સારા શહર મુઝે લોયન કે નામ સે જાનતા હૈ..!
ફિલ્મનામા -નરેશ શાહ
અજિતસાબ હીરો હતા, પણ લોકોની સ્મૃતિમાં ખલનાયક તરીકે સ્થાન પામ્યાં.
પાકિસ્તાનમાં રહેતા હિન્દુ યુવાન અનિલના માતા-પિતાની ભાગલા સમયમાં કોમવાદી રમખાણોમાં હત્યા કરી નાખવામાં આવે છે. અનિલ પોતાના નાના ભાઈ અને બહેન સાથે ભાગીને ભારતમાં આવી જાય છે અને એક મંદિરમાં આશરો લે છે. શરણાર્થી તરીકે આવેલા અનિલનો નાનો ભાઈ ગંભીર બીમાર પડે છે, પણ મંદિરના પૂજારી એને કોઈ મદદ કરતાં નથી એટલે અનિલ પૂજારી પર હુમલો કરે છે. પોલીસ અનિલને પકડીને લઈ જાય છે, પાછળથી એના ભાઈનું મૃત્યુ થાય છે અને બહેન તવાયફ થઈ જાય છે…
જિંદગીના આવા બધા અણધાર્યા વળાંકથી આ વિચલિત થયેલાં અનિલનો ભગવાન પરનો ભરોસો બાષ્પિભવન થઈ જાય છે. ભાઈના મોતનું વેર લેવા માટે એ પૂજારીને તીર્થસ્થાનો પર ફરી-ફરીને શોધે છે. તીર્થસ્થળો પર એક નાસ્તિકની આ રઝળપાટમાં છુત-અછુતના કિસ્સા પણ બને છે…
૧૯પ૪માં આવેલી ફિલ્મ ‘નાસ્તિક’ની આવી વાર્તા હતી, જેના હીરો આપણા અજિતસાબ હતા. આ ફિલ્મના હિરોઈન નલિની જયવંત હતાં, જે પચાસના દશકામાં ટોપ ફાઈવ હિરોઈન પૈકીના એક ગણાતાં. ૧૯૮૩માં નાસ્તિક’ નામની ફિલ્મ અમિતાભ બચ્ચને પણ કરેલી, પણ અજિતસાબવાળી નાસ્તિક’ ભલે તમે કે મેં જોઈ ન હોય, પણ એ ફિલ્મનું એક ગીત આપણે સાંભળ્યું જ છે : ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન, ક્તિના બદલ ગયા ઈન્સાન’ (પ્રદીપ).
નલિની જયવંત સાથે અજિતસાબે અગિયાર ફિલ્મોમાં હીરો તરીકે કામ ર્ક્યું હતું. એટલું જ નહીં, એ જમાનાની (નરગિસ અને નૂતન સિવાયની) બધી ટોપ હિરોઈનો: સુરૈયા, મીના કુમારી, ગીતા બાલી, બેગમ પારા સાથે અજિતસાબ હીરો તરીકે કામ કરી ચૂક્યા હતા, પણ સાહેબ, નિયતિના સોગઠાં જુઓ… પોતાની કેરિયરની શરૂઆતમાં જ (બોમ્બે ટૂ ગોવા સહિત) બે ડઝન ફિલ્મોમાં ખલનાયકી કરનારા શત્રુધ્ન સિંહાને ‘કાલીચરણ’ ફિલ્મથી અજિતસાબે પોતાની અસરકારક ખલનાયકીથી હીરો તરીકે સ્થાપિત કરી દીધા હતા, જ્યારે ખુદ ૮૭ ફિલ્મમાં હીરો બન્યા પછી વિલન તરીકે વધુ જાણીતા બન્યા…! ‘કાલીચરણ’નો આ એક ડાયલોગ તો એમની કાયમી ઓળખાણ બની ગયો :
સારા શહર મુઝે લોયન કે નામ સે જાનતા હૈ..!
બેશક, વિલન તરીકે અજિતસાબ હોટકેક જેવા તો કાલીચરણ ફિલ્મ પહેલાં જ બની ચૂક્યા હતા. કહી શકો કે અમિતાભ બચ્ચનને સફળતાનું લોહી ચખાડનારી પ્રથમ ફિલ્મ જંજીર થી જ અજિતસાબની પ્રાઈસ અને ડિમાન્ડ વધી ગયા હતા. આ ફિલ્મમાં એ ધર્મ દયાલ તેજા બન્યા હતા, પણ એમનો રોબદાર અવાજ, ચહેરા પરની ઠંડી ક્રૂરતા અને લોમડી જેવા દિમાગમાંથી પ્રગટ થતાં હાવભાવ એટલાં જબરદસ્ત હતા કે, એ શૈલી અજિતસાબે વારંવાર દોહરાવવી પડી હતી ઓન પ્રોડ્યુસર એન્ડ પબ્લિક ડિમાન્ડ!
‘જંજીર’ માં અમિતાભને ખોટી રીતે જેલ થાય છે. એ છૂટે ત્યારે તેજા (અજિત) ને ફોન કરીને કહે છે : તેજા, મૈં જેલ સે છૂટ ગયા હું..’ એવી અજિતને ચીમકી આપે છે ત્યારે બુલેટની જેમ સણસણતો આવતો અજિતસાબનો આ જવાબ :
‘કહો તો ફિર અંદર કરવા દૂં…!’
હિંદી ફિલ્મજગતનો કોઈ વિલનનો જો કોઈ શ્રેષ્ઠ અને સચોટ જવાબી ડાયલોગ હો્ય તો આ છે.
એક જ વાક્યના જવાબમાં પ્રગટ થતી ખંધાઈ- તુચ્છતા અને અહંકાર માત્ર અજિતસાબ જ દર્શાવી શક્તા અને એ જ અજિતસાબની યુનિકનેસ-વિશષતા હતી. લોકોને એ જ વધુ યાદ રહી ગઈ.
આમ જુઓ, હીરોમાંથી ચરિત્ર અભિનેતા અને ખલનાયક બનવાનો વળાંક અજિતસાબની જિંદગીમાં ૧૯૬૯માં આવ્યો. એ સમયે એમની ઉંમર સુડતાલીસ વરસની હતી. એ ઈચ્છતાં હતા કે વિલનમાંથી ચરિત્ર અભિનેતા બની ગયેલાં પ્રાણ (ફિલ્મ : ઉપકાર)સાહેબની જેમ એમની કેરિયર ડિઝાઈન થાય, પણ લોકોએ ન જાણે કેમ એમને ચરિત્ર અભિનેતા તરીકે બહુ પસંદ ન ર્ક્યા. ૧૯૬૯માં ‘પ્રિન્સ’ અને ‘જીવન- મૃત્યુ’ ફિલ્મથી લોકોને એમની ખલનાયકી વધુ પસંદ પડવા લાગી હતી, પણ એમનો સિતારો ફર્યો સલીમ-જાવેદની ‘જંજીર’ ફિલ્મથી. સલીમ ખાને એક મુલાકાતમાં કહ્યું હતું કે, અજિતસાબને હીરો તરીકે દોઢ લાખ રૂપિયા મળતા હતા, પરંતુ ‘જંજીર’ પછી ખલનાયક બનવાના એમને છ-છ લાખ મળવા લાગ્યા હતા!
૧૯૭૩ના જમાનાના સોનાના ભાવમાં જે ઉછાળો આવ્યો હતો એ જોઈએ તો અજિતસાબને દરેક ફિલ્મ માટે બે કિલો સોનું ખરીદી શકે એવી પ્રાઈસ-ફી મળતી હતી. ‘કાલીચરણે’ એમની ખલનાયકીને નવી બુલંદી પર પહોંચાડી દીધી.
પોતાની કેરિયરમાં બસ્સો ફિલ્મો કરનારા અજિતસાબે અડધો ડઝન ફિલ્મમાં ડાકુના કિરદાર ય ભજવેલાં, પરંતુ લોકોને તો સફેદ શૂટ અને શૂઝમાં સજ્જ અને હાથમાં સિગાર યા ચીરૂટ સાથે ઠંડી ક્રૂરતાથી વર્તતાં અજિતસાબ એવા કોઠે પડી ગયા હતા કે એમના બીજા કિરદાર (‘મિસ્ટર નટવરલાલ’માં એ અમિતાભના મોટા ભાઈ અને પોલીસ બનેલાં) બહુ ગળે ઊતર્યા જ નહીં. અજિતસાબ પણ પોતાની સ્ક્રીન ઈમેજ માટે સચેત રહેતા હતા. એ વાંચીને પ્રશ્ર્ન થાય કે હિંસા, બળાત્કાર, હત્યા, લૂંટ કરવાનું પાત્ર ભજવનારા અદાકારે વળી બીજી વિશેષ્ા કાળજી શું લેવાની હોય?
જવાબ છે, ફિલ્મ ‘દિવાર’ સલીમ-જાવેદ સહિત બધા ઈચ્છતા હતા કે આ ફિલ્મમાં એ એવું પાત્ર અદા કરે,જે પોતાની ગ ર્લ સાથે બેડ પર સૂતા હોય ત્યારે અમિતાભ આવીને એને ઊંચકીને બારીમાંથી ફેંકી દે છે…. એ પાત્ર માત્ર ચડ્ડીભેર નીચે પટકાય છે…. અજિતસાબને આવો (માત્ર ચડ્ડી સાથે) સીન કરવાનું યોગ્ય ન લાગ્યું એટલે એમણે ઈન્કાર કરી દીધો હતો. એ પાત્ર પછી મદનપુરીએ ‘દિવાર’ માં ભજવેલું, પણ…
એક બાબતમાં ગબ્બરસિંહ, જબ્બરસિંહ, મોગેમ્બો અને શાકાલથી ચડિયાતા અજિતસાબ પુરવાર થયા, પરંતુ એની વાત કરીશું આપણે આવતા અઠવાડિયે…!