હેન્રી શાસ્ત્રી
બિમલ રોયના ફૅવરિટ સંગીતકાર સલિલ ચૌધરીની ફિલ્મોની યાદી લાંબી નથી, પણ એમનાં કેટલાંક સ્વરાંકન અવિસ્મરણીય છે. લતા દીદી અને સલિલ ચૌધરી ‘ઓ સજના બરખા બહાર આઈ’ના રેકોર્ડિંગ વખતે હૃષીકેશ મુખરજીની ‘આનંદ’ ફિલ્મનો અવિસ્મરણીય ડાયલોગ છે : ‘બાબુ મોશાય, ઝિંદગી બડી હોની ચાહિએ લંબી નહીં’.
જીવનમાં સંખ્યાનું નહીં, ગુણવત્તાનું મહત્ત્વ છે એ મતલબનો એનો ભાવાર્થ છે. ‘આનંદ’ના જ સંગીતકાર સલિલ ચૌધરીની હિન્દી ફિલ્મ કરિયરને પણ આ વાત લાગુ પડે છે. એમની ફિલ્મોની, એમાં ગીતોની સંખ્યાનો આંકડો અન્ય સંગીતકારની તુલનામાં વામણો લાગે, પણ એની અસર, એનો પ્રભાવ વિરાટ છે એ હકીકત છે. આ ૧૯મી નવેમ્બરે બિમલ રોયના ફૅવરિટ સંગીતકાર સલિલદાના જન્મ શતાબ્દી વર્ષનો પ્રારંભ થયો છે (જન્મ ૧૯મી નવેમ્બર, ૧૯૨૫) એ નિમિત્તે એમનાં સંભારણાંની આચમની લઈએ.
આ કિસ્સો અનુ કપૂરે એમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘સુહાના સફર વિથ અનુ કપૂર’માં રજૂ કર્યો હતો. વાત છે ૧૯૫૮ની. અમેરિકાના લોસ એન્જલસ શહેરની સંગીતનાં વાદ્યોનું વેચાણ કરતી એક પ્રખ્યાત શોપમાં ૩૩ વર્ષના સલિલ ચૌધરી ગયા. કોઈ એમને ઓળખતું નહોતું અને અત્યંત સાદગીભર્યા પહેરવેશ અને સામાન્ય દેખાવને કારણે શૉપના સેલ્સ પર્સન્સ એમની તરફ ધ્યાન પણ નહોતા આપી રહ્યા.
Also read: કવર સ્ટોરી: સ્ટોરીનો દુકાળ તો સિક્વલનો સુકાળ
સલિલદાને વાદ્યો માટે અત્યંત પ્રીતિ હોવાથી એ ત્યાં રાખવામાં આવેલા મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ પર બારીકાઈથી નજર ફેરવી રહ્યા હતા. ક્રિસ્ટિના નામની એક સેલ્સગર્લ સલિલદા પાસે આવી અને એમને કોઈ વાદ્ય ખરીદવાની ઇચ્છા છે કે કેમ એવું પૂછવા લાગી.
સલિલદાએ સ્મિત કરી સિતાર માટેની રુચિ વ્યક્ત કરી. ક્રિસ્ટિનાએ કેટલીક સિતાર દેખાડી,
પણ સલિલદાએ શૉપમાં એકદમ ઊંચાઈ પર રાખવામાં આવેલી એક સિતાર જોવાનો આગ્રહ રાખ્યો. જોકે, સામાન્ય દેખાવના અને સાદા પહેરવેશમાં રહેલી વ્યક્તિને એ સિતાર દેખાડવા ક્રિસ્ટિના ઉત્સુક નહોતી અને એટલે એ આઘીપાછી થઈ ગઈ.
એવામાં શૉપના માલિક મિસ્ટર ડેવિડ ત્યાં આવ્યા અને સલિલદાની ખાસ સિતારમાં રુચિ જાણી ઉપરથી એ ઉતારાવી. એ સિતાર દેખાડી ક્રિસ્ટિનાએ કહ્યું કે ‘આ બોસ સિતાર છે. સામાન્ય વાદકો એ નથી વગાડી શકતા અને એ મોટા કાર્યક્રમોમાં જ વગાડવામાં આવે છે.’
વાત સાંભળી સસ્મિત સલિલદાએ એ સિતાર વગાડવાની ઇચ્છા વ્યક્ત કરી. મિસ્ટર ડેવિડે એમને સિતાર આપી અને સલિલ ચૌધરીએ એ વગાડવાની શરૂઆત કરતાં હાજર રહેલા લોકો એમનું વાદન સાંભળી મંત્રમુગ્ધ થઈ ગયા.
સલિલદાએ રાગ પૂરો કર્યો ત્યારે હાજર લોકોનાં દિલ બાગ બાગ થઈ ગયાં હતાં અને એમની આંખોમાં અહોભાવ હતો. શૉપના માલિક મિસ્ટર ડેવિડે પૂછ્યું : ‘તમે કોણ છો? મેં રવિશંકરને સાંભળ્યા છે અને એમના જેવી કુશળતા અન્ય કોઈ પાસે હોય એ મારી જાણમાં નથી. જોકે, તમે એનાથી જરાય ઊતરતા નથી. મારી શૉપમાં તમે આવ્યા એની મને અનહદ ખુશી છે.’
સલિલદાએ કહ્યું કે એમને પેલી સિતાર ખરીદવી છે. મિસ્ટર ડેવિડ પોતે પણ સંગીતપ્રેમી હતા. એમણે એ સિતાર સલિલદાને ભેટ આપી. આ આખી ઘટના જોઈ ક્રિસ્ટીનાની આંખોમાં આંસુ છલકાયાં. તોછડાઈભર્યા વર્તન માટે એણે સલિલદાની માફી માંગી અને એમનો ઑટોગ્રાફ માંગ્યો.
સલિલદાએ સ્મિત કર્યું અને ‘સલિલ ચૌધરી’ એવા હસ્તાક્ષર (ઑટોગ્રાફ) આપ્યા. એ સમયે સલિલ ચૌધરી ‘પરખ’ ફિલ્મનાં ગીત તૈયાર કરી રહ્યા હતા. ફિલ્મનું એક સદાબહાર અને લતા મંગેશકરના ૧૦ ફૅવરિટ ગીતમાં સ્થાન ધરાવતા ગીત ‘ઓ સજના, બરખા બહાર આઈ’માં પ્રમુખ વાદ્ય સિતાર છે.
સલિલદાએ બંગાળી-હિન્દી ગીતોની સ્વર રચના ઉપરાંત અન્ય ભાષામાં પણ પોતાનું મ્યુઝિકનું મૅજિક દેખાડ્યું છે. એમાં ગુજરાતી, મરાઠી ઉપરાંત સાઉથની ભાષાનાં ગીતોનો સમાવેશ છે.
૧૯૭૮માં ‘ઘરસંસાર’ (ડિરેક્ટર: કૃષ્ણકાંત, કલાકાર: રાજીવ, રાગિણી, ઊર્મિલા ભટ્ટ) નામની ગુજરાતી ફિલ્મ આવેલી. ફિલ્મના ગીતકાર હતા વેણીભાઈ પુરોહિત અને સ્વરકાર હતા સલિલ ચૌધરી. ફિલ્મમાં કુલ પાંચ ગીત હતાં, જેમાંથી ચાર ગીતનું સ્વરાંકન સલિલ ચૌધરીએ કર્યું હતું. પહેલું ગીત છે ‘હો હાલો ને હંસા મારા, ઊંચે આકાશે ઊડી જઈએ, ઊડી જઈએ, આજ ખૂટ્યા રે આપણાં અંજળપાણી.’
બંગાળી લોકસંગીતની છાંટ ધરાવતું આ ગીત એકાદ પળ માટે તો મન્ના ડે ગાતા હોય એવો ભાસ થાય છે. હકીકતમાં આ ગીત પ્રફુલ દવેએ ગાયું છે. સ્વરાંકન અને સ્વરનો એવો સુંદર તાલમેલ છે કે ગીત સાથે સેતુ બંધાઈ જાય છે અને એ સેતુ પર ટહેલવાનું મન રોકી નથી શકાતું.
બીજું છે હાલરડું. ‘દો બીઘા જમીન’માં આપણને ‘આ જા રે આ, નિંદીયા તૂ આ’ જેવી અવિસ્મરણીય લોરી આપનારા સલિલદાએ ‘ઘરસંસાર’માં આશા ભોસલેના સ્વરમાં ‘દેવના દીધેલ દીકરા મારા, માવલડીના ધ્રુવના તારા’ હાલરડું ગવડાવ્યું છે.
આ ગીતની લાક્ષણિકતા એ છે કે હાલરડું હોવા છતાં સલિલદાએ સેક્સોફોન, ટ્રમ્પેટ જેવા પાશ્ર્ચાત્ય શૈલીના સંગીત માટે અધિકાંશ વપરાતા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કર્યો છે. ત્રીજું ગીત ડ્યુએટ છે ઉષા મંગેશકર અને મનહરના સ્વરમાં. વેણીભાઈ પુરોહિતની કલમ રોમેન્ટિક રંગમાં ઝબોળાય ત્યારે કેવી ખીલે (યાદ કરો, ‘તારી આંખનો અફીણી’) એ વાત જાણીતી છે.
Also read: સ્ટાર-યાર-કલાકાર : વિચાર ને વિદ્રોહના મજબૂત છતાં મજેદાર શાયર કૈફી આઝમી
ગીત શરૂ થાય છે ‘ઓ લાલી રે લાલી લાલી, કેવી સાંજ આ રૂમઝૂમ ચાલી’ પંક્તિથી મોજ કરાવે છે યુગલ ગીત. ચોથું ગીત છે ‘અમારે આંગણે અવસર સોહામણો’ જે આશા ભોસલે અને કોરસ સાથે રજૂ થયું છે. આ ગીત તમને ‘મધુમતી’નાં ગીતોના કંપોઝિશનનું સ્મરણ જરૂર કરાવશે. આશા તાઈએ બહુ મીઠાશ રેડી છે ગીતમાં અને કોરસમાં ‘અમ્મારે આંગણે અવસર સોહામણો’ ગવાય છે ત્યારે સલિલદાએ ગુજરાતીપણું જાળવવા કેવી ચીવટ રાખી છે એ સમજાય છે. આ બધાં ગીત યુટ્યુબ પર ઉપલબ્ધ છે. સાંભળવાનું ચૂકશો નહીં.