સૌથી વધુ ફિલ્મો, સૌથી વધુ ડબલ રોલ ને ટ્રિપલ રોલ, એક જ વર્ષમાં સૌથી વધુ ફિલ્મો…..કોણ છે એ કલાકાર?!

ભારતીય સિનેમાના ઇતિહાસમાં એકએકથી ચડિયાતા કલાકારોએ લોક હૃદય પર રાજ કર્યું છે. હિન્દી ફિલ્મોમાં દિલીપ કુમાર, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનના નામ તરત યાદ આવે, તો દક્ષિણમાં પણ એમ જી રામચંદ્રન, રજનીકાંત, મોહનલાલ, કમલ હાસનના નામ પણ તરત યાદ આવે. એમાં કોઈ શંકા નથી કે આ બધાજ એકએક થી ચડિયાતા કલાકારો અને અતિ લોકપ્રિય સિતારા છે. પણ એક કલાકાર એવા છે, જે આ બધાને આંટી જાય તેવા સુપરસ્ટાર ગણાવાના હક્કદાર કહેવાય તેવા છે. તેમની ફિલ્મી કારકિર્દીનો ઇતિહાસ જોઈએ તો આપણે મોઢામાં આંગળા નાખી જઈએ. ઉદ્દગાર સારી પડે કે, હેં! કોઈ પોતાની કરિકિર્દીમાં આટલું બધું કામ કેવી રીતે કરી શક્યું હશે?!
આ કલાકારનું નામ છે પ્રેમ નઝીર. મલયાલમ ફિલ્મોના આ અભિનેતાના ચાહકો અગણિત હતા.તેમની જબરજસ્ત ફિલ્મી કારકિર્દી જાણવા જેવી છે. પ્રેમ નઝીરનો જન્મ ૭ એપ્રિલ ૧૯૨૭ના રોજ કેરળમાં ૨ ભાઈઓ અને ૬ બહેનોમાં થયો હતો. અહીં નોંધવું જોઈએ કે તેમની જન્મ તારીખ અને વર્ષ વિશે મતાંતર જોવા મળે છે. ક્યાંક તેમનો જન્મ ૧૯૨૬, તો ક્યાંક ૧૯૨૯ હોવાનું પણ કહેવાયું છે. ખેર, જે હોય તે, આપણે તો તેમની રસપ્રદ અભિનય યાત્રાને જાણીએ. પ્રેમ કોલેજ જતાંની સાથે જ થિયેટર ગ્રુપમાં જોડાઈ ગયા. ત્યારથી જ તેમની અભિનય કારકિર્દીની શરૂઆત પણ થઇ ગઈ. તેમના કોલેજના દિવસોમાં પ્રેમે એટલા બધાં નાટકોમાં ભાગ લીધો કે તેણે અભિનયમાં નિપુણતા મેળવી. તેમની કારકિર્દીનું પ્રથમ નાટક ધ મર્ચન્ટ ઓફ વેનિસ (૧૯૫૧) હતું, જેના માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. તેના બીજા જ વર્ષે, એટલે કે ૧૯૫૨માં આવેલી ફિલ્મ મારુમકલથી પ્રેમે ફિલ્મોમાં પ્રવેશ કર્યો. પહેલી જ ફિલ્મમાં તેમને અબ્દુલ કાદરના નામે ક્રેડિટ મળી, જે તેમનું અસલી નામ હતું. તેણે આ વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ વિસાપિંટે વિલીથી લોકપ્રિયતા મેળવી હતી. અને આ ફિલ્મથી જ તેમને નામ મળ્યું ‘પ્રેમ નઝિર’.
પ્રેમનો અભિનય શરૂઆતથી જ એટલો અસરકારક હતો કે કરિકિર્દીની શરૂઆતથી જ તેમને ચાહકોનો પ્રેમ મળવા માંડ્યો. રોમેન્ટિક હીરો તરીકે તેમની ઓળખ સ્થાપિત થઇ, પણ સાથે લાગણી સભર પાત્રોમાં આંખો ભીની કરે તેવા અભિનયમાં પણ એટલા ખીલ્યા કે મહિલાઓમાં તેઓ ખૂબ લોકપ્રિય થયા. પ્રેમ નઝીરની સ્ટેજની પૃષ્ઠભૂમિ અને મલયાલમ ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વએ તેમને તેમના પ્રેક્ષકોના દિલ જીતવામાં મદદ કરી. ૧૯૫૦ના અંત થી લઈને સાઠ અને સિત્તેરના દાયકામાં તેમણે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રીતસરનું રાજ કર્યું. મલયાલમ સિનેમાને ભારતમાં એક પ્રતિષ્ઠાસભર સ્થાન અપાવવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. નઝીર ફિલ્મ ઇરુટિંટે અથમાવુ (૧૯૬૭) દ્વારા ભારતના શ્રેષ્ઠ કલાકારોની હરોળમાં પહોંચી ગયા. એક ઉન્માદિત યુવાન – વેલાયધનની ભૂમિકા ભજવતા, પ્રેમ નઝીરે એક મહાન તીવ્ર નાટ્યાત્મક અભિનેતા તરીકેની તેમની પ્રતિભા લોકો સમક્ષ રજૂ કરી. ઘણા વિવેચકોએ આ ભૂમિકાને તેમની શ્રેષ્ઠ કૃતિ તરીકે અને અત્યાર સુધીના શ્રેષ્ઠ ઓનસ્ક્રીન પ્રદર્શનમાંના એક તરીકે મૂલ્યાંકન કર્યું છે. તેમણે મલયાલમ સિનેમાની સૌ પ્રથમ ક્રાઇમ બેઝડ શ્રેણી સી.આઈ.ડી. માં પણ કામ કર્યું હતું.
પ્રેમ નઝીર એટલી હદે લોકપ્રિય હતા કે દરેકે દરેક ફિલ્મ નિર્માતા- દિગ્દર્શક તેમને પોતાની ફિલ્મમાં લેવા માગતા હતા. પ્રેમે એટલી ફિલ્મોમાં અભિનય કર્યો કે આપણને થાય, એમને શ્ર્વાસ લેવાનો ક્યારે સમય મળતો હશે? ૧૯૭૯માં તેમની અધધ ૩૯ ફિલ્મો રિલીઝ થઈ હતી જે એક રેકોર્ડ છે.
તેમણે સૌથી વધુ, અર્થાત લગભગ ૭૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ દરમિયાન તેમણે લગભગ ૮૫ જેટલી હિરોઇનો સાથે કામ કર્યું, એ પણ પાછો એક રેકોર્ડ છે. સૌથી વધુ ડબલ રોલ, સૌથી વધુ ટ્રિપલ રોલ કરવાનો રેકોર્ડ પણ પ્રેમ નઝીર ધરાવે છે. તેમના નામે એક બીજો રેકોર્ડ છે, એક જ હિરોઈન, નામે શીલા, સાથે ૧૩૦ જેટલી ફિલ્મો કરવાનો. નવાઈ નથી કે તેમને લોકો અત્યંત પ્રેમથી નિત્યાહરિથાનાયકન (ધ એવરગ્રીન હીરો) તરીકે બોલાવતા.
પ્રેમ નઝીર, તેમના અભિનય કૌશલ્ય અને પરોપકારી પ્રયાસો બંને માટે પ્રખ્યાત છે. કેટલાક તો ત્યાં સુધી કહે છે કે એ ચર્ચાનો વિષય છે કે તેઓ એક અભિનેતા તરીકે વધુ ઉત્તમ હતા કે માનવતાવાદી તરીકે વધુ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેઓ એવા અભિનેતા હતા જેમની ફિલ્મ ફ્લોપ થાય તો તરત જ નિર્માતાને બીજી ફિલ્મ શરૂ કરવા કહેતા. તે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી તારીખો કાઢીને તે નિર્માતાની ફિલ્મો કરતા હતા, જેથી તે ખોટની ભરપાઈ કરી શકે. દિગ્દર્શક શશીકુમારની મદદથી, પ્રેમ નઝીરે મલયાલમ ઉદ્યોગના દરેક નાદાર નિર્માતાઓને નાણાકીય મદદ પૂરી પાડી, જેથી તેઓ તેમની કારકિર્દી ફરી શરૂ કરી શકે.