પી.ખરસાણી: ગુજરાતી ફિલ્મો-નાટકોના ચાર્લી ચેપ્લિન
ડ્રેસ-સર્કલ -સંજય છેલ
‘ઘણાં નાટકોમાં રોલ કર્યા, દિગ્દર્શન કર્યું, નિર્માણ પણ કર્યાં. નાટકોમાં વિવિધ રોલ કરતા કરતા ખરી જિંદગીમાં ક્યારેક મીરાંનો રોલ કરી ઝેરનો કટોરો પીવો પડ્યો છે. ક્યારેક ભીષ્મની બાણશય્યા ઉછીની લઇ એના પર સૂવું પડ્યું છે. ઘણી વખત ઓડિયન્સની તાળીઓના ગડગડાટ ને સીટીઓ સાંભળ્યાં છે તો ઘણીવાર ખાલી સીટોને કલ્પનાથી ભરીને પણ નાટકો કર્યાં છે. ક્યારેય કોમર્શિયલ ન થઇ શક્યો, પણ ઇમોશનલ હોવાનો ઠાઠ મેં ભોગવ્યો છે.’
આ હૃદયસ્પર્શી શબ્દો કોઇ મોટા હોલીવૂડ ફિલ્મસ્ટાર કે બ્રોડવે-લંડન થિયેટરનાં નાટકવાળાનાં નથી, પણ અમદાવાદની વીંછીની પોળમાં આજીવન વસેલાં નખશિખ ગુજરાતી હાસ્ય કલાકારના છે.
આજે ગુજરાતી ફિલ્મો અને નાટકોનાં કોમેડિયન-હાસ્ય કલાકાર પી.ખરસાણીના નાનકડા સ્ટારડમની વાત કરવી છે, કારણકે એ આપણા ગુજરાતી સ્ટાર હતા અને રહેશે. એમનું કદ નાનું-નામ મોટું – કામ એનાથી યે મોટું. ગુજરાતી ફિલ્મોનાં ચાહકો એમને ‘બટકો’ કહેતાં, જેની એન્ટ્રી પર જ લોકો હસવા માંડતાં એવા પી. ખરસાણીએ પોતાની બોલવાની હસવાની સ્ટાઇલથી ગુજરાતનાં લાખો-કરોડો લોકોને ૧૦૦-૧૫૦ ગુજરાતી ફિલ્મ , ૪-૫ હિંદી ફિલ્મ -સિરિયલો અને ૧૦૦-૧૨૫થી વધુ ફુલલેંથ નાટકમાં ખડખડાટ હસાવ્યાં છે. આવા પી. ખરસાણીને ગુજરાતના ચેપ્લિન કહી શકાય. ‘ચેપ્લિન’ સાથે સરખામણી કદાચ વધુ પડતી લાગશે, પણ પી.ખરસાણી ને ચેપ્લિન વચ્ચે ઘણી સમાનતાઓ છે. ચેપ્લિનને ગરીબ માતાએ ઉછેર્યો અને કારમી ગરીબીમાંથી ચેપ્લિનને હાસ્યનો ખજાનો મળેલો. પી. ખરસાણીનાં માતાએ નાના – મોટાં કામો કરીને એમને ઉછેરેલા. ચેપ્લિને એકટર બનતાં પહેલાં ખૂબ સંઘર્ષ મજૂરી ભૂખમરો જોયો પી.ખરસાણીએ પણ કડિયા કામ, ફિલ્મનાં પોસ્ટરો કે સાઇન બોર્ડ ચિતરવા, ગુમાસ્તાની નોકરી, નાના- મોટાં ટ્યૂશનો જેવાં અનેક કામ કર્યાં અને નાટકનાં સેટ બનાવતાં બનાવતાં કે મેકઅપ કરતા કરતા પછી અભિનેતા બન્યાં. અમદાવાદ-ગુજરાતી રંગભૂમિ પર ‘સ્ટાર’ બન્યા ને ગુજરાતી ફિલ્મોમાં પોતાની એક આગવી ‘બ્રાંડ’ ઊભી કરી. ચાર્લી ચેપ્લિનન પણ કદ-કાઠીએ સામાન્ય. બહુ હાઇટ નહીં. ખરસાણીની ઊંચાઇ બિલ્કુલ નહીં, પણ અભિનયમાં ઊંડાણ અગાધ હતું. જીવનનાં દુ:ખોને મધ્યમવર્ગનાં સંઘર્ષને, કલાકાર તરીકે જીવવામાં અનુભવાતા અભાવને લીધે એમને એ ટ્રેજેડીમાં પળપળ હાસ્ય મળી આવતું. ચેપ્લિને પણ એક ટ્રેમ્પ, એક રખડુની ભૂમિકામાં આમ આદમીનાં સુખદુ:ખ રજૂ કરેલાં. ખરસાણીએ પણ ગરીબ ગ્રામીણ કે મધ્યમવર્ગનાં ગુજરાતી માણસનાં દુ:ખ-દર્દને રજૂ કરેલાં. ચેપ્લિને નાના-મોટાં નાટકોથી શરૂઆત કરીને પછી ફિલ્મો તરફ ગયાં. પી.ખરસાણીએ પણ નાટકોથી શરૂઆત કરી અને પછી ગુજજુ ફિલ્મોમાં છવાઇ ગયાં.
એક રીતે ખરસાણી તો ચેપ્લિનનથી આગળ હતાં કે ફિલ્મો પછી પણ એમણે નાટકો કરવાનાં છોડયાં નહીં અને ફિલ્મોનાં શૂટીંગ સાથોસાથ હાઉસફૂલ નાટકો કરવા દોડી જતાં! મોબાઇલ ફોન, ઇમેઇલ, સારાં હાઇવે અને પ્રોફેશનાલીઝમ વિનાનાં એ સમયમાં ફિલ્મો અને નાટકો સાથેસાથ કરવા એ બહુ મોટી વાત ગણાય. ૪-૪ કે ૫-૫ શુટિંગો ચાલતાં હોય ત્યારે બરોડા કે હાલોલનાં સ્ટુડિયોથી ભાગીને અમદાવાદ- આણંદ શો કરવા જવું એટલે હિમાલય ચઢવો. એવામાં પાછી ક્યારેક કોઇ હિરોઇન ના આવે ને શોનાં દસ મિનિટ પહેલાં નવી હિરોઇનને ઊભી કરીને આખો શો એમને એમ રજૂ કરવો એ એક અદ્ભુત આવડત કે જાદૂગરી કહેવાય. પી. ખરસાણીએ ‘પત્તાંની જોડ’ જેવાં નાટકનાં ૬૦-૭૦નાં દાયકામાં ૨૦૦૦થી વધુ શો કર્યાં. ત્રીસ -ચાલીસ વર્ષ એ નાટક ચલાવ્યું અને ઓડિયંસનો પ્રેમ એટલો કે ‘દાદાજી’નાં પાત્રમાં છેલ્લા જ્યારે એ ગુજરી જતાં ત્યારે લોકોને ગમ્યું નહીં એટલે અંત બદલવો પડેલો.
‘અરે આ તો જરા ઝોંકુ આવી ગયેલું!’ કહીને ફરીથી દાદાજી ઊભાં થાય છે અને ઓડિયન્સ હાશકારા સાથે હસી પડે છે. કાશ, ૨૦ મે ૨૦૧૬ની સાંજે ૫.૧૪ મિનિટે ખરસાણી. છેલ્લાં શ્ર્વાસ લઇને જગતનાં રંગમંચ પરથી એકઝિટ લઇ ગયાં ત્યારે ફરીથી ઊભાં થઇને કહી દેત કે ‘અરે આ તો જસ્ટ ઝોકું આવી ગયેલું!’
‘ફ્રી પાસ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવું માનતી અમદાવાદી કંજૂસ જનતા સામે ખરસાણીએ અનેક સુપરહિટ નાટકો રજૂ કર્યાં અને લોકપ્રિયતા એવી કે પરણ્યાં છતાં કુંવારાં નાટક ઉપરા ઉપર બે હાઉસફૂલ શો હોય ત્યારે ટાઉનહોલ પર ટ્રાફિક જામ થઇ જતો અને અમદાવાદના શેઠિયાઓની ગાડીઓની રીતસરની લાઈન લાગતી. એમના એક નાટકનું બહુ ઇંટરેસ્ટિંગ ટાઇટલ હતું. અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી!