ઋષિ કપૂર નિખાલસ, બાળસહજ ને ચાર્મિંગ સ્ટાર
ડ્રેસ-સર્કલ -સંજય છેલ
ચાર્મિંગ સદાબહાર હીરો અને અંડરરેટેડ એક્ટર ઋષિ કપૂર ઉર્ફ ચિંટુજી જો આજે જીવતા હોત તો આ બુધવારે ૪થી સપ્ટેમ્બરે ઋષિ કપૂરને ૭૨ વરસ થયા હોત અને તો યે તેઓ ૨૭ વરસના યુવાનની જેમ વર્તન કરત કે ૭ વરસનાં બાળકની જેમ જગત સામે જીદ કરતા હોત!
ઋષિજી સાથે મારે લગભગ ત્રીસેક વર્ષનાં જૂના સંબંધ હતા. ૧૯૯૦માં હું જ્યારે ફિલ્મ ‘સાહિબાં’માં નિર્દેશક રમેશ તલવારનો ચોથો આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો ત્યારથી લઇને છેક ૨૦૧૭માં આવેલી મારી લેખક-નિર્દેશક તરીકેની છેલ્લી ફિલ્મ પટેલ કી પંજાબી શાદી’ સુધી ઋષિ કપૂર સાથેની ખૂબ બધી યાદો છે. મેં ઘણાં ફિલ્મ-સ્ટાર્સ સાથે કામ કર્યું છે પણ બોલીવૂડમાં ઋષિ કપૂર જેવા નિખાલસ અને બાળસહજ માણસ નથી જોવા મળ્યા. મનમાં જેવી ફીલિંગ હોય તે તેમના ચહેરા પર દેખાઈ આવતી. ખુશ થાય, ગુસ્સે થાય, ચિડાય જાય, નારાજ થઈ જાય પાછા બે મિનિટમાં નાના બાળકની જેમ જેવા હતા તેવા થઈ જાય બિલકુલ છળકપટ, વિનાના માણસ..
મારો તેમની સાથેનો પહેલો અનુભવ થોડો વિચિત્ર હતો, એ સમયમાં કમ્પ્યુટર કે એવું બધું તો નહોતું એટલે રાઇટરે જે લખેલો સીન હોય, સેટ પર એને હાથેથી જ કોપી કરવી પડતી. એકવાર મારા અક્ષરો વાંચીને ચિંટુજીએ ભડકીને પૂછ્યું: ’‘આર યુ ગુજરાતી?’
‘મેં કહ્યું: ’હાં.’
‘અચ્છા? તેરા બેકગ્રાઉન્ડ ક્યાં હૈ?’
પછી મેં એમને ગુજરાતી થિયેટર વગેરે વિશે મારી વાત કરી એમણે સમજાવીને કહ્યું, ‘યહ જો તું લિખ રહા હૈ ગુજરાતી ઉસ મેં હિન્દી વર્ડ હૈ, તું હિન્દી મેં લિખના શરૂ કર દે યા હમ કો ગુજરાતી સીખા દે તાકિ હમ જૈસે લોગ કમસેકમ કુછ તો સમઝ શકેં!’
રાજ કપૂર ફેમિલીમાંથી આવે એટલે જે રોયલ માણસનો દબદબો હોય તેમ તેમના માટે સ્ટાફ જમવાનું લઇને ચાંદીના વાસણ સાથે ફરતો હોય, તે ચાંદીના વાસણમાં જ જમતાં પણ ખોટા સ્ટારડમનાં નખરાં નહીં, આજના કલાકારો જેમ ખામખાં આસપાસ બોડી-ગાર્ડઝ નહીં.. વળી ગમે તેટલો અઘરો ડાયલોગ કેમ ના હોય એટલી સરળતાથી એ બોલતા. ડાયલોગ નાનો કરી બોલતા. બીજી એમની ખાસિયત એ હતી કે સીનને ધ્યાનથી વાંચતા સમજતા ને પાત્ર વિશે દરેક વાર સવાલો પૂછતા , એ જનરેશનના એક્ટરો જેમ કે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર એમની પાસેથી આજની જનરેશને શીખવા જેવી અનેક બાબતો છે અને હતી.
‘પટેલ કી પંજાબી શાદી’ ફિલ્મના શૂટિંગના પહેલા દિવસે એમના દબદબા, પાવરને જોઇ હું બહુ નર્વસ હતો પણ એમણે આવીને બહુ કહ્યું કે, માતાજી કા નામ લે ઔર શરૂ કર દે! ફિલ્મમાં ઋષિ કપૂર ને પરેશ રાવલની જે કેમેસ્ટ્રી હતી તે બહુ મજાની હતી. મને યાદ છે કે એ જ ફિલ્મમાં એક દ્રશ્ય હતું તેમાં એક ડા?લોગ હતો કે, ‘હમ અપની બેટીઓં કો સર આંખો પર બિઠાતે હૈ,’ આ સાંભળીને ચિંટુજીએ કહ્યું કે- ‘સર આંખો પે બિઠાતે હૈં મેં મઝા નહીં આ રહા હૈ- મૈં અપને હિસાબ સે બોલતા હું.’
પછી એમણે વિચાર્યું થોડા આંટા મારીને કહ્યું, ‘હમ અપની બેટીઓ કો પલકોં પે બિઠાતે હૈ!કૈસા હૈ?’ હવે આમ તો મતલબ એક જ થાય પણ તેમણે જે સુંદરતાથી વાત કરી એ નઝાકત, એ ક્લાસ, સ્ટાઈલની વાત છે..
ઋષિ કપૂર પાસે ફિલ્મ લાઇનના રાજ કપૂર, શમ્મી કપૂર સાહેબના એટલા બધા કિસ્સાઓ હતા કે સેટ પર તો અમે હસી હસીને લોટપોટ થઈ જતા. એક કિસ્સો કહેલો કે એક જમાનામાં જ્યુબિલી કુમાર તરીકે જાણીતા રાજેન્દ્ર કુમાર કરીને એક્ટર હતા. રાજેન્દ્ર કુમાર બહુ મોટા એક્ટર હતા સારા અભિનેતા હતા પણ તેઓ ડાન્સ બહુ ફની એટલે કે રમૂજી રીતે કરતાં એમને બહુ આવડતું નહીં. તેઓ ધરતી ને આસમાન, મેરા ચહેરા તો એ બધુ એક્શન કરીને બતાવે. એક વાર પાર્ટીમાં એવું થયું કે રાજેન્દ્રકુમારે એક-બે પેગ વધુ પીધા હશે અને એમણે સુપર્બ ડાંસર શમ્મી કપૂરને કહ્યું કે, આપ ડાન્સ બહુત અચ્છા કરતે હો
લેકિન આપ કી ‘ફલાં’ ફિલ્મ કા જો ફલાં ગાના હૈ ઉસમે ડાન્સ અચ્છી તરીકે શે નહીં કિયા થા! શમ્મી કપૂરે આ વાત પર ગુસ્સો કરવાને બદલે કહ્યું અચ્છા? દિખા કેસે કરના ચાહીએ? ’ પછી રાજેન્દ્ર કુમારે કરીને બતાવ્યુ અને પછી તેમણે ડાન્સ તો આવડતો નહીં એટલે શમ્મીજીએ મજા લેવા ફરી કહ્યું, ‘વાપિસ કર કે દિખા…પ્લીઝ’ અને લગભગ સાત-આઠ વાર શમ્મી કપૂરે રાજેન્દ્ર કુમાર પાસે એનો એ ડાંસ કરાવ્યો. પાર્ટીમાં રાજેંદ્રજીનો તો તમાશો થઇ ગયો. પછી એને સમજાઈ ગયું કે બધા મારી મજાક કરી રહ્યા છે. છેલ્લે એમણે ‘સોરી’ કહ્યું અને પાર્ટી પૂરી.
જો કે પછી અમને લોકોને ચિંટુજી સમજાવતા કે કલાકાર ભલે મોટો હોય અંતે એ માણસ જ હોય છે. એમણે એક આત્મકથા લખી છે: ‘ખુલ્લં ખુલ્લા’! કિતાબનાં ટાઇટલની જેમ કેટલી ઈમાનદારીથી ‘ખુલ્લં ખુલ્લા’ તેમણે એ પુસ્તકમાં બધું જ લખ્યું છે. પોતાના જીવનના બધા અનુભવો, બીજા સ્ટાર સાથેના તેમના તોફાન, મસ્તીઓ, સંઘર્ષ,ઈષ્યા, ઝગડાં, એમના ખરાબ દિવસો.. એ બધુ એટલી ઈમાનદારીથી લખ્યું છે કે, એટલું હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ કલાકારે આત્મકથામાં લખ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી.
‘અમર-અકબર-એન્થની’ ફિલ્મ માટે મનમોહન દેસાઇ ચિંટુજીને શિમલામાં ફોન કરેલો અને કહ્યું કે- હું ‘અમર અકબર એન્થની’ ફિલ્મ બનાવું છું અને એમાં તારે અકબરનો રોલ કરવાનો છે તો તેમને લાગ્યું કે બાદશાહ અકબર પર ફિલ્મનું કહે છે. માટે તેમણે કહ્યું કે, ‘નહીં નહીં મેરે કો યે હિસ્ટોરિકલ’ (ઐતિહાસિક) ફિલ્મ નહીં કરની. પૃથ્વીરાજ પાપાજીને એક બાર ‘મુગલે આઝમ’ કર લી અબ મૈં નહીં કર સકતા. પછી બોમ્બેમાં મનમોહન દેસાઇએ ચિંટુજીને આખી ફિલ્મ ને રોલ સમજાવ્યો કે આ હિસ્ટોરિકલ ફિલ્મ નથી , માત્ર પાત્રનું નામ ‘અકબર’ છે પણ આખી વાર્તા અલગ છે… ત્યારે ચિંટુજી તૈયાર થયા!
૨૦૧૭માં જ્યારે મારી ફિલ્મનું ડબિંગ કરતાં હતા ત્યારે તેમના બર્થ ડે પર મેં બનાવેલું ગણપતિનું પેઇન્ટિંગ ગિફ્ટમાં આપેલું. પછી એકવાર ચિંટુજીએ એમનાં ઘરની દીવાલ પર એ ચિત્ર લગાવીને મને એનો ફોટો પણ મોકલેલો!
છેલ્લે ૨૦૨૦માં કોરોના કાળમાં પહેલું લોકડાઉન થયું ત્યારે મારી એમની સાથે વિદેશમાં વાત થઈ તો મને કહે કે- ભાઈ, કોઇ સરકારને સમજાવો દારૂની દુકાનો ખોલી દો, લોકોને વધુ ડિપ્રેશન આવી જશે, લોકો અકળાઇ જશે. એટલે પછી અમે કહ્યું કે આપનો સ્ટોક ખતમ થઈ ગયો કે શું! ત્યારે ફોરેનમાં એમની ગંભીર બીમારીની ટ્રિટમેન્ટ ચાલતી. પણ છેક સુધી મજાક કરતા. કોરોનાનાં થોડા સમય પહેલા દિવાળીની પાર્ટીમાં તેમણે મળવાનું થયું ત્યારે પણ તેઓ ખુશ હતા, ફૂલ ઓફ લાઈફ. એટલે તેમણે બીમારીને ક્યારેય માથા પર લીધી નહોતી. બસ છેલ્લા પંદર-વીસ દિવસથી ટ્વિટર પર તેમના મેસેજ આવવાનું બંધ થઈ ગયેલું!
મિસ યુ, ચિંટુ જી!