મેટિની

શો-શરાબા : એકેડમી એવોર્ડ્સ કે રિવોલ્યુશનરી રેકોર્ડ્સ? ઓસ્કર એવોર્ડ્સ સાથે આ વર્ષે જોડાયાં છે અવનવા રેકોર્ડ્સ

-દિવ્યકાંત પંડ્યા

97મો ઓસ્કર્સ એવોર્ડસ સેરિમની યોજાઈ ગઈ. જેને સિનેપ્રેમીઓએ માણી પણ લીધી. જોકે, વિશ્વના આ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સની ચર્ચા સ્વાભાવિકપણે ઘણા દિવસો સુધી થતી રહેવાની. આ વર્ષે પણ આ એકેડમી એવોર્ડ્સમાં અમુક અભૂતપૂર્વ ઘટના બની. ઘણાં રેકોર્ડ્સ બન્યા અને તૂટ્યા, જેમકે બેસ્ટ પિક્ચરની શ્રેણીમાં નોમિનેટેડ ‘વિકેડ’ ફિલ્મ માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરવા બદલ ડિઝાઈનર પોલ ટેઝવેલને કોસ્ચ્યુમ ડિઝાઇન શ્રેણીમાં નોમિનેશન મળ્યું હતું. પોલ આ શ્રેણીમાં વિજેતા તો બન્યો, પણ એ સાથે તે ઓસ્કર્સના 97 વર્ષના ઇતિહાસમાં કોસ્ચ્યુમ ડિઝાઇન શ્રેણીમાં વિજેતા બનનાર પ્રથમ અશ્વેત ડિઝાઈનર બન્યો. હા, અત્યાર સુધી એકપણ અશ્વેત વ્યક્તિ આ શ્રેણીમાં વિજેતા નહોતી બની.

પોલ ટેઝવેલ આ પહેલાં 2021માં રિલીઝ થયેલી સ્ટીવન સ્પીલબર્ગ દિગ્દર્શિત ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ માટે આ જ શ્રેણીમાં નોમિનેટ થયો હતો, પણ વિજેતા નહોતો બની શક્યો. ‘વિકેડ’ માટે જીતીને એનું નામ અશ્વેત લોકોના ઇતિહાસમાં નોંધાઈ ગયું .

આ પણ વાંચો: બ્રેકઅપ કે બાદ

આવો જ એક રેકોર્ડ એક્ટિંગ શ્રેણીમાં પણ આ વર્ષે નોંધાયો છે. એક્ટિંગ માટે ઓસ્કર્સમાં કુલ ચાર શ્રેણી છે- બેસ્ટ એક્ટર- બેસ્ટ એક્ટ્રેસ- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ. આ ચારેય શ્રેણીમાં અત્યાર સુધી કોઈ ડોમિનિકન રિપબ્લિક મૂળ ધરાવનાર એક્ટર કે એક્ટ્રેસ વિજેતા નથી બન્યાં, પણ આટલાં વર્ષોમાં પહેલી વખત એક્ટ્રેસ ઝોઈ સેલ્ડાનાની જીત સાથે એક ડોમિનિકન કલાકારની બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસની શ્રેણીમાં જીત થઈ છે. ઝોઈ ‘એમિલીયા પેરેઝ’ ફિલ્મ માટે આ શ્રેણીમાં નોમિનેટ થઈ હતી.

ઓસ્કર્સમાં સૌથી વધુ નોમિનેશન્સ કે સૌથી વધુ જીતને લઈને પણ રસપ્રદ આંકડાઓ હોય છે. આ વખતના એવોર્ડ્સમાં પણ એવું બન્યું છે. બેસ્ટ પિક્ચરની શ્રેણીમાં વિજેતા ફિલ્મ ‘અનોરા’ના દિગ્દર્શક શોન બેકરને જે એવોર્ડ્સ મળ્યા છે તેની ચર્ચા આજે ઠેર ઠેર છે. કોઈ ફિલ્મ- સર્જનમાં એક જ વ્યક્તિ એકથી વધુ વિભાગ સંભાળે એવું આપણે ઘણી વખત જોયું છે, પણ આવો કિસ્સો ઓસ્કર્સ સાથે જોડાય અને જે-તે વ્યક્તિ એ વિભાગોમાં ફક્ત નોમિનેટ જ નહીં, પણ વિજેતા પણ બની જાય એ સાચે જ અભૂતપૂર્વ ગણાય!

શોન બેકરને ફિલ્મ ‘અનોરા’ માટે બેસ્ટ ડિરેક્ટર- બેસ્ટ એડિટિંગ- બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને નિર્માણ સાથે સંકળાયેલા હોવાના લીધે બેસ્ટ પિક્ચરની શ્રેણીમાં પણ એવોર્ડ મળ્યો છે. કલાકારોનું સ્વપ્ન હોય છે એક વખત ઓસ્કર્સ જીતવા કે ઓછામાં ઓછું નોમિનેટ થવાનું. અહીં તો શોન બેકરને એની આવડત અને નસીબે એક જ વર્ષે એક જ ફિલ્મ માટે ચાર-ચાર ઓસ્કર એવોર્ડ્સના વિજેતા બનાવી દીધા છે! આ ઘટના સાથે શોન બેકરે લેજેન્ડરી ફિલ્મમેકર વોલ્ટ ડિઝનીની બરાબરી કરી છે. વોલ્ટ ડિઝની અને શોનમાં તફાવત માત્ર એટલો છે કે વોલ્ટ ડિઝનીને એમના ચાર એવોર્ડ્સ અલગ-અલગ ફિલ્મ્સ માટે મળ્યા હતા.-

આ પણ વાંચો: ધ ક્યુરિયસ કેસીસ ઓફ કમબેક્!

બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની શ્રેણીમાં પણ અચરજ પમાડે તેવી ઘટનાઓ બની છે. બેસ્ટ પિક્ચરની શ્રેણીમાં વિશ્વભરમાંથી ફિલ્મ્સ નોમિનેટ થતી હોય છે, જયારે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની શ્રેણીમાં અમેરિકન ફિલ્મ્સ સિવાયની અને મુખ્યત્વે નોન-ઈંગ્લીશ ફિલ્મ્સ નોમિનેટ થતી હોય છે. આ વખતે ‘આઈ એમ સ્ટીલ હિયર’ અને ‘એમિલીયા પેરેઝ’ બંને ફિલ્મ્સ બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ઈન્ટરનેશલ ફીચર ફિલ્મ એમ બંને શ્રેણીમાં સામેલ હતી. આવું દરેક વખતે નથી બનતું હોતું. અને જયારે બને ત્યારે બેસ્ટ પિક્ચરની મુખ્ય શ્રેણીમાં નોમિનેટેડ ફિલ્મ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની શ્રેણીમાં વિજેતા બની જ જતી હોય છે, પણ આ વખતે બે ફિલ્મ્સ નોમિનેટેડ થઈ હતી એટલે એકની હાર તો નિશ્ર્ચિત જ હતી.

આ વર્ષે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની શ્રેણીમાં ‘આઈ એમ સ્ટીલ હિયર’ વિજેતા બની એ સાથે ‘એમિલીયા પેરેઝ’ પ્રથમ એવી ફિલ્મ બની કે જે બેસ્ટ પિક્ચર જેવી મુખ્ય શ્રેણીમાં નોમિનેટ થઈ હોવા છતાં ઇન્ટરનેશનલ શ્રેણીમાં પણ ન જીતી શકી. જયારે ‘આઈ એમ સ્ટીલ હિયર’ આ ઉપરાંત પોતાની શ્રેણીમાં વિજેતા બનનારી પ્રથમ બ્રાઝિલિયન ફિલ્મ બની.

આ પણ વાંચો: આર્ટિસ્ટ્સની સમાજ પ્રત્યે જવાબદારી કેટલે સુધી?

97મા એકેડમી એવોર્ડ્સના આ રેકોર્ડ્સમાં વધુ રેકોર્ડ્સ ઉમેર્યા છે. બેસ્ટ એક્ટરની શ્રેણીમાં વિજેતા બનનાર એક્ટર એડ્રિયન બ્રોડીએ. ઓસ્કર્સની કોઈ પણ શ્રેણીમાં જ્યારે માત્ર નોમિનેશન મળવું પણ ખૂબ જ ગૌરવની વાત હોય છે, ત્યારે બ્રોડીએ નોમિનેશન સાથે જીતનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. બ્રોડીને અત્યાર સુધી બેસ્ટ એક્ટરની શ્રેણીમાં બે વખત નોમિનેશન મળ્યું છે. અને 100% સફળતા પોતાના નામે કરીને આ બંને વખત તેણે જીત પણ મેળવી છે. આ વર્ષની ‘ધ બ્રુટલિસ્ટ’ અને અગાઉ બ્રોડીને 2002માં ‘ધ પિયાનિસ્ટ’ માટે બેસ્ટ એક્ટરની શ્રેણીમાં નોમિનેશન અને એવોર્ડ બંને મળ્યા હતા.

આ ઉપરાંત એડ્રિયન બ્રોડીના નામે સૌથી વધુ સ્ક્રીનટાઇમનો પણ અનોખો રેકોર્ડ નોંધાયો છે. ફિલ્મ ‘બેન-હર’ માટે એક્ટર ચેર્લ્ટન હેસ્ટનના નામે 2 કલાક 1 મિનિટ અને 23 સેક્ધડ્સ સાથે બેસ્ટ એક્ટર શ્રેણીમાં વિજેતા એક્ટરનો સૌથી વધુ સ્ક્રીન ટાઇમનો રેકોર્ડ હતો. બ્રોડીનો સ્ક્રીન ટાઈમ ‘ધ બ્રુટલિસ્ટ’માં તેનાથી 7 મિનિટ જેટલો વધુ છે. બીજાથી સમયમાં વધવાની આ પરંપરા જાળવતા એવોર્ડ જીત્યા બાદની સ્પીચના સમયમાં પણ એડ્રિયન બ્રોડીએ 5 મિનિટ અને 40 સેક્ધડ્સ સાથે સૌથી આગળ રહેવાનું પસંદ કર્યું છે!

લાસ્ટ શોટ
વોલ્ટ ડિઝનીના નામે નિર્માતા તરીકે સૌથી વધુ 22 એકેડમી એવોર્ડ્સ જીતવાનો રેકોર્ડ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button