ચલતે ચલતે યૂં હી કોઈ મિલ ગયા થા
મોગલ-એ-આઝમ બાર વરસે બની હતી પણ પાકિઝા એનાથી ચડિયાતી પુરવાર થઈ. એ લગભગ પંદર વર્ષ્ા સુધી બનતી રહી…
ફિલ્મનામા – નરેશ શાહ
તમને ખરાબ ન લાગે તો એક વાત કહું ? તમે આ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂકો એ જ સારું છે મુંબઈના દાદર પરાંમાં આવેલા રંગમહેલ રેકોર્ડિંગ સ્ટૂડિયોની લોબીમાં પ્રાથમિક ઓળખાણ પછી ચાર્લી નામના એ જયોતિષ્ો આછેરાં ખચકાટ સાથે આવું કહી દીધા પછી હિંમત કરીને કમાલ અમરોહીની આંખમાં આંખ પરોવી ત્યારે જોયું કે અમરોહીની આંખમાં શરારતી ટોન હતો. તેમણે સામો સવાલ ર્ક્યો : …પણ પાકિઝા બનાવવાનો વિચાર પડતો ન મૂકું તો ?
આ ફિલ્મ તમને ઘણી મુશ્કેલીઓમાં મૂકી દેશે કમાલસાહેબ, પેલા જ્યોતિષ્ો પણ આ વખતે જરા વધુ સ્પષ્ટ થઈને કહી દીધું : આ ફિલ્મ બનવા દરમિયાન ઘણું અઘટિત બને એવું મને લાગે છે. શક્ય છે કે ફિલ્મ સાથે સંકળાયેલી એક-બે વ્યક્તિનું મૃત્યુ પણ થાય.
કૃત્રિમ શોક લાગ્યો હોય તેવા હાવભાવ ચહેરા પર લાવીને પછી જાણે કશું બન્યું જ ના હોય તેમ કમાલ અમરોહી સ્ટૂડિયોની અંદર ચાલ્યા ગયા, જયાં સંગીતકાર ગુલામ મહોમ્મદ લતા મંગેશકર સાથે પાકિઝાનું પ્રથમ ગીત રેકોર્ડ કરી રહ્યા હતા : મૌસમ હૈ આશિકાના, યે દિલ કહીં સે ઉન કો, ઐસે મેં ઢૂંઢ લાના…
આ ગીત કમાલ અમરોહીએ જ લખ્યું હતું અને તેઓ ગીતના રંગીન ફેકમાં હતા એટલે તેમણે જયોતિષ્ાની વાત પર ધ્યાન જ નહોતું આપ્યું. આપ્યું હોત તો તેમને અણસાર આવી જાત કે જે ફિલ્મનું હજુ મુહૂર્ત પણ નથી થયું એ પાકિઝા પર તેમણે કામ શરૂ ર્ક્યું એ સાથે જ તકલીફોનો આરંભ થઈ ગયો હતો. ૧૯પ૬ની આ વાત છે કે જયારે ગીતો પહેલાં લખાતાં, સ્વરબદ્ધ પછી થતાં હતા. એ વખતે પણ હિરો કે હિરોઈન પછી સૌથી મહત્ત્વની પસંદગી સંગીતકારની જ ગણાતી, આજની જેમ જ. તવાયફ અને નર્તકીઓના જીવન પર ફિલ્મ બનાવવાનો વિચાર કમાલ અમરોહીના દિમાગમાં વરસોથી રમતો હતો. સ્ટાર અને અદાકાર મીનાકુમારી બીજી પત્ની હોવાથી કમાલ અમરોહીની પાકિઝા પાસે સ્ટાર વેલ્યૂ તો હતી જ, જબરદસ્ત સંગીતકાર મળી જાય તો સેલેબલ વેલ્યૂ બમણી થઈ જાય એ જાણતાં કમાલ અમરોહીએ વસંત દેસાઈ, સી. રામચંદ્ર, હેમંતકુમાર સાથે મિટિંગ કરી પણ વાત જામતી નહોતી. એ દિવસોમાં જ સોહરાબ મોદીની મિર્ઝા ગાલિબ રિલિઝ થયેલી. તેનું સંગીત સાંભળીને અમરોહીએ મીનાકુમારીને કહ્યું હતું: મંજુ, પાકિઝાનું સંગીત તો મિર્ઝા ગાલિબના સંગીતકાર ગુલામ મહોમદ જ આપશે.
બાય ધી વે, કમાલ અમરોહી મીનાકુમારીને લાડથી મંજુ કહેતાં અને મીનાજી તેને ચંદન કહેતાં. ચંદન અમરોહીના બચપણનું પેટનેમ.
ગુલામ મહોમ્મદને કહેણ મોકલવામાં આવ્યું તો તેમણે રસ ન લીધો. અમરોહીના સેક્રેટરી બાકર ગયા તો રોયલ્ટીના મુદ્દે વાત પડી ભાંગી એટલે છેલ્લે ખુદ બોસ, કમાલ અમરોહી ગુલામ મહોમ્મદને સામેથી મળવા ગયા અને કહ્યું: રોયલ્ટી નહીં, અત્યારે વધારે પૈસા માંગી લો પણ પાકિઝાનું સંગીત તમારા સિવાય કોઈ નહીં આપે
બાત બન ગઈ. મજરૂહ સુલતાનપુરી, કમાલ અમરોહી અને ગુલામ મહોમ્મદે ત્રણ ગીત (ઠારે રહિયો, ઈન્હીં લોંગોને અને મૌસમ હૈ આશિકાના) અને ધૂન ફાઈનલ ર્ક્યા અને નક્કી થયું કે મિર્ઝા ગાલિબ માટેનો સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ એવોર્ડ દિલ્હી જઈને લઈ આવ્યા પછી ગુલામ મહોમ્મદ આ ગીતોનું રેકોર્ડિંગ કરશે… પણ દિલ્હીથી આવ્યાં બાદ ગુલામ મહોમ્મદને હાર્ટ અટેક આવી ગયો. છ મહિનાનો ટોટલ બેડરેસ્ટ.
હવે શું ? સલાહ મળી કે બીજા સંગીતકાર પાસેથી કામ લો પણ કમાલ અમરોહી બાંધછોડ કરવા માગતા નહોતા. છ મહિના તેમણે રાહ જોઈ. એ પછી પણ ડોકટરનો મશ્વરો અવગણીને ગુલામ મહોમ્મદ વ્હીલચેર પર બેસીને સ્ટૂડિયો પર આવ્યાં. તેમના નાના ભાઈ ઈબ્રાહિમ અને આસિસ્ટન્ટ નૌશાદ (જી, આપણા પ્રસિદ્ધ સંગીતકાર)ની મદદથી આજે પાકિઝાનું પહેલું ગીત રેકોર્ડ થયું અને તેના એક બે્રકમાં જ કોઈની સાથે આવેલા જયોતિષ્ા ચાર્લીએ કમાલ અમરોહી સમક્ષ્ા આગાહી કરી કે, પાકિઝા બનાવવાનું રહેવા દો…
આગામી ચાર દિવસોમાં બીજા બે ગીતોનું પણ રેકોર્ડિંગ આટોપી લેવાયું એટલે કમાલ અમરોહી પાકિઝાના મુહૂર્તની તારીખ મનોમન વિચારવા લાગ્યાં ત્યારે કદાચ, તેમને અહેસાસ હતો કે પાકિઝાના ત્રણ ગીતના રેકોર્ડિંગ જ તેમના આઠ મહિના ખાઈ ગયા હતા. જો કે આ સમયનો ઉપયોગ તેમણે અખ્તર ઉલ ઈમાન (ધર્મપુત્ર – વક્ત જેવી ફિલ્મોના લેખક) અને મધુસૂદન (લેખક-દિગ્દર્શક) સાથે મળીને પાકિઝાની સ્ટોરી અને સ્ક્રીન પ્લે બનાવવામાં કાઢયાં હોવાથી પાકિઝા સામે આવેલી કે આવનારી અડચણનો તેમને કોઈ અણસાર જ નહોતો.
૦૦૦૦
આમજુઓ તો આવો અણસાર સામાન્ય રીતે કોઈને આવતો હોતો પણ નથી. ભારતીય ફિલ્મના ઈતિહાસમાં આવા એક ઢૂંઢો, એક્સો મિલે જેવા કિસ્સા છે કે જેમાં ફિલ્મો બનતાં વરસો નીકળી જાય અને ક્યારેક ફિલ્મ બન્યા પછી રિલીઝ થવામાં પણ સાલો ગૂજર જાએ. કે. આસિફની મોગલે આઝમ (જેના લેખક પાકિઝાના મેકર કમાલ અમરોહી જ હતા), લવ એન્ડ ગોડ (સંજીવકુમાર), સંતોષ્ા (મનોજકુમાર), ઉલ્ફત (રાજકુમાર અને વહીદા રહેમાન), કિનારે-કિનારે જેવી અનેક ફિલ્મો છે, જેના બનવામાં પાંચ-દશ વરસ લાગ્યાં અને એકાદ બે મોગલ-એ-આઝમ કે પાકિઝાને બાદ કરતાં મોટાભાગની ફિલ્મોની રિલીઝ પછી પાળ જ પીટાઈ ગઈ. ફિલ્મોના જાણકાર, અરવિંદ શાહના હાથવગા રેફરન્સ પ્રમાણે તો મોગલ-એ-આઝમ ફિલ્મ ૧૯૪૭માં બનવાની જાહેરાત થઈ હતી પણ પછી ૧૯૬૦માં એ રિલીઝ થઈ ત્યારે પ્રોડયુસર અને સલીમ, અનારકલી તેમજ અકબર પણ બદલાઈ ગયા હતા. એ ષ્ટિથી જોઈએ તો મોગલ- એ-આઝમ લગભગ બાર વરસે બની હતી પણ પાકિઝા એનાથી ચડિયાતી પુરવાર થઈ કહેવાય. એ લગભગ પંદર વર્ષ્ા સુધી બનતી રહી. તેના નિમાર્તા-દિગ્દર્શક-સંગીતકાર અને હિરોઈન એ જ રહ્યાં અને રિલીઝ પછી એ કલાસિકનો દરજ્જો પણ પામી, સુપરહિટના આશીર્વાદ પણ તેના નસીબમાં લખાયેલા હતાં પણ… એવું તે શું બન્યું હતું પાકિઝા સાથે કે તે છેક પંદર વરસે દિગ્દર્શકની કલ્પનામાંથી ઊતરીને સેલ્યૂલોઈડના કેન્વાસ પર અંક્તિ થઈ શકી ?
તેની વાત વિગતે ચાલવાની છે . મિલતે હૈ અગલે હફતે.