મેટિની

આકાશનો ટુકડો

ટૂંકી વાર્તા -રાજેશ અંતાણી

અચાનક આંખ ખૂલી ગઈ.

આજુબાજુ જોયું તો – આસપાસ અંધકાર. અત્યારે રાત છે કે દિવસ એ નક્કી કરી શકાતું ન હતું. અડધી ખુલ્લી બારીમાંથી આકાશનો ટુકડો દેખાતો હતો. કાળા ડિબાંગ આકાશનો ટુકડો. બહાર ધીમી ધારે વરસાદ પડે છે કે શું?

હર્ષને બારી પાસે ઊભા રહીને વરસાદને જોવાની ઈચ્છા ન થઈ. અહીં પડતા વરસાદ સાથે એ મનથી કોઈ આત્મીય ભાવ ગોઠવી શકતો ન હતો. અહીંથી થોડે દૂર શહેરની હદ પૂરી થાય છે. ખુલ્લા માર્ગની સમાંતર ટેકરીઓની કતાર શરૂ થાય છે. ટેકરીઓની વચ્ચે તળાવ છે. ટેકરીઓ પરથી સરકતું વરસાદનું પાણી તળાવમાં ભળે છે. હર્ષ તળાવ તરફ ઘણી વાર ફરવા ગયો છે. કોઈએ કહ્યું હતું કે આ તળાવમાં પાણી વરસ સુધી તો ટકે છે. શિયાળામાં તળાવની સપાટી સ્થિર થઈને થીજી જાય છે. કેટલાંક સફેદ પક્ષીઓ તરતાં દેખાય છે. એ અહીં આવ્યો ત્યારે ધીમી ધારે વરસાદ પડતો હતો… કદાચ એ આવતી કાલે અહીંથી જશે ત્યારે પણ ધીમી ધારે વરસાદ પડતો હશે.

હર્ષ પથારીમાં બંધ આંખોએ કેટલાંક દૃશ્યો જોવા લાગ્યો. બહાર પડતાં વરસાદની ભીનાશ એ અનુભવી રહ્યો. બારીમાંથી આવતા ભીના પવનની લહેરખી શરીરને સ્પર્શતા એ ઝણઝણી ઊઠતો હતો. અત્યારે આવો જ વરસાદ એના વતનમાં પડતો હોય તો? વતનનાં દૃશ્યોને એ બંધ આંખોમાં ખેંચવા મથતો રહ્યો. એ વતનથી એટલો બધો દૂર નીકળી ગયો છે કે વતનનાં દૃશ્યો બંધ આંખોમાં પણ મેળવી શકતો નથી. અંદરથી વતનનું ખેંચાણ ઊછળી આવ્યું. આજે તો જવું જ પડશે.

હર્ષ સફાળો પથારીમાં બેઠો થઈ ગયો. ઘડિયાળમાં જોયું તો પરોઢના સાડા ચાર વાગ્યા હતા. એ આસપાસ જોવા લાગ્યો. ધીમી ધારે વરસતા વરસાદ અને વહેતા પાણીનો અવાજ એ અનુભવવા લાગ્યો.

ત્રણ વર્ષથી એ અહીં આવ્યો છે – અમરેલી. આ રૂમમાં જ ગોઠવાઈ ગયો છે. અહીં આવ્યો ત્યારે વિચિત્ર દ્વિધાભાવ લઈને આવ્યો હતો. કંઈ ગમતું ન હતું. સજારૂપે અહીં આવ્યો હોય એમ રહેતો હતો.
રજાઓમાં વારંવાર વતન જઈ આવતો. પછી એવું બન્યું કે:
ધીમી ધારે વરસતા વરસાદમાં સરગવાનું ઝાડ ભીંજાય છે.

સરગવાના ઝાડ નીચે કોઈ ઊભું છે – એની રાહ જોતું.

હર્ષ ચમકી ગયો.

બાજુમાં પડેલી પાણીની બોટલ ઉઠાવીને પાણી ગટગટાવી ગયો.

અંદરથી થતી રાહત અનુભવી. આંખો સામે એના વતનના ઘરનું દૃશ્ય આવી ગયું. મીતા ગાઢ નિદ્રામાં સૂતી હશે અને એ અહીં જાગી રહ્યો છે. રાતે મીતા સાથે સેલફોન પર કરેલી વાતો યાદ આવી ગઈ. મીતાનો અવાજ, ઘરના આસપાસનો અવાજ.

મીતા હસતે ચહેરે સામે ઊભી હોય એવું દૃશ્ય – ભીના પવનની જેમ એને અંદર હચમચાવી ગયું.

એ અહીં આવ્યો તે પહેલાંનું દૃશ્ય એની આંખો સામે આવ્યું. એ ઓફિસેથી પાછો ફર્યો હતો. ઘરમાં અંધારું હતું. હર્ષને નવાઈ લાગી હતી. સાંજે ઓફિસેથી પાછો ફરતો ત્યારે ઘરમાં અજવાળું પથરાયેલું હોય. એ અંધારામાં બારણા વચ્ચે સ્થિર ઊભો. મીતાને પ્રશ્ર્ન પૂછે એ પહેલાં જ મીતાએ કહી દીધું: ‘લાઈટ ક્યારનીય વઈ ગઈ છે!’ પછી રોકાઈને હર્ષ સામે જોઈને કહ્યું: – ‘પણ તમારા મોઢાની લાઈટ કેમ વઈ ગઈ છે?’

હર્ષ ધીમા પગલે આવીને ખુરશી પર બેસી ગયો. આજુબાજુ જોવા લાગ્યો. રસોડામાંથી કૂકરની વ્હિસલનો અવાજ આવ્યો. એણે ઊંડો શ્ર્વાસ લીધો પછી કહ્યું: ‘થોડા દિવસો પહેલાં પ્રમોશનનો ઓર્ડર આવ્યો હતો એને અનુસંધાને અહીંની ઓફિસે મને છૂટો કરી દીધો છે.’

‘ને હવે? શું કરશો?’

‘અમરેલી – અમરેલી હાજર થવું પડશે.’

‘કાલ હવારે વયા જશો?’

હર્ષ મીતાના નિર્દોષ ચહેરાને જોઈ રહ્યો. એ અંદરથી ગમગીન થઈ ગયો હતો. નોકરીના ભાગરૂપે આવતી આ પ્રકારની પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો જ હતો.

‘શું વિચારો છો?’

‘કાંઈ નહીં – આવતી કાલે સવારે અમરેલી જવા નીકળી જઈશ – ત્યાં હાજર થઈને થોડા દિવસો માટે અહીં આવી જઈશ. થોડો સમય તો અહીં આવવાનું થશે. ત્યાં રહેવાનું પણ ગોઠવવું પડશે ને?’
‘આંઇની કાંય ચિંતા નો કરતા – લ્યો, લાઈટ આઈવી – તમારા માટે ચા લઈ આવું-’ મીતાએ કહ્યું પણ એના અવાજમાં ભીનાશ હતી.

હર્ષ મીતાને જતી જોઈ રહ્યો.

એ રાતે હર્ષ ઊંઘી શક્યો ન હતો.

બીજે દિવસે સવારે હર્ષ અમરેલી જવા નીકળી ગયો હતો. ત્યાં થોડા દિવસ રોકાઈને પાછો વતન આવ્યો હતો. અઠવાડિયું રોકાઈને ફરી અમરેલી ગયો હતો.

એ સીધો ઓફિસે જ ગયો.

સહકર્મચારી મહેતાએ કહ્યું -‘સર! આવી ગયા! તમારા માટે રૂમની વાત એક જગ્યાએ કરી છે. સાંજે એ રૂમ જોઈ આવશું – તમને ત્યાં ફાવે એવું જ છે. મકાન માલિક મારા જાણીતા છે.’ હર્ષ સહકર્મચારી તરફ આભારવશ થઈને જોવા લાગ્યો ત્યાં સહકર્મચારી ત્યાંથી ખસી ગયો.

સાંજે સહકર્મચારી મહેતા સાથે વાહન ઉપર બેસીને શહેરથી બહાર આવેલી સોસાયટીના એક મકાન પાસે હર્ષ આવ્યો. વાહન પરથી ઊતરીને આજુબાજુ જોવા લાગ્યો.
મુખ્ય દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. સામે સરગવાનું ઊંચું ઝાડ દેખાયું.

‘દવેસાહેબ…!!’
‘ઓહો… મહેતાભાઈ, આવો આવો.’ કમ્પાઉન્ડમાં ખુરશી પર બેઠેલા દવેસાહેબ એ લોકો સામે આવી ગયા.

‘દવેસાહેબ…આ હર્ષભાઈ શુકલ, પ્રમોશન લઈને અહીં આવ્યા છે – મારી ઓફિસમાં. આપણી વાત થયેલી એ મુજબ. આપના ઉપરના રૂમ માટે ભાડે…’ મહેતાભાઈએ કહ્યું.
‘હા-બરાબર – આવો – આવો – બેસોને’

કમ્પાઉન્ડમાં પડેલી ખુરશીઓ ખેંચીને બેસી ગયા. અંદરથી સ્ત્રી આવી – પાણીના ગ્લાસ ભરીને.

‘તમે શુકલસાહેબ, ક્યાંથી આવો છો?’

‘જી. હું કચ્છથી આવું છું.’

‘કચ્છથી?’

‘જી હા.’

‘કચ્છમાં કઈ…’

‘ભુજ. હું ભુજથી આવું છું.’

દવેસાહેબના ચહેરા પર અવસાદ અને ગમગીની પથરાઈ ગયાં.

‘કેમ દવેસાહેબ, ચિંતામાં પડી ગયા?’

‘અહં… ના… આવોને તમે પહેલાં રૂમ તો જોઈ લ્યો. તમને ફાવે તેવું જણાય તો – પછી આપણે ભાડાની વાત કરીએ.’

હર્ષ, મહેતાભાઈ સાથે રૂમ જોવા ઊભો થયો. બહારથી જ દાદર હતો. ઉપર રૂમ હતો – વિશાળ – હવા ઉજાસ અને સગવડ સાથેનો. હર્ષને રૂમ પસંદ પડી ગયો. એણે નીચે આવીને કહ્યું – ‘દવે સાહેબ, મને રૂમ પસંદ પડી ગયો છે. તમે ભાડાની વાત કરો.’

‘એ તો આપણે કરીશું પણ પહેલાં ચા પીને-’

સ્ત્રી ટ્રેમાં ચા લઈને આવી. ‘આ મારાં પત્ની-શોભા – આ હર્ષભાઈ, આપણો ઉપરનો રૂમ જોવા આવ્યા છે.’

હર્ષે શોભાબહેનને પ્રણામ કર્યા.

ભાડાની વાત નક્કી થઈ ગઈ. બીજા દિવસથી હર્ષ રૂમ પર રહેવા આવી ગયો. રૂમમાં બધી જ સગવડ હતી. પલંગ પણ હતો – ખુરશી – ટેબલ પણ હતાં. ઘણા બધા દિવસો પછી આ રૂમ ઊઘડ્યો હોય એવું લાગતું હતું. જાણે અહીં કોઈક પહેલાં રહેતું હતું. શરૂઆતના દિવસોમાં હર્ષને અહીંનું વાતાવરણ, અજાણ્યા લોકો વચ્ચે રહેવાનું ફાવતું ન હતું. પણ પછી ધીરે ધીરે ફાવી ગયું. દવેસાહેબ અને શોભાબહેનનો સ્વભાવ સરળ અને નિખાલસ હતો – અંગત કોઈ વાત થઈ શકે એટલાં નજીક નહોતાં આવી શક્યાં. વચ્ચે સળંગ રજાઓ આવતાં હર્ષ ભુજ ગયો. એ પછી ઘટના બની – એ દિવસે સવારે, રજાઓ ભોગવીને ભુજથી આવ્યો હતો. સીધો ઓફિસે જ પહોંચી ગયો હતો. સાંજે હર્ષ, ઓફિસેથી છૂટીને રૂમ પર ગયો. મેઈન ગેટ ખોલીને પ્રવેશ કરે છે ત્યાં-
‘કોણ…? કો…ણ છો તમે? રજા લીધા વિના કેમ સીધા ઘરમાં ઘૂસો છો?’

હર્ષ ચમક્યો. સામે સરગવાના ઝાડ નીચે જોયું તો સફેદ વસ્રોમાં ઊભેલી યુવતી દેખાઈ – હવામાં ઊડતા એના છુટ્ટા વાળ અને ભયગ્રસ્ત આંખો…

‘હું…’ હર્ષ યુવતીને જવાબ આપે ત્યાં યુવતીએ ઊંચા અવાજમાં કહ્યું: ‘ચાલ્યા જાવ, હું તમને કહું છું ને – ચાલ્યા જાવ…’

(ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત