આજના પ્રી-વેડિંગના જમાનામાં પ્રી-અંડરસ્ટેન્ડિંગની વધુ જરૂર છે!
અરવિંદ વેકરિયા
પહેલું જી.આર. પૂરું થયું, પણ એ હજી વધુ સારું થાય એવી ઈચ્છા તો હતી. કહે છે ને કે ભિક્ષાપાત્ર ભરી શકાય, પરંતુ ઇચ્છાપાત્ર ક્યારેય ભરી શકાતું નથી. આ જાણવા છતા મને થતું હતું કે નાટક હજી વધુ સારી રીતે કરી શકાય એના બે કારણ પ્રબળ હતા. એક તો આજ કથાવસ્તુ સાથે રજૂ થયેલ ‘છાનું છમકલું’ ની નિષ્ફળતા જોઈ લીધી હતી, અને બીજું કે જી.આર.માં અનુભવી ભટ્ટસાહેબ આવ્યા હોત તો એમની પારખું નજરે નાટકમાં રહી જતી કોઈ ક્ષતિ પારખી લીધી હોત, કારણ હું તખ્તા પર મુખ્ય રોલ ભજવતો હોઉં ત્યારે અમુક ભૂલ મારાથી નજરઅંદાઝ થઈ પણ ગઈ હોય ! આ બધી કસર હવે કાલે ભટ્ટસાહેબ આવે ત્યારે કાઢીશ એવી વાત મગજમાં ફીટ કરી લીધી. હું તો રાજેન્દ્ર અને તુષારભાઈનાં પોઈન્ટ્સ, જે એમણે જી.આર. પછી
કહેલા એ કલાકારો સાથે ડિસ્કસ કરી જોઈતી સલાહ એમને આપી દીધી હતી, પણ સમજવું એ સમજાવવા જેટલું સહેલું નથી હોતું.
બીજે દિવસે ઘરે હું સ્ક્રીપ્ટ લઈને બેસી ગયો. રિહર્સલમાં સાંજે ચાર વાગે હિન્દુજા પર પહોંચવાનું હતું. મોટી શાંતિ એ હતી કે ‘કિશોર દવે બરાબર’ રહેતા હતા. નાની=મોટી વાતો પર હું જાજું ધ્યાન નહોતો આપતો.આજના પ્રી-વેડિંગનાં જમાનામાં
પ્રી- અન્ડરસ્ટેન્ડિંગ ની વધુ જરૂર છે એ વાત મને સમજાય ગઈ હતી. ‘મનમાં માત્ર નાટક’ ની ગાંઠ વાળી મારું કામ કરતો રહેતો. છતાં
કબૂલ કરું છું કે છાનો ભય તો રહ્યાં જ કરતો. માણસ બે પ્રકારના હોય છે, એક એ જ્યાં જાય ત્યાં ‘આનંદ’, અને બીજો, માણસ જ્યાંથી જાય ત્યાં ‘આનંદ’. હવે કિશોરભાઈને કયા ખાનામા મુકવા એ વિચાર ઘડીભર આવી જતો, પણ વળતો વિચાર એમની મહેનત અને એમની આવડત યાદ આવતા જ ખાનાની વાત ભૂલાય જતી અને અર્જુનના ‘નિશાન’ ની નજરથી માત્ર નાટક દેખાવા લાગતું. પારકા માટે પગથિયું ન બની શકો તો કંઈ નહિ, પણ ચાલનારા માટે ખાડા રૂપ તો ન જ બનવું જોઈએ. એની વે, હું ૩.૩૦ વાગે હિન્દુજા પર પહોંચી ગયો. આશ્ર્ચર્ય વચ્ચે ભટ્ટસાહેબ અને તુષારભાઈ આવી ગયા હતા. વધારે નવાઈ એ લાગી કે કિશોર દવે અને કુમુદ બોલે તથા રજની અને સોહિલ વિરાણી પણ હાજર હતા.
ભટ્ટ સાહેબને આગલા દિવસના જી.આર. ની વાત વિસ્તૃતમા જણાવી. એક જ આશાએ કે પ્રેરણા, પ્રોત્સાહન અને સાથે આપણો પ્રયાસ ઘણું સારું પરિણામ આપી જાય છે.
પાંચેક વાગે તો રાજેન્દ્ર શુકલ પણ આવી ગયો. ત્યાં સુધીમાં લાઈટો અને મ્યુઝિક બંને સેટ થઇ ગયા. કુમુદ બોલે અને રજની મેક-અપ અને ડ્રેસ સાથે તૈયાર હતા. પહેલા સીનમાં હું, કિશોર દવે અને રાજેશ મહેતા હતા. થોડીવારમાં અમે પણ તૈયાર થઇ ગયા.
બધી તૈયારી થતા ભટ્ટ સાહેબે જી.આર. શરુ કરવા કહ્યું, ત્યારે લગભગ ૬ વાગવા આવ્યા હતા. રિહર્સલ, શો માફક જ શરૂ થતા, ભટ્ટ સાહેબ, રાજેન્દ્ર શુકલ અને તુષારભાઈ, હાથમાં પેન-પેડ લઇ ત્રીજી હરોળમાં ગોઠવાય ગયા. રિહર્સલ શરૂ થયા અને કોઈ પણ જાતની રુકાવટ કે રોકટોક વગર પહેલો અંક પૂરો પણ થઇ ગયો. માત્ર ભરત જોશીએ એન્ટ્રી થોડી મોડી કરી, એ કદાચ
પ્રોડક્શનનાં કોઈ કામમાં અટવાયો હશે પણ બહુ જાજો ફરક ન પડ્યો એ વાતનો આનંદ રહ્યો. ભટ્ટસાહેબે બધાની નાની-મોટી ભૂલો, કઈ જગ્યાએ કોણ રીએક્શન ચુક્યું એ બધું વિગતે સૌને સમજાવ્યું. થોડાં વ્યક્તિગત સૂચનો પણ મને કહ્યા. ચા-પાણીનાં બ્રેક પછી ફરી બીજા અંકના શ્રી ગણેશ કર્યા. બીજો અંક સ્મૂથ તો ગયો, પણ પહેલા સીનમાં ‘સીન-ડ્રોપ’ વખતે આવતો રતન અને બીજા અંકના અંતમાં
પીઠમાં ખોસેલા ચપ્પુ સાથે આવતા કિશોર દવે, આ બે વખતે લાઈટ અને મ્યુઝિકનું સિંક્રોનાઈઝેશન ન થયું.
બીજો અંક પૂરો તો થયો પણ ભટ્ટસાહેબના હિસાબે પરફોર્મન્સને કારણે ‘ગ્રીપ’ થોડી છૂટી ગઈ હોય એવું લાગ્યું. ભટ્ટસાહેબે મને એ ‘રીપેર’ કરવાનું કહ્યું.એ પછી ત્રીજો અંક જે પ્રમાણમાં નાનો હતો, એ શરૂ કર્યો. એના છેલ્લા સીનમાં એવું હતું કે એક ગુંડો. જે નાનો રોલ મિત્રભાવે રાજેન્દ્ર શુકલ ભજવતો હતો-એ મને બેભાન કરી, ખુરસી પર બેસાડી બાંધી દે છે. ઘરમાં અંદરની રૂમમાં ચોરી કરવા જતા એનું ધ્યાન મારી પત્ની (કુમુદ બોલે) પર પડતા એ ચાકુ બતાવી ‘રેપ’ કરવા જાય છે અને ઝપાઝપીમાં ચાકુ મારી પત્નીના હાથમાં આવી જતા એ રણચંડી બની ચાકુ પેલા ગુંડાનાં પેટમાં હુલાવી દે છે.
બીજું, બીજા અંકના ડ્રોપ વખતે પીઠમાં ખંજર સાથે પ્રવેશતા કિશોર દવે, આ બંને સીન્સ ટેકનિકલ હોવાથી ભટ્ટસાહેબે એ બંને સીન્સ
પોલીશ્ડ કરવાનું કહ્યું. એ પછી ભટ્ટસાહેબ ઘરે જવા નીકળી ગયા. ત્યારે લગભગ રાતનો એક વાગ્યો હશે. અમે ડિનર-બ્રેક
લીધો. ભટ્ટસાહેબના સૂચને બધાના જીવ પડીકે બાંધી દીધા હતા. ફરી નિષ્ફળતા મળશે કે શું?. એ સંશય બધાના મોઢા ઉપર
દેખાય રહ્યો હતો. મેં ભટ્ટસાહેબે કરેલા સૂચન ફરી કરવાનો વિચાર થોડા સંકોચ સાથે બધા સામે મુક્યો. સમય જોતા મને
વિશ્ર્વાસ નહોતો. આમ પણ લોકો કેલેન્ડરની જેમ જીવતા થઇ ગયા છે. જરાક વિચારીએ ત્યાં તો વાર અને વ્યવહાર બદલાય જાય, પણ સુખદ આશ્ર્ચર્ય વચ્ચે બધા કલાકારોએ એક અવાજે કહ્યું, ભલે સવાર પડે, શો તો સાંજનો છે, થોડો આરામ કરી શો ‘ઝક્કાસ’ રીતે ભજવીશું.’.
એ રતનનો બીજા અંકનો પહેલા સીનનો ડ્રોપ, બીજા અંકના કિશોર દવેનું પીઠમાં ખંજર સાથે થતું મર્ડર અને ત્રીજા અંકનો ‘રેપ’ અને રાજેન્દ્રના મર્ડરનો સીન, આ બધા ફરી ભજવ્યા ત્યારે સંતોષ થયો. રાતના લગભગ ત્રણ વાગી ગયા હતા. બધા કલાકારોને ધનવંતભાઈ ટેક્ષીમાં મૂકી આવ્યા. થોડું મ્યુઝિક અને લાઈટ્સ માટે ડિસ્કસ કરવા હું અને રાજેન્દ્ર બંને બેઠા. તુષારભાઈ અને ભજો પણ નીકળ્યાં. ધનવંતભાઈ ટાઉનમા જ રહેતા હતા એટલે અમારી સાથે બેઠા. રાજેન્દ્રએ ગુંડા તરીકે પોતાના જ પેન્ટ-શર્ટ પહેરેલા. મેં પણ મારા નાટકના કોસ્ચ્યુમ કાઢી મારા પોતાના પેન્ટ-શર્ટ પહેરી ફરી સીન ભજવેલો એટલે અમારા બંનેનાં કપડાં ખરાબ ધૂળવાળા થઇ ગયાં હતાં, એમાં શર્ટ તો ખાસ. સવારે પ્રાર્થના સમાજ પાસે વહેલી સવારે દુકાન ખુલતા ઉપરના પહેરણ લીધા. એ પહેરી, શર્ટને બેગમા નાંખી પોતપોતાને ઘરે રવાના થયા. જતા જતા એ વાતનો સંતોષ હતો કે ભટ્ટસાહેબની સલાહને અમલમાં મૂકી શક્યા. જો હારવું જ પડે તો હિંમતથી હારજો પણ હિંમત ક્યારેય ન હારતા.... કોઈએ કહેલું આ વાક્ય
મમળાવતો હું ટ્રેનમાં બેઠો.
થોડો જાજો હિસાબ તો આપો,
ખોટો સાચો જવાબ તો આપો.
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
-ઘાયલ
બાપુ સિંહનો શિકાર કરવા ગયા. બીજા દિવસે જંગલખાતામાંથી ફોન આવ્યો કે “બાપુ મૃત્યુ પામ્યા છે. એમની બોડી મોકલી આપી છે. કોફિન ગામમાં આવ્યું. ખોલ્યું તો એમાં સિંહની લાશ હતી. જંગલખાતામાં ફોન કર્યો કે, ભાઈ. આ કોફીનમાં તો ભૂલથી સિંહની બોડી આવી છે. જંગલખાતાએ કહ્યું, “કોઈ ભૂલ નથી થઇ, કોફીનમાં સિંહ છે અને સિંહમાં બાપુ છે.