ક્લેપ એન્ડ કટ..!: ‘પુષ્પા’ને કોઈ માથાનો મળ્યો ખરો!
-સિદ્ધાર્થ છાયા
આપણને ‘સિંઘમ અગેઈન’ અને ‘ભુલભુલૈયા 3’ની ટક્કર યાદ જ છે. ‘ભુલભુલૈયા’ના ડિસ્ટ્રિબ્યુટર અનીલ થડાણી હતા. આ થડાણી સાંઈ ‘પુષ્પા- ટુ’ના પણ ડિસ્ટ્રિબ્યુટર છે. ‘પુષ્પા- ટુ’નો ક્રેઝ જબરો ચાલ્યો, પરંતુ ક્યાંક એનો અંત પણ હોયને? બીજી ફિલ્મો પુષ્પરાજ બૉક્સ ઑફિસ પર ક્યારે સાવેસાવ ઝૂકી જશે એની રાહ જોવામાં તો માને નહીં?
આ પણ વાંચો : ‘માં’ સે સિનેમા તક!
આથી ગયા અઠવાડિયે ડિઝનીની ‘મુફાસા’ રિલીઝ થઈ અને આ અઠવાડિયે વરુણ ધવનની ‘બેબી જ્હોન’. હવે થડાણીભાઈએ જેવી ‘બેબી’ જ્હોનની ડિલિવરી, સોરી, રિલીઝ ડેટ નજીક આવી એટલે રંગ દેખાડવાનો શરૂ કરી દીધો. એમણે ‘સિંઘમ અગેઈન’ સામે જે પ્રકારની ‘દાદાગીરી’ દેખાડી હતી એવી જ દાદાગીરી આ વખતે પણ દેખાડવાનો પ્રયાસ કર્યો.
‘સિંઘમ’ વખતે તો એમણે ‘ભુલભુલૈયા’ જે મલ્ટીપ્લેક્સ દેખાડશે એને ‘પુષ્પા- ટુ’ જરૂર આપવામાં આવશે એવી લોલીપોપ પકડાવી દીધી. આ વખતે અનીલ થડાણીએ ‘બેબી જ્હોન’ જેટલાં જ સ્ક્રીન ‘પુષ્પા- ટુ’ ને પણ આપવાની માગણી કરી દીધી. સામે ‘નહીં તો…’ આવું પણ કહ્યું, પરંતુ આ વખતે ‘પુષ્પા- ટુ’નાં બે અઠવાડિયાં ઑલરેડી નીકળી ચૂક્યાં હતાં. આથી પીવીઆર જેવી ચેઇને થડાણીની આંખ દેખાડવાની વૃત્તિ-પ્રવૃતિ સામે પોતે આંખ દેખાડી. પીવીઆરે સ્પષ્ટ કહી દીધું કે, ‘જુઓ બોસ, અમને યોગ્ય લાગશે એ રીતે અમે કરીશું.’
પરિણામે પહેલાં તો પીવીઆરે ગત શુક્રવારે સમગ્ર દેશમાં પોતાની ચેઈનમાંથી ‘પુષ્પા- ટુ’ હટાવી લેવાનો નિર્ણય જાહેર કરી દીધોને અંતે થડાણી સાંઈ ‘ઝૂક ગયા’ અને ‘બેબી જ્હોન’ પીવીઆરમાં પુષ્પાની હાજરી સાથે રિલીઝ પણ થઈ. જોકે ‘બેબી જ્હોન’ના રિવ્યુઝ જોતાં એવું લાગે છે કે અનીલ થડાણી અત્યારે મૂછમાં જરૂર હસતા હશે!
‘મુન્નાભાઈ’ તથા ‘થ્રી ઈડિયટ્સ’ પાછા આવે છે…
વિધુ વિનોદ ચોપરાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં મહત્ત્વની એવી જાહેરાત કરી હતી કે ‘એ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ અને ‘થ્રી ઈડિયટ્સ’ની સિક્વલ લખી રહ્યા છે.’ આ ઉપરાંત બાળકો માટે પણ એ એક ફિલ્મ લખશે વત્તા અને એક હોરર કોમેડી પણ લખશે…!
આમ જુઓ તો ‘થ્રી ઈડિયટ્સ’ની સિક્વલ બને એની કોઈ જ વાત મૂળ ફિલ્મને રિલીઝ થયે આટઆટલાં વર્ષો વીતી ગયાં તોય ક્યાંય ક્યાંએય થઈ નથી. હા, ‘મુન્નાભાઈ ચલે અમેરિકા’ નામની ફિલ્મની જાહેરાત ઉપરાંત એનું ટિઝર સુદ્ધાં રિલીઝ કરી દેવામાં આવ્યું હતું,
આ પણ વાંચો : સિક્વલમ્ શરણમ્ ગચ્છામિ…
પરંતુ પછી સંજય દત્ત ચલે ગયે જેલ એટલે આ વાત આગળ વધી શકી ન હતી. વિધુ વિનોદ ચોપરાની આ જાહેરાતમાં આ બંને ફિલ્મ્સના ચાહકોને આનંદ થાય એના કરતાં કદાચ એક-બે પ્રશ્ન પણ જરૂર ઊભા થશે એવું લાગે છે.
વાત એવી છે કે શું ‘ટ્વેલ્થ ફેલ’ની અચાનક સફળતાએ વિધુ વિનોદ ચોપરાને વધુપડતા ઉત્સાહી બનાવી દીધા હોય એવું નથી લાગતું? ઉપરાંત સિક્વલ અને યુનિવર્સની હોડમાં એમને પણ પોતાની હોડી પાર લગાવી દેવી હોય એવો આભાસ નથી થતો?
ત્રીજું અને સહુથી મહત્ત્વનું, આ ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું છે કે પોતે મુન્નાભાઈ અને થ્રી ઈડિયટ્સની સિક્વલ લખી રહ્યા છે. આપણને ખબર છે કે આ બન્ને ફિલ્મ મૂળ તો રાજકુમાર હિરાણી અને અભિજાત જોશીએ લખી હતી તો પ્રશ્ન એ છે કે, શું વિધુ વિનોદ ચોપરાએ આ બંનેથી છેડો ફાડી દીધો છે અને ઉત્સાહમાં આવી જઈને જાતે જ એ બંને માસ્ટર ક્લાસની સિક્વલો લખવા બેસી ગયા છે?
રામ કપૂર… ક્યા સે ક્યા હો ગયા?
‘યુધરા’ નામની ફિલ્મ આવી હતી, યાદ છે? નહીં જ યાદ હોય, કારણકે એ ફિલ્મ ક્યારે આવી ને ક્યારે જતી રહી તેની કોઈને ખબર નથી. ખેર, આ ફિલ્મમાં એક્ટર રામ કપૂર છેલ્લી વખત દેખાયા હતા. પછી ઓટીટી પર આવેલી ‘જ્યુબિલી’માં ઝળક્યા ને ત્યાર બાદ એ ક્યાં જતા રહ્યા તેની કોઈને ખબર ન હતી. સોશિયલ મીડિયાથી પણ રામભાઈ દૂર થઈ ગયા. ‘નક્કી કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ’ એવું તમે જો વિચારતા હો તો થોભો…
વાત જાણે એમ છે કે, આ આખો સમય રામ કપૂર પોતાના શરીરને ટ્રીમ કરવામાં વ્યસ્ત હતા. હા જી! આ અઠવાડિયે રામ કપૂર ‘ઇન્સ્ટાગ્રામ’ પર પરત આવ્યા અને એમણે પોતાના 42 કિલો ઓછા શરીર અને પત્ની ગૌતમી કપૂર સાથેના ફોટા શેર કર્યા છે!
આ ફોટા જોઈને લાગે છે કે રામ કપૂરે ખરેખર પોતાનું વજન ઉતારવા માટે જબરદસ્ત મહેનત કરી હશે. એક સમયે એમનું જબરું બોડી શેઇમિંગ થયું હતું, પરંતુ હવે ફિટ એન્ડ ફાઈન રામ કપૂરને જોઈને એમના ગોળમટોળ શરીરની આકરી ટીકા કરનારા પણ અવાક થઈ ગયા હશે…
આ પણ વાંચો : શત્રુઘ્ન પુત્રી સોનાક્ષીનું ‘ખામોશ!’
કટ એન્ડ ઓકે..
‘હું હમણાં ત્રણ ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું!’
(હમણાં જ અવસાન પામેલા શ્યામ બેનેગલે તાજેતરમાં પોતાના 90મા બર્થ-ડેની ઉજવણી વખતે આ કહ્યું હતું!)