મેટિની

એક જ સેટ પર શૂટિંગ સાથે ૨૮ દિવસમાં ફિલ્મનું પેક-અપ..!

૬૦ વર્ષ પહેલા સી. વી. શ્રીધરે રાજેન્દ્રકુમાર- મીના કુમારી – રાજ કુમારને લઈને બનાવેલી સાઉથની આ હિન્દી રિમેકમાં મુખ્ય વાર્તાનો સમયગાળો હતો માત્ર ૧૫ દિવસનો…

હેન્રી શાસ્ત્રી

‘પ્યાર કિયે જા’ અને ‘દિલ એક મંદિર’
સાઉથની ચાર ભાષામાં ફિલ્મ બને છે: તમિળ-તેલુગુ,- કન્નડ અને મલયાલમ. ગયા હપ્તામાં આપણે સાઉથની કેવળ તેલુગુ ભાષાની હિન્દી રિમેકની વાત કરી. આજે આપણે સાઉથના કેટલાક દિગ્દર્શકના હિન્દી ફિલ્મઉદ્યોગના યોગદાનથી પરિચિત થઈએ.

તમિળ અને તેલુગુ ભાષામાં ફિલ્મ બનાવનારા દિગ્દર્શક સી. વી. શ્રીધરે સાઉથના કેટલાક ચિત્રપટનું પુન: સંસ્કરણ (રિમેક) હિન્દીમાં કરી દર્શકોને ભાવનાત્મક અને વિનોદી ફિલ્મોની ભેટ આપી છે. આ ડિરેક્ટરનો હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ કેવી રીતે થયો એ કહાણી રોચક છે. ૧૮ વર્ષની ઉંમરે નાટ્ય લેખનથી અનેક લોકોને પ્રભાવિત કરનારા આ યુવાનને તમિળ ફિલ્મોમાં પટકથા અને સંવાદ લેખક તરીકે કામ બહુ જલદી મળી ગયું. ૧૯૫૪માં શ્રીધરની કલમથી અવતરેલી Ratha Prasam (લોહીની સગાઈ) ફિલ્મ રિલીઝ થઈ અને એને સારો આવકાર મળ્યો અને શ્રીધર માટે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરવાજા ફટાક કરી ખૂલી ગયા. સાઉથની એ સફળ ફિલ્મ પરથી અશોક કુમાર અને કિશોર કુમારને ચમકાવતી હિન્દી ફિલ્મ ‘ભાઈ ભાઈ’ (ગીતા દત્તનું ‘અય દિલ મુજે બતા દે, તૂ કિસ પે આ ગયા હૈ, વો કૌન હૈ જો આકર ખ્વાબોં પે છા ગયા હૈ’ યાદ છેને?) બની, જેને ઠીક ઠીક સફળતા મળી.

૧૯૫૮માં શ્રીધરને ફિલ્મનું દિગ્દર્શન કરવાનો મોકો મળ્યો અને તમિળ – તેલુગુમાં રજૂ થયેલી ‘નઝરાના’ (૧૯૬૧ – રાજ કપૂર, વૈજયંતિમાલા અને ઉષા કિરણ) હિન્દીમાં શ્રીધરે ડિરેક્ટ કરેલી પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મથી શ્રીધરની આગામી ફિલ્મોનો ઢાંચો બંધાયો: લવ સ્ટોરી અને સાથે કોમેડીનો સબ પ્લોટ. ‘નઝરાના’નું મુકેશે ગાયેલું ‘એક વો ભી દિવાલી થી, એક યે ભી દિવાલી હૈ, ઉજડા હુઆ ગુલશન હૈ, રોતા હુઆ માલી હૈ’ આજે પણ સંગીત રસિયાઓના હૈયે સચવાયું છે. આ ફિલ્મ પણ દર્શકોને પસંદ પડી હોવાથી હિન્દીમાં વધુ ફિલ્મ બનાવવાની શ્રીધરની હિંમત ખૂલી.

૧૯૬૩માં આવી ‘દિલ એક મંદિર’ જેની કથા અને મેકિંગ હિન્દી ફિલ્મઉદ્યોગની એક અનન્ય ઘટના ગણાય છે. ફિલ્મ સાથે સંબંધિત પહેલી અને ઘણી મહત્ત્વની બાબત એ છે કે એ સમયના અત્યંત વ્યસ્ત એવા ત્રણ જાણીતા અદાકાર રાજેન્દ્રકુમાર- મીના કુમારી અને રાજ કુમાર ફિલ્મમાં હોવા છતાં અથથી ઇતિ – સમગ્ર શૂટિંગ માત્ર ૨૮ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. ફિલ્મ મેકિંગના ધોરણે બીજી રસપ્રદ અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે એક બેકગ્રાઉન્ડ સોન્ગને બાદ કરતાં સમગ્ર ફિલ્મ એક જ સેટ પર શૂટ કરવામાં આવી હતી. આજથી ૬૦ વર્ષ પહેલા આવો અખતરો અનન્ય કહેવાય. આવી કોશિશને કારણે ફિલ્મના બજેટમાં ઘણી કરકસર શક્ય બને છે. અચરજ અને અજાયબી હજી બાકી છે. ફિલ્મની કથા શ્રીધરની પોતાની હતી અને અઢી કલાક લાંબી ફિલ્મની મુખ્ય વાર્તાનો સમયગાળો હતો માત્ર ૧૫ દિવસ… પટકથા કેવી ચુસ્ત હશે એનો અંદાજ બાંધવો મુશ્કેલ નથી. રાજેન્દ્ર કુમાર અને મીના કુમારી જે પ્રકારની ભૂમિકા માટે જાણીતા હતા એવા જ એમનાં રોલ છે અને ‘વક્ત’ પહેલાના રાજ કુમાર ટિપિકલ ડાયલોગ ડિલિવરી (ચિનોય શેઠ: ‘જિનકે ઘર શિશે કે હોં વો દૂસરોં કે ઘર પર પત્થર ફેંકા નહીં કરતે…!’ ) અને અનોખી ચાલ વગર પણ આ ફિલ્મમાં અભિનયથી પ્રભાવ પાડી જાય છે. આ ફિલ્મ માટે એમને શ્રેષ્ઠ સહાયક ‘અભિનેતા’નો ‘ફિલ્મફેર’ એવોર્ડ એનાયત થયો હતો. ફિલ્મના ગીત – સંગીત પણ લાજવાબ હતા. એક ગીતનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. શૈલેન્દ્રએ લખેલું ’જુહી કી કલી મેરી લાડલી, નાઝોં કી કલી મેરી લાડલી’ ગીત સાંભળતાં કોઈ પણ કદાચ ‘લતાદીદીએ કેવું સરસ ગાયું છે’ એવું બોલી ઊઠે,પણ જાણ સહજ, આ ગીત લતાજીએ નહીં, સુમન કલ્યાણપુરે ગાયું છે…!

હજુ એક મજેદાર વાત એ પણ છે કે શ્રીધરની તમિળ ફિલ્મની રિ-મેક માત્ર હિન્દીમાં જ નહીં, તેલુગુ-કન્નડ-મલયાલમ ભાષામાં પણ બની. સાઉથની એક ફિલ્મની ચાર ભાષામાં રિ-મેક…. એ સમયે તો આવું ભાગ્યે જ જોવા મળતું .

‘દિલ એક મંદિર’ પછી શ્રીધરે આઠેક હિન્દી ફિલ્મ બનાવી, જેમાં સૌથી નોંધપાત્ર હતી કોમેડી ફિલ્મ ‘પ્યાર કિયે જા’ (૧૯૬૬ – શશી કપૂર- કિશોર કુમાર) ફિલ્મમાં મહેમૂદ પિતાશ્રી ઓમ પ્રકાશને જે ‘ભૂત-કથા’ સંભળાવે છે એ સીન હિન્દી ફિલ્મ ઈતિહાસના અદભુત સીનની યાદીમાં વટથી બિરાજે છે. અમિતાભ બચ્ચન અને જીતેન્દ્રને સાથે ચમકાવતી એકમાત્ર ફિલ્મ ‘ગેહરી ચાલ’ (૧૯૭૩)ના દિગ્દર્શક શ્રીધર જ હતા.

તેલુગુ ફિલ્મોની રિમેકમાં એક મહત્ત્વનું નામ છે કે. રાઘવેન્દ્ર રાવનું. ચાલીસેક વર્ષમાં સોએક ફિલ્મ બનાવનાર રાઘવેન્દ્ર રાવે કેવળ તેલુગુ અને હિન્દી એમ બે જ ભાષામાં ફિલ્મો ડિરેક્ટ કરી છે.
એમના વિશે મજેદાર અને હેરત પમાડનારી વાત એ છે કે એમની ૧૮ હિન્દી રિ-મેકમાંથી ૧૧ ફિલ્મના હીરો જીતુભાઈ – જીતેન્દ્ર હતા. મિસ્ટર રાવનો હિન્દી ફિલ્મજગત સાથે નાતો કઈ રીતે જોડાયો એ પણ જાણવા જેવું છે. એમણે તેલુગુમાં ‘કલ્પના’ (૧૯૭૭) ડિરેક્ટ કરી હતી જે સંજીવ કુમાર – જયા ભાદુડીની ‘અનામિકા’ (૧૯૭૩)ની રિ-મેક હતી. ‘નિશાના’ (૧૯૮૦)થી રાઘવેન્દ્ર રાવ – જીતેન્દ્ર વચ્ચે હિન્દી રિ-મેકની પાર્ટનરશીપનો પ્રારંભ થયો, જે ‘સુહાગન’ (૧૯૮૬) સુધી ચાલ્યો. ‘હિમ્મતવાલા’, ‘તોહફા’, ‘માસ્ટરજી’ એમની ખૂબ ગાજેલી સફળ ફિલ્મો હતી.

જીતુજીની કારકિર્દીના આ મહત્ત્વપૂર્ણ અધ્યાયનો વિશિષ્ટ પહેલું એ છે કે છ ફિલ્મમાં તો એમની હિરોઈન શ્રીદેવી હતી અને ત્રણમાં જયા પ્રદા હતી. ૧૯૮૦ના દોરની ભરતીમાં ઓટ આવી ગઈ હોવાનો ખ્યાલ આવી જતા રાઘવેન્દ્ર રાવે ૧૯૯૦ના દાયકામાં ૨૫ ફિલ્મ બનાવી, જેમાં હિન્દી ફિલ્મ એક જ હતી અને બાકીની ચોવીસે ચોવીસ તેલુગુ ફિલ્મ. હિન્દી ફિલ્મ હતી ‘મેરે સપનોં કી રાની’ (૧૯૯૭ – સંજય કપૂર, ઉર્મિલા માતોંડકર) જે ક્યારે રિલીઝ થઈ અને ક્યારે ગાયબ થઈ ગઈ, ખબર જ ન પડી. હિન્દી ફિલ્મોમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા શ્રી રાવની ત્યારબાદ એક જ હિન્દી ફિલ્મ આવી ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ (૨૦૦૧). જોકે, ફિલ્મને ખાસ આવકાર નહોતો મળ્યો. સાઉથના ફિલ્મમેકરોનું હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેવું નોંધપાત્ર યોગદાન રહ્યું છે એ આપણે બે હપ્તામાં જોયું. બદલાયેલી ફિલ્મ મેકિંગની શૈલી સાથે અન્ય સાઉથના દિગ્દર્શકોએ કેવું
યોગદાન આપ્યું એ આપણે આવતા સપ્તાહે જોઈશું….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button