મેટિની

પુન્વિરી થતુ કોંચીકો, મુન્થિરી મુત્થમ ચિન્થીકો

ગુલઝાર ગીતગાથા-ર

ફિલ્મનામા – નરેશ શાહ

મણીરત્નમ અને શાહરૂખ ખાનની ૧૯૯૬માં આવેલી દિલ સે ફિલ્મનાં ગીતો તમે ન સાંભળ્યાં હોય તો આગળ વાંચવાનું તમે મુલત્વી રાખજો કારણકે, દિલ સે ફિલ્મથી એ વાત ડંકે કી ચોટ પર કહેવાવા લાગી હતી કે એ. આર. રહેમાન સંગીતકાર તરીકે અજેય અને વન એન્ડ ઓન્લી જ છે. આ ફિલ્મનાં ગીતો ગુલઝારસાહેબે લખ્યાં હતાં. દિલ સે ફિલ્મનું એક ગીત હતું : એ અજનબી, તું ભી કભી આવાઝ દે કહી સે… ઉદીત નારાયણે આ ગીત ગાયું હતું. તેના રેર્કોડિંગ માટે ઉદિત નારાયણ ચેન્નાઈ ગયા હતા. રહેમાનના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરીને તેઓ મુંબઈ આવી ગયા. તેના બે ચાર દિવસ પછી રહેમાને ગુલઝારસાહેબને ફોન કરીને એ અજનબી ગીત આખું ટેલિફોન પર સંભળાવ્યું અને રિક્વેસ્ટ કરી કે આ ગીતમાં જયાં મ્યુઝિકના પીસ આવે છે ત્યાં મારે લેડિઝનો વોઈસ વાપરવો છે પણ એ માટે મને પ (પતંગનો પ) ઉપરથી કોઈ શબ્દ આપો…

ગુલઝારે થોડું વિચારીને તેમને શબ્દો આપ્યાં: પાખી-પાખી પરદેશી. શબ્દો આપીને રહેમાનને સમજાવ્યું કે સંસ્કૃત-બાંગ્લા ભાષ્ાામાં પાખી એટલે પક્ષ્ાી. પાખી પાખી પરદેશીનો અર્થ થાય છે પરદેશી પંખી… એ પછી રહેમાને મહાલક્ષ્મી ઐય્યર પાસે પાખી પાખી પરદેશી ગવડાવીને એ અજનબી ગીતમાં ઉમેર્યું અને તેનો પ્રભાવ કેવો અસરકારક થયેલો, એ ફરી યાદ કરી જોવું હોય તો યુ ટયુબ પર એ ગીત ફરી સાંભળી લેજો પણ અત્યારે આ વાંચવાનું ક્ધટીન્યુ એટલે રાખજો કે આ જ દિલ સે ફિલ્મમાં રહેમાને પ્રથમ વખત લતા મંગેશકર પાસે પણ ગીત ગવડાવ્યું હતું. જીયા જલે, જાન જલે, નૈનોં તલે, ધુંઆ ચલે…

એ. આર. રહેમાન ફિલ્મોનાં ગીતો પોતાના ચેન્નાઈના સ્ટુડિયોમાં જ રેકોર્ડ કરે છે અને ગાયકે ચેન્નાઈ જઈને જ ગીતનું રેકોર્ડિંગ કરાવવાનું હોય છે. લતાજી પણ તેમાંથી બાકાત નહોતાં. લતાજી પણ રહેમાનના મ્યુઝિકનો પ્રભાવ સમજી ચૂક્યાં હતાં, કારણકે મણીરત્નમની રોઝા (૧૯૯ર)થી જ હિન્દી બેલ્ટમાં એ. આર. રહેમાનના અલગ બીટ ધરાવતા સંગીતની નોંધ લેવાવા લાગી હતી. જો કે પ્રથમ પાંચ વરસ દરમિયાન રહેમાને લતાજીનો અવાજ વાપર્યો નહોતો. ગુલઝારસાહેબનું કહેવું છે કે રહેમાન ટયૂન બનાવતી વખતે જ મનોમન ગાયક નક્કી કરી લેતાં હોય છે એટલે એ પહેલાં તેમને કદાચ, લતાજીનો અવાજ વાપરવાની આંતર પ્રેરણા નહીં થઈ હોય… એની વે, ગુલઝારસાહેબ પણ લતાજી સાથે જ ચેન્નાઈ ગયા હતા અને જીયા જલે ગીત એક જ દિવસમાં (રિ-ટેક વગર) રેકોર્ડ કરી લેવામાં આવ્યું હતું.

રહેમાનની ગીત રેકોર્ડિંગની સ્ટાઈલ પણ બધાથી જુદી છે. એ ગાયક-ગાયિકાને ગીતની લાઈન અને જરૂરી સૂચના આપીને માઈક રૂમમાં મોકલી દે. ગાયક-ગાયિકાને ગીતની લાઈનો જુદી જુદી રીતે ગાવાનું કહેતા જાય અને એ તમામને રેકોર્ડ કરી, પછી નિરાંતે ટયૂનને માફક આવે અને રહેમાનને પસંદ પડે એ પંક્તિઓ વાપરીને આખું ગીત આઠ-દશ દિવસમાં તૈયાર કરી આપે… દિલ સે ના જીયા જલે ગીત વખતે પણ આમ જ થયેલું, પરંતુ શરૂઆતમાં લતાજી અનકમ્ફર્ટેબલ હતાં, કારણકે રહેમાનના સ્ટુડિયોમાં માઈક રૂમમાં આરપાર જોઈ શકાય, તેવો કાચ નહોતો. એ બંધ સાઉન્ડપ્રૂફ કેબિન જ હતી. ગાયકને અંદરથી બહારનું કશું દેખાય નહીં…

લતાજીને રેકોર્ડિંગ વખતે કાચમાંથી સંગીતકાર-ગીતકારના આંખોના ભાવ જોવાની અને એ જોતાં-જોતાં ગાવાની (જેથી ખબર પડે કે બધું બરાબર જઈ રહ્યું છે ) આદત હતી. રહેમાનના સ્ટુડિયોમાં એ સંભવ નહોતું. થોડીવાર પછી અકળાયેલાં લતાજીએ ગુલઝારને એકલાં બોલાવીને કહ્યું: હું જેલમાં બંધ હોઉં એવી લાગણી મને થઈ રહી છે… ગુલઝાર મનોસ્થિતિ સમજી ગયા એટલે માઈક રૂમના દરવાજા પાસે સ્ટૂલ રાખીને બેસી ગયા, જેથી લતાજી ગાતાં-ગાતાં તેમને જોઈ શકે. લતાજી અને રહેમાન વચ્ચેની કડી હું ત્યારે બની ગયો હતો એવું કહેતાં ગુલઝાર મુંબઈ આવી ગયા પછી ફરી એક દિવસ રહેમાનનો ફોન આવ્યો: મેં એક પુરુષ્ા અને સ્ત્રીના સ્વર રેકોર્ડ ર્ક્યા છે, જેને હું (જીયા જલે) ગીતના બે અંતરાઓની વચ્ચે વાપરવા માંગું છું, પરંતુ તેના શબ્દો મલયાલી ભાષ્ાામાં છે. તમે તેનો હિન્દી ભાષ્ાામાં તરજુમો કરી આપો તો હું એ વાપરું…

જીયા જલે ગીતમાં પુરુષ્ા-સ્ત્રીના અવાજનો પ્રભાવ દેખાડવા માટે રહેમાને ગુલઝારસાહેબને આખું ગીત ફોનમાં સંભળાવ્યું, જેમાં મલયાલી શબ્દો હતા : પુન્ચિરી થતુ કોંચીકો, મુન્થિરી મુત્થમ ચિન્થીકો, મંચની વણં સુન્દરી વાવે… સાંભળીને ગુલઝારસાહેબ કહ્યું કે મને તો (મલયાલી) શબ્દો જ ગીતમાં વધુ મીઠા લાગે છે. મલયાલી ભાષ્ાા અને લોકગીતોનો એક પોતાનો સાઉન્ડ છે, એ એમ જ રહેશે તો ગીત વધુ પ્રભાવી લાગશે.

આખરે રહેમાન-લતાજી-ગુલઝારસાહેબના ત્રિવેણી સંગમના પ્રથમ સોપાનમાં જ એ મલયાલી શબ્દો એમ જ રાખવામાં આવ્યા. જે આપણે સાંભળ્યા અને એકદમ ખોટી રીતે એ શબ્દોને ગાવાની (ખાનગીમાં) કોશિશ પણ કરી છે. ફરી વખત એ ગીત સાંભળવા પર રોકથામ નથી, પણ જિયા જલે ગીત વિશે એ વાત જાણી લો કે એ સ્ત્રીના સુહાગ રાતના મનોભાવને ઉજાગર કરે છે. મલયાલી શબ્દમાં પણ એ જ વાતો છે પણ તેનો તરજુમો ગુલઝારસાહેબે ન ર્ક્યો એટલે આપણને પણ ખબર નથી. શબ્દો કરતાં ક્યારેક શબ્દનો ધ્વનિ અગત્યનો હોય છે, એ વાત જિયા જલે ગીતમાં પુરવાર થાય છે. (વધુ આવતાં શુક્રવારે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…