મેટિની

કવર સ્ટોરી : પહલગામના આ તે કેવા પડઘા…

-હેમા શાસ્ત્રી

આતંકવાદી હુમલાને પગલે સુનીલ શેટ્ટીની ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરાય, જ્યારે ‘અબીર ગુલાલ’ પર ભારત અને પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અજુગતું, અણછાજતું થાય એનો પહેલો ફટકો ક્રિકેટ અને એન્ટરટેઇન્મેન્ટ (મુખ્યત્વે ફિલ્મો)ને પડે છે. અલબત્ત, 2019ના ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા એટેક પછી બંને દેશ દ્વારા વેપાર પ્રતિબંધ પણ અમલમાં આવ્યો છે. જોકે, દવા, ખાંડ અને ફર્ટિલાઈઝર જેવી જીવન આવશ્યક ચીજવસ્તુ ભારત પાકિસ્તાનમાં નિકાસ આજની તારીખમાં પણ કરે છે. ક્રિકેટ અને સિનેમા સાંસ્કૃતિક લેવડ દેવડ માટે ભલે જરૂરી માનવામાં આવતા હોય, જીવન આવશ્યક તો નથી જ એટલે એના પર પ્રતિબંધ મુકવામાં વાર નથી લાગતી. 23 એપ્રિલે કાશ્મીરના પહલગામમાં આંતકવાદીઓના હિચકારા અને નરાધમ હુમલા પછી એના તીવ્ર પ્રત્યાઘાત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પડવા સ્વાભાવિક હતા. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને ચમકાવતી હિન્દી ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં દર્શાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સુનીલ શેટ્ટીના લીડ રોલવાળી હિન્દી ફિલ્મ ‘કેસરી વીર: લેજન્ડ્સ ઓફ સોમનાથ’ પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવાનો નિર્ણય ફિલ્મના પ્રોડ્યુસરે લીધો છે. પહલગામમાં થયેલા પાશવી હુમલાના પડઘા પડ્યા છે. ‘આર્ટ ફોર ધ સેક ઓફ આર્ટ’ (કળા નૈતિક રીતે તટસ્થ હોવી જોઈએ) હવે કાળબાહ્ય દલીલ ગણાય છે. પાકિસ્તાન સાથે દરેક પ્રકારના વ્યવહાર પર તાળું મારવાના નિર્ણયને સાર્વત્રિક આવકાર અને સમર્થન મળે એ આજની વાસ્તવિકતા છે.

આ બે ફિલ્મ ઉપરાંત કાશ્મીર સંદર્ભની રિલીઝ થયેલી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ની પણ વાત કરવી જોઈએ. અને હા, શિવસેનાની યુવા સેનાના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અને મહાસચિવ રાહુલ કનાલે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને પત્ર લખી બોલિવૂડે પાકિસ્તાનના કલાકાર – કસબીઓને સામેલ ન કરવા જોઈએ અને પાકિસ્તાનનું ક્ધટેન્ટ આપણે ત્યાં દર્શાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ એવી માગણી કરી છે.

‘હેરાફેરી’, ‘ફિર હેરાફેરી’, ગુલઝારની ‘હુ તુ તુ’, ‘હલચલ’ વગેરે ફિલ્મોમાં કામ કરનાર સુનીલ શેટ્ટીને ફિલ્મો પ્રત્યે વૈરાગ્ય આવી ગયો કે અન્ય કોઈ કારણસર છેલ્લાં 10 વર્ષમાં એની એકાદ બે ફિલ્મ માંડ રિલીઝ થઈ હશે અને એ સુધ્ધાં કોઈને યાદ નહીં હોય. થોડા વખતથી ઓટીટી પ્લેટફોર્મ પર વ્યસ્ત એવા શેટ્ટીની 16મી મેના દિવસે ‘કેસરી વીર: લેજન્ડ્સ ઓફ સોમનાથ’ રિલીઝ થવાની છે. છેલ્લાં કેટલાંક વર્ષથી હિન્દી ફિલ્મ દેશમાં અને વિદેશમાં સાથે રિલીઝ કરવાની પ્રથા પડી છે. વિદેશમાં વસતા ભારતીયોને હિન્દી ફિલ્મોનું ઘણું આકર્ષણ હોવાથી જો ફિલ્મ ચાલી તો નિર્માતાને સારો આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે. એટલે ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યુટર યુકે, યુએસએ, ગલ્ફના દેશો, નોર્થ અમેરિકા તેમજ નેપાળ, ચીન અને પાકિસ્તાનમાં હિન્દી ફિલ્મ પ્રદર્શિત કરતા હોય છે. જોકે, પહલગામ હુમલાને પગલે ‘કેસરી વીર’ના નિર્માતા ચૌહાણ સ્ટુડિયોના કનુ ચૌહાણે ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે. કનુ ચૌહાણ કહે છે કે ‘ભારતીય ભૂમિ પર પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાથી મારી ફિલ્મ કોઈપણ ભોગે પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરતા એમ મેં મારા ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યુટરને સાફ સાફ શબ્દોમાં જણાવી દીધું છે. આપણી ભૂમિ પર હિચકારો હુમલો કરનારાની ભૂમિ પર-પાકિસ્તાનમાં ‘કેસરી વીર’ રિલીઝ નહીં થાય. આતંકવાદી હુમલામાં જાન ગુમાવનારા નિર્દોષ લોકોની તરફેણમાં આ મારી નૈતિક જવાબદારી છે.’

કનુ ચૌહાણનો આ નિર્ણય વધાવી લેવો જોઈએ. ફિલ્મમાં સુનીલ શેટ્ટી સાથે સૂરજ પંચોલી, વિવેક ઓબેરોય છે અને મિકા સિંહની પત્ની તેમજ ટીવી એક્ટ્રેસ અને કન્નડ ફિલ્મોમાં ઝલક દેખાડનારી આકાંક્ષા શર્માની આ પહેલી હિન્દી ફિલ્મ છે.

‘ખૂબસૂરત’ (પ્રોડ્યુસર અનિલ કપૂર) ,‘અય દિલ હૈ મુશ્કિલ’ અને ‘કપૂર એન્ડ સન્સ’ જેવી હિન્દી ફિલ્મો અને પાકિસ્તાની સિરિયલ ‘ઝિંદગી ગુલઝાર હૈ’થી ભારતીય દર્શકોમાં પ્રિય બનેલા પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની આગામી હિન્દી ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રિલીઝ નહીં કરવા દેવામાં આવે એવી જાણકારી આપવામાં આવી છે. ફિલ્મની રિલીઝ નવમી મેએ થવાની હતી, પણ પહલગામ હુમલાની પાર્શ્વભૂમિ પર પાકિસ્તાની કલાકારની ફિલ્મ રજૂ નહીં થવા દેવાય એવો નિર્ણય લેવાઈ ગયો છે.

‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયાસિને એમ્પ્લોયીઝ’ દ્વારા પાકિસ્તાની આર્ટિસ્ટ પર પ્રતિબંધ મુકવાના નિર્દેશનો પુનરુચ્ચાર કર્યો હતો. અગાઉ ‘ક્વીન’, ‘ઉડતા પંજાબ’, ‘સુપર 30’, ‘83’ જેવી ફિલ્મોનું નિર્માણ કરનારા પ્રોડ્યુસર વિવેક અગ્રવાલને તો ડબલ ફટકો પડ્યો છે. ‘અબીર ગુલાલ’ પર પાકિસ્તાનમાં સુધ્ધાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાકિસ્તાનના વરિષ્ઠ ડિસ્ટ્રીબ્યુટર સતીશ આનંદે ફવાદ ખાનની આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય એ વાતને સમર્થન આપ્યું હતું. કારણ જાણવા જેવું છે. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની હાજરીને કારણે ફિલ્મ ભારતમાં રજૂ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તો ભારતીય એક્ટ્રેસ વાણી કપૂર ફિલ્મમાં હોવાથી પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એ વાત અલગ છે કે વાણી કપૂરની સાથે સાથે ફવાદ ખાનએ આતંકવાદી હુમલાને તીવ્ર શબ્દોમાં વખોડી કાઢ્યો છે.

25 એપ્રિલે રિલીઝ થયેલી ઈમરાન હાશ્મીની ‘ગ્રાઉન્ડ ઝીરો’ ફિલ્મ માટે દર્શકોને ઉત્સુકતા – ઉત્કંઠા હશે એવું માનવામાં આવતું હતું એને માટે ફિલ્મની સ્ટોરી લાઈન અમુક અંશે જવાબદાર હતી. ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું એમાં ઈમરાન કાશ્મીરમાં ડ્યૂટી પર હાજર બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડિરેક્ટર નરેન્દ્રનાથ દુબે તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રની સુરક્ષા જોખમમાં હોવાથી બીએસએફ ડેપ્યુટી કમાન્ડન્ટ ખૂંખાર આતંકવાદી ગાઝી બાબાને નેસ્તનાબૂદ કરવાના મિશન પર હોય એવી સત્ય ઘટના પર આધારિત વાર્તામાં પહલગામ એટેકની પાર્શ્વભૂમિમાં દર્શકોને રુચિ જાગે એ સ્વાભાવિક કહેવાય. વળી, ફિલ્મના કેટલાક હિસ્સાનું શૂટિંગ પહલગામમાં થયું હતું. જોકે, રાષ્ટ્રની સુરક્ષા માટે સંઘર્ષ, હિંમત અને બલિદાનની કથા ધરાવતી ‘ગ્રાઉન્ડ ઝીરો’ માટે પહેલા પાંચ દિવસ દરમિયાન સિને રસિકોમાં લગભગ ઝીરો ફિલિંગ – ઉમળકાનો અભાવ જોવા મળ્યો છે. આજનો દર્શક શાણો છે. માત્ર કાશ્મીર પર ફિલ્મ છે એટલે થિયેટર તરફ દોટ નહીં મૂકે.

આપણ વાંચો : કવર સ્ટોરી : સ્ટેન્ડ અપ કોમેડિયનોને એક ખૂણે બેસાડીને કોણ સમજાવશે કે વાણી સ્વાતંત્ર્યના નામે આડેધડ વાણી વિલાસ ન થઈ શકે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button