મનોરંજનમેટિની

૨૧ વર્ષની ઉંમરે છ બાળકના પિતા…! સંજીવ કુમારની આજે પુણ્યતિથિ નિમિતે સ્મરણ

હેન્રી શાસ્ત્રી

ભારતીય ચિત્રપટ સૃષ્ટિના ઓલટાઈમ ગ્રેટ એક્ટર્સની યાદીના પહેલા પાંચમા જેમનું નામ ગર્વની સાથે સામેલ કરી શકાય એ હરિભાઈ જરીવાલા આપણા સહુના સંજીવ કુમારની આજે પુણ્યતિથિ છે. માત્ર અને માત્ર આલા દરજ્જાની એક્ટિંગના જોરે અભિનયના એવરેસ્ટ પર ઝંડો લહેરાવનાર મૂઠી ઊંચેરા આ અભિનેતાની કેટલીક રસપ્રદ વાતો જાણીએ….

સંજીવ કુમારની અભિનય યાત્રાનો પ્રારંભ રંગભૂમિથી થયો હતો એ જાણીતી વાત છે. એમણે યુવાનીમાં ઘણી વયસ્ક વ્યક્તિ (‘શોલે’ના ઠાકુર બલદેવસિંહ, ‘ત્રિશુલ’ના આર. કે. ગુપ્તા, ‘મૌસમ’ના ડૉ. અમરનાથ ગિલ)ની ભૂમિકા કરી હતી એ પણ સહુ કોઈને ખબર છે. મજાની વાત એ છે કે ‘બુઢાપાના બીજ’ ભર યુવાનીમાં ૨૧ વર્ષની ઉંમરે રોપાયા હતા.

હવે જે વાત આવે છે એ બહુ ઓછા લોકો જાણતા હશે અને ‘મુંબઈ સમાચાર’ના વાચકો એ જાણીને હેરત પામશે અને હરખાઈ પણ જશે કે સંજીવ કુમારનો પહેલો ફુલ લેન્થ પ્લે (ત્રિઅંકી નાટક) હિન્દીમાં મંચસ્થ થયો હતો. તેલુગુ નાટક ‘ભયમ’નું હિન્દી રૂપાંતર ‘ડમરુ’ નામથી ભજવાયું હતું.

આ નાટકમાં ૨૧ વર્ષના હરિભાઈએ છ બાળકોના પિતાનો રોલ કર્યો હતો. આ ભૂમિકામાં અભિનેતા એ હદે ઓતપ્રોત થઈ ગયા કે એમની તારીફના તોરણ બાંધવામાં આવ્યાં. ત્યારબાદ આર્થર મિલરના બ્રોડવે પર ભજવાયેલા સફળ નાટક ‘ઓલ માય સન્સ’ના હિન્દી અને ગુજરાતીમાં રૂપાંતરિત નાટકમાં સંજીવ કુમાર ૬૦ વર્ષના બિઝનેસમેનના પાત્રમાં જોવા મળ્યા. આ રોલ માટે એમને ‘બેસ્ટ એક્ટર’નો અવૉર્ડ મળ્યો હતો.


Also read: અહા, કેટકેટલી યાદ?! ‘ખૂબસૂરત’ ફિલ્મની રિલીઝને પચીસ વર્ષ થયાં


સંજીવ કુમારની અદાકારીની વાત આવે એટલે ફિલ્મ રસિકો ‘ખિલૌના’, ‘કોશિશ’, ‘આંધી’, ‘મૌસમ, ‘અંગુર’ વગેરે ફિલ્મોનો અચૂક ઉલ્લેખ કરે. જોકે, વર્ષો પહેલાના એક ઈન્ટરવ્યૂમાં ખુદ હરિભાઈએ અભિનયની દ્રષ્ટિએ પોતાની મનગમતી ફિલ્મોમાં ’નિશાન’, ’બાદલ’, ’શિકાર’, ’સંઘર્ષ’, ’ખિલૌના’ અને ’મન મંદિર’ નો ઉલ્લેખ કર્યો હતો.

તારાચંદ બડજાત્યા- રાજશ્રી પ્રોડક્શનની ‘આરતી’ (૧૯૬૨)થી સંજીવ કુમારના હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લીડ રોલમાં શ્રી ગણેશ થતા થતા રહી ગયા. ફિલ્મમાં પ્રદીપ કુમારે જે રોલ કર્યો છે એને માટે સંજીવ કુમારનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ટેસ્ટ થયા પછી મિસ્ટર બડજાત્યાએ ટેસ્ટ વિશે સંજીવ કુમારને જ અભિપ્રાય પૂછ્યો તો આપણા હરિભાઈએ ભોળાભાવે કે પછી પ્રમાણિકપણે કહી દીધું કે ‘બરાબર નહોતો. હું હજી બહેતર કરી શક્યો હોત’ અને સંજીવ કુમારના નામ પર ચોકડી મુકાઈ ગઈ.

એ પછી ‘હમ હિન્દુસ્તાની’માં અલપ ઝલપ કહી શકાય એવો રોલ કર્યા પછી સંજીવ કુમારને દિનેશ રાવળ દિગ્દર્શિત અને પ્રબોધ જોશી લિખિત ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’માં સેક્ધડ લીડમાં મોકો મળ્યો. એ સમયના ગુજરાતી ફિલ્મોના અગ્રણી ગણાતા અભિનેતા અરવિંદ પંડ્યા અને મહેશ દેસાઈની હાજરી હોવા છતાં સંજીવ કુમારનું પરફોર્મન્સ ઊડીને આંખે વળગ્યું.

૧૯૩૦ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અસ્પી ઈરાનીનું ફિલ્મમેકર તરીકે મહત્ત્વનું યોગદાન રહ્યું છે, પણ એમની વિશિષ્ટ ઓળખ સંજીવ કુમારને પહેલી વાર લીડ રોલ આપનારા તરીકે છે. બન્યું એવું કે ‘રમત રમાડે રામ’ રિલીઝ થવા પૂર્વે એના કેટલાક સીન અસ્પી ભાઈએ જોયા અને સંજીવ કુમાર એમની આંખોમાં એવા વસી ગયા કે ‘નિશાન’ (૧૯૬૫)માં સંજીવ કુમારને હીરો અને વિલનનો ડબલ રોલ આપવામાં આવ્યો.

‘નિશાન’ રિલીઝ થઈ એના એક અઠવાડિયામાં જ હરિભાઈએ આઠ ફિલ્મ સાઈન કરી લીધી. સાચે જ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અસ્પી ઈરાનીની ઋણી છે, કારણ કે ‘નિશાન’ પછી સંજીવ કુમારની ગાડી પાટે ચડી અને પછી કેવી દોડી એ આપણે જાણીએ છીએ.

સંજીવ કુમારની અવિસ્મરણીય ફિલ્મોની યાદી બનાવતી વખતે ‘નયા દિન નઈ રાત’નું નામ ટોપ ફાઈવમાં મૂકવું જ પડે. ફિલ્મમાં સંજીવ કુમારએ નવ રસનું પ્રતિનિધિત્વ કરતા નવ રોલ કરી વિવેચકો- દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ફિલ્મ આવી હતી ૧૯૭૪માં જ્યારે સંજીવ કુમારના ડંકા દસે દિશામાં વાગી રહ્યા હતા.

જાણવા જેવી વાત એ છે કે એના આઠ વર્ષ પહેલા જ્યારે એક્ટર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રભાવી ઓળખ નહોતી બની ત્યારે સંજીવ કુમારે વિવિધ ભૂમિકાના અખતરા કર્યા હતા. અસ્પી ઈરાનીની જ ‘બાદલ’ (૧૯૬૬)માં સંજીવ કુમારનો રોલ દેખાવડા, શિક્ષિત યુવાનનો છે, પણ એમની અભિનય પ્રતિભા ઓળખી ગયેલા મિસ્ટર ઈરાનીએ ‘બાદલ’માં એમને અલગ અલગ ચાર વેશમાં રજૂ કર્યા હતા.

ફિલ્મમાં આઝાદ શાયર તરીકે પોતાની ઓળખ આપી સંજીવ કુમાર બોખા મુસ્લિમ સદગૃહસ્થ, જોગી અને એક મહિલાના વેશમાં સુધ્ધાં જોવા મળે છે.

એ. ભીમસિંહે (‘નયા દિન નઈ રાત’ના દિગ્દર્શક) ‘બાદલ’ જોયા પછી સંજીવ કુમારને સાઈન કરવાનું નક્કી કર્યું હોવાની સંભાવના નકારી ન શકાય. ૧૯૭૦માં આવેલી ‘ઉસ રાત કે બાદ’ ફિલ્મમાં સંજીવ કુમારે ડબલ રોલ (શ્રીમંત ઠાકુર અને એના પુત્ર) કર્યો હતો. ‘કોશિશ’ કે ‘મૌસમ’ કરતાં ‘ઉસ રાત કે બાદ’નો રોલ ખુદ સંજીવ કુમારને વધુ ચેલેન્જિંગ લાગ્યો હતો.


Also read: ખૈયામસાબ, તમે મને જેલમાં જતાં બચાવ્યો!


દર્શકોને સંજીવ કુમારની સ્ટાર વેલ્યૂમાં એમની ગ્લેમરસ ઈમેજમાં કોઈ દિલચસ્પી નહોતી. રસ હતો માત્ર એમની અદાકારીમાં- એમણે ભજવેલાં પાત્રોમાં એટલે જ ગુલઝારની ‘પરિચય’ (૨૦મી ઓક્ટોબર, ૧૯૭૨)માં જયા ભાદુડીના પિતા તરીકે ચમક્યા બાદ ‘અનામિકા’ (૧૮મી મે, ૧૯૭૩)માં જયાના પ્રેમીના રોલમાં અને ‘શોલે’ (૧૫મી ઓગસ્ટ, ૧૯૭૫)માં જયાના સસરાના રોલમાં પણ સંજીવ કુમારની અફલાતૂન અદાકારી પર દર્શકો ઓવારી ગયા. પિતા અને પ્રેમીના રોલ વચ્ચે તો માત્ર સાત જ મહિનાનું અંતર હોવા છતાં કોઈ ઈમેજ આડી ન આવી એ સંજીવ કુમારની પ્રતિભાનો પ્રભાવ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button