પંડિત સુદર્શન: પ્લેબેકના પ્રારંભના ગીતકાર
૧૯૩૦-૪૦ના દાયકામાં કથા-પટકથા તેમજ સંવાદ લેખક અને ગીતકાર તરીકે સફળતા મેળવનારા પંડિતજીની કેટલીક રચના આજે પણ રસિકોના સ્મરણમાં સચવાઈ છે
હેન્રી શાસ્ત્રી
ફિલ્મો માટે ગાંધીજીની અરુચિ જાણીતી છે. જોકે, મુનશી પ્રેમચંદના સમકાલીન અને હિન્દી સાહિત્ય જગતમાં તેમના જેટલો આદર અને લોકપ્રિયતા મેળવનાર પંડિત સુદર્શન (મૂળ નામ બદરીનાથ શર્મા)એ સાહિત્ય ક્ષેત્ર ઉપરાંત ફિલ્મ ક્ષેત્રમાં પણ ખાસ્સું ખેડાણ કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનથી ગાંધીજી પ્રભાવિત થયા હતા અને બાપુએ હિન્દી ભાષાનો ફેલાવો થાય એ માટે પંડિતજીને ખાસ આમંત્રણ આપી વર્ધા આશ્રમમાં બોલાવી હિન્દીમાં પુસ્તકો લખવા જણાવ્યું હતું અને પંડિતજીએ એ કામ નિષ્ઠાથી કર્યું હતું. તેમની એક વાર્તા ‘સબકી બોલી’ અનેક વર્ષો ચોથા ધોરણના પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવી હતી. મુનશી પ્રેમચંદ અને પંડિત સુદર્શનનો ફિલ્મ લેખન સાથે પણ નાતો રહ્યો છે. જોકે, મુનશીજીની ફિલ્મ કારકિર્દી પ્રમાણમાં ટૂંકી રહી જ્યારે પંડિત સુદર્શને પહેલા કલકત્તામાં ન્યુ થિયેટર્સની ફિલ્મો માટે અને ત્યારબાદ મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગીતકાર ઉપરાંત પટકથા અને સંવાદ લેખક તરીકે પણ કાઠું કાઢ્યું હતું.
હિન્દી ફિલ્મોમાં બોલપટનો દોર શરૂ થયો ‘આલમ આરા’ (૧૯૩૧)થી પણ શરૂઆતનાં વર્ષોમાં ગીતનું ચિત્રીકરણ કરવું એ માથાનો દુખાવો બની રહેતું, કારણ કે પ્લેબેક તરીકે જાણીતી પાર્શ્ર્વ ગાયનની પદ્ધતિ હજી શરૂ નહોતી થઈ. ગીતના ફિલ્માંકન વખતે નાયક નાયિકા હોય એની આસપાસ ગાયક-વાદક લપાઈને બેસતા અને ગીતનું પિક્ચરાઇઝેશન અને રેકોર્ડિંગ એક સાથે થતું હતું. જોકે, ૧૯૩૫ પછી પરિસ્થિતિ સમૂળગી બદલાઈ ગઈ. એ વર્ષે રિલીઝ થયેલી કલકત્તાની ફિલ્મ કંપની ન્યુ થિયેટર્સની ‘ધૂપછાંવ’થી પાર્શ્ર્વ ગાયનનો-પ્લેબેક સિગિંગનો પ્રારંભ થયો અને ચિત્રપટ સૃષ્ટિમાં ક્રાંતિ થઈ. ફિલ્મના દિગ્દર્શક નિતિન બોઝ અને સંગીતકાર-ગાયક પંકજ મલિકના સહિયારા પ્રયાસથી આ શક્ય બન્યું હતું. આ ફિલ્મમાં ૧૦ ગીત હતા જેની સંગીત સજાવટ રાયચંદ બોરાલ અને પંકજ મલિકે કરી હતી અને આ બધા ગીત પંડિત સુદર્શનની કલમથી અવતર્યા હતા. ૮૮ વર્ષ પછી પણ તેના ગીત ‘બાબા મનકી આંખેં ખોલ’ અને ‘તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ જરા’ આજે પણ એ સંગીતના રસિયાઓના સ્મરણમાં સચવાઈને પડ્યા છે એ બહુ મોટી સિદ્ધિ કહેવાય.
અવિભાજિત ભારતના સિયાલકોટ શહેરમાં જન્મેલા (૧૮૯૬) પંડિતજીના સાહિત્યિક યોગદાનની કદર થતી હતી, પણ એ પ્રકારનું લેખનકાર્ય બે ટંકના ભોજનની વ્યવસ્થા કરવામાં સફળ નહોતું રહ્યું. એટલે ૧૯૩૦ના દાયકાના પ્રારંભમાં પંડિત સુદર્શન કલકત્તા આવી પહોંચ્યા. આ સ્થળાંતરનું મુખ્ય કારણ એ હતું કે એ સમયે બંગાળના આ શહેરમાં ફિલ્મ ઉદ્યોગ વિકસી રહ્યો હતો. પ્રખ્યાત ન્યુ થિયેટર્સ ઉપરાંત માદન થિયેટર્સ, ઈસ્ટ ઈન્ડિયા કંપની, બરુઆ પિક્ચર્સ, ભારત લક્ષ્મી પિક્ચર્સ વગેરે કંપનીઓ ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત હતી. બોલપટનો દોર શરૂ થયો હોવાથી લેખન કૌશલ ધરાવતા લેખકોની સારી ડિમાન્ડ હતી. પંડિતજીની કલમ તો કસદાર હતી અને કસાયેલી સુધ્ધાં હતી. તેમને ‘રામાયણ’ નામની ફિલ્મમાં ગીતકાર તરીકે તક મળી. ફિલ્મ માટે પંડિતજીએ ૧૨ ગીતો લખ્યાં હતાં જેને સંગીતથી મઢયા હતા નાગરદાસ નાયકે. અઢળક ગીતો ધરાવતી ‘ઈન્દ્રસભા’માં પણ શ્રી નાયકની જ સ્વર રચના હતી. ‘રામાયણ’ના મુખ્ય કલાકાર હતા પૃથ્વીરાજ કપૂર અને રાજ કુમારી. ફિલ્મ ઈતિહાસના ચોપડે તો આ ફિલ્મ બે જણે ડિરેક્ટ કરી હોવાની નોંધ છે જેમાં એક નામ પંડિત સુદર્શનનું છે.
ગીતો લખવા સાથે સાથે પંડિતજી પટકથા અને સંવાદ લેખન પણ કરવા લાગ્યા હતા. ૧૯૩૫ની આસપાસ ન્યુ થિયેટર્સનો સિતારો બુલંદ હતો. કે એલ સાયગલ, પંકજ મલિક, રાયચંદ બોરાલ, કે. સી. ડે, નીતિન બોઝ જેવા ધુરંધરો કંપની સાથે જોડાયેલા હતા. આવા મહાનુભાવો વચ્ચે પંડિતજીએ પોતાનું સ્થાન બનાવી લીધું. ૧૯૩૮માં ન્યુ થિયેટર્સની ‘ધરતીમાતા’ ફિલ્મથી પંડિતજીનું નામ દસે દિશામાં ગુંજવા લાગ્યું. નીતિન બોઝ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ૯ ગીત હતાં અને બધાં ગીત પંડિતજીની કલમે અવતર્યા હતા. ફિલ્મ સંગીતના મહારથીઓ આ ચિત્રપટ સાથે સંકળાયા હતા. ગીતોનું સ્વરાંકન કર્યું હતું પંકજ મલિકે અને ગાયકીમાં સૂર પુરાવ્યો હતો કુંદનલાલ સાયગલ, પંકજ મલિક, કે. સી. ડે અને ઉમા શશી જેવા સિદ્ધહસ્ત ગાયકોએ. આ ફિલ્મ તો આજે મોટાભાગના લોકો વિસરી ગયા હશે, પણ એનાં ગીતો તો આજે પણ હૃદયમાં અકબંધ સચવાઈને પડ્યા હશે. ‘દુનિયા રંગરંગીલી બાબા’ (કે એલ સાયગલ, ઉમા શશી અને પંકજ મલિક. રેકોર્ડમાં આ ત્રણ ગાયકોનો અવાજ છે જ્યારે ફિલ્મમાં સાયગલ અને ઉમા શશી સાથે કે સી ડેના સ્વર છે), ‘કિસને યે સબ ખેલ રચાયા’ (કે એલ સાયગલ) તેમ જ ‘અબ મૈં કા કરું કિથ જાઉં’ (સાયગલ) અવિસ્મરણીય ગીતોની પંક્તિમાં ઠાઠથી બિરાજે છે.
જોકે, સફળતાને પગલે નામ અને દામ મળે એમ દાના દુશ્મનો પણ મળે. એમની સફળતા અને ખ્યાતિ જોઈ કેટલાક લોકોના પેટમાં શૂળ ઊપડ્યું અને કલમથી કામ કરવા ટેવાયેલા પંડિતજી કાવાદાવા સહન ન કરી શક્યા અને બિસ્તરા પોટલાં બાંધી કલકત્તાથી મુંબઈ આવી પહોંચ્યા. તેમના નામ અને કામની ખ્યાતિ મુંબઈ સુધી પહોંચી ગઈ હતી. એટલે કામ મેળવવામાં બહુ મુશ્કેલી પડી નહીં. સાગર મુવીટોનની ‘ગ્રામોફોન કંપની’ નામની ફિલ્મમાં કસબ દેખાડવાનો મોકો મળ્યો. ફિલ્મમાં ૧૦ ગીત હતા જેમાંથી એક જ ગીત પંડિતજીએ લખ્યું હતું, પણ ફિલ્મના કથા-પટકથા લેખક તરીકે તેમનું વધુ યોગદાન હતું. ‘કુમકુમ ધ ડાન્સર’, ‘દિવાલી’ વગેરે ફિલ્મો સાથે વિવિધ જવાબદારીમાં સંકળાયા અને કલકત્તા જેવી જ નામના મુંબઈમાં થવા લાગી. એ સમયે સોહરાબ મોદીએ તેમના બેનર મિનરવા મૂવિટોન હેઠળ મોટા કેનવાસ પર ‘સિકંદર’ નામની ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. ફિલ્મમાં સિકંદર અને પોરસ એ બે મોટા ગજાના અને પડછંદ પાત્રો હોવાથી એ પાત્રોની ભાષા પણ એ કોટિની હોય એ જરૂરી હતું. સોહરાબ મોદીએ એ જવાબદારી પંડિત સુદર્શનને સોંપી અને પંડિતજીએ સોહરાબ મોદીના વિશ્ર્વાસને સાર્થક ઠેરવ્યો. ફિલ્મને મળેલી ભવ્ય સફળતામાં ચોટદાર સંવાદોનો પણ યથાશક્તિ ફાળો હતો. આ શાનદાર સફળતા પછી પંડિતજીએ ‘પૃથ્વી વલ્લભ’, ‘પત્થરોં કે સૌદાગર’ સહિત કેટલીક ફિલ્મોમાં પટકથા- સંવાદ -ગીત લેખન જારી રાખ્યું. મૂળ તો સાહિત્ય જીવ. એટલે એક તબક્કે ફિલ્મની દુનિયાને રામ રામ કરી દીધા અને પુસ્તકો લખવાનું અને મેગેઝીનો માટે લેખ લખવાની પ્રવૃત્તિમાં ડૂબી ગયા, ૧૯૬૭માં તેમનું અવસાન થયું, પણ આજે પાંચ દાયકા પછી પણ તેમણે લખેલા કેટલાક ગીત સંગીત રસિકોને મોઢે રમે છે એ અનન્ય સિદ્ધિ કહેવાય.