મેટિની

પરવીન બાબીના લગ્ન થયા હતા ખરાં?

ફિલ્મનામા -નરેશ શાહ

ર૦ જાન્યુઆરી, ર૦૦પના દિવસે પોતાના જ ફલેટમાંથી પરવીન બાબી મૃત અવસ્થામાં મળી આવી. એ ઘટના અત્યંત દુ:ખદ તેમજ અનેક પ્રશ્ર્નો સર્જે તેવી હતી. એ વખતે પરવીન બાબી વિષ્ોની ઓથેન્ટિક વિગતો અને હકીકત જાણવા માટે હું જૂનાગઢના તેના કેટલાંક પરિચિતો તેમજ રિશ્તેદારોને મળ્યો હતો પરંતુ, એ વખતે મારે કોઈ ગોસિપ (પરવીન-કબીરના લગ્ન થયેલાં કે કેમ, મહેશ ભટ્ટ સાથે શું થયું હતું વગેરે) ના ખુલાસા મેળવવાના નહોતા બલ્કે, વિચિત્ર સંજોગોમાં થયેલાં મૃત્યુ અને એ પહેલાંની વિગતો જ જાણવાની હતી. સંબંધો હતા ત્યારે પરવીન બાબી પોતાની સાથે મહેશ ભટ્ટને પણ જૂનાગઢ લાવી હતી અને બન્નેને ફેરવનારી વ્યક્તિએ મને એ વખતની ઘણી વાતો કહી હતી. એ પણ જાણવા મળેલું કે મુંબઈના ફલેટમાં પરવીન બાબી બેઠી-બેઠી ઘણું બધું લખ્યાં કરતી હતી (પણ એ શું હતું? એ વાત ક્યારેય બહાર ન આવી) એ માહિતી પણ મળી હતી, પરંતુ પરવીન બાબીના અવસાનના સોળ વરસ પછી (ર૦ર૧માં) અભિનેતા કબીર બેદીએ પોતે લખેલી બાયોગ્રાફી સ્ટોરીસ આઈ મસ્ટ ટેલ (ધ ઈમોશનલ લાઈફ ઓફ એન એકટર) પ્રસિદ્ધ થઈ, તેમાં તેણે એક એવી વાતનો ઉલ્લેખ ર્ક્યો છે કે, ચોંકી જવાય. પોતાના પુસ્તકમાં કબીર બેદીએ લખ્યું છે કે પરવીન બાબી તેને (કે ડેની ડેંઝોપાને) મળી એ પહેલાં જ તેના નિકાહ થઈ ગયા હતા.

ફિલ્મનામા કોલમ વાંચનારા જાણે છે કે આ કોલમમાં ફિલ્મોને લગતી કપોળ કલ્પિત વાતો લખાતી નથી. ગોસિપનો ઉલ્લેખ (જરૂરી હોય તો જ) પણ અહીં ગોસિપ તરીકે થાય છે એટલે પરવીન બાબીના નિકાહની વાતવાળો ઉલ્લેખ પણ ઠોસ તથ્યોના આધારે જ અહીં કરવામાં આવી રહ્યો છે… પ્રોતિમા બેદીના પતિ કબીર બેદીના અતરંગ પરિચયમાં આવ્યા પછી પરવીન બાબી એટલી પઝેસિવ રહેતી કે કબીર બેદીને પ્રોતિમા બેદીના ઘેર રોકાવા દેતી નહોતી. કબીર બેદી પરવીન બાબીના ઘેર જ રહેતો પણ કપડાં માટે, બાળકોને મળવા માટે એ જુહુના બીચહાઉસ (જે કબીરે પૂજા બેદીના નામે કરેલું) જતો પરંતુ પરવીનને એ પણ ખટક્તું. તું મને છોડી દઈશ – એ ડર બતાવી-બતાવીને પરવીન બાબીએ કબીર બેદીને છૂટાછેડા માટે તૈયાર ર્ક્યો પણ કબીર બેદીએ લખ્યું છે તેમ, પ્રોતિમા સાથેના છૂટાછેડા તેમજ તે પૂર્વેની શરતો નક્કી કરવા માટે પરવીન બાબીનો સેક્રેટરી કમ મેનેજર વેદ શર્મા જતો પણ એ નહોતો ઈચ્છતો કે અમારા છૂટાછેડા થાય કારણકે ડિવોર્સ પછી (જો) હું અને પરવીન પરણી જઈએ તો તેની આવકનું સાધન રખડી પડે કારણકે (સિત્તેરના દશકામાં) પરણેલી હિરોઈનની બોલબાલા રહેતી નહોતી…

વેદ શર્માના ટોળટપાકાંમાં સમય વેડફાતો હતો પણ એ દરમિયાન કબીર બેદીનો સ્ટાર પાવર અને પરવીન બાબીનો મનોરોગ વધતો ગયો. કબીરના કારણે જ પરવીને ઈટાલિયન ટીવી સિરિયલનો બીજો ભાગ સાઈન કરી લીધો હતો અને એ જ અરસામાં ભારતમાં અમર, અકબર, એન્થોની સુપરડુપર હિટ થઈ હતી.

હિન્દી ફિલ્મોમાં પરવીન બાબીની ડિમાન્ડ રાતોરાત વધી ગઈ. વેદ શર્મા તેને ભારત આવવાનો આગ્રહ કરતો રહ્યો પણ ટીવી સિરિયલ સાઈન કરી હોવાથી પરવીન બાબી ભારત આવી શક્તી નહોતી. (કદાચ, આ અકળામણે પરવીનની મનોદશા વધુ ડહોળી નાખી હોય એવું બની શકે) એ જ અરસામાં એક રાતે પરવીન બાબીની મનોદશાએ વળી ઊથલો માર્યો, તેનો ડાયાલોગ સાથેનો ઉલ્લેખ કબીર બેદીએ પોતાની બાયોગ્રાફીમાં ર્ક્યો છે.

કબીર બેદી એ રાતે પરવીન બાબીના અવસાદને પામી ચૂક્યો હતો એટલે તેણે સામેથી વાત છેડી : જો જો (પરવીનનું કબીરે પાડેલું લાડકું નામ) તને ય ખબર છે અને હું ય જાણું છું કે તારી સાથે કંઈ થઈ રહ્યું છે…

તને શું લાગે છે કે હું પાગલ છું ?

કબીર પરવીનને સમજાવે છે પણ તેનાથી અકળાઈને પરવીન તેને ચોપડાવે છે: તું જ મારી બિમારી છે…

હું તારી બીમારી કેવી રીતે છું
તું મને છોડી દઈશ પરવીને ચિલ્લાઈને કહ્યું : મને ખબર છે કે તું મને છોડી દઈશ
કબીર બેદી પરવીનને પોતાના પ્રેમ દુહાઈ આપતાં કહ્યું કે આપણે કોઈ સારા ડૉકટરને મળીશું, જે બધું જ….

તું મને લગ્ન કરી લેવાનું કેમ નથી કહેતો ? અચાનક જ પરવીને વાત છેડી, જે સાંભળીને કબીર બેદી આશ્ર્ચર્યચક્તિ થઈ ગયો કારણ કે આજ સુધી કબીર બેદી લગ્નનું કહેતો ત્યારે પરવીન બાબી ના પાડતી હતી.

લગ્નનો ઈન્કાર ર્ક્યા પછી એ કહેતી પણ ખરી કે તેના પરિવારે તેની શાદી કરાવી દીધી છે પણ શાદી પછી તેનો મંગેતર પાકિસ્તાન ચાલ્યો ગયો છે… પરવીન બાબીને એ ડર હતો કે હવે જો તે બીજી શાદી કરે તો કદાચ, તેનો પતિ પાછો આવે અને તેની કેરિયર તબાહ કરી નાખે…
આ વાત થઈ ત્યારે હજુ કબીર-પ્રોતિમાના છૂટાછેડા નહોતા થયા અને છૂટાછેડા થયા પછી પરવીન બાબી સાથે કબીર બેદીના સંબંધ પણ લાંબું ખેંચી શક્યા નહોતા, પરંતુ શું ખરેખર પરવીન બાબીના નિકાહ થઈ ગયા હતા અને તેનો પતિ પાકિસ્તાનમાં હતો? કબીર બેદીએ આ વાત પછી ક્યારેય જાહેરમાં કહી નહીં કારણકે તેને લાગતું હતું કે આવી વાત કદાચ, પરવીને પોતાના સિવાય કોઈને કરી નહોતી. તેથી કબીર ચૂપ રહ્યો પણ બાયોગ્રાફી લખતાં પૂર્વે (પરવીનના મૃત્યુના વરસો પછી) તેણે નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ સાથે વાતની ખરાઈ કરવા અંગે પુચ્છા કરી. કબીરે પૂછયું એટલે મહેશ ભટ્ટે કહ્યું કે, હા, તેણે મને એક પાસપોર્ટ સાઈઝનો ફોટો બતાવ્યો હતો. એ એક દૂબળો પાતળો પુરુષ્ા હતો

મહેશ ભટ્ટ ર૦૦૩માં લાહોર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા ત્યારે પરવીન બાબી જીવિત હતી. એ વખતે પાકિસ્તાની અખબાર ડોનના સીઈઓ હમીદ હારૂને મહેશ ભટ્ટને કહ્યું હતું: એક માણસ તમને (અહીં લાહોરમાં) મળવા માગે છે. તેનું કહેવું છે કે તે પરવીન બાબીનો પતિ છે
ફેસ્ટિવલની વ્યસ્તતામાં મહેશ ભટ્ટ એ વ્યક્તિને મળી શક્યા નહીં અને વાત અધ્યાહાર જ રહી ગઈ. પરવીન બાબીના મૃત્યુની જેમ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button