મેટિનીસ્પેશિયલ ફિચર્સ

સ્ટાર-યાર-કલાકાર: ઉછળતો – નાચતો- કૂદતો એકમાત્ર ‘યા…હૂ’ કલાકાર શમ્મી કપૂર

  • સંજય છેલ

પડદા પર જેનાં માત્ર ગીતો જોઇને મડદા પણ ઊભા થઇને નાચવા માંડે એવા ઓરિજિનલ ડાન્સિંગ-સ્ટાર શમ્મી કપૂરને હું પહેલી વાર મળ્યો ત્યારે શમ્મીજી લેપટોપ પર કામ કરતા હતા.

જ્યારે ભારતમાં લેપટોપ કોઇએ જોયા પણ નહોતા એ ૧૯૯૬ના સમયમાં શમ્મીજી સોફટવેર વગરેમાં પારંગત હતા. આજે ‘જેઠાલાલ’ તરીકે જે ઘરે ઘરે જોવાય છે એવા તારક મેહતા સિરિયલના અભિનેતા દિલીપ જોશીને મુખ્ય ભુમિકામાં લઇને, એક નાનકડી ઇમોશનલ અને ગુમનામ ફિલ્મ બનેલી : ‘સર આંખો પર’. જેનાં સંવાદ મેં લખેલા. એ ફિલ્મમાં કોઇ સ્ટાર-કલાકારની મહેમાન ભૂમિકા માટે જરૂર હતી. શમ્મીજીએ ફિલ્મનો માત્ર આઇડિયા સાંભળ્યો અને સીન વગેરે કશું જ પૂછ્યા વિના કહ્યું:

‘મૈં આ જાઉંગા. નયે લોગોં કો સાથ, મૈં હમેશા હું.. !’

બસ….આટલું કહીને ફરી લેપટોપમાં મગ્ન ને ૧૦ જ મિનિટમાં મીટિંગ ખતમ કેટલી સરળતા.!
કોઇ માને કે શમ્મીજીને તો એરોનોટિકલ એન્જિનિયરિંગમાં રસ હોઇ શકે? પણ એક તો કોલેજ દૂર હતી ને ત્યાંનો અઘરો કોર્સ જોઇને પછી શમ્મીજી પણ પિતાની ‘પૃથ્વી થિએટર’ નાટક કંપનીમાં ૧૯૪૮માં ૫૦રૂ.ના માસિક પગારે અભિનેતા તરીકે જોડાયા. એમણે દીવાર, પઠાણ, ગદર જેવા નાટકોમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવી. વર્ષ ૧૯૫૧માં શમ્મીજીની અંદરનો કલાકાર, ‘કલાકાર’ નાટકમાં બહાર આવ્યો. ત્યારનાં સફળ દિગ્દર્શક મહેશ કૌલે ‘કલાકાર’ અને ‘પઠાણ’ બેઉ નાટકોમાં શમ્મીજીની અભિનય શક્તિ જોયેલી અને ‘જીવન- જયોતિ’ જેવી ઐતિહાસિક ફિલ્મમાં શમ્મીજીને ચમકાવ્યા. જોકે, એ પહેલી જ ફિલ્મથી લઇને શરૂઆતની ૧૮ જેટલી ફિલ્મો ફ્લોપ ગયેલી, જેમાં મોટાભાગની ફિલ્મો ઐતિહાસિક કે પૌરાણિક હતી. નૂતન, મીના કુમારી કે મધુબાલા જેવી સ્ટાર હીરોઇનો પણ શમ્મીજીની ડૂબતી નૈયાને બચાવી શકી નહીં.

શમ્મીજી પર પાછું બે બાજુએથી પ્રેશર. એક બાજુ પિતા પૃથ્વીરાજ કપૂર નાટક-ફિલ્મોમાં આદરણીય નામ ને બીજી બાજુ અભિનેતા-નિર્દેશક તરીકે પણ રાજ કપૂરે પણ ‘આગ’ પછી બીજી જ ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૮) જેવી હિટ બનાવી નાખેલી. ત્યારે શમ્મીજીની ગણના ફિલ્મ ઉદ્યોગમાં એક નિષ્ફળ કલાકાર તરીકે થતી. આ બધાંની હતાશામાં જ શમ્મીએ ‘અનારકલી’ જેવી હિટ ફિલ્મમાં શહેઝાદા સલીમની ભૂમિકા નકારી, જે પછી પ્રદીપકુમારને મળી. આવા સમયે શમ્મીજીની પ્રથમ પત્ની અને અદ્ભુત અભિનેત્રી ગીતાબાલીએ ખૂબ માનસિક સધિયારો આપેલો.

આખરે ૧૯૫૭માં નાસિર હુસૈનની ફિલ્મ : ‘તુમ સા નહીં દેખા’ થી શમ્મી કપૂર નવા રૂપમાં, નવી અદાઓથી, ડાન્સિંગ સ્ટાર તરીકે છવાઇ ગયા. ફિલ્મમાં સુપર-હિટ સંગીત ઓ.પી. નય્યરનું હતું: ‘જવાનીયાં યે મસ્ત-મસ્ત’, ‘યું તો હમને લાખ હસીન દેખે હૈ..’, ‘છુપને વાલે સામને તો આ…’ વગેરે ગીતોએ ફિલ્મની સફળતામાં ચાર ચાંદ લગાવી દીધાં. એ નાસિર હુસૈનની પણ નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ હતી, જેમણે શમ્મીજી સાથે ‘દિલ દેકે દેખો..’ અને નિર્માતા તરીકે નિર્દેશક વિજય આનંદની ‘તીસરી મંઝિલ’ જેવી યાદગાર ફિલ્મો બનાવી. ‘તીસરી મંઝિલ’માં શમ્મીજીની ઈચ્છા હતી કે શંકર-જયકિશનનું સંગીત હોય, પણ વિજય આનંદે સમજાવ્યા કે એકવાર નવા છોકરા પચંમ- રાહુલ દેવ બર્મનને મળો- એકવાર સાંભળો. શમ્મીજીએ પંચમની ટ્યૂન અને ઓરકેસ્ટ્રા સાંભળીને તરત જ કહ્યું: ‘યહ લડકા બહુત આગે જાયેગા, ફિલ્મ મેં મ્યુઝિક યે હી દેગા!..’

એ જમાનામાં શંકર-જયકિશનને બદલે નવાસવા પર ભરોસો મૂકવા માટે એક ડાન્સિંગ હીરો તરીકે સંગીતની ઊંડી સમજ અને સ્ટાર તરીકે જીગર જોંઇએ.

વળી શમ્મી કપૂર સાથે હંમેશ માટે જોડાઇ ગયેલો પોકાર ‘યાહૂડડડ’ એ પહેલીવાર ‘જંગલી’ ફિલ્મમાં નહોતો આવ્યો. ખરેખર તો ‘તુમસા નહીં દેખા’માં જ્યાં હીરો, હીરોઈનની પાછળ ભાંગડા ડાન્સ કરતા કરતા એની પાછળ દોડે છે- લપસીને પડી જાય છે અને જ્યારે હીરોઈનનો હાથ પકડી લે છે ત્યારે કહે છે: ‘યાહૂડડડ!’ એક જાતનો આનંદનો ઉદગાર. પછી એણે નાસિર હુસૈનની- ‘દિલ દેકે દેખો’ માં પણ ‘યાહૂ’નું પુનરાવર્તન કર્યું અને આખરે ‘જંગલી’માં ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે’ ગીતમાં ‘યાહૂ’નો પોકાર હિટ થયો અને એ જીવનભર ને જીવન બાદ પણ સ્ટાર શમ્મી કપૂરના નામ સાથે ગુંજતો રહ્યો.

એ જમાનામાં શૂટિંગ પછી રોજ રાતભર ચાલતી ભવ્ય પાર્ટીઓ આપવી, જેમાં ડાન્સ, ખાણી- પીણી, સ્વિમિંગ પૂલમાં વોલીબોલ રમવું.એ બધું બોલીવૂડમાં બિન્દાસ શમ્મી કપૂર લઇ આવ્યા. પાર્ટીઓ પછી બીજી સવારે સેટ પર સ્ટાર તરીકે મનમરજી મુજબ મોડાં પહોંચવું વગેરે પરંપરા પછી રાજેશ ખન્ના, ધર્મેંદ્રથી લઇને સલામાન ખાન સુધી હજી ચાલે છે.

જો કે પાછળથી મસાલા ફિલ્મનાં સ્ટાર-ડિરેક્ટર મનમોહન દેસાઇની શમ્મીજી સાથેની ‘બ્લફ માસ્ટર’ નહોતી ચાલી ત્યારે શમ્મીજીને થયું કે હીરો તો હું હતો એટલે મારે કારણે ફિલ્મ ના ચાલી પછી મનમોહનજીને મિત્રભાવે એમનું ઘર ચલાવવા શમ્મીજી સામેથી પૈસા મોકલતા એવી ખાનદાની પણ એમનામાં હતી..પછી તો શમ્મીજીની દીકરીના લગ્ન મનમોહન દેસાઇના પુત્ર કેતન દેસાઇ સાથે થયા.

જે નસીરૂદ્દીન શાહને દિલીપકુમાર કે અમિતાભ કે રાજેશ ખન્ના કે શાહરૂખ જેવા કઇ સુપરસ્ટાર નથી ગમતા, એ વાંકદેખા જનાબ શમ્મી કપૂરને એકમાત્ર ઓરિજનલ એક્ટર માને છે! નિર્દેશક તરીકે શમ્મીજીએ-સંજીવ કુમાર-ઝીનત સાથે ‘મનોરંજન’ જેવી બોલ્ડ કોમેડી અને રાજેશ ખન્ના સાથે ‘બંડલબાઝ’ જેવી ફિલ્મ પણ બનાવેલી, પણ એક યા બીજા કારણસર એને જોઈતી સફળતા મળી નહીં.

યાહૂ ઇ-મેલ વાળી ‘યાહૂ’ કંપનીના સ્થાપકોમાંના એક જેરી યંગે કબૂલ્યું છે કે ‘યાહૂ’ નામ શમ્મી કપૂર પરથી રાખેલું, કારણકે એ નાનપણથી શમ્મી કપૂરની ફિલ્મો અને અદાઓનો મોટો ફેન હતો.

એ ‘યાહૂ’ શબ્દના જન્મ વિશે, શમ્મી કપૂરે બી.બી.સી.ની મુલાકાતમાં કહેલું કે ‘મજાની વાત એવી બનેલી કે જ્યારે જેરી યંગ અને ડેવિડ, ‘યાહૂ’ કંપનીને ઈન્ડિયામાં લોન્ચ કરવા મુંબઈ આવ્યા ત્યારે એમણે એક પાર્ટી રાખી, જેમાં મને આમંત્રણ આપ્યું અને મેં જેવી એ પાર્ટીમાં એન્ટ્રી મારી કે- ‘યાહૂ’ ગીત, મ્યુઝિકલ બેંડે વગાડ્યું!’

શમ્મીજીએ કહેલું કે: ‘તમને નવાઇ લાગશે કે બહારનાં તો ઠીક, પણ મારા ઘરનાં લોકો પણ માનતા હતા કે ‘યાહૂ’ કંપની મારી છે! એકવાર મારા ભત્રીજા રણધીરે (કરીનાના પપ્પા) પણ પૂછ્યું કે અંકલ, તમે અમને કહ્યું નહીં કે તમે ‘યાહૂ’ કંપનીના માલિક છો? મેં જવાબ આપ્યો : જો મારી પાસે ‘યાહૂ’ કંપની હોત તો હું અહીં બેઠો ન હોત, હું અમેરિકામાં હોત!’
બાય ધ વે, આવા ‘યા…હૂ’ ડાન્સિંગ સ્ટાર શમ્મીજીનો ૯૩મો બર્થ-ડે હમણાં ૨૧મી ઓક્ટોબરે હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button