‘મોનસ્ટર’ – ‘કાર્ટર’ – ‘ગુડ લક જેરી’…
ઓટીટી પ્લૅટફૉર્મ પરની આ ત્રણેય ફિલ્મનો મનોરંજનનો મસાલો નવા વરસની ઉજાણી જેવો છે!

ફિલ્મનામા -નરેશ શાહ
2025ની વધામણી આપણે ત્રણ એવી ફિલ્મોની વાતથી કરીએ, જે દર્શકોની તબિયત ખુશખુશાલ કરી દે તેવી છે. વાતની શરૂઆત કરીએ ‘કાર્ટર’થી. ‘કાર્ટર’ : એકશનનો ખોફનાક વાયરસ પહેલાં આ હિન્દી ફિલ્મનાં નામ વાંચો: સલમાન ખાનની રાધે – રામ રતન ધન પાયો અને ભારત, ઇરફાન-ઐશ્ર્વર્યા રાયની જઝબા- એક વિલન… અમિતાભ બચ્ચનનની તીન- રોકી હેન્ડસમ. રણબીર કપૂરની બર્ફી.. બિપાશા બાસુની મર્ડર-ટુ ઇમરાન હાશ્મીની આવારાપન- ઝિંદા- ધમાકા… અહીં આપણે ફિલ્મોનાં નામ જોયાં એ બધાની ગળથૂથી એક જ છે. એ તમામ મૂળ કોરિયન છે અને હવે આપણને નાચગાન વગરની આવી ઑરિજિનલ કોરિયન ફિલ્મો હિન્દીમાં પણ જોવા મળવા લાગી છે અને તેમાંથી નીકળેલી એક લોટરીનું નામ છે: કાર્ટર.
‘નેટફ્લિક્સ’ પર સ્ટ્રીમ થયેલી આ ફિલ્મ વિશે અતિશયોક્તિ અલંકાર વાપરીને કહેવું હોય તો કહી શકાય કે દશ જેમ્સ બોન્ડ વત્તા બે-ત્રણ અબ્બાસ-મસ્તાનનું મિશ્રણ કર્યા પછી જેનું નામ મળે એવા ડિરેક્ટર જોગં બી યોંગ ગીલની ‘કાર્ટર’ ફિલ્મ છે. ‘કાર્ટર’ એક આલા દરજ્જાનું ડબલ એકશનપેક થ્રિલર છે અને તેમાં કુતૂહુલ થયા કરે તેવા રહસ્યનું મજેદાર ટોપિંગ પણ ભભરાવેલું છે.
સાઉથ કોરિયામાં એક સવારે કાર્ટર જાગે છે ત્યારે હત્યારાઓથી ઘેરાયેલો છે, પણ એને પોતાનું નામ સુદ્ધાં યાદ નથી આવતું. એના કાનમાં ફીટ કરી દેવામાં આવેલા ફોન પરથી એને સૂચના મળતી રહે છે તેમ પોતાનો જીવ બચાવવા કાર્ટર કત્લેઆમ કરતો કરતો ભાગે છે. એને એક મિશન સોંપવામાં આવે છે, પરંતુ તેને કોઈના ઈરાદા સમજાતાં નથી. એને સતત એની દીકરીના નામે ઉશ્કેરવામાં આવે છે કે, એ જીવલેણ વાયરસનો ભોગ બની છે… કાર્ટર જો આ મિશન પૂરું કરે તો જ એને વાયરસનો એન્ટિડોટ મળી શકે, જે એની દીકરીને ફરી નૉર્મલ કરી શકે, પણ… યાદદાસ્ત ગુમાવી ચૂકેલા કાર્ટરને કશું સમજાતું નથી! ‘કાર્ટર’ ફિલ્મ તમને છેલ્લે સુધી જકડી રાખે છે અને તેના દિલધડક સ્ટંટ અને વીએફએક્સની કમાલ તમને સ્તબ્ધ કરી દે છે. આ ફિલ્મ તાબડતોબ જોઈ નાખો, નહીંતર ખરેખર કશુંક દિલધડક ગુમાવશો!
‘ગૂડ લક જેરી’:
હળવા કરતાં બેડલક હાસ્ય સર્જવું અઘરું છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી હાસ્ય નિષ્પન્ન કરવું વધારે મુશ્કેલ છે. ‘ડિઝની-હોટસ્ટાર’ પર સીધી જ રિલીઝ થયેલી શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂરની ‘ગુડ લક જેરી’ આ અઘરી એકઝામમાં પાસ થયેલી ફિલ્મ છે. પિતાવિહોણી બેજુબાન દીકરીને મા પેટે પાટા બાંધીને કામધંધે વળગાડે છે, પણ દીકરી જેરી-જયા (જ્હાનવી) મસાજ પાર્લરની નોકરી લઈને માતાને પરેશાન કરી નાખે છે. ‘લોગ કયા કહેંગે’ની બળતરામાં મા-દીકરી વચ્ચે ટસન થયા કરે છે. ગુસ્સામાં સતત ખાંસતી રહેતી માતા શરબતી (મીતા વશિષ્ઠ)ની ઉધરસનું નિદાન કૅન્સર તરીકે થાય છે. હવે માતાની કિમોથેરાપી, રેડિએશન વગેરેની સારવાર માટે લાખો રૂપિયાની જરૂર છે અને જેરી નાછૂટકે ડ્રગ્ઝને એકથી બીજા ઠેકાણે પહોંચાડવાનું કામ શરૂ કરી દે છે, પણ….
બન્ને બહેનોના પાગલ-ઘેલા પ્રેમી, માતા માટે સોફટ કોર્નર ધરાવતાં પડોશી, જેરીથી આકર્ષાતો ડ્રગ પેડલર અને એનો બોસ… આ બધાં પાત્ર સાથે લેખક : નેલસન દિલીપકુમાર અને પંકજ મટ્ટા ફિલ્મ ‘ગુડલક જેરી’માં એવી તંગ પરિસ્થિતિઓ સર્જે છે કે આપણે મંદ મંદ મુસ્કુરાતાં રહીએ. એક સમયે તો બોસ (સુશાંત સિંહ) જેરીને કબાટ ભરીને ડ્રગ્સ મોકલવાની ફરજ પાડે છે અને એ આખી સિકવન્સ અને તેમાં આવતાં ટ્વિસ્ટ એકદમ મજેદાર છે.
‘ગુડ લક જેરી’ને ડિરેક્ટ કરનારા સિદ્ધાર્થ સેનગુપ્તાની આ પ્રથમ કહી શકાય તેવી તારીફલાયક ફિચર ફિલ્મ છે. જેરી તરીકે જ્હાનવી કપૂરને કદાચ, પહેલી વખત યોગ્ય કેરેકટર મળ્યું હોય તેવું લાગે. મીતા વશિષ્ઠ તો નીવડેલાં અભિનેત્રી છે. એ સિવાયનાં તમામ પાત્રનો અભિનય યથાયોગ્ય છે. ઘેર બેઠાં જોવા મળતી આ મૂવી વર્થ છે.
‘મોનસ્ટર’: ઇન્ટરવલ પછી શું?
કૅબ ડ્રાઇવર તરીકે ભામિની આજે કંપનીના બોસને ફાઈનાન્સ લકી સિંહને લેવા માટે ઍરપૉર્ટ પહોંચી છે, પણ દિવસ સવારથી જ ખરાબ ઊગ્યો છે. સમયસર પહોંચવાની લ્હાયમાં તે પોલીસની ચુંગાલમાં ‘ઓવરસ્પીડ’ના મુદ્દે ધ્યાને ચડી ગઈ છે અને માંડ માંડ એને ઍરપૉર્ટ પર લકી સિંહ (મોહનલાલ) મળે છે. ભામિની માટે બીજું ધર્મસંકટ એ છે કે મેરેજ એનિવર્સરી હોવાથી બપોરે એને ઘરે જવું હોય છે, પણ લકી સિંહ એને રજા આપવાને બદલે એ ઘરે સાથે આવે છે, કારણ કે, ભામિનીની સોસાયટીના જ એક એપાર્ટમેન્ટમાં લકી સિંહનો ફલૅટ પણ છે. એ ફલૅટ વેચવાનું ફૂલ એન્ડ ફાઇનલ પેમેન્ટ આજે મળવાનું છે. એ પેમેન્ટ લઇને લકી સિંહ સાંજની ફલાઇટ પકડવાનો છે. અસ્સલ પંજાબી, ખુશમિજાજ લકી સિંહ સાંજે ભામિનીને પોતાના એક કામ સબબ બહાર મોકલે છે અને પાછળથી તેના બીજવર પતિની હત્યા લકી સિંહ કરી નાખે છે… ભામિની લકી સિંહને ઍરપૉર્ટ છોડવા માટે ફરી પોતાની સોસાયટીમાં આવે છે ત્યારે લકી સિંહ ચાલાકીથી એના પતિનો
મૃતદેહ ભામિનીની કૅબ (ટૅકસી)માં મૂકી દઈને ઍરપૉર્ટ પર ઊતરી જાય છે, ફરી વિમાનમાં ઊડી જવા માટે.
‘મોનસ્ટર’ની ઇન્ટરવલ સુધીની કથાના મુખ્ય મુદ્દા તમને અમે કહી દીધા છે. હવે આગળની વાત તમે વિચારો, પણ ખાતરી રાખજો કે તમારાં અનુમાન-ધારણાં તમને ખોટાં જ પાડશે, કારણકે ઉદયક્રિષ્નને લખેલી વ્યાસે ડિરેક્ટ કરેલી મોહનલાલ અને હની રોઝ (ભામિની) અભિનિત ‘મોનસ્ટર’ જાણે દર્શકને ભોંઠા પાડવા માટે જ બનાવવામાં આવી હોય તેવી મજેદાર ફિલ્મ છે. ‘મોનસ્ટર’માં ઇન્ટરવલ પછી જે પણ બને છે, એ આપણી કલ્પનાશક્તિ બહારની વાત છે. ખાતરી કરી જ લેજો, ‘મોનસ્ટર’ ફિલ્મને ‘ડિઝની-હોટસ્ટાર’ (હવે ‘જિઓ હોટસ્ટાર’) પર હિન્દીમાં જોઈને.