. ક્યારેક થતું કે જિંદગી તું નચાવી રહી છે એ તો ઠીક, પણ ક્યારેક ગીત તો મારું ગમતું વગાડ….. હું આવી માતબર સંસ્થા અને એની કહેવાતી ડિસિપ્લિન સહી લેતો, પણ બોલી નહોતો શકતો. આ મારી જૂની નબળાઈ હતી. બાકી બુદ્ધિ જયારે હડતાલ પર ઊતરે છે ત્યારે જીભ ઓવરટાઈમ કરે અને અહીં હું બોલી નહોતો શકતો.

એક પ્રાયોજિત શો બિરલા માતુશ્રીમાં હતો અને અચાનક મારો અવાજ બેસી ગયો. લગાતાર શો ને કારણે હશે. કોઈ કલાકારનો શો સમયે અવાજ જ એનું મુખ્ય હથિયાર હોય છે. જયારે અવાજ બેસે અને બોલવું પડે ત્યારે એ કલાકારને લાગતું હોય છે કે ‘મારે કારણે નાટક ‘બેસી’ રહ્યું છે. એ વખતે લેપલ માઈક નહોતાં.

(આજે તો લગભગ દરેક કલાકાર એનો ઉપયોગ કરે છે.)
માતબર સંસ્થા અને સુરેશે તરત કોડલેસ માઈકની વ્યવસ્થા કરી આપી. મેં સુરેશને કહ્યું કે ‘જે પણ ચાર્જ હોય એ મારા કવરમાંથી કાપી લેવાનું ભાટિયાને કહી દેજે’ (આ ભાટિયા સંસ્થાનું બુકિંગ અને પ્રોડક્શનનું કામ સંભાળતા, જે હવે હયાત નથી.) સુરેશે હસતા-હસતા કહ્યું : ‘અરવિંદ, તું આઈ.એન.ટી. સાથે કામ કરી રહ્યો છે દોસ્ત!.’ જોકે આ સંસ્થા સાથે મારું ‘છેલ્લું નાટક’ હશે એવું મને અંદરથી લાગ્યા કરતું હતું. બધા બધું જાણે છે અને મને કઈ નથી આવડતું એવી વર્તણૂક મને લાગતી. હું મારા કામથી કામ રાખી કઈ બોલતો નહીં. ખબર હતી કે મારું સત્ય ખોટું પાડતા એ ‘બધા’ને પળનો પણ સમય નહીં લાગે. કર્મ એવા કરો કે ફળ ભોગવતા ‘તક’ મળે ‘તકલીફ’ નહીં. મેં ચુપ રહી કદાચ આવી પડે એવી તકલીફને દૂર જ રાખી.
શો તો પૂરો થયો. મારું મન ‘ગીલ્ટ’ અનુભવી રહ્યું, વાંક કુદરતનો હતો, પણ નિમિત્ત હું હતો એ સ્વીકારવું રહ્યું. થોડા દિવસ પછી ‘બે દુની..’ સાથે સંકળાયેલાં ઈલા દોશી (જે હયાત નથી)નું કાયમ માટે અમદાવાદ જવાનું નક્કી થયું. એમનું રિપ્લેસમેન્ટ જરૂરી હતું. ફરી ગ્રાન્ટરોડની ગરટન સ્કૂલમાં રિહર્સલ રાખ્યા. ઈલાબહેનનું રિપ્લેસમેન્ટ હેમા દીવાન કરવાનાં હતાં.

આ સંસ્થા પોતાનો કાર્યક્રમ આગોતરો આપી દેતા. રિહર્સલનાં બીજા દિવસે ભાટીયાએ મને એક કવર આપ્યું. મને થયું શોનું લિસ્ટ હશે એમ સમજી સીધું ખિસ્સામાં મૂકી દીધું. ઘરે આવી ઉત્સાહમાં મેં એ કવર ખોલ્યું પણ ‘લિસ્ટ’ને બદલે સંસ્થાના કર્તાહર્તા રમેશ પંજાબીનો લેટર હતો.(એ પણ હયાત નથી). લખાણ હતું, ‘તમારે તમારા અવાજનું ધ્યાન રાખવું જોઈએ. નાટક બરાબર ન જાય તો નાટકને જ નુકસાન પહોંચે..વગેરે.’

આપણ વાંચો:  સ્ટાર-યાર-કલાકાર : એક અલગારી સર્જક સહજ સંવાદનો છલકાતો સાગર સરહદી

આવી ચેતવણી લખી હતી. આ વાત જ ફરજના ભાગ રૂપે સુરેશે જ કરી હશે, પહેલાં પ્રતિભાવ આપવાનું વિચાર્યું. બોલતા તો કુદરતી રીતે આવડે, મૌન રહેવાનું સમજદારીથી શીખવું પડે, મેં મૌન તો રાખ્યું પણ જીવ અંદરથી કોચવાતો હતો. છેવટે હિંમત કરી મેં રમેશ પંજાબીને લેટર લખ્યો. ‘અવાજ બેસવો એ કુદરતી છે, કયો કલાકાર ઈચ્છે કે પોતાનો અવાજ બેસે. માણસ ક્યારે મરે એ તમે અગાઉથી કહી શકો? અવાજનું પણ એવું કે ક્યારે બેસી જાય એ અગાઉથી કેમ કહી શકાય?’ આ કાગળની એક કોપી મેં સુરેશને પણ મોકલી. (સી,સી,) રાજડા પૂરી રીતે આઈ.એન.ટી. સાથે જોડાયેલા હતા. આ કાગળના જવાબમાં એણે મારી પત્નીને કાગળ લખ્યો કે ‘અરવિંદના અવાજનું ધ્યાન રાખો.અવાજ બેસી જાય એવું ખાવાનું ન આપો નાટકને અસર પહોંચે છે..વગેરે,’ એણે એ કાગળની કોપી ચાલતા નાટક મા.મા.લ..પા. ના નિર્માતા ડોલર પટેલને મોકલી, જેનો મારા અવાજ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો. પણ આવા કોઈ રુલ હશે સંસ્થાના.!

હું મારી કલાકાર તરીકે ફરજ બજાવી આવતો, સુરેશ સાથે કામ પૂરતી વાત કરતો. શો હવે પૂરા થવામાં હતા. ત્રણ-ચાર શો કલકત્તાના બાકી હતા. એમાં ઝી.ટીવી વાળા એક સિરિયલ બનાવી રહ્યાં હતા. શફી ઇનામદારના સહાયક રફીક મુકદમનાં હાથમાં દિલ્લગી સિરિયલનો પ્રોજેક્ટ હતો. એક સિંધી પાત્ર હતું, મને એણે એ પાત્ર માટે બોલાવ્યો. એ સમયે ઝી.ટીવી.ની ઓફિસ ટીવી સેન્ટરની સામે, વરલીમાં હતી. મેં કલકતાનાં શોની વાત કરી. રફીક કહે,‘ફોન લગા કે સુરેશ સે બાત કરતા હું.’

મેં કહ્યું : ‘હું વાત કરું છું.’ હું મારું કમિટમેન્ટ તોડવા નહોતો માગતો અને જવાબ પણ શું આવશે એ ખબર હતી… આજે તો ઘણાં નવોદિતો થિયેટરનું પગથિયું ચડી સિરિયલ મળતા ધુબાકો મારી દે છે. એ સમયે એવું નહોતું. મને આશા હતી કે ઈલાબહેનની જેમ કદાચ મારું રિપ્લેસમેન્ટ કરાવે. જો કે એ આશા ખોટી હતી છતાં મેં ફોન કર્યો. જવાબ મળ્યો, ‘અરવિંદ, કમિટમેન્ટ ઈઝ કમિટમેન્ટ, તારીખો ફિક્સ છે. રફીકને કહે એ થોડું આગળ પાછળ કરે.’ મેં રફીકને વાત કરી. આગળ-પાછળ શક્ય નહોતું.

મારો સુચિત રોલ પછી દિલીપ સોમૈયાએ કર્યો. સુરેશ કદાચ મિત્રભાવે મદદ કરી શક્યો હોત. કદાચ સંસ્થાને લીધે મજબૂર હશે. કોને ખબર! અહમ અને વહેમ જયારે દોડ લગાવે ત્યારે હાર હંમેશાં સંબંધની જ થાય છે. મેં મારા કલાકારના અહમને બાજુએ મૂકી સુરેશ માટેના વહેમને કાઢી નાખ્યો. એ સિરિયલે મને દોઢેક લાખ કમાવી આપ્યા હોત જેની આજે ઘણી વેલ્યૂ થાય, કલા પ્રત્યે ‘દોઢા’ રહેવાની અને કઈ ન બોલવાની મારી ટેવે મને બાંધી રાખ્યો અને સંબંધ અકબંધ રાખ્યો.

લગ્ન પહેલા દુનિયા ફરી લેવી..
લગ્ન પછી દુનિયા ફરી જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button