પૃથ્વીરાજ કપૂરે લીલાવતી મુનશી સાથે જ્યારે રાજ્યસભામાં ચર્ચા કરી
ફિલ્મસ્ટાર કંગના રનૌટ, અરુણ ગોવિલ આ વખતે લોકસભાની ચૂંટણીમાં નવા ચહેરા છે. ૧૯૫૨થી ચિત્રપટ અભિનેતાની હાજરી સંસદમાં જોવા મળે છે
હેન્રી શાસ્ત્રી
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને વિવિધ પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની ઘોષણા વારાફરતી થઈ રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજકારણ તો વર્ષોથી રમાતું આવ્યું છે અને રાજકારણમાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને ચૂંટણીમાં ઊભા રાખવાનો સિલસિલો અનેક વર્ષોથી ચાલતો આવ્યો છે. પૃથ્વીરાજ કપૂરથી શરૂ કરી હેમા માલિની સુધી અનેક ફિલ્મસ્ટારો સંસદ ભવન સુધી પહોંચ્યાં છે. જોકે, કેટલાક તો માત્ર શોભાના ગાંઠિયા જેવા હતા તો કેટલાકે અર્થપૂર્ણ યોગદાન આપ્યું છે. આ વર્ષની લોકસભા ચૂંટણી માટે કંગના રનૌટ, અરુણ ગોવિલ, હેમા માલિની, શત્રુઘ્ન સિંહા, રવિ કિશન વગેરેને ઉમેદવારી મળી છે. ૧૯૫૨માં પ્રથમ લોકસભા અસ્તિત્વમાં આવી એ સમયમાં ફિલ્મ કલાકારો રાજ્યસભામાં નોમિનેટ થતા હતા. ૧૯૮૦ના દાયકાથી ફિલ્મસ્ટારો વિવિધ પક્ષની ટિકિટ પર ચૂંટણી લડી લોકસભામાં નજરે પડવા લાગ્યા છે. આજે આપણે રાજ્યસભા માટે નોમિનેટ થયા હોય એવા અભિનેતા – અભિનેત્રીના કાર્યકાળની અને તેમના યોગદાન વિશે જાણીએ.
લોકસભાની ચૂંટણીમાં ફિલ્મસ્ટારની હાજરી નિયમિતપણે જોવા મળવા લાગી એ પહેલા રાજકારણમાં ફિલ્મ કલાકાર લાવવાની પ્રથા દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ શરૂ કરી હતી. તેમણે એ સમયના અગ્રણી અભિનેતા શ્રી પૃથ્વીરાજ કપૂર (રણબીર કપૂરના પર દાદા)ને રાજ્યસભાની ઉમેદવારી (નોમિનેટેડ) ઓફર કરી હતી. આ ઉમેદવારી કોઈ લ્હાણી નહોતી, બલકે પૃથ્વી થિયેટર્સમાં ભજવાતાં નાટકોમાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાના આદર્શોને પ્રાથમિકતા આપવા બદલ આ સન્માન તેમને મળ્યું હતું.
આમ ભારતમાં પ્રથમ સંસદ સભ્ય બનવાનું બહુમાન શ્રીમાન કપૂરને ફાળે ગયું અને ૧૯૫૨થી ૧૯૬૦ દરમિયાન તેઓ રાજ્યસભામાં હતા. ઓકે, પણ એ આઠ વર્ષમાં તેઓ શોભાના ગાંઠિયા બની રહ્યા કે કશુંક નક્કર યોગદાન આપ્યું એ જાણવું જરૂરી છે. એ સમયમાં કોઈ રાજકારણીએ એવી કોમેન્ટ કરી હતી કે ‘શ્રીમાન પૃથ્વીરાજ કપૂર રાજકારણી નહીં પણ અભિનેતા હોવાથી તેઓ તેમની નિમણૂંક રાજ્યસભામાં કરનારાના કાયમ ગુણગાન ગાશે.’ નોમિનેટેડ સભ્ય કોઈની ભલામણથી આવ્યો હોવાથી તેણે ચીંધેલો માર્ગ અપનાવવો પડે એવો તેમનો ભાવાર્થ હતો. આ પ્રતિક્રિયા સાંભળી પૃથ્વીરાજ કપૂર એટલું જ બોલ્યા કે ‘આવી કોમેન્ટ સાંભળી માઠું ન લાગ્યું પણ અસ્વસ્થ જરૂર થયો.’ નોમિનેટેડ સભ્યોએ કોઈના બોલાવ્યા બોલવું પડે એ વાતનો ઈન્કાર કરી તેમણે જણાવ્યું હતું કે ‘નોમિનેટેડ સભ્યોમાં વૈજ્ઞાનિકો, સાહિત્ય જગતના માણસો, પ્રતિષ્ઠિત ઈતિહાસકારો, કવિઓ, નર્તકો – નૃત્યાંગનાઓ, તેમજ મારા જેવા અભિનેતા પણ હોય છે. દેશના હિતને પ્રાથમિકતા આપવા રાજકારણીનું ધ્યાન દોરવાની જવાબદારી આ નોમિનેટેડ સભ્યોની છે.’ પૃથ્વીરાજ કપૂરનો એક અનન્ય કિસ્સો સ્વર્ગીય રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેમના પુસ્તક ‘ઈન્ડિયા ૨૦૨૦: અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ’માં લખ્યો છે.
રાષ્ટ્રપતિપદની ઉમેદવારી નોંધાવતી વખતે શ્રી કલામે એ કિસ્સો ટાંક્યો હતો. તેમણે લખ્યું છે કે ‘ભારતને આઝાદી મળી ત્યારે હું ૧૬ વર્ષનો હતો. એક દિવસે સવારે મારા વાંચવામાં એક અહેવાલ આવ્યો જેમાં લખ્યું હતું કે ‘સ્વતંત્રતા મળ્યા પછી ઉત્સવનું વાતાવરણ હતું. દેશભરના નેતાઓ દિલ્હીમાં એકઠા થઈ હવે પછી શું કરવું એની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સત્તાના કેન્દ્ર સ્થાનેથી દૂર કોમી હુલ્લડમાં જખ્મીઓની સારવાર કરી તેમને સાંત્વના આપી રહ્યા હતા. પ્રજાના હૈયામાં બિરાજમાન હોય એવો કયો નેતા આવી હિંમત બતાવી શકે? દેશની સમગ્ર જનતાની સુખાકારી હૈયે અંકિત હોય એ જ વિકસિત રાષ્ટ્રની દિશામાં પહેલું પગલું છે.’ આ કિસ્સો રાજ્યસભાના નોમિનેટેડ સભ્ય શ્રી પૃથ્વીરાજ કપૂરે ૧૯૫૩માં સંસદમાં ટાંક્યો હતો જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પર યુવાનીમાં ઊંડો પ્રભાવ છોડી ગયો હતો. પૃથ્વીરાજ કપૂરના આ નિવેદને શ્રી કલામનું જીવન અનુકંપાભર્યું બનાવવામાં નિમિત્ત બન્યું એમ ચોક્કસ કહી શકાય. આ આખીય વાત પ્રેસિડેન્ટની વેબસાઈટમાં અંકિત છે. આ સિવાય તરછોડાયેલા કે અવગણનાં પામેલાં બાળકો માટેના ચિલ્ડ્રન્સ બિલ,૧૯૫૩ અંગે રાજ્યસભામાં થયેલી ચર્ચા દરમિયાન શ્રીમતી લીલાવતી મુનશીએ બાળકો પર પડતી ફિલ્મોની નકારાત્મક અસરનો મુદ્દો ઉખેળ્યો ત્યારે પૃથ્વીરાજ કપૂર ચર્ચામાં સહભાગી થયા હતા. તેમણે ઘણા મુદ્દા રજૂ કર્યા હતા જેમાં એક મુદ્દો એ પણ હતો કે ‘બાળકોની સારસંભાળ કઈ રીતે રાખવી એની તાલીમ માતાપિતાને
આપવી જોઈએ.’ આ આખીય ચર્ચા રાજ્યસભાના ડેટાબેઝ પર ઉપલબ્ધ છે. આના પરથી સિદ્ધ થાય છે કે નોમિનેટેડ સભ્ય હોવા છતાં શ્રી પૃથ્વીરાજ કપૂરનું યોગદાન રચનાત્મક હતું.
પૃથ્વીરાજ કપૂરના ૨૦ વર્ષ બાદ ‘મધર ઈન્ડિયા’ શ્રીમતી નરગિસ દત્તને રાજ્યસભામાં નામાંકિત સભ્યપદ મળ્યું હતું. નરગિસજીનું સંસદ સભ્ય તરીકે કોઈ નોંધપાત્ર યોગદાન એટલા માટે નથી કે તેમનો કાર્યકાળ બહુ જ ટૂંકો હતો. ફિલ્મોને અલવિદા કર્યા પછી શ્રીમતી દત્ત સામાજિક કાર્યોમાં ગૂંથાઈ ગયાં હતાં. સિત્તેરના દાયકામાં સ્પાસ્ટિક સોસાયટી માટે તેમણે ઘણું કામ કર્યું હતું. ત્રીજી એપ્રિલ, ૧૯૮૦ના દિવસે તેમને રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યાં હતાં. જોકે, બીજી ઓગસ્ટ, ૧૯૮૦ના દિવસે રાજ્યસભાનું સત્ર ચાલુ હતું ત્યારે અભિનેત્રી બીમાર પડ્યાં અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કેન્સર થયું હોવાની જાણ થતા તેમને યુએસના ન્યૂયોર્ક શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ત્રીજી મે, ૧૯૮૧ના દિવસે તેમનું અવસાન થયું હતું. રાજ્યસભામાં કેટલાક મુદ્દા રજૂ કરવાની તેમની મનની મનમાં રહી ગઈ.
નરગિસ પછી રાજ્યસભામાં નામાંકન સભ્યપદ મેળવનારા અભિનેત્રી હતાં વૈજ્યંતીમાલા. ભરત નાટ્યમ અને ભારતીય શાસ્ત્રીય નૃત્યકલાનો ફેલાવો કરવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે. આ કારણસર જ ૧૯૯૩ – ૯૯ સુધી તેઓ રાજ્યસભામાં હતાં. એ પહેલા ૧૯૮૫માં કૉંગ્રેસની ટિકિટ પર તેઓ જનતા પાર્ટીના અનુભવી ઉમેદવારને પરાજિત કરી લોકસભામાં ગયાં હતાં. જોકે, ૧૯૯૯માં કૉંગ્રેસ સાથે છેડો ફાડી વૈજ્યંતીમાલા ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા. સોનિયા ગાંધીને આપેલા પત્રમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે ‘રાજીવ ગાંધીના અવસાન પછી પક્ષ તેના સિદ્ધાંતોને ચાતરી આગળ વધી રહ્યો છે. પક્ષના મહેનતુ કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે. આવા વાતાવરણમાં પક્ષમાં મારો આત્મા ડંખે છે અને એટલે હું પક્ષ છોડી રહી છું.’
નૃત્યકલાના પ્રસાર સિવાય કોઈ રચનાત્મક કાર્ય તેમણે સંસદ સભ્ય તરીકે કરી હોવાની સત્તાવાર નોંધ ઉપલબ્ધ નથી. શબાના આઝમી ૧૯૯૭થી ૨૦૦૩ દરમિયાન રાજ્યસભામાં નોમિનેટેડ સભ્ય હતાં. વાચાળ વ્યક્તિત્વ ધરાવતાં શબાના આઝમીનો જેટલો ઘનિષ્ઠ સંબંધ ફિલ્મો સાથે રહ્યો છે એવો જ રચનાત્મક કાર્યો સાથે રહ્યો છે. વિવિધ મુદ્દા ઉઠાવતા તેઓ અચકાયાં નથી.
રાજ્યસભાની વેબસાઇટ પરની માહિતી અનુસાર ‘નામાંકિત સભ્ય શ્રીમતી શબાના આઝમીએ રાજ્યસભાના શિયાળુ સત્ર (૨૦૦૨) દરમિયાન શાળાનાં બાળકો માટેના મધ્યાહ્ન ભોજન યોજનાના અમલીકરણ અંગે કરેલી રજૂઆત અત્યંત પ્રભાવી રહી હતી અને સમગ્ર ગૃહે તેમનું અભિવાદન કર્યું હતું. (ક્રમશ:)