ઓસ્કરમેનિયા: ટોપ ટેન ફિલ્મ્સ વચ્ચે જામી છે ટોપ ટ્ક્કર!
આ વર્ષે ઓસ્કર્સ જીતે એવી તમારી ફેવરિટ ફિલ્મ કઈ છે?
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
૯૬મા ઓસ્કર્સ એવોર્ડ્સની જોવાતી રાહનો અંત હવે થોડા દિવસમાં જ આવી જશે.
આ ૧૦ માર્ચે લોસ એન્જેલસના પ્રખ્યાત ડોલ્બી થિયેટરમાં હોલીવૂડ અને વિશ્ર્વ સિનેમાની ખ્યાતનામ હસ્તીઓની હાજરીમાં આ સમારંભ યોજાવાનો છે. કોઈને ફક્ત એક એવોર્ડ આપવા માટે રાતોરાત નવી કેટેગરી ઊભા કરતા એવોર્ડ્સના સમયમાં વર્ષો બાદ ઓસ્કર્સમાં કોઈ કેટેગરી સામેલ થાય,જે ઘટના ગણાય ને હજુ સુધી ટકી રહેલી આ એવોર્ડ્સની વિશેષ વિશ્ર્વસનીયતા જ કહેવાય.
આ વર્ષની અલગ-અલગ કેટેગરીના બધા નોમિનેશન્સની ચર્ચા છે, છતાં એ બધાની ચર્ચા અહીં કરવી મુશ્કેલ છે એટલે આપણે મનોરંજન દેવની કૃપાથી દર વર્ષની જેમ બેસ્ટ પિક્ચર કેટેગરીમાં નોમિનેટ થયેલી ૧૦ ફિલ્મ્સ પર નજર કરીએ. લેટ્સ સ્ટાર્ટ…..
ઓપનહાઈમર (Oppenheimer):
આ અતિ પ્રચલિત ફિલ્મ વિશે તો સૌને ખબર હશે જ. જે. રોબર્ટ ઓપનહાઈમર એટલે કે અમેરિકન થિયોરિટિકલ ફિઝિસીસ્ટ. ઓપનહાઇમરે બીજા વિશ્ર્વ યુદ્ધ દરમિયાન મેનહેટન પ્રોજેક્ટમાં એટોમિક બોમ્બ બનાવીને ઇતિહાસ રચ્યો હતો. એ સમયગાળામાં કઈ પરિસ્થિતિઓને આધારે એ પ્રોજેક્ટ હાથ ધરાયો એની વાત આ ફિલ્મમાં છે. ઓપનહાઈમરની જિંદગી અને એનું આ ઐતિહાસિક શોધ પાછળ કઈ રીતે નિમિત્ત હોવું એ તો વાર્તામાં છે ,ઉપરાંત કઈ રાજકીય અને વૈશ્ર્વિક સ્થિતિમાં ન્યુક્લિયર બોમ્બનું નિર્માણ થયું અને વિશ્ર્વ પર તેની કેવી અસર પડી શકે એ વાતને પણ એ સમયની ઘટનાઓ દ્વારા આવરી લેવામાં આવી છે. ૧૯૫૪માં બોમ્બનાં વર્ષો પછી સેનેટ હિયરિંગમાં ઓપનહાઈમર આ ઘટના વિશે શું કહે છે એ ફિલ્મનો મહત્ત્વનો હિસ્સો છે.
‘ઓપનહાઈમર’ને આ વર્ષના સૌથી વધુ એટલે કે ૧૩ નોમિનેશન્સ મળ્યા છે. માર્ટિન શર્વિન અને કાય બર્ડ લિખિત ૨૦૦૫ના પુસ્તક ‘અમેરિકન પ્રોમેથિયસ’ પરથી આ ફિલ્મ બની છે.
રાઇટર-ડિરેક્ટર: ક્રિસ્ટોફર નોલાન
કાસ્ટ: સિલિયન મર્ફી, એમિલી બ્લન્ટ, રોબર્ટ ડાઉની જુનિયર
પૂઅર થિંગ્સ (Poor Things):
૧૯મી સદીના વિક્ટોરિયન લંડનમાં આ ફિલ્મનું વાર્તાબીજ છે. એક સર્જન ડોક્ટર ગોડવિન એક પ્રેગ્નન્ટ સ્ત્રી વિક્ટોરિયાનો જીવ બચાવવા માટે એક પ્રયોગ કરે છે. એ સ્ત્રી આત્મહત્યા થકી મૃત્યુ પામે ત્યારે તેની અંદરનું બાળક હજુ જીવતું હોય છે. ડોક્ટર તેને બહાર કાઢીને એના બ્રેનનું માતાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે. મતલબ મગજ બાળકનું પણ શરીર એની પુખ્તવયની માતાનું… એને નામ આપવામાં આવે છે બેલા. બેલા આ નવા વિશ્ર્વમાં ઘણુંબધું એકસાથે શીખવાનો પ્રયત્ન કરે છે. એનું મગજ બહુ જ ઝડપથી વિકાસ પામવા લાગે છે. એ ગોડવિનથી અલગ થઈને દુનિયાને જોવા ડંકન નામના એક વકીલ સાથે ત્યાંથી ભાગી જાય છે. અને એ પોતાના શરીર અને સમાજ વિશે ઘણું બધું જાણે છે, જે એના વિશ્ર્વને બદલી નાખે છે.
બેસ્ટ પિક્ચર સહિત ‘પૂઅર થિંગ્સ’ને કુલ ૧૧ એકેડમી એવોર્ડ્સ નોમિનેશન મળ્યા છે. આ વર્ષની એ આ સાથે સૌથી વધુ નોમિનેશન મેળવનારી બીજી ફિલ્મ બની છે.
રાઇટર: ટોની મેકનમારા
ડિરેક્ટર: યોર્ગોસ લેંથીમોસ
કાસ્ટ: એમ્મા સ્ટોન, માર્ક રફલો, વિલિયમ ડેફો
મેસ્ટ્રો ((Maestro):
આ બાયોગ્રાફિકલ ફિલ્મ છે અમેરિકન મ્યુઝિક કમ્પોઝર લિયોનાર્ડ બર્નસ્ટેઇન અને એની પત્ની ફેલિસિયાના જીવન પર આધારિત છે. લિયોનાર્ડની મ્યુઝિક જર્ની અને પત્ની ફેલિસિયા સાથેના સંબંધોને ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે.૧૯૪૩માં આસિસ્ટન્ટ કંડકટર લિયોનાર્ડને કિસ્મત એક મોકો આપે છે જે એને મુખ્ય કંડકટર બનીને પોતાનું સંગીત સૌ સુધી પહોંચાડીને પ્રસિદ્ધિ અપાવે છે. એ જ સમયમાં તે એક પાર્ટીમાં ફેલિસિયાને મળે છે, બંને પ્રેમમાં પડે છે અને લિયોનાર્ડ બોયફ્રેન્ડ ડેવિડ સાથે બ્રેક અપ કરીને ફેલિસિયા સાથે લગ્ન કરે છે. એ પછી પણ લિયોનાર્ડના પુરુષો સાથેના અફેર્સના કારણે એમના લગ્નજીવનમાં અને સંગીત સફરમાં તકલીફો ઊભી થતી રહે છે, જેની વાત એટલે બાકીની ફિલ્મની વાર્તા.
‘મેસ્ટ્રો’ને કુલ ૭ એકેડમી એવોર્ડ્સ નોમિનેશન મળ્યા છે.
રાઇટર: બ્રેડલી કૂપર, જોશ સિંગર
ડિરેક્ટર: બ્રેડલી કૂપર
કાસ્ટ: બ્રેડલી કૂપર, કેરી મલિગન, મેટ બોમર…
પાસ્ટ લાઇવ્સ (Past Live):
૨૦૦૦ની સાલમાં સાઉથ કોરિયામાં રહેતા હા સુંગ અને ના યંગ નામના ૧૨ વર્ષના છોકરા અને છોકરીને એકબીજા પ્રત્યે આકર્ષણ જન્મે છે, પણ થોડા જ સમયમાં છોકરી ના યંગનો પરિવાર દેશ છોડીને કેનેડાના ટોરોન્ટો શહેરમાં જતો રહે છે અને એ બંને છૂટા પડે છે. બાર વર્ષનો સમય વીતી જાય છે અને બંને સોશ્યલ મીડિયા થકી એકબીજાને પાછા મળે છે. બંને પાછા પોતાના જૂના દિવસોને યાદ કરીને પ્રેમભરી વાતો કરે છે, પરંતુ કારકિર્દી અને ભવિષ્યની યોજનાઓ એ બંનેને પાછા અલગ કરી દે છે. ૧૨ વર્ષ પછી પાછા એમને નિયતિ એકઠા કરી દે છે, પરંતુ આ વખતે બંનેની જિંદગીમાં બીજા જીવનસાથી આવી ગયા હોય છે. શું એ બન્ને હજુ એકબીજાને પ્રેમ કરે છે? શું એ હજુ એકબીજા સાથે રહેવા પ્રયત્નો કરે છે? આ સવાલોના જવાબ એટલે બાકીની ફિલ્મ….
ડિરેક્ટર સેલિન સોન્ગના જીવન પરથી પ્રેરિત ‘પાસ્ટ લાઇવ્સ’ આ ઉપરાંત બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે પણ નોમિનેશન મળ્યું છે.
રાઇટર-ડિરેક્ટર: સેલિન સોન્ગ
કાસ્ટ: ગ્રેટા લી, ટેઓ યૂ, જ્હોન મેગારો
ધ ઝોન ઓફ ઇન્ટ્રેસ્ટ (The Zone Of Interest)ં:
૧૯૪૩ના સમયગાળાની વાત છે. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના જે ભાગ પર જર્મનીએ કબ્જો મેળવી લીધો હતો ત્યાં યુદ્ધ સૈનિકો માટે કોન્સન્ટ્રેશન સેલ (રિબામણી માટે કોટડી ) એટલે કે એક પ્રકારની જેલ બનાવવામાં આવી હતી. રુડોલ્ફ હોસ નામનો એ સેલનો કમાન્ડન્ટ સેલની બાજુમાં જ પોતાના પરિવાર સાથે રહે છે. આવા વાતાવરણમાં પોતાના પરિવારની સલામતી અને બહેતર ભવિષ્યનું વિચારતો રુડોલ્ફ કઈ રીતે સેલનું કામ સંભાળે છે એ વાર્તા પ્રવાહને આગળ વધારે છે. એની પત્ની હેડવીગ સેલની પેલી બાજુથી આવતા ગનશોટ અને બિહામણા અવાજો, છતાં પોતાના ઘરને ઘર બનાવવા મથે છે.. પણ એટલામાં જ રુડોલ્ફને પ્રમોશન મળતા જ બીજી જગ્યાએ જવા માટે કહેવામાં આવે છે. આ પછી એનો પરિવાર શું કરે છે
એ જોવું રસપ્રદ છે.
વિશ્ર્વયુદ્ધના સમયને અલગ દ્રષ્ટિએ કહેતી ‘ધ ઝોન ઓફ ઇન્ટ્રેસ્ટ’ને એકેડમી એવોર્ડ્સમાં આ સહિત બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સાઉન્ડ, એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ એમ કુલ પાંચ નોમિનેશન મળ્યા છે. ૨૦૧૪ની માર્ટિન આમીસની આ જ નામની નવલકથા પર આ ફિલ્મ આધારિત છે.
રાઇટર-ડિરેક્ટર: જોનાથન ગ્લેઝર
કાસ્ટ: ક્રિશ્યન ફ્રિડલ, સેન્ડ્રા હુલર,
જોહાન કેરથોસ દસે-દસ ફિલ્મની વાત અહીં એકસાથે કરવી શક્ય નથી તો બાકીની પાંચ ફિલ્મની વાત કરીશું આવતા સપ્તાહે…. ત્યાં સુધીમાં આ ફિલ્મ્સ ઓટીટી પ્લેટફોર્મ્સ પર શોધીને જોઈ કાઢજો…બની શકે ઓસ્કર્સ સેરેમનીમાં તમારી પણ કોઈ ફેવરિટ ફિલ્મ હોય! (ક્રમશ:)
લાસ્ટ શોટ:
‘મેસ્ટ્રો’ના નિર્માણમાં હોલીવૂડના દિગ્ગજો જેવા કે સ્ટીવન સ્પીલબર્ગ અને માર્ટિન સ્કોર્સેઝી પણ સામેલ છે. સ્કોર્સેઝીની તો ખુદની દિગ્દર્શિત એક ફિલ્મ આ ‘મેસ્ટ્રો’ની સામે બેસ્ટ પિક્ચર કેટેગરીમાં હોડમાં છે.