અમુક મિત્રો જ એવા મળ્યા જે દિલ પર છવાઈ ગયા….
અરવિંદ વેકરિયા
સંબંધો ઘણા મળ્યા મને પણ,
અમુક દિલમાં સચવાઈ ગયા..
યાદોની તિજોરી ખોલી જ્યારે,
આ હોઠ ત્યારે મલકાઈ ગયા,
અમુક મિત્રો જ એવા મળ્યા ,
જે દિલ પર છવાઈ ગયા….
આવા મારા એક મુરબ્બી મિત્ર એટલે શરદ સ્માર્ત….નાટકની દુનિયામાં સંકળાયેલી અમુક પેઢી ચોક્કસ એમને ઓળખતી જ હશે…જયારે નવી પેઢીએ ક્યાંક, કશેક સાંભળ્યું કે વાંચ્યું હોઈ શકે.
૧૯૪૦ માં શરદભાઈનો જન્મ. એમનું નિધન ૨૬ જાન્યુઆરી , ૨૦૦૪. આજે આ વાતને ૨૦ વર્ષનાં વહાણાં વાઈ ચુક્યાં.
આજે તા: ૨૬ ના એમની જન્મ-જયંતીનાં દિવસે મને સાંભળેલા-એમની સાથેના અનુભવોની વહેંચણી કરવા પ્રેર્યો છે. એ વ્યવસાયે સફળ આર્કિટેકટ હતા, પણ સાથે એક ઉમદા કલાકાર અને એથી પણ વિશેષ એક અચ્છા આદમી-ઇન્સાન હતા. એમણે અઢળક નાટકોમાં અભિનયનાં ઓજસ પાથર્યા હતા.
આઈ.એન.ટી.માં એમણે ઘણાં નાટકો કર્યા. પ્રવીણ જોશીના પરમ મિત્ર રહ્યા. ‘સંતુ રંગીલી’-કુમારની અગાશી’- સપનાનાં ‘વાવેતર’- ધુમ્મસ’- શરત- ‘ચંદરવો’ ઉપરાંત ‘સંભવ-અસંભવ’- ‘તક્ષક’-‘લાડકવાયો’- ‘મહારથી’… યાદી બહુ લાંબી છે.
આજની સંસ્થાઓ જે પ્રાયોજિત શો યોજે છે. એ વખતે તો બહુ ઓછી આવી સંસ્થા હતી તો પણ એમનાં ઘણાં નાટકો ૫૦૦ શોની મંજિલે પહોંચી ગયાં હતાં. સપનાના ‘વાવેતર’ એ સમયે અમદાવાદમાં એક દિવસમાં ત્રણ પ્રયોગો કરેલા.
(આજે જો કે આ વાતની નવાઈ નહિ લાગે.)
શરદભાઈ તમે જ કહો…
કેમ કરી લખું હું? તમારામાં હું અને તમારી વાતોમાં મારા શબ્દો ખોવાઈ જાય છે. પોતાને જે સાચું લાગે એ ચોખ્ખે ચોખ્ખું અને મોઢા-મોઢ ફટ દઈને એ કહી શકતા. બાકી આ તો કલિયુગની દુનિયા છે..કદર એની નથી થતી જે સંબંધની કદર કરે છે, કદર એની જ થાય છે જે સંબંધનો દેખાવ કરે છે. કદર થાય કે જાકારો મળે, ખોટા દેખાડાનો એક અંશ શરદભાઈમાં તમને જોવા ન મળે.
એમની સાથે મળી મારો સમય તરબતર થઇ જતો.ક્યારેક મને ટ્રેનમાં મળી જતા. એ ખાર સ્ટેશનથી ચડતા. હું દાદર સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જતો હોઉં. એમને કહું કે ‘ચાલો, મંદિરે દર્શન કરવા.’ ત્યારે પોતાની લાક્ષણિક ઢબમાં મને કહેતા, દાદુ, મંદિર કોઈના માટે માંગવાની જગ્યા નથી ,પરંતુ જેને જે મળ્યું છે તેના માટે આભાર માનવાની જગ્યા છે…!’
કેટલો ઉમદા વિચાર. આમ પણ હિપોક્રસી-દંભ કરનારા એમને મન દુશ્મન હતા.
એમની રમૂજ પણ માર્મિક રહેતી. આજે જયારે પુસ્તકો ઓછા વંચાય છે, બધું મોબાઈલ પર જ મળી રહે છે ત્યારે.. એક વાર એ ખારથી ફર્સ્ટ ક્લાસમા ચઢ્યા. હાથમાં નવું ‘ચિત્રલેખા’ હતું. હું બેઠો હતો, મારી બાજુમાં કોઈ સહ-પ્રવાસી બેઠેલ. એની બાજુમાં જગ્યા ખાલી હતી. ત્યાં શરદભાઈ ગોઠવાયા અને ‘ચિત્રલેખા’ વાંચવા લાગ્યા. બાજુવાળો પ્રવાસી ગુજરાતી જ હતો.એ ડોકું ‘ચિત્રલેખા’મા નાંખી-નાંખીને શરદભાઈને વાંચવામાં ખલેલ પહોંચાડતો હતો. ત્રણેક સ્ટેશન શરદભાઈએ સહન કર્યું.
પછી શું સુજ્યું કે અચાનક એમણે ચાલુ ટ્રેનની બારી માંથી ‘ચિત્રલેખા’ બહાર ફેંકી દીધું. પેલો પ્રવાસી મોઢું વકાસીને જોઈ રહ્યો. શરદભાઈએ કહ્યું,
વાંચવું જ હોય તો પોતાના પૈસા ખર્ચીને વાંચવાનું, નહીં તો લાઈબ્રેરીમાં જવાનું, આમ ડોકા નાખી- નાખીને વાંચશો તો તમને ક્યારેય સંતોષ નહિ થાય અને જે ખરીદીને વાંચતો હશે એને પણ તકલીફ આપશો…!’
એવો જ એક બીજો પ્રસંગ યાદ આવે છે…યાદ છે ત્યાં સુધી એ કાંતિ મડિયાનું કોઈ નાટક હતું.બિરલા માતુશ્રી સભાગૃહમાં એ નાટકનો કોઈ પ્રાયોજિત શો હતો. પહેલા અંકમાં પ્રેક્ષકોએ કલાકારોને બહુ જ ડિસ્ટર્બ કરેલા. એથી શરદભાઈ સખત ગુસ્સામાં હતા.બીજા અંકની શરૂઆત પહેલા સંસ્થાની મિટિંગ હતી. શરદભાઈ કહેતા કે આવી અમુક સંસ્થાઓ માત્ર આવી મિટિંગો માટે જ શોનું આયોજન કરતા હોય છે બાકી નાટક સાથે એ લોકોને સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી હોતો. એ મિટિંગમા સંસ્થાનો પ્રમુખ બોલ્યા જ કરતો હતો. શરદભાઈ ધૂંધવાયા હતા. તેઓ વિંગ પાસે ગયા અને ત્યાં બેઠેલા કોઈ કાર્યકર્તાના કાનમા કહ્યું,
આ જે ભાઈ બોલી રહ્યા છે એમની સંસ્થા માટેની સેવા-ભાવના જોઈ, હજી ગઈ કાલે જ એમના મધર ગુજરી ગયા છે, છતાં જુઓ.. આટલું કહીને તેઓ મેક-અપ રૂમમાં ચાલ્યા ગયા. એ પ્રમુખનું વ્યક્તવ્ય પૂરું થયું અને એ ભાઈનો વારો આવ્યો ,જેના કાનમાં શરદભાઈ પેલી ફૂંક મારી ગયેલા. એ ભાઈ માઈક પાસે આવ્યા અને બોલવાનું શરૂ કર્યું. પેલા પ્રમુખની સેવા બિરદાવતા એ કહે : આપણને સેવા-ભાવનાનું ઉત્તમ ઉદાહરણ આપણા પ્રમુખે આજે પૂરું પાડ્યું છે. હજી ગઈ કાલે જ એમના પૂજ્ય માતુશ્રીનું અવસાન થયું છે, છતાં આજે સંસ્થા માટે આપણી સાથે ખભે-ખભો મિલાવીને ઊભા છે! પ્રમુખ ધૂંવાપુવા થતા ખુરસી પરથી ઊભા થઇ બરાડ્યા,આ શું બોલો છો…ક્યાં મુરખે આવું કહ્યું… મારી મા આ સામે બેઠી-બેઠી પ્રોગ્રામ જોઈ રહી છે…એને તમે જીવતે જીવ મારી નાખો છો? પછી તો કોણે કહ્યું એની જબારી શોધખોળ ચાલી પણ કોઈ મેળ ન પડ્યો.
મુરબ્બી ગૌતમભાઈ જોશી, જે વર્ષો સુધી આઈ.એન.ટી. સંસ્થા સાથે સંકળાયેલ રહ્યાં છે એ આજે પણ માને છે કે શરદ જેવો છટાદાર કલાકાર, એમના જેવા ‘ઓરા’ આભા ધરાવતો આજે કોઈ કલાકાર મને દેખાતો નથી.
શરદભાઈને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન પણ ખૂબ હતું.એમના અનુભવો સરિતાબેન અને દીપક ઘીવાલાને વધારે હોઈ શકે.હું તો નાનો માણસ- બાકી સરિતા જોશી,પ્રવીણ જોશી, જગદીશ શાહ, ડી.એસ. મહેતા, અરવિંદ જોશી, શૈલેશ દવે, ઉત્તમ ગડા, દીન્યાર કોન્ટ્રેકટર, પરેશ રાવલ, મનીષા મહેતા, કાંતિ મડિયા જેવા અનેક કલાકારો સાથે એમણે સ્ટેજ શેર કર્યું છે. (કોઈ નામો ભૂલાય ગયા હોય તો ક્ષમા.) એમણે થોડી ફિલ્મો પણ કરેલી. વિંગ્સ ઓફ ફાયર, ‘જરથોસ્ત’, અર્ધ- સત્ય. કાશીનો દીકરો વગેરે… તો આ બેલ મુજે માર, સુબહ વગેરે ટી.વી. સિરિયલોમાં પણ અભિનય કરેલો.
શરદભાઈ અજાતશત્રુ હતા. કહેતા કે, હું દીવો છું. મારી દુશ્મની અંધારાથી છે. હવા તો કારણ વગર મારી વિરુદ્ધમાં છે. હવાને કહી દો કે પોતાને પણ અજમાવી જુએ. બહુ દીવા ઓલવ્યા, એકાદ પ્રગટાવી પણ જુએ….!’
આવા અદના આદમીને સો-સો સલામ…
એક વેલ જયારે ઝુકે છે, બરછટ થડ પણ હરખાય છે,
આ લાગણીની વાત છે, બધાને ક્યા સમજાય છે. !
****
ડોક્ટર: ક્યાં દુ:ખે છે ?
દર્દી: ફી ઓછી કરો તો કહું, નહીંતર જાતે શોધી કાઢો…!