મેટિનીસ્પેશિયલ ફિચર્સ

ગણતરીના જ એવા સંબંધો હોય છે, જેમાં કોઈ ‘ગણતરી’ નથી હોતી.!

અરવિંદ વેકરિયા

કમલેશ મોતાને આદરાંજલિ
સંબંધ ક્યારે પણ પૂરો થતો નથી. વાતોથી છૂટે તો આંખોમાં રહી જાય અને આંખોથી છૂટે તો યાદોમાં.

કમલેશ. તારી યાદ હરપળ રહેશે. તા: ૦૫.૧૦.૨૪ નાં તારો સાથ છુટ્યાને ચાર-ચાર વર્ષ વીતી ગયા.તારી વાત આજે પણ પ્રેરણા આપતી રહે છે, કે બે વાતની ગણતરી કરવાનું છોડી દો, ખુદનું દુ:ખ અને બીજાનું સુખ.’

જાણીતાં દિગ્દર્શક-કલાકાર, ભારતીય વિદ્યા ભવનની ખુરસી પર બેસી કેટકેટલી પ્રવૃત્તિ કરનાર અને સૌના દિલ જીતનાર મિત્ર

આણંદથી સુખરૂપ મુંબઈ પહોંચી ગયા. અભયભાઈ અને ધનજીભાઈ પોતાની અનુકૂળતાએ બોલવતા રહેતા. આજે તો કદાચ કોઈ કલાકાર સફર ન કરે એવી ‘સફર’ અમે કરી છે. એક જ શો હોય તો સ્વાભાવિક રીતે ઉભયપક્ષે હોટલનું ભાડું ખમી ન શકાય ત્યારે અભયભાઈ એક શો માટે પણ બોલાવે તો જતા. સવારે ગુજરાત એક્ષપ્રેસમાં નીકળવાનું, સાંજે ચાર વાગે અમદાવાદ અને ત્યાંથી સીધા થિયેટર પર. ફ્રેશ થઈ નાસ્તો કરી ગપાટા મારતાં આઠ વગાડી શો માટે તૈયાર થઈ જતા. શો ૧૨/૩૦ કે ૧ વાગે પૂરો થાય. રાતનું જમણ લેતા ૨.૩૦ કે ત્રણ થઈ જતા. અભયભાઈ એકાદ કલાક એમનાં રમુજી પ્રસંગો સંભળાવતા. સવારે ૫.૦૫ની કર્ણાવતી ટ્રેનમા મુંબઈ પરત … ત્યારે જોશ હતું. શો થાય એ સંતોષ હતો. કોઈ ડિમાંડ નહોતી. હવે આ સંભવ નથી લાગતું. એ વખતે બધા ‘નટખટ’હતાં, હવે ‘ખટપટ’ વધી ગઈ છે, હું કદાચ ખોટો પણ હોય શકું.

આવો જ એક શો અમદાવાદનો આવ્યો. ધનવંત શાહે ૧૪ ટિકિટ ગુજરાત એક્ષપ્રેસની કઢાવી લીધી. એ સમયે સુરતમાં પ્લેગ’ લાગુ પડેલો એવા સમાચાર હતાં. સુરત ટ્રેન ૧૧ વાગે પહોંચતી, અમારે ઉતારવાનું તો નહોતું. વાંધો સોહિલ વિરાણીને પડ્યો.


| Read More: કવર સ્ટોરી : મહિલા ડિરેક્ટરની બોડી હોરર ફિલ્મ: The Substance, ધિક્કાર ને આવકાર


એણે એ ટ્રેનમાં આવવાની ઘસીને ના પાડી દીધી. વાત એના હિસાબે બધાના સ્વાથ્ય માટે હતી. બીજા કોઈને કોઈ વાંધો નહોતો. એ માટે રાતની કોઈ ટ્રેન જ પકડવી પડે અને ૧૪ ટિકિટ કેમ મેળવવી? જો સોહિલ ન આવે તો શો રદ કરવો પડે.અભયભાઈને ત્યાંનાં થિયેટરનું ભાડું અને જા.ખ. નો ખર્ચ માથે પડે. શક્ય છે કે અમદાવાદી રઈસ અમારા બીજા થનારા શોમાંથી કાપી પણ નાખે.એ સમયે વેસ્ટર્ન રૈલવેનાં યુનિયન સેક્રેટરી હતા મિસ્ટર વસાણી, જેમની ઓફિસ મુંબઈ સેન્ટ્રલ હતી. એ રહે બોરીવલી. મારો આ શો જોવા ઠેઠ ચર્ચગેટ-જયહિન્દ કોલેજમા આવેલાં. મધ્યાંતરમાં આવી નાટકના વખાણ કરી પોતાનું વિઝિટિંગ કાર્ડ પણ આપી ગયેલાં. બે હાથથી આપણે ૧૦ લોકોને પણ નથી હરાવી શકતા, પણ બે હાથ જોડી ઘણાનાં દિલ તો જીતી શકીએ છીએ.! મને થયું મારો પ્રોબ્લેમ કદાચ હાથ જોડવાથી સોલ્વ થઈ જાય. આ માત્ર તુક્કો હતો. આજે રાતની ટ્રેન મળે તો જ મેળ પડે. સોહિલની જીદ નજર સામે રાખી વિચાર્યું કે પ્રયત્ન કરવાથી ક્યારેય ડરવું નહિ, જેટલું સારું ખોઈ રહ્યાં છો એનાથી લાખ ગણું સારું મળે પણ ખરું. જો કે આ મન મનાવવાની વાતો હતી, પણ પ્રયત્ન તો કરવો જ રહ્યો.

હું તરત સારા વિચાર સાથે વસાણીને મળવા પહોંચી ગયો. ધીરજ ખૂટતી હતી કે જો રાતની કોઈ ટ્રેન ન મળી તો કદાચ….! કહે છે ને કે બાળપણમાં સમજણ, યુવાનીમાં ધીરજ અને ઘડપણમા સાહસ નથી હોતું. હું વસાણીને મળ્યો. ઉષ્માભર્યો આવકાર મળ્યો. નાટકની ખૂબી અને વખાણની શરૂઆત એમણે જ કરી. એ તક મેં ઝડપી લીધી. મેં મારી તકલીફની માંડીને વાત કરી. એમણે મને થોડીવાર બેસવા કહી પોતે તપાસ કરવા ગયા. સમય ઓછો હતો. કદાચ રાતની ટિકિટનું થઈ જાય તો બધાને કહેવાની ચિંતા. સંદેશો તો કહી દેવાય પણ કલાકાર સુધી પહોંચ્યો કે નહિ એની ફિકર. ખેર ! થોડી વારમાં વસાણી આવી ગયા. પ્રોબ્લેમ સોહિલને હતો જેમાં બધાની સુખાકારીની જ ભાવના હતી પણ આ ટિકિટો મેળવવાનું ‘વૈતરું’ કલાકારોને ખબર નથી હોતી. એને માટે દરેક કલાકારે એક વાર તો નિર્માતા બનવું જોઈએ.

વસાણીએ મને કહ્યું કે માંડ-માંડ આ સાંજે ૭.૩૦ વાગે અમદાવાદ જતી ‘લોકશક્તિ’ નામની ટ્રેનમાં બુકિંગ મળ્યું છે. જલદી બધાને જાણ કરી દો. પરામાં રહેતા હોય તેઓ બોરીવલીથી બેસી શકે. હું બોરીવલી રહું છું. તમારી સાથે હું પણ સેન્ટ્રલથી સાથે જ બેસી જઈશ. ટી.સી. સાથે તમારી ઓળખાણ પણ કરાવી દઈશ જેથી આગળ કોઈ વાંધો ન આવે. મેં એમનો હૃદયપૂર્વક આભાર માન્યો. ક્યારે એક નાટક તમારું કેટલું કામ કરી શકે છે.


| Read More: તકલીફ પણ હોશિયાર હોય છે, સહનશક્તિવાળાને જ શોધી કાઢે!


એમણે માત્ર એક પ્રેક્ષક બની નાટક જોયું પણ એમના કલાપ્રેમને વંદન કરવાનું મન થઇ ગયું. ગણતરીનાં જ એવા સંબંધો હોય છે કે જેમાં કોઈ ‘ગણતરી’ નથી હોતી. એક કલાકાર તરીકે એમણે મને કોઈ પણ જાતનાં પ્રલોભન વિના મદદ કરી મારો શો રદ થતાં બચાવી લીધો.અરે, ટિકિટ્નો હિસાબ પણ પૈસા, આના પાઈમા કરી મને રાજીપો ધરી દીધો. પહેલા મેં સોહિલને ફોન કર્યો. એ વખતે એ સેન્ટ્રલ બેંકમાં જોબ કરતો હતો. એ ત્યાં લો- ડિપાર્ટમેન્ટમાં હતો. એ પોતાના ઘરે જઈ પોતાનાં કપડાં સાથેની બેગ લાવી શકે એમ નહોતો. મને કહે, હું શિરિન (એની પત્ની) ને ફોન કરી દઉં છું. પ્લીઝ, ભાભીને કહેજેને લઈ આવે. તું પણ સેન્ટ્રલથી જ બેસશે તો તારા લગેજ સાથે મારુંં પણ લેતા આવે.

આમ પણ એક રાતમાં ક્યાં કંઈ વધુ હોવાનું? મેં પત્ની ભારતીને ફોન કરી ડોંગરી જેવા અજાણ્યાં વિસ્તારમાં જઈ લાડકા દિયર માટે બેગ કે હેન્ડ બેગ લઇ આવે. બંને હેન્ડ બેગો લઇ ભારતી સેન્ટ્રલ પહોંચી. શ્રીજી બાવાની કૃપા કે રાતની ટ્રેનની ટિકિટો મળી ગઈ અને બધા કલાકારોને સંદેશા સમયસર મળી ગયા.આજે પણ ભારતીએ કરેલી એ દોડાદોડ ત્રાદશ્ય થાય છે. સમયને ભલે પગ નથી હોતા, પરંતુ વીતેલા સમયનાં પગલાં કાયમ દેખાય છે. આમ પ્લેગના ઓછાયાથી બચવા અમે રાત્રે નીકળી સવારે અમદાવાદ પહોંચી ગયા.


| Read More: જ્યારે ડિરેકટરની ખોપડી હટી જાય…


વ્યાકરણ વચ્ચે આ બારાખડી ફાવતી નથી, વાત છે મુદ્દાની એ જ હોઠ પર આવતી નથી.

હું ગાંધીજીનો અનુયાયી છું. મને ગાંધીજીનાં ચિત્રો સંગ્રહ કરવાનો ગાંડો શોખ છે. તમારી પાસે ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ની ચલણી નોટ હોય તો મને મોકલી આપી મારા શોખમાં સહભાગી થશો.

Back to top button
TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker