૭૫ વર્ષ પહેલાં મ્યુઝિકના કોપીરાઈટ માટે હતા ૩૫ હજાર!
રાજ કપૂરની સફળ ફિલ્મી સફરમાં ગીત-સંગીતનો અનન્ય ફાળો રહ્યો છે. ખુદ અચ્છી સંગીત સૂઝ ધરાવતા રાજની કર્ણપ્રિય સંગીત માટે સર્વસ્વ કરવાની તૈયારી હતી
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
રાજ કપૂર એક ફિલ્મમેકર હતા. ફિલ્મોમાં અભિનય ઉપરાંત એનાં નિર્માણ-દિગ્દર્શનની જવાબદારી સંભાળવા અને ફિલ્મનાં ગીત-સંગીત માટે અત્યંત ચીવટ રાખવા માટે જાણીતા હતા. શોખ હોવા ઉપરાંત સંગીતની ઊંડી સમજણ હતી. એમના ‘સંગીત હસ્તક્ષેપ’ના અનેક યાદગાર કિસ્સાઓ છે. સંગીતને ફિલ્મનું અભિન્ન અંગ માનતા રાજ કપૂરની આવતી કાલે જન્મશતાબ્દી છે એ નિમિત્તે સંગીત વિભાગમાં એમના યોગદાન વિશે કેટલીક રસિક વાતો આ રહી ‘મુંબઈ સમાચાર’ના વાચકો માટે….
આપણા નવરાત્રિ ઉત્સવમાં રાસ-ગરબાનું મહત્ત્વ બધા જાણે છે. વર્ષોથી રજૂ થતો ‘રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગમાં રંગ તાળી’ ત્રણ તાળીના ગરબા તરીકે પ્રખ્યાત છે. ગરબે ઝૂમતા ખેલૈયાઓ ત્રણ તાળી વગાડી ગરબો લે એ એની પ્રમુખ વિશેષતા છે. સોળમી સદીમાં યુરોપમાં ‘વોલ્ટઝ’ નામનો એક નૃત્ય પ્રકાર વિકસ્યો. ‘વોલ્ટઝ’ને અંગ્રેજીમાં આ રીતે સમજાવી શકાય : ઠઅકઝણ શત ફક્ષ યહયલફક્ષિં મફક્ષભય વફત ફ વિુવિંળ જ્ઞર વિંયિય બયફતિં; વિંય ળીતશભ રજ્ઞિ વિંશત મફક્ષભય ત્રણ બીટ પર કરવામાં આવતો આ નૃત્ય પ્રકાર હિન્દી ફિલ્મોમાં શરૂ કરવાનો શ્રેય સંગીતકાર અનિલ બિશ્ર્વાસને જાય છે.
૧૯૪૦માં આવેલી મેહબૂબ ખાન દિગ્દર્શિત ફિલ્મ ‘અલીબાબા’માં પહેલી વાર વોલ્ટઝ રિધમ પર આધારિત ગીત રજૂ થયું હોવાનું માનવામાં આવે છે. સુરેન્દ્ર અને વહિદન બાઈ (વહિદા રેહમાન નહીં)ના યુગલ સ્વરમાં રેકોર્ડ થયેલા આ ગીતનું મુખડું હતું ‘હમ ઔર તુમ ઔર યે ખુશી, યે કહકહેં યે દિલ્લગી, છિટકી હુઈ હૈ ચાંદની’. રોમાનિયાના કંપોઝર જોસેક ઈવાનોવિચીએ ૧૮૮૦માં કમ્પોઝ કરેલો ‘વેવ્ઝ ઑફ ડેન્યુબ’ ટ્યુન વિશ્ર્વભરના કલાપ્રેમીઓના હૃદયમાં વસી ગઈ હતી. ફિલ્મ ઈતિહાસની નોંધ અનુસાર રાજ કપૂરે અમેરિકન મ્યુઝિકલ ફિલ્મ ઝવય ઉંજ્ઞહતજ્ઞક્ષ જજ્ઞિિું જોઈ. આ ફિલ્મમાં રાજજીએ પહેલી વાર વોલ્ટઝની બિટ્સ સાંભળી અને એનાથી એટલા સંમોહિત થયા કે એમણે એનો ઉપયોગ આર.કે. બેનરની બીજી ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૯)માં પહેલી વાર કર્યો હતો.
Also read: અહા, કેટકેટલી યાદ?! ‘ખૂબસૂરત’ ફિલ્મની રિલીઝને પચીસ વર્ષ થયાં
આ ટ્યુન પાછળની કથા રસપ્રદ છે. ‘બરસાત’માં (છોડ ગયે બાલમ, મુજે હાય અકેલા છોડ ગએ) આ ધૂન રાજ કપૂરના યુનિટમાં કામ કરતા વાદક જો મેનેઝિસ નામના વાયોલિનવાદકે વગાડી હતી. રાજ કપૂર આ ટ્યુનના દીવાના થયા હતા અને આર. કે. ફિલ્મ્સની ‘જિસ દેસ મેં ગંગા બહતી હૈ’ (૧૯૬૦), ‘સંગમ’ (૧૯૬૪), ‘મેરા નામ જોકર’ (૧૯૭૦), ‘બોબી’ (૧૯૭૩) તેમ જ ‘બીવી ઓ બીવી’ (૧૯૮૧)માં બેકગ્રાઉન્ડ મ્યુઝિકના હિસ્સા તરીકે અથવા ગીતના સ્વરાંકનમાં ઈન્ટરલ્યુડમાં એનો ઉપયોગ કર્યો હતો. આ ટ્યુનના રહસ્ય પરથી પડદો ઊંચકી જો મેનેઝિસના પુત્ર અર્નેસ્ટ મેનેઝિસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘અમે ‘સંગમ’ ફિલ્મ માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરી રહ્યા હતા એમાં ‘વેવ્ઝ ઑફ ડેન્યુબ’ ટ્યુનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે રાજસાબે એની કથા સંભળાવી હતી. એમણે જણાવ્યું કે ‘બરસાત’માં એનો પહેલી વાર ઉપયોગ કર્યા પછી કોપીરાઈટનું રક્ષણ કરતા લોકો એમની પાસે પહોંચી ગયા. તમે માનશો? રાજજીએ ૧૯૪૯માં ૩૫ હજાર રૂપિયા ચૂકવી એ ટ્યુનના રાઇટ્સ ખરીદી લીધા જેથી ભવિષ્યમાં જ્યારે પણ એ ટ્યુન વાપરવાની ઇચ્છા થાય ત્યારે સત્તાવાર રીતે એ વાપરી શકાય!’
જરા વિચાર કરો કે રાજ કપૂરને એ ધૂનનું કેવું ઘેલું લાગ્યું હશે? આખી ‘બરસાત’ ફિલ્મ ૩૫ લાખ રૂપિયામાં તૈયાર થઈ હતી અને ૩૫ હજાર રૂપિયા તો માત્ર એક ધૂન માટે ચૂકવી દેવાના અને જેનો ફિલ્મમાં ઉપયોગ થોડી ક્ષણ માટે જ કરવાનો હોય! રાજ કપૂરને ‘ગ્રેટેસ્ટ શોમેન’ અમથા કહેવામાં આવ્યા છે?
જો કે, એમના માટે આ એક જોરદાર રિટર્ન ઑફ ઈન્વેસ્ટમેન્ટ (રોકાણ સામે જોરદાર વળતર) સાબિત થયું અને કેટલીક ફિલ્મોમાં એનો ઉપયોગ કરી દર્શકોને મોજ કરાવી. ‘મેરા નામ જોકર’ના અવિસ્મરણીય ગીત ‘જીના યહાં મરના યહાં’માં પણ શંકર-જયકિશને આ ધૂન વગાડી જેનો ગીતને હૃદયસ્પર્શી બનાવવામાં પ્રમુખ ફાળો હતો. હકીકતમાં આ ફિલ્મમાં રાજ કપૂરનું જોકરનું પાત્ર જ્યારે જ્યારે લાગણીશીલ થઈ જાય છે ત્યારે આ ‘વેવ્ઝ ઑફ ડેન્યુબ’ ટ્યુનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી એ દૃશ્ય સાથે દર્શકો લાગણીના તંતુએ જોડાઈ જાય છે.
રાજ કપૂરની જાણકારી માટે અત્યંત વિશ્ર્વસનીય એવા પુસ્તક ‘રાજ કપૂર – ધ વન એન્ડ ઑન્લી શોમેન’ (પ્રસ્તુતકર્તા રાજજીનાં પુત્રી રિતુ નંદા)માં ગ્રેટેસ્ટ શોમેને પોતાના સંગીત પ્રેમ વિશે વિગતે વાત કરી છે. એમાંથી અમુક રસપ્રદ જાણકારી પેશ છે. રાજજીએ જણાવ્યું છે કે ‘મને બાળપણથી જ સંગીત માટે રુચિ અને લગાવ હતાં. સાચું કહું તો મારી પ્રથમ ઇચ્છા મ્યુઝિક ડિરેક્ટર બનવાની હતી. કારકિર્દીની પ્રારંભિક ફિલ્મો ‘ચિતોડ વિજય’ ‘જેલ યાત્રા’ અને ‘ગોપીનાથ’માં મેં પ્લેબેક સિંગિંગ પણ કર્યું હતું. કલકત્તામાં પાપાજી (પૃથ્વીરાજ કપૂર) નાટ્ય પ્રવૃત્તિ કરતા હતા ત્યારે ન્યૂ થિયેટર્સના રાયચંદ બોડાલના મ્યુઝિક રૂમ, એમના સાજિંદાઓથી હું બહુ પ્રભાવિત થયો હતો. મુંબઈ આવ્યા પછી હું નારાયણ રાવ વ્યાસની સંગીત અકાદમીમાં ત્રણ વર્ષ સુધી હાર્મોનિયમ, તબલાં, સિતાર વાજિંત્રો વગાડતાં શીખ્યો.
Also read: ૨૧ વર્ષની ઉંમરે છ બાળકના પિતા…! સંજીવ કુમારની આજે પુણ્યતિથિ નિમિતે સ્મરણ
સંગીતકાર અનિલ બિશ્ર્વાસ સાથે પણ થોડો સમય મેં કામ કર્યું હતું. મને ગીતની ધૂન તૈયાર કરવામાં બહુ મજા પડતી હતી. રામ બાબુ (‘આગ’ના સંગીતકાર રામ ગાંગુલી) સાથે મેં ગીત સ્વરબદ્ધ કર્યાં હતાં અને શંકર-જયકિશન સાથે પણ કેટલીક ધૂન તૈયાર કરી હતી. ફિલ્મમાં ગીત-સંગીતની હાજરીનું મહત્ત્વ મને બરાબર સમજાઈ ગયું હતું. ‘જાગતે રહો’ ફિલ્મની તૈયારી કરી ત્યારે એમાં એક પણ ગીત નહોતું. ફિલ્મની ત્રણ સિચ્યુએશનમાં મને ગીતની હાજરી જરૂરી લાગી અને પછી બીજા બે ગીત પણ ઉમેરાયાં. એકેય ગીત નહોતું ત્યાં પાંચ ગીત આવી ગયાં… અમુક વાર એવું પણ બન્યું છે કે મેં ગીત રેકોર્ડ કર્યું હોય, એનું પિક્ચરાઈઝેશન પણ કર્યું હોય, પણ પછી મને એ ગીત ફિલ્મની વાર્તા સાથે સુસંગત ન લાગે તો એ ગીત ફગાવી દીધું છે. ‘સંગમ’ માટે એક ગીત મેં ઈટલીના વેનિસ શહેરમાં શૂટ કર્યું હતું, પણ પછી ફિલ્મના વહેણમાં એ ગીત મને ખટક્યું એટલે પડતું મૂક્યું. એવી જ રીતે ‘સત્યમ શિવમ સુંદરમ’ માટે પણ એક તૈયાર ગીત મેં ફિલ્મમાંથી કાઢી નાખ્યું હતું.’
વિદેશમાં ગીતના શૂટિંગનો કેવો ખર્ચ થાય એ સૌ કોઈ જાણતું હશે અને તેમ છતાં ફિલ્મમાં બંધબેસતું નહીં લાગવાને કારણે એ પડતું મૂકવા માટે જીગર જોઈએ જે રાજ કપૂર પાસે ભારોભાર હતું.
‘બોબી’નો પણ એક મજેદાર પ્રસંગ પુસ્તકમાં ટાંકવામાં આવ્યો છે. આ ફિલ્મ દરમિયાન રોયલ્ટીના મુદ્દે લતાદીદીને રાજજી સાથે વાંકું પડ્યું. દીદી ‘બોબી’ માટે ગીત ગાય એવો રાજજીનો આગ્રહ હતો, પણ લતાજીએ નનૈયો જ ભણ્યો. ફિલ્મના સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલે મધ્યસ્થી કરી જોઈ, પણ દીદીએ એમની વાત પણ કાને ધરી નહીં. અંતે રાજ કપૂરે લતાજીને ફોન કરીને કહી દીધું કે ‘જો તમે ‘બોબી’ માટે ગીત ગાવા તૈયાર નહીં થાવ તો હું તમારા ઘર સામે તંબૂ તાણીને બેસી જઈશ.’ અંતે લતા મંગેશકર માની ગયાં અને ૧૬ વર્ષની ડિમ્પલ કાપડિયા માટે ‘એ ફસા’, ‘જૂઠ બોલે કૌવા કાટે’ અને ‘અક્સર કોઈ લડકા’ જેવા યાદગાર ગીત આપણને મળ્યાં!