મનોરંજનમેટિની

સલીમ ખાનની પોતાની ‘ટ્રેજિ-કોમિક’ કહાની!

મહેશ નાણાવટી

સલીમ-જાવેદની જોડીવાળા સલીમ ખાન આમ તો મોટેભાગે લાઈમ લાઈટમાં રહેતા નથી, જેટલા જાવેદ અખ્તર અલગ અલગ પ્લેટફોર્મ ઉપર દેખાયા કરતા હોય છે.

થોડા સમય પહેલાં સલીમ-જાવેદની જોડી ઉપર બનેલી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ આવી ગઈ, પરંતુ સલીમ ખાન ક્યારેક પોતે પોતાની જિંદગીના અમુક એવા કિસ્સા પણ શેર કરી લે છે, જેમાં એમની પોતાની હાલત પતલી થઈ ગઈ હોય. સલીમ મિંયા પોતે જ કહે છે કે જ્યારે એ લખનઉ છોડીને મુંબઈમાં એક્ટર બનવા માટે આવ્યા ત્યારે દોસ્તોને એમ કહીને નીકળ્યા હતા કે ‘દિલીપકુમાર કી છૂટી કર દુંગા!’ જોકે એવું થયું નહીં. આમ તો એ દેખાવે ખાસ્સા રૂપાળા હતા એટલે શરૂઆતમાં નાના મોટા રોલ મળ્યા પણ ખરા, જેમાં ‘પ્રોફેસર’ (૧૯૬૨)માં એમને મુખ્ય વાર્તાના સબ-પ્લોટમાં એક દગાબાજ પ્રેમીનો રોલ મળેલો.

ત્યાર બાદ શમ્મી કપૂરની જ ફિલ્મ ‘તીસરી મંઝિલ’ (૧૯૬૬)માં એ ‘આજા આજા મૈં હું પ્યાર તેરા…’ ગાયનમાં ડ્રમ વગાડતા દેખાયા હતા. જોકે એમાં એમનો રોલ થોડો મહત્ત્વનો હતો, પરંતુ ફિલ્મની લંબાઈ સાચવવામાં એમનાં દૃશ્યો પર કાતર ફરી ગઈ.એ પછી સલીમ ખાનને સાવ મામૂલી રોલ મળતા હતા, પરંતુ આખરે એમણે એક્ટિંગને શા માટે અલવિદા કરવી પડી એના કિસ્સા સંભળાવતા સલીમ ખાન આજે પણ અચકાતા નથી.


Also read:ક્લેપ એન્ડ કટ..આ સિંઘમ પેલા ખિલાડીને ડિરેક્ટ કરશે


કિસ્સો રાજકપૂરની ફિલ્મ ‘દીવાના’ (૧૯૬૭)ના શૂટિંગ વખતનો છે. એના ડિરેક્ટર મહેશ કૌલ હતા. સલીમ ખાનનો નાનકડો નેગેટિવ રોલ હતો. દૃશ્ય એવું હતું કે રાજકપૂરની હાજરીમાં ચાર પાંચ ગુન્ડાઓ સલીમને ઘેરી વળે છે ત્યારે સલીમ ખાને ગભરાઈને ગળેથી થૂંક ઉતારતા હોય એવા હાવભાવ આપવાના હતા. શૂટિંગનું યુનિટ સવારથી તૈયાર હતું. રાજકપૂરની રાહ જોવાઈ રહી હતી. ખબર મળ્યા કે રાજ સાહેબ આવી રહ્યા છે એટલે આસિસ્ટન્ટ ડિરેક્ટર સલીમ ખાનને તૈયાર રહેવા માટે પૂછે છે

‘કેમેરા કે સામને ક્યા કરેગા?’ સલીમ ખાને ગળે થૂંક ઉતારવાની એક્શન કરી બતાડી પછી રાજ સાહેબની રાહ જોવાઈ રહી છે… ફોન આવ્યો કે રાજ સાહેબ નીકળી ગયા છે. પેલો આસિસ્ટન્ટ આવીને સલીમ ખાનને પૂછે છે: ‘ક્યા કરેગા?’ સલીમ ખાન થૂંક ગળી બતાડે છે… આવું તો કંઈ દસ-બાર વખત ચાલ્યું. એમ કરતાં કરતાં બપોરનો એક વાગી ગયો. સલીમ ખાનને લાગી હતી ભૂખ! એવામાં રાજ સાહેબ આવી ગયા…

શોટ ગોઠવાયો… ગુન્ડાઓ ઘેરી વળ્યા… પણ સલીમ ખાનના ગળેથી થૂંક જ ના ઊતરે! રિ-ટેક પર રિ-ટેક ચાલ્યા! સલીમ ખાને છેવટે કહ્યું ‘થોડું પાણી આપો તો કામ થઈ જશે.’ એમને પાણી આપવામાં આવ્યું. સલીમ ખાને શોટ વખતે પાણી તો થૂંકની જેમ ગળે ઉતાર્યું , પણ એ પછી જે સંવાદ બોલવાનો હતો એના ગળે અટકાવેલું પાણી બહાર નીકળી આવ્યું!

બીજી એક ફિલ્મમાં એક રજવાડી પ્રિન્સ ટાઈપનો નાનો રોલ હતો. એના માટે એમને છેક પગની પિંડી સુધી આવે એવા ઊંચા બૂટ પહેરવાના હતા. પ્રોડક્શનના માણસે ખબર નહીં, ક્યાંથી એવા ભાડાના બૂટ મંગાવ્યા હતા જે ‘બે સાઈઝ’ નાના હતા!

સલીમ ખાન દલીલ કરતા રહ્યા કે ‘આ મારા માપના નથી…’ પણ પ્રોડક્શનના માણસોએ જબરદસ્તી એમાં જોર કરીને પગ ઘૂસાડી દીધા! આ આખી વાતની કરુણતા એ હતી કે કેમેરાની ફ્રેમમાં તો એ જૂતાં દેખાવાના પણ નહોતાં! અતિશય ટાઈટ જૂતાં પહેરીને સલીમ ખાન સાંજ સુધી શૂટિંગમાં રહ્યા. ત્યાં સુધીમાં તો પગનું લોહી નીચે ઊતરીને જામવા માંડ્યું હતું. રાત્રે શિફટ પતી પછી સલીમ ખાને જાતે જૂતાં ઉતારવાની કોશિશ કરી.

બીજા એક બે જણાએ પણ કોશિશ કરી જોઈ છતાં જૂતાં નીકળવાનું તો શું, ચસકવાનું પણ નામ લેતા નહોતા!
આખરે સ્ટુડિયોમાંથી સૌ રવાના થઈ ગયા ત્યારે સલીમ ખાન એવા જ સુજેલા પગ સાથે નાના નાનાં પગલાં ભરતાં ઘરે પહોંચ્યા.ઘરે એક નોકર હતો (જે એમની પત્ની સાથે દહેજમાં આવ્યો હતો) એણે પણ બહુ કોશિશ કરી, છતાં બૂટ ચસક્યા નહીં!

હવે એક જ ઉપાય હતો કે ટાંટિયા ઊંચા રાખીને આખી રાત પસાર કરવી! બીજા દિવસે શૂટિંગમાં દૃશ્ય પત્યું ત્યારે એ જૂતાં કાતર વડે કાપીને કાઢવા પડ્યા…! બસ, તે દિવસથી સલીમ ખાને કસમ ખાધી કે હવે પછી હું એક્ટિંગ નહીં કરું!જોકે એક રીતે સારું જ થયું કે એમણે એક્ટિંગ છોડી દીધી, નહીંતર હિન્દી ફિલ્મોને આટલો સારો સ્ક્રિપ્ટ રાઈટર ક્યાંથી મળ્યો હોત?

સલીમ-જાવેદની જોડીને પહેલી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ મળી હતી, જે હકીકતમાં એક તામિલ ફિલ્મની રિમેક હતી. ત્યાર બાદ ‘અંદાઝ’ (રાજેશ ખન્ના, હેમામાલિની અને શમ્મીકપૂર) તથા ‘સીતા ઔર ગીતા’ આવી. જોકે ‘અંદાઝ’ એક ફ્રેન્ચ ફિલ્મથી પ્રેરિત હોવાનું શમ્મીકપૂરે એક ઈન્ટરવ્યૂમાં કબૂલ કરેલું. વળી ‘અંદાઝ’ની પટકથામાં સચિન ભૌમિકનો ફાળો હતો

અને સંવાદોમાં ગુલઝાર સાહેબનો પણ હાથ ફર્યો હતો. (ક્રેડિટ ટાઈટલ્સમાં ગુલઝારનું નામ પણ છે.) એ જ રીતે ‘સીતા ઔર ગીતા’ તો ‘રામ ઔર શ્યામ’નું ફિમેલ વર્ઝન હતું!

જોકે, આ બધા વચ્ચે ‘જંજીર’ એક એવી ફિલ્મ હતી જેનાથી સલીમ-જાવેદનો સિક્કો બરાબર જામી ગયો હતો. આની સ્ક્રિપ્ટ વિશે તો ઘણી જાણીતી વાતો છે કે અમિતાભ બચ્ચનને મુખ્ય રોલ મળ્યો એ પહેલાં દિલીપકુમાર, દેવઆનંદ, રાજકુમાર અને ધર્મેન્દ્ર જેવા મોટા સ્ટાર્સને આ સ્ટોરી સંભળાવેલી, પણ કોઈને કોઈ કારણસર એમની સાથે વાત જામી નહીં


Also read:લગ્નનાં ત્રીસ વર્ષ પૂરાં કરવાની એ.આર. રહમાનની ઇચ્છા ન થઈ પૂરી: ૨૯ વર્ષ બાદ લીધા ડિવોર્સ


જોકે એક ઓછો જાણીતો કિસ્સો એવો છે કે સલીમ-જાવેદે આ આખી સ્ટોરી એક નાના બજેટની ફિલ્મો બનાવનારા પ્રોડ્યુસરને પણ સંભાળાવી હતી.

એ માણસે આખેઆખી સ્ક્રિપ્ટ ખૂબ જ ધ્યાનથી સાંભળીને કહ્યું હતું ‘સચ બતાઉં તો યે બડી જબરદસ્ત કહાની હૈ! મુઝે બહોત પસંદ ભી આઈ હૈ, મગર મૈં ઈસ પે ફિલ્મ નહીં બનાઉંગા.’ સલીમ-જાવેદે પૂછ્યું: ‘કેમ?’ તો એ સજ્જને બહુ ઈમાનદારીથી જવાબ આપેલો : ‘ક્યું કી ઐસી ફિલ્મ પહેલે આઈ નહીં હૈ!.’ -આજે ‘સિકવલો’ અને ‘રિમેક્’માં બોલિવૂડ જે ખરાબ રીતે અટવાયું છે એનું મૂળ કારણ આ જ છે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button