મેટિની

દર્શકોનો ફરી પ્રેમ છલકાયો જૂના સુપરસ્ટાર્સ પર: ૨૦૨૩માં કમાણીમાં મોખરે

અભી તો હમ જવાન હૈ, જિંદા હૈ!

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

મનોરંજન દેવની અસીમ કૃપાથી છેલ્લા થોડાક સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી પાછી તાજીમાજી થઈ શેરીમાં સૌને મોં દેખાડવા લાયક થઈ છે. કોરોનાકાળ, ઓટીટી સાથેની સ્પર્ધા, ગુણવત્તા અને અન્ય કારણોસર દર્શકોના રોષ વચ્ચે ભારતીય ઇન્ડસ્ટ્રી ઝઝૂમી રહી હતી (અમુક અંશે હજુ ઝઝૂમે છે). હિટ ફિલ્મ્સ વચ્ચે વચ્ચે આવી જ છે, પણ સ્થિતિ અગાઉ જેટલી સારી નહોતી (કે હજુ નથી જ) એનો પૂરાવો બોક્સ ઓફિસના આંકડાના સ્વરૂપે દુનિયા સમક્ષ છે જ. પણ આ પરિસ્થિતિમાં પણ ફરી એ જ જૂના અને જાણીતા અને જેમની બીજી અનેક શાખા છે દર્શકોના રૂપમાં તે હીરોઝ જ ચમક્યા છે. પચાસ, સાઠ કે સિત્તેર પ્લસ ઉંમરના સ્ટારલોગ જાણે ‘આ અમારે જ કરવું પડશે’ કહીને ઇન્ડસ્ટ્રીને બચાવવા રણમેદાનમાં ઊતર્યા હોય એવું લાગે છે.
ચાલુ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ્સની યાદી જુઓ- ‘પઠાણ’, ‘ગદર ૨’, ‘જવાન’, ‘જેલર’, ‘ઓએમજી ૨’, ‘પોન્નીયન સેલ્વન ૨’, વગેરે. આ ફિલ્મ્સની યાદીમાં સફળતાની સાથે ગુરુત્તમ સામાન્ય અવયવ છે તેમના હીરોલોગનો અનુભવ અને ઉંમર. શાહરુખ ખાન, સની દેઓલ, કમલ હસન, ચિયાં વિક્રમ, મોહનલાલ, રજનીકાંત, અક્ષય કુમાર જેવા ઉત્તર અને દક્ષિણના મોટી ઉંમરના અભિનેતાઓ મળીને મોટી હિટ્સ આપી રહ્યા છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં આ યાદી સાથે પહેલી વખત આટલા ટૂંકા અંતરે દર્શકોએ થિયેટર્સમાં જઈને ફિલ્મ્સને આટલી કમાણી કરાવી આપી છે.
સિનિયર અભિનેતાઓનો ચાર્મ હજુ લોકોને ફિલ્મ જોવા ખેંચી લાવે છે એ નક્કી વસ્તુ છે. પણ હા, જો બધાં પાસાં સવળાં પડે તો. નહીં તો સની દેઓલની ‘ભૈયાજી સુપરહિટ’ સુપરફ્લોપ થોડી જાત, શાહરુખની ‘ઝીરો’ નામ જેવા ગુણ થોડી બતાવત, પણ કદાચ દર્શકોને સૂકા રણમાં મનોરંજનનો વરસાદ જોઈતો હોય ત્યારે તેમને ગમે તેવી ફિલ્મ સાથે મનગમતા જૂના હીરોલોગ પર જ તેઓ વધુ ભરોસો મૂકે છે એ વાત સાબિત થાય છે.
આ જ ભરોસાના જોરે આ હીરોલોગ પોતાના નબળા ફેઝ પછી સબળું કમબેક કરતા હોય છે. હા, ઉપરોક્ત બધા જ સ્ટાર્સ અત્યારે ઇન્ડસ્ટ્રીની વહારે આવ્યા છે એ સાથે પોતાની કારકિર્દીની નિષ્ફ્ળતાની ખાઈમાંથી પણ ‘અભી હમ જિંદા હૈ’ કહેતા સિનેમેટિકલી એક હાથ ઉપર બતાવતા બહાર આવ્યા છે.
માત્ર ફિલ્મ્સ કે હિટ ફિલ્મ્સ જ નહીં, પણ પચાસ, સાઠ કે સિત્તેર પ્લસ વટાવી ચૂક્યા પછી પણ લીડ અને સોલો હીરો તરીકે રેકોર્ડબ્રેકીંગ ફિલ્મ્સ આપીને આ હીરોલોગ તેના પછીની પેઢીને આસાનીથી કહી રહ્યા છે કે ‘નવા માઈલસ્ટોન્સ સેટ કરવા હશે તો ભોમિયાઓ તો જૂના જ જોઈશે.’ શાહરુખ ખાને પોતાના રમુજી અને વન લાઈનર્સ માટે જાણીતા ઇન્ટરવ્યૂઝમાં કહેલું કે તે છેલ્લો સુપરસ્ટાર છે, તેના પછી હવે કોઈ નહીં આવે. વાત જોકે એ દૃષ્ટિએ સાચી પણ છે કે હવે લાર્જર ધેન લાઈફ કે સુપરસ્ટારડમવાળો સમય રહ્યો નથી. ડિજીટલ યુગમાં નવા સેલિબ્રિટીઝ નજીક લાગતા હોઈને તેમના માટેની ઘેલછા લોકોને એટલી રહી નથી. એ જ કારણસર જૂના સુપરસ્ટાર્સ તરફ લોકોનો પ્રેમ ક્યારેક ઊમટી પડતો હશે. જો કે એ પ્રેમમાં પણ પાછી પેટર્ન તો ખરી જ. હમણાંની હિટ ફિલ્મ્સમાં માસ ફિલ્મ્સનું પ્રમાણ વધુ છે. લોકો ક્યારે શું જોશે એ કોઈ ચોક્કસ કહી શકતું નથી. અનિશ્ર્ચિતતા ભર્યા શુક્રવારનું પરિણામ લોકોને પણ ખબર નથી હોતું, પણ લોકોની પસંદ સમયાંતરે સામુહિક બની જતી હોય છે. અને એટલે જ આજકાલ જયારે લોકો માસ એન્ટરટેઇન્મેન્ટ તરફ વળ્યાં છે ત્યારે તેમને એ સિંગલ સ્ક્રીન સિટીમાર સિનેમા માટે ફરી એ જ લાર્જર ધેન લાઈફ સુપરસ્ટાર હીરોઝ યાદ આવ્યા છે.
જૂના હીરોલોગ પણ લોકોનો પ્રેમપ્રવાહ સમજે છે. શાહરુખ ખાન એટલે જ ૫૭ની ઉંમરે પણ પોતાની લવર મેનની ઇમેજ તોડીને એક્શન ફિલ્મ કરીને ‘પઠાણ’ના રૂપમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પહેલી ૫૦૦ કરોડ ક્લબ સાથે ૧૦૦૦ કરોડથી વધુનો વૈશ્ર્વિક વકરો કરાવી જાણે છે. ‘જવાન’ તો એનાથી પણ આગળ વધી જશે એવું લાગી
રહ્યું છે.
કમલ હસન ૬૭ની ઉંમરે પણ ‘વિક્રમ’ થકી ૪૦૦ કરોડ બોક્સ ઓફિસ પરથી ઉસેટી જાણે છે. રજનીકાંત ૭૨ની ઉંમરે પણ પોતાના સ્વેગથી લોકોને મોહિત કરીને ‘જેલર’ દ્વારા ૬૦૦ કરોડથી વધુનો વકરો કરાવી વર્ષની સૌથી મોટી તમિલ ફિલ્મ આપી જાણે છે. સની દેઓલને ૬૫ વર્ષે પણ ખબર છે કે તે ભલે ગમે જોનર અજમાવ્યા કરે, આખરે લોકોને બોર્ડર પારની પ્રેમ કથામાં પણ પોતાનો માચો મેન અવતાર જ જોવો ગમે છે. ચિરંજીવી પણ ૬૮ની વયે ‘વોલ્ટર વિરૈયા’ થકી હજુ પોતાનો દમખમ દેખાડી શકે છે. અક્ષય કુમાર-પંકજ ત્રિપાઠીની ‘ઓએમજી ૨’ કે વિક્રમની ‘પોન્નીયન સેલ્વન’ જેવા બીજા જોનરની સફળ ફિલ્મ્સ ખરી જ, પણ મૂળ મુદ્દો જ એ છે કે ફિલ્મ એક નહીં અનેક ફેકટર્સથી સફળ થતી હોય છે અને એમાંનું એક ફેક્ટર એટલે આ જૂના સ્ટારલોગ. અને કમાણીની નવી ક્લબ્સ બનાવી આપી ફિલ્મ્સને મોટાપાયે ઓલટાઈમ બ્લોકબસ્ટર કરાવી આપતું સૌથી મોટું ફેક્ટર.
આ બધા જ એક્ટર્સને તેમના નિષ્ફ્ળતાના સમયમાં દર્શકો અને વિવેચકો તરફથી એમ કહી દેવામાં આવ્યું હતું કે હવે તેમનો સૂર્ય અસ્ત થઈ ચૂક્યો છે, પણ તેમના સ્ટાર પાવરના જોરે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઊંચકીને તેમનામાં હજુ કેટલું તેજ બાકી છે એ તેમણે દેખાડી દીધું છે.
રજનીકાંત જેવા હીરો તો પોતાની નોન-હોલીડે રિલીઝને પણ અનઓફિશીયલ હોલીડે બનાવી દે એટલો ક્રેઝ ધરાવે છે. મજાની વાત એ છે કે આ હીરોલોગ ‘એજ ઇઝ જસ્ટ અ નંબર’ કહીને પાછા નંબરગેમમાં પોતાને નંબર વન પૂરવાર કરી જાય છે. આ જ વાતને જાણે સમર્થન અપાતું હોય એમ હમણાં રિલીઝ થયેલા ‘વેલકમ ટુ ધ જંગલ’ના ફર્સ્ટ લૂકમાં અક્ષય કુમાર અને રવીના ટંડનના એક ડાયલોગ પર જૂના-નવા એક્ટર્સના કાફલા વચ્ચે દિશા પાટનીને કહે છે કે ‘કુછ સીખો હમ જૈસે પૂરાને ચાવલો સે.’આ ઉંમરે પણ આટલી સફળતાનાં જોરે એટલે જ સૌથી વધુ અપકમિંગ બિગ બજેટ ફિલ્મ્સ આ નામો સાથે જ જોડાયેલી છે. કેમ કે ફિલ્મમેકર્સને પણ ખબર છે કે દર્શકોને હજુ એ જ ઢાઈ કિલો કા હાથ અને એ જ ઢાઈ આંટા ફરતા ચશ્માની એક્શન આકર્ષે છે!
લાસ્ટ શોટ
મરાઠી સિનેમાની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘બાઇપણ ભારી દેવા’એ ૯૦.૫ કરોડની કમાણી કરી છે. ફિલ્મની લીડ અભિનેત્રીઓ રોહિણી હટંગડી અને વંદના ગુપ્તેની ઉંમર ૭૦ આસપાસ છે. આ ફિલ્મે મરાઠી હાઈએસ્ટ ગ્રોસર ટીનેજ લવસ્ટોરી ‘સૈરાટ’ને
જોરદાર ટક્કર આપી
છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?