એકડે એક… બગડે પછી શું?
પ્રિ-પ્લાન્ડ ફ્રેન્ચાઈઝના નવા પ્રયોગમાં હિન્દી ફિલ્મમેકર્સને ધારી સફળતા નથી મળી રહી
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
સિનેમાના અનેક પ્રકાર અને જોનરથી ફિલ્મમેકર્સ દર્શકોને ખુશ કરવા પ્રયત્ન કરતા રહેતા હોય છે. અને દર્શકો પણ તેમને ગમે તે પ્રકાર કે જોનરથી મનોરંજન મેળવતા રહેતા હોય છે. પણ એ માટેના દરેક પ્રયત્નોમાં ફિલ્મમેકર્સ સફળ થાય જ, દર્શકો રીઝે જ એ જરૂરી નથી. દર્શકોનો પ્રવાહ કઈ ફિલ્મ તરફ વળશે અને કઈ ફિલ્મ જોવા માટે તેઓ થિયેટર સામે ટોળે વળશે કે લેપટોપ-સેલફોન લઈને બેસી જશે એ ચોક્કસ રીતે દર્શકોને પોતાને પણ ખબર નથી હોતી. ફિલ્મ હિટ જશે જ એવું કહેનાર કેટલાયનો ઘમંડ એટલે જ તૂટ્યો પણ છે. એટલે જ એકવાર ફિલ્મ હિટ ગઈ કે તેની ફોર્મ્યુલાનું પુનરાવર્તન કરવા માટે સિક્વલ અને રિમેક પછી આજે ફ્રેન્ચાઈઝ અને પછી યુનિવર્સનો ક્ધસેપ્ટ ફિલ્મમેકર્સને વહાલો લાગી રહ્યો છે. હિટ ફિલ્મ્સ અને તેનાં પાત્રોને વિસ્તારીને લોકોને આકર્ષવાના હેતુથી જોતજોતામાં ઘણા ફિલ્મ યુનિવર્સ હિન્દી સિનેમામાં રચાઈ ચૂક્યા છે. પણ આપણે વાત કરવી છે ફ્રેન્ચાઈઝ કે એકથી વધુ ફિલ્મ્સ બનાવવાના આ તરીકાઓમાં છેલ્લાં થોડાં જ વર્ષોમાં આવેલી એક નવી તરકીબની. અને એ એટલે પ્રિ-પ્લાન્ડ ફ્રેન્ચાઈઝ.
ફ્રેન્ચાઈઝ અને પ્રિ-પ્લાન્ડ ફ્રેન્ચાઈઝમાં નામ પરથી જણાય છે એમ ફરક એ છે કે ફ્રેન્ચાઈઝમાં પહેલી ફિલ્મ બનાવતી વખતે નક્કી નથી હોતું કે એની સિક્વલ્સ બનાવીને ફ્રેન્ચાઈઝનું સ્વરૂપ આપવામાં આવશે. અને પ્રિ-પ્લાન્ડ ફ્રેન્ચાઈઝ એટલે પહેલી ફિલ્મની શરૂઆતમાં જ નિર્માતા અને દિગ્દર્શક નક્કી કરીને ચાલે કે ફિલ્મના વધુ ભાગ બનાવીશું. પહેલેથી જ એકથી વધુ ફિલ્મ બનાવવાનું નક્કી કરવા પાછળ ત્રણ કારણો હોઈ શકે. એક તો પોતાની વાર્તા અને ફિલ્મમેકિંગ ક્ષમતા પર આત્મવિશ્ર્વાસ, બીજું વધુ પડતો આત્મવિશ્ર્વાસ અને ત્રીજું દર્શકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને ગમે તે બનાવીશું તો ચાલી જશે એવો અભિગમ.
આ વિષય પર વાત કરવાનું કારણ છે ગયા અઠવાડિયે જ રિલીઝ થયેલી વિકાસ બહલ દિગ્દર્શિત ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ ‘ગણપત: અ હીરો ઇઝ બોર્ન’. ૨૦૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મની બોક્સ ઓફિસ પર તો કમઠાણ બેઠી જ છે પણ સાથે તેની ગુણવત્તા પર પણ દર્શકો અને વિવેચકોએ મોટી મોટી વ્હેલ માછલીઓ ધોઈ છે. આ ફિલ્મ બનાવવા પાછળ પેલા ત્રણમાંથી કયુ કારણ હશે એ તો ફિલ્મમેકર જ જાણે, પણ હવે આગળ શું એ મોટી તકલીફ છે. ફ્રેન્ચાઈઝ કરતા આ પ્રિ-પ્લાન્ડવાળો પ્રકાર ઊલટો ચાલે. ફ્રેન્ચાઈઝમાં ફિલ્મ હિટ થાય એ પછી તેનો ફાયદો ઉઠાવવા માટે એ જ સ્ટોરીલાઇનને આગળ વધારીને કે બીજી કોઈપણ રીતે ફ્રેન્ચાઈઝનું સ્વરૂપ આપી શકાય, પણ પ્રિ-પ્લાન્ડમાં તો તમે પહેલી જ ફિલ્મથી કહી દો છો કે આ ફિલ્મ ફ્રેન્ચાઈઝનો પહેલો ભાગ છે. મતલબ કે તમારી પહેલી ફિલ્મ સફળ જવી અતિશય જરૂરી છે. જો પહેલી ફિલ્મ જ નબળી હશે અને દર્શકો તેને નકારી કાઢશે તો પછી બીજી અને ત્રીજી ફિલ્મ બનાવતી વખતે નાણાકીય રીતે પણ તમે મુશ્કેલીમાં હશો અને ફિલ્મ રિલીઝ વખતે દર્શકો મળવાની સંભાવના ઓછી રહેશે અને ઊલટું સૌ તમારા પર હસશે. આ પરિસ્થિતિનું જોખમ છતાં ફિલ્મમેકર્સ આવું કરી રહ્યા છે.
ખૂબ ચર્ચામાં રહેલી અને બનવાની શરૂઆતના લાંબા અંતરાલ પછી રિલીઝ થયેલી અયાન મુખર્જી દિગ્દર્શિત ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન – શિવા’ માટે પણ ફિલ્મની પહેલી જાહેરાતથી જ એ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે એમ કહી દેવામાં આવ્યું હતું. ફિલ્મના વીએફએક્સ અને પર્ફોર્મન્સીસ વખાણવામાં આવ્યા છે જયારે તેની વાર્તા અને સંવાદોમાં ખૂબ સુધારાની જરૂર છે એવા રિવ્યૂઝ આવ્યા હતા. ‘બ્રહ્માસ્ત્ર’ કમાણીની રીતે હિટ ફિલ્મ છે અને તેનો પ્રતિભાવ પણ એકંદરે નબળો નથી એટલે તેને તો બાકીની ફિલ્મ્સ બનાવવામાં વાંધો નહીં આવે. હા, જોકે દિગ્દર્શક અયાન વાયઆરએફ સ્પાય યુનિવર્સની ‘વોર ટુ’ બનાવવામાં લાગવાનો છે એટલે બ્રહ્માસ્ત્રના બીજા ભાગની રિલીઝમાં પહેલા ભાગની જેમ જ સમય લાગશે અને દર્શકો તેમનો રસ ગુમાવી દે તો કંઈ કહેવાય નહીં.
ગયા વર્ષે રિલીઝ થયેલી લક્ષ્ય રાજ આનંદ દિગ્દર્શિત અને જ્હોન અબ્રાહમ અભિનીત ‘એટેક: પાર્ટ વન’ પણ ‘ગણપત’ની જેમ જ એક સાયન્સ ફિક્શન એક્શન ફિલ્મ હતી. અને એ પણ પહેલી જ ફિલ્મથી એક નક્કી ફ્રેન્ચાઈઝનો પહેલો ભાગ છે એવી જાહેરાત સાથે જ બનાવીને રિલીઝ કરવામાં આવી હતી. લક્ષ્ય રાજ આનંદનું કહેવું છે કે ‘ફિલ્મના પાત્રોની સફર એક ફિલ્મમાં પૂરી થાય એમ છે જ નહીં. એ ત્રણ ભાગ સુધી લંબાશે. અને આખી વાર્તા જ એ રીતની છે કે આ ફ્રેન્ચાઈઝના ત્રણ ભાગ બને.’ ફિલ્મના સારા અને ખરાબ એમ મિક્સ રિવ્યૂઝ હતા અને ફિલ્મ બોક્સ ઓફિસની દૃષ્ટિએ ફ્લોપ જાહેર થઈ હતી.
‘એટેક: પાર્ટ વન’ની જેમ જ ૨૦૨૦માં આવેલી દિગ્દર્શક ભાનુ પ્રતાપ સિંઘની વિકી કૌશલ અને ભૂમિ પેડણેકર અભિનીત ‘ભૂત: પાર્ટ વન-ધ હોન્ટેડ શિપ’ને પણ સારા અને ખરાબ બંને પ્રકારના રિવ્યૂઝ મળ્યા હતા અને બોક્સ ઓફિસના આંકડા મુજબ એ રોકાણથી થોડી વધુ કમાણી કરવામાં સફળ રહી હતી. પણ ફ્રેન્ચાઈઝ ફિલ્મ દર્શકોમાં એક રિકોલ વેલ્યુ પેદા કરતી હોય છે. એની રિલીઝ વખતે દર્શકો પહેલાના ભાગને યાદ કરીને તેમાંથી કશાક પ્રત્યે આકર્ષિત થઈને નવા ભાગ માટે રોમાંચિત થતા હોય છે. પણ પ્રિ-પ્લાન્ડ ફ્રેન્ચાઈઝ્ની એક પણ ફિલ્મ હજુ સુધી તો દર્શકોમાં આ પ્રકારનો રોમાંચ સર્જી શકી હોય તેવું લાગતું નથી. લોકો તમારી ફિલ્મ પર ઓવારી જતા નથી તો તમે આગળનો ભાગ જોવા માટે તેમની રુચિ રહે એ માટે શું કરી શકો? સારી ફિલ્મ બનાવવાના ખંત સિવાય કશું જ નહીં. હા, તમે ત્રણ ભાગની યોજના મુજબ ચાલો છો અને એ પહેલેથી જ જાહેર કરીને દર્શકો સમક્ષ તમારો આત્મવિશ્ર્વાસ મૂકો છો એ સારી બાબત છે પણ એ સફળ જશે જ એની હજુ સુધી તો કોઈ ખાતરી નથી.
પ્રિ-પ્લાન્ડ ફ્રેન્ચાઈઝ માટે પહેલું કારણ એટલે કે પોતાની વાર્તા અને ક્ષમતા પર વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. ‘ગણપત: ધ હીરો ઇઝ બોર્ન’ના દિગ્દર્શક વિકાસ બહલ ફિલ્મની રિલીઝ પછી કબૂલાત કરતા કહે છે કે ‘મને પહેલેથી જ શંકા હતી. હું ફિલ્મ લખતો હતો ત્યારથી જ મને લાગતું હતું કે મારી આ વાર્તા ધાર્યા કરતા ક્યાંક બીજે જ જઈ રહી છે અને હું કદાચ આ ફિલ્મને ન્યાય નહીં આપી શકું.’ તો હવે? ‘ગણપત: પાર્ટ ૨- રાઇઝ ઓફ ધ હીરો’ નામથી બીજા ભાગની જાહેરાત તો થઈ ચૂકી છે એનું શું? ખેર, હિન્દી સિનેમામાં આ ખેડાણ જ નવું છે એટલે ફિલ્મમેકર્સ આવા પ્રયોગોથી શું શીખ લે છે એ તો સમય જ કહેશે. બાકી, ફિલ્મ પ્રત્યે નિષ્ઠાથી કામ થતું રહે અને મનોરંજન દેવની મહેરબાનીથી દર્શકોને મજા પડે તેવી ફિલ્મ્સ બનતી રહે એટલે બસ!
લાસ્ટ શોટ
ધર્મા પ્રોડક્શન્સની ‘ભૂત’ ફ્રેન્ચાઈઝ રામ ગોપાલ વર્મા દિગ્દર્શિત ‘ભૂત’ ફ્રેન્ચાઇઝથી અલગ છે. પણ શીર્ષક એક જ હોવાથી નિર્માતા કરણ જોહરે એ ફ્રેન્ચાઈઝના ટાઇટલ રાઇટ્સ ખરીદેલા છે.