પ્રેમચંદને કહા થા… ઝુબાન કે ટુકડે યાનેં ઝમીન કે ટુકડે!
સંજય છેલ, મુન્શી પ્રેમચંદ
આ ત્યારની વાત છે, દેશના મહાન ઇતિહાસને કાપીકૂપીને વૉટ્સઍપ, ફેસબૂક, ટ્વિટર કે સોશ્યલ મીડિયામાં બેફામ રીતે મૂકવાની નફ્ફટાઇ હજુ આવી નહોતી. ત્યારે હિન્દુસ્તાનમાં એક મહાન હતા: ‘મુન્શી પ્રેમચંદ.’ જે લખતા તો ઉર્દૂ લિપિમાં પણ એના વિચારો હિન્દી ભાષામાં ટપકતા. એ ઉર્દૂ અને હિન્દીની એકતાનું પ્રતીક હતા. પ્રેમચંદ દિવાળી ને ઇદ બંને પર સમાન લખી શકતા ને એમને લાખો લોકો વાંચતા. ત્યારે અને આજેય પ્રેમચંદ હિન્દુસ્તાની/ઉર્દૂ/હિન્દીમાં સૌથી વધારે છપાતા-વંચાતા-લોકપ્રિય શિષ્ટ લેખક હતા – છે ને રહેશે. પ્રેમચંદની રચનાઓ ભારત, પાકિસ્તાન અને બંગલાદેશમાં પણ આજેય શાળ-કૉલેજમાં ભણાવાય છે. બાય ધ વે, આવું સન્માન તો ખુદ નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોરને પણ નથી મળ્યું! જોકે, આવો રાઇટર પ્રેમચંદ, લોકનિંદાની પરવા કર્યા વિના બિન્દાસ સ્ટેજ પર પોતાના ઉદાર વિચારો કહી શકતો.
એક વાર આર્યસમાજ સંસ્થાએ ‘આર્યભાષા’ સંમેલન રાખેલું, જેમાં પ્રેમચંદ અધ્યક્ષ-વક્તા હતા. આર્યસમાજ સંસ્થાએ દેશ અને હિન્દુ ધર્મ માટે જે કાંઇ સારું કર્યું તેના ખૂલીને પ્રેમચંદે વખાણ કર્યાં, લેકિન, કિંતુ, પરંતુ, પણ- પ્રેમચંદે એ વાત પણ કહી કે ‘માત્ર શુદ્ધ હિન્દીને જ ‘આર્યભાષા’નું પદ આપવાની ઘેલછામાં ઉર્દૂને જો બહાર કાઢવામાં – કરવામાં આવશે તો એ મોટી ભૂલ હશે. હવે હિન્દી અને ઉર્દૂ બંને આપણી ભાષાઓ છે અને એ બેઉ ભાષા દ્વારા સમાજે કે દેશનાં બીજા સંઘઠનોએ દેશમાં નવા આધુનિક વિચારો લોકો સુધી પહોંચાડયા છે. માત્ર અને અમુક શબ્દ-સમૂહના થોડા ભેદને બાદ કરીએ તો આમ તો બેઉ એ જ ભાષા છે…’ એ સમયે ‘આર્યસમાજ’ના ચુસ્ત લોકો સામે ઉર્દૂ ભાષાનો મહિમા ગાવો એટલે વાઘને વેજિટેરિયન ખાવા વિશે સમજાવવા જેવું અઘરું કામ! ઑડિયન્સમાં તો સોંપો પડી ગયો. પ્રેમચંદે એ રૂઢિચુસ્ત લોકોને પ્રેમથી સમજાવ્યું કે લોકોને એકમેકથી દૂર ઉર્દૂ-હિન્દી વચ્ચે ભેદ જગાડવાનું પાપ અંગ્રેજોએ કર્યું છે. (એ વખતે પારકા અંગ્રેજો સત્તા જાળવવા માટે આવું કરતા, જે આજે આપણી રાજકીય પાર્ટીઓ કરે છે)
પ્રેમચંદે દાખલા દલીલ સાથે સ્પષ્ટ કર્યું કે ‘યે સારી કરામાત ફોર્ટ વિલિયમ કૉલેજ કી હૈ, જિસને એક હી ઝુબાન યા ભાષા કો દો રૂપ માન જિન હાથોં ને દેશ કી ઝુબાન કે દો ટુકડે કર દિયે ઉસને હમારી કૌમી ઝિંદગી કે ભી દો ટુકડે કર દિયે!’પ્રેમચંદે એ ભાષણમાં ઝનૂની વિચારધારા ઉપર એક પછી એક ફટકા મારતાં કહ્યું કે જે લોકો ‘ખેત’ ને ‘ક્ષેત્ર’, ‘વરસ’ ને ‘વર્ષ’, સૂરજ ને સૂર્ય કે જમુનાને ‘યમુના’ જ હઠીલો આગ્રહ કરે છે એ મોટી ભૂલ કરે છે અને દેશમાં દરાર -તિરાડ પાડે છે. મુન્શી પ્રેમચંદ આવું બધું બેબાક બેધડક કહી શકતા, કારણકે એ એકમાત્ર એવા લેખક હતા, જેને હિન્દુ-મુસ્લિમ બેઉ કૌમ, હિન્દી-ઉર્દૂ બેઉ ભાષા પોતાનો સાચો લેખક માનતાં. ધર્મના મામલામાં પણ પ્રેમચંદ કટ્ટરતાને શ્રાપ ગણતા. અમણે લખેલું: હમારા ધર્મ હમેં યહ સિખાતા હૈ કિ ઇન્સાનિયત ઔર હમદર્દી ઔર ભાઇચારા યે સબ સિર્ફ અપને હી ધર્મવાલોં કે લિયે હૈ, વો સબ પરાયે હૈ ઔર ઉન્હેં ઝિંદા રહને કા કોઇ હક નહીં તો મૈં વૈસે ‘ધર્મ’ સે અલગ કરૂંગા.’
પ્રેમચંદ આવું બધું બેધડક કહી શકતા, કારણ કે એ એક ઇમાનદાર લેખક અને ઈન્સાન હતા. એમની નજર સરકારી અવોર્ડ-રિવાર્ડ પર કે સરકારી મહેરબાની પર કે ગવર્નમેન્ટ ગ્રાન્ટ પર નહોતી ફરતી. લેખક તરીકે કારમી ગરીબીમાં પણ પ્રેમચંદ પર એકેય દાગ લાગ્યો નહોતો. એક તરફ પ્રેમચંદ કટ્ટર હિંદુઓને સમજાવતા તો બીજી બાજુ પણ ધર્માંધ મુસલમાનોને પણ એટલી જ હિમ્મત દેખાડીને
‘મેરે મુસલમાન દોસ્ત મુઆફ (માફ) ફરમાયે, અગર મૈં યે કહૂં કિ વહ હિંદૂ લેખકો સે ઝયાદા, ખતાવાર (દોષી) હૈં… સંયુક્ત પ્રાંત કે ‘કોમન લેંગ્વેજ’ રીડરો કો દેળીયે. ઉસ મેં આપ સહલ (સહેલી) કિસ્મ કી ઉર્દૂ પાયેંગે. હિન્દી કી અદબી (સાહિત્યિક) કિતાબોમેં ભી અરબી ઔર ફારસી શબ્દ ધડલ્લે સે (સતત) જાતેં હૈ. મગર ઉર્દૂ સાહિત્ય મેં ફારસિયત (ફારસી ભાષાપણું) કી ઔર ઝ્યાદા ઝુકાવ હૈ. ઇસ કા સબબ (કારણ) યહી હૈ કિ મુસલમાનોંને હિન્દી સે કોઇ તાલ્લુક નહીં રખા ઔર ના રખના ચાહતે હૈં. શાયદ હિન્દી સે થોડી વાકફિયત (પરિચિતતા) હાંસિલ કરના ભી વે શાન કે ખિલાફ સમઝતે હૈં! જો કી બાત હૈ…’ પોતાના ધર્મ કે પોતાની ભાષાને બીજાની ભાષા કરતાં મહાન સમજનારાઓ માટે લેખક પ્રેમચંદે સ્પષ્ટપણે કહેલું કે ‘હિન્દી એક સંપ્રદાય કે ઘર્મની ભાષા નથી જ નથી…સૌની છે’
‘ભારતીય સાહિત્ય પરિષદ’ની બેઠકમાં એટલે જ પ્રેમચંદે હિન્દી માટે ‘હિન્દુસ્તાની’ ભાષાનો સુઝાવ આપેલો, જેમાં હિન્દી-ઉર્દૂ બેઉ ભાષા હોય અને લિપિ જ હોય – દેવનાગરી હિન્દી! આમાં માત્ર ભાષાની જ વાત નથી, સમાજને એકરંગ કરવાનો આશય છે. ખુદ મહાત્મા ગાંધી પણ ‘હિન્દુસ્તાની’ ભાષા-લિપિના હિમાયતી હતા. પાછળથી 1970-80ના દાયકામાં આ જ વાતને હિન્દી ઉર્દૂના સાહિત્યકાર અને ફિલ્મોના જાણીતા લેખક, બી.આર.ચોપડાની ‘મહાભારત’ સિરિયલનાં શુદ્ધ સંસ્કૃતમય સંવાદો લખનાર રાહી માસૂમ રઝાજીએ પણ હિન્દુસ્તાનીને આપેલું કે ‘ઉર્દૂ ભાષાની રચનાઓ જો હિન્દીમાં છપાશે તો જ ઉર્દૂ ભાષા બચશે’, જે વાતનો કટ્ટર મુલ્લાઓ અને અમુક સાહિત્યકારે વિરોધ કરેલો, પણ આખરે પ્રેમચંદની ‘એક ભાષા-એક લિપિ-એક રાષ્ટ્ર’ જેવી પ્રૅક્ટિકલ રાષ્ટ્રવાદી ભાવનાને ત્યારના કૌમી સંકુચિત હિંદુ-મુસ્લિમ નેતાઓના કુપ્રચારો સામે ટકરાઈને ચૂર ચૂર થઈ ગઈ. પછી સમાજમાં ધર્માંધતા અને વધી ત્યારે પ્રેમચંદે, ‘ભારતીય હિન્દી પરિષદ’ની સ્થાપના કરી. એ ઉપરાંત દેશમાં એકતાનાં ઉદ્દેશ્યથી ‘હંસ’ જેવું સાહિત્યિક સામાજિક મેગેઝિન શરૂ કર્યું, જેને ખૂબ ખોટ ખાઈને પણ ચલાવ્યું, જે હિન્દીના માધ્યમથી દેશનું પહેલું સાહિત્યિક મેગેઝિન હતું! હિન્દી હિન્દુસ્તાની ‘હંસ’ મેગેઝિનનો મુદ્રાલેખ હતો: ‘હમ પહલે હિન્દુસ્તાની હૈ, પીછે કુછ ઔર…! ’ બાય વે, આપણને બધાને હિન્દી દિવસ મુબારક..