રાયન રેનોલ્ડ્સ ને ‘ડેડપૂલ’ ની જુગલબંધી મેરે નસીબ મેં તુ હૈ કિ નહીં !
જાણો, કઈ રીતે દર્શકોએ જ સ્ટુડિયો પાસેથી ફિલ્મની માગણી કરી !
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
(ભાગ – ૨ )
ગયા સપ્તાહે આપણે વાત કરી રહ્યા હતા માર્વેલ સિનેમેટિક યુનિવર્સ મતલબ કે ‘એમસીયુ’ની લેટેસ્ટ ફિલ્મ ‘ડેડપૂલ એન્ડ વુલ્વરીન’ ની તથા એક્ટર રાયન રેનોલ્ડ્સ અને એના સુપરહીરો પાત્ર ‘ડેડપૂલ’ સાથેના સંબંધની.
‘ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ સ્ટુડિયો’ સાથે ઘણા પ્રયત્નો પછી પણ રાયનને તેમાં સફળતા ન મળી એટલે એણે સ્ટુડિયોના બદલે દર્શકોનો સહારો લીધો.
કઈ રીતે?
સ્ટુડિયો સાથેના પ્રયાસોને સફળતા ન મળી એટલે થાકીને રાયન રેનોલ્ડ્સે જે સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી તેના થોડો અંશ ઓનલાઇન લીક કરી દીધો. ( જોકે આ વાતની એણે મજાકમાં જ પુષ્ટિ કરી છે, પણ પાક્કી ખાતરી ન આપી). પરિણામે સ્ક્રિપ્ટના પાનાં ઓનલાઇન ફરતા થયા એટલે દર્શકોને ‘ડેડપૂલ’માં રસ જાગ્યો. આમ પણ કોમિક બુકમાં ‘ડેડપૂલ’ને વાંચીને એ પાત્ર સાથે તેના ફેન્સને લગાવ હતો એટલે એના ચાહકોએ ‘ડેડપૂલ’ ફિલ્મ માટે જોરશોરથી માગણી શરૂ કરી.
‘ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ સ્ટુડિયો’ તો આ ફિલ્મ સફળ નહીં થાય એવું વર્ષો સુધી ગાણું ગાઈ રહ્યું હતું, પણ હવે જયારે દર્શકોએ પોતે જ ફિલ્મની માગણી કરી ત્યારે ‘ડેડપૂલ’ની
સોલો ફિલ્મ માટે રાયનને ના પાડવા માટે સ્ટુડિયો પાસે કોઈ
કારણ ન બચ્યું એટલે એ પછીના સ્ટેપ તરીકે ફિલ્મ નહીં, પણ એક ટેસ્ટ ફૂટેજ શૂટ કરવા માટે રાયનને પરવાનગી આપી, પણ જેમ સ્ક્રિપ્ટનો એક અંશ લીક થયો એવી જ રીતે એ ફૂટેજ પણ સત્તાવાર રીતે ટેસ્ટ ઓડિયન્સને બતાવાય કે બાકી દર્શકો સમક્ષ
રિલીઝ કરવામાં આવે એ પહેલાં જ એ ટેસ્ટ ફૂટેજ ઓનલાઇન લીક થઈ ગયો. આ પાછળ પણ રાયન રેનોલ્ડ્સનો જ હાથ હતો એવી એણે અનેક ઇન્ટરવ્યુ અને પ્રમોશનલ વીડિયોઝમાં હિન્ટ આપી હતી !
એ ટેસ્ટ ફૂટેજ જોઈને દર્શકોએ પાછી બમણા જોરથી ડેડપૂલ ફિલ્મની માગણી શરૂ કરી દીધી. એમ છતાં સ્ટુડિયોની ફિલ્મ બનાવવાની કોઈ જ ગણતરી નહોતી. ટેસ્ટ ફૂટેજના નામ પર દર્શકોની માગણી શાંત કરીને ફિલ્મને અવગણવાની તેમની યોજના હતી. રાયન કહે છે કે એ સમયગાળામાં મને કેટલાય લોકો પૂછ્યા કરતા કે ‘ડેડપૂલ’ બને છે કે નહીં? મેં બહુ પ્રયત્નો કર્યા, પણ એ એક ત્રાસદાયક સમય હતો.’
જોકે, પેલા ફૂટેજ લીક પછી લોકોએ જ ‘ફોક્સ સ્ટુડિયો’ ને દરેક માધ્યમથી ફિલ્મ બનાવવા માટે દબાણ શરૂ કર્યું. આખરે દર્શકોના દબાણથી ૨૪ જ કલાકમાં ફિલ્મ માટેની પરવાનગી મળી ગઈ. સ્ટુડિયોએ રાયનને ફિલ્મ માટે હા પાડવી પડી. પરિણામે રાયનનું ૧૧ વર્ષ જૂનું સપનું સાકાર થઈ રહ્યું હતું . સ્ટુડિયોએ ફિલ્મની જાહેરાત તો કરી પરંતુ રાયન માટે સંઘર્ષ હજુ ચાલુ જ હતો. સુપરહીરો એક્શન અને સીજીઆઈ (કમ્પ્યુટર જનરેટેડ ઈમેજીસ)થી ભરપૂર ફિલ્મ માટે જેવા બજેટ ફાળવવામાં આવે તેનાથી ક્યાંય ઓછું બજેટ રાયન અને તેની ટીમને ‘ડેડપૂલ’ માટે ફાળવવામાં આવ્યું.
બજેટ ઓછું ફાળવવા પાછળ એક કારણ એ ફિલ્મ આર રેટેડ હોવાનું પણ છે. મતલબ ફિલ્મમાં હિંસા અને અપશબ્દોની માત્રા પ્રચૂર પ્રમાણમાં હતી. સ્ટુડિયોને લાગતું હતું કે સુપરહીરો ફિલ્મના દર્શકોનો એક મોટો વર્ગ એટલે કે ૧૮ થી નાની ઉંમરનાં બાળકોને આર રેટેડ ફિલ્મ બનાવીને દૂર રાખીશું તો ફિલ્મ કેમ હિટ થશે? આ કારણે ઓછું બજેટ મળ્યાના અવરોધને પણ રેનોલ્ડ્સે પોતાની તરફેણમાં પલટાવી દીધો. ‘ગ્રીન લેન્ટર્ન’ની નિષ્ફળતાથી તેને એક શીખ મળી હતી કે મોટા બજેટ અને સીજીઆઈની મદદથી જ ફિલ્મ્સ હિટ ન બને, ફિલ્મમાં વાર્તા, પાત્રો અને સંવાદો રસપ્રદ હોય તો જ એ દર્શકોને ગમે છે એટલે સીજીઆઈના બદલે એણે દર્શકોને ગમે તેવું પાત્રાલેખન, ફોર્થ વોલ બ્રેકિંગ અને મેટા કોમેન્ટ્રીથી ફિલ્મને વધુ રસપ્રદ બનાવી. એની સાથે સર્જનાત્મક એક્શન દ્રશ્યો અને કોમેડી પણ ઉમેરી.
જ્યારે ૨૦૧૬માં રિલીઝ થયેલી પહેલી ‘ડેડપૂલ’ ફિલ્મને બનાવવાની પરવાનગી મળી ત્યારે સૌથી વધુ ચાલતી એમસીયુની ફિલ્મ્સનું બજેટ ઓછામાં ઓછું ૨૦૦ થી ૩૫૦ મિલિયન ડૉલર્સ સુધીનું રહેતું, જ્યારે ડેડપૂલ’ ફિલ્મને મળ્યું હતું ફક્ત ૫૮ મિલિયન ડૉલર્સનું બજેટ. એટલે જ સ્પેશિયલ ઇફેક્ટ્સની ભરમારવાળી સુપરહીરો ફિલ્મ્સથી એ અલગ તરી આવી અને દર્શકોને સ્પેશિયલ ઇફેક્ટ્સના બદલામાં મળ્યું શુદ્ધ મનોરંજક ડાર્ક હ્યુમર અને મસ્ત વન લાઈનર્સ!
રાયનનું કહેવું હતું કે ‘કોમિક બુકમાં લોકો ચાહતા હતા એવા પ્રકારનો ડેડપૂલ મારે એમને આપવો હતો.’
જો કે, ફક્ત મેકિંગ જ નહીં, માર્કેટિંગ માટે પણ બીજી
ફિલ્મ્સની સરખામણીમાં રાયન પાસે પૂરતું બજેટ નહોતું.
એટલે ‘ડેડપૂલ’નું માર્કેટિંગ પણ એ કારણે ખાસ્સું અલગ રહ્યું
છે. રાયન અને એની ટીમે સોશિયલ મીડિયા પર અવનવા
અખતરા કરીને ખૂબ જ મજાનું અને ટ્રેન્ડિંગ માર્કેટિંગ કરી
બતાવ્યું છે, જે હમણાં રિલીઝ થયેલી ત્રીજી ફિલ્મમાં વિશેષ નિખર્યું છે. બીજી ફિલ્મ્સની સરખામણીમાં લોકોને મજા પડી જાય અને યાદ રહી જાય તેવું માર્કેટિંગ દરેક ડેડપૂલ ફિલ્મમાં અલગ તરી આવે છે.
રાયને ટીમ સાથે મળીને પહેલી ફિલ્મ વખતે જ ૪૦ જેટલા વાઈરલ વીડિયોઝ આઈફોન પર જ ફિલ્મના સેટ પર ફ્રી
ટાઈમમાં શૂટ કર્યા હતા. રાયન રેનોલ્ડ્સે ૨૦૧૫ના એ સમયમાં સોશિયલ મીડિયા અને યુટ્યૂબ પર માર્કેટિંગ કરી બતાવ્યું, જ્યારે સેલિબ્રિટીઝ તો દૂર-ઈન્ફ્લુએન્સર માર્કેટિંગની પણ લોકોને ખાસ સમજ નહોતી.
- અને આખરે ફિલ્મ બની. અરે, ટ્રિલજી બની. વર્ષોના સંઘર્ષ, મહેનત પછી આ ફિલ્મ્સ જોરદાર સફળ પણ રહી. એ ઉપરાંત જે ‘ડેડપૂલ’ પાત્રને સોલો ફિલ્મ પણ નહોતી મળતી તેણે ‘ડેડપૂલ એન્ડ વુલ્વરીન’ થકી બીજી ફિલ્મથી ત્રીજી ફિલ્મમાં જ મોટો કૂદકો માર્યો છે એ ખબર છે? જે આ સુપરહીરો ફિલ્મ્સના વિશ્ર્વના ભોમિયા નથી એમના માટે થોડી માહિતી આપું તો. ‘ડેડપૂલ’ સહિત એક્સ મેન સુપરહીરોઝ છે માર્વેલની કોમિક બુક્સનાં પાત્રો. પણ ફિલ્મમેકિંગ સ્ટુડિયો તરીકે નબળા સમયમાં માર્વેલે આ પાત્રોને સોની, ફોક્સ વગેરે સ્ટુડિયોઝને વેચી દીધેલા. એ પછી જ્યારે એમસીયુ થકી તેના પાત્રોને સફળતા મળી ત્યારે એ પાત્રો ડિઝની સંચાલિત માર્વેલે પાછા લેવા કોશિશ કરી, જે ‘ડેડપૂલ’ માટે ‘ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ’ સ્ટુડિયો ના પાડતો હતો તેણે એ પાત્રો મોટી ડીલમાં માર્વેલને પાછા વેચી દીધા.
આ રીતે એક્સમેનમાં પણ પ્રવેશ ન મેળવનાર ‘ડેડપૂલ’ આવ્યો સીધો એમસીયુમાં. એટલું જ નહીં, પણ ૨૦૧૯ પછી એમસીયુની ફિલ્મ્સનો નબળો દોર આવ્યો એમાં ‘ડેડપૂલ’ની ખ્યાતિ થકી સફળતા અને વધુ કમાણીનો આધાર પણ તેના પર રાખવામાં આવ્યો. અને એ એમસીયુની હમણાંની ફિલ્મ્સમાં સૌથી વધુ સફળતા મેળવનાર ફિલ્મ્સમાંની એક એ પણ એક બની. આ રીતે એક્સ મેનના જ મુખ્ય નાયક વુલ્વરીન સાથે ‘ડેડપૂલ’ની તેની ત્રીજી ફિલ્મ અનેક રીતે મુખ્ય ધારામાં આવી.
ફિલ્મના શીર્ષકમાં પણ પહેલું નામ ‘ડેડપૂલ’નું જ છે.
તો આ છે રાયન રેનોલ્ડ્સની ‘ડેડપૂલ’ સાથેના સંધર્ષ પછીની સફળતાની એક અનેરી કહાણી.!
લાસ્ટ શોટ
માર્વેલ સ્ટુડિયોઝ પ્રેસિડન્ટ કેવિન ફાયગી કહે છે કે ‘રાયન રેનોલ્ડ્સ એક આઈડિયા મશીન છે!’