એક જમાનામાં જ્યારે ‘જેસલ તોરલ’ નામની ગુજરાતી ફિલ્મ પછી જે જોરદાર ‘જુગાડ બંધ’ ફિલ્મોનું વાવાઝોડું ચાલ્યું હતું એ સમયનો આ કિસ્સો સંગીતકાર ગૌરાંગ વ્યાસે શેર કર્યો હતો.
વાત એમ હતી કે કોઈ નવાસવા પ્રોડ્યુસર-ડિરેક્ટરની ફિલ્મ માટે ગૌરાંગભાઈએ ગીતો રેકોર્ડ કરી આપેલાં. (ગીતોની ટેક્નિકલ ક્વૉલિટીમાં જરાય બાંધછોડ થતી નહોતી, પરંતુ બીજે બધે કેવા લોચાલાપસી થતા હતા તેનો આ કિસ્સો છે) એ ડિરેક્ટર ભાઈ વારંવાર આગ્રહ કરતા હતા કે ગૌરાંગભાઈ, આપણી ફિલ્મનું શૂટિંગ જોવા માટે એકાદ વાર પધારો જ પધારો…’
આગ્રહને વશ થઈને ગૌરાંગભાઈ હાલોલના એ સ્ટુડિયોમાં ગયા, જ્યાં તે વખતે દર મહિને એકાદ નવી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થતું હતું. ગૌરાંગભાઈ ગયા ત્યારે જે દૃશ્યનું શૂટિંગ ચાલતું હતું તેમાં તે વખતના લોકપ્રિય વિલન ફિરોઝ ઇરાની અભિનય કરતા હતા.
શોટ લેતાં પહેલાં જે રિહર્સલ થયું એમાં ફિરોઝ ઇરાનીએ વિલનની એક ખાસ ‘મેનરિઝમ’ મુજબ ગળામાંથી રૂમાલ ખેંચીને પોતાના કાંડા ઉપર લપેટતાં સંવાદ ફટકાર્યો. આ જોઈને પેલા ડિરેક્ટર બોલ્યા: ‘આવું ગળામાંથી રૂમાલ કાઢયા વિના જ સંવાદ બોલોને, પેલું સારું નથી લાગતું.’ ફિરોઝભાઈએ દલીલ કરી કે ‘આવું તો હું આખી ફિલ્મમાં કરું જ છું ને! આ તો કેરેકટરની સ્ટાઇલ બનાવી છે.’
છતાં પેલા ડિરેક્ટર કહે છે ‘ભલે, પણ આ વખતે એવું ના કરતાં.’
પછી ‘ટેક’ લેવાની તૈયારી શરૂ થઈ. લાઈટો વગેરે ગોઠવાતી હતી એ દરમિયાન ફિરોઝ ઇરાની પાસે જઈને ગૌરાંગભાઈ કહેવા લાગ્યા: ‘આ વળી કેવું? તમે એક મેનરિઝમ ડેવલપ કરી છે, અને પેલા ભાઈ ના પાડે છે?’
ફિરોઝભાઈ કહે: ‘તમે શાંતિ રાખો, શોટનો ટેક થવા દો…’
લાઈટિંગ વગેરે પત્યા પછી રોલ કૅમેરા… રોલ સાઉન્ડ અને એક્શન…’ બોલાયું કે તરત પેલા ડિરેકટર સાહેબ તો ખોળામાં જે સ્ક્રિપ્ટ લઈને બેઠા હતા એમાં જ માથું ખોસીને સંવાદો જોયા કરતા હતા!
આ દરમિયાન, ફિરોઝભાઈએ ‘ટેક’ વખતે ગળામાંથી રૂમાલ ખેંચીને કાંડા ઉપર લપેટવાનું મેનરિઝમ તો કર્યું જ! એટલું જ નહીં, શોટ ‘ઓકે’ પણ થઈ ગયો!
આ જોઈને ગૌરાંગભાઈ પેલા ડિરેક્ટર પાસે જઈને કહે છે તમે ના પાડી હતી, છતાં ફિરોઝભાઈએ તો પેલું રૂમાલવાળું કર્યું જ!’
જવાબમાં પેલા ડિરેકટર શું કહે છે, ખબર છે?
એ બોલ્યા કે ‘ગૌરાંગભાઈ, આપણે તો ખાલી ઈ જ ધ્યાન રાખવાનું કે સ્ક્રિપ્ટ મુજબ સંવાદો બરોબર બોલાય છે કે નંઇ! સમજ્યા?’ ને ગૌરાંગભાઈ સમજી ગયા.
એ હાલોલના સ્ટુડિયોમાં જે સેટ વગેરે લગાડવામાં આવતા તેની પૂઠાંની દીવાલો, બારી-બારણાં, ફર્નિચર વગેરે પણ સ્ટુડિયોમાંથી જ ભાડે મળતું હતું. આના કારણે બનતું એવું કે એકનું એક ઘર, એક જ જાતનું ફર્નિચર કે એકના એક બારીના પરદા જુદી જુદી ફિલ્મોમાં જોવા મળતા! (એ તો જે પ્રેક્ષકો એટલું ઝીણવટથી જોતા હોય એને જ ખબર પડે ને?) સ્ટુડિયોને જે ભાડું મળતું એમાંથી સૌને સત્તર જાતનાં અલગ અલગ સેટ અને રાચરચીલાં આપવા પોષાય તેમ પણ નહોતાં. આમાં એક રજવાડી ટાઇપના સિંહાસનનો કિસ્સો બની ગયો…
એ સમયે ‘ઐતિહાસિક’ ગુજરાતી ફિલ્મો પણ ઘણી બનતી, પરંતુ રાજાનું સિંહાસન સ્ટુડિયોમાં એક જ હતું! રાજા સિધ્ધરાજનું સિંહાસન પણ એ જ અને રાણી રાણકદેવીનું સિંહાસન પણ એ જ! આમાં એક સિનિયર કલાકાર સતત અકળાયા કરે : અલ્યા, આ સિંહાસન તો બદલો? મારી છઠ્ઠી ફિલ્મમાં આ જ એક સિંહાસન હાલ્યું આવે છે!’
આમ છતાં કશો ફેર પડતો નહોતો. શૂટિંગ પતે એટલે ટેમ્પોમાં સિંહાસનને ચડાવીને વખારમાં નાખી દે! ફરી જરૂર પડે ત્યારે ટેમ્પોમાં નખાઈને એ જ સિંહાસન સેટ ઉપર ફરી ગોઠવાઈ જાય !
આમાં ને આમાં લાકડાના સિંહાસનના સાંધા ચેં..ચૂં’ કરતાં થઈ ગયેલા! કલાકાર ફરિયાદ કરે એટલે એક મિસ્ત્રી આવે અને ખીલી ઠોકીને સિંહાસનને ‘ચૂપ’ કરી દે!
જોકે, એક વાર ભારે થઈ… પેલા સિનિયર કલાકાર સિંહાસન ઉપર બેઠા હતા ત્યાં એમના શરીરના ચોક્કસ ભાગમાં ચીપડી ભરાઈ ગઈ! એમણે રાડ પાડી: ‘હવે તો કોઈ આ સિંહાસન બદલો?’
છતાં સિંહાસન બદલાયું જ નહીં એટલે એમણે એ પછીનાં તમામ દૃશ્યોમાં સિંહાસન ઉપર બેસવાની જ ના પાડી દીધી: ‘જ્યાં સુધી નવું સિંહાસન નહીં આવે ત્યાં સુધી હું આની ઉપર નહીં બેસું!’
આમાં શૂટિંગ શી રીતે આગળ ચાલે? ડિરેક્ટરે એનો પણ તોડ કાઢ્યો: ભલે, તમે સિંહાસનની બાજુમાં ઊભા રિયો અને સિંહાસનને ખભે હાથ દઈને સંવાદો બોલો!’
Also Read – ચંદુલાલ શાહની ‘ગુણસુંદરી’નો જન્મ શી રીતે થયો?
પેલા સિનિયર કલાકાર એટલા ચીડાયા કે દાંત ભીંસીને ‘સ્વસ્તીવચનો’ બોલતાં બોલતાં પેલા સિંહાસનને લાત મારી બેઠા! આમાં એમની જે મોજડી હતી (જે સ્ટુડિયોમાંથી જ ભાડે લીધી હતી) તે ફાટી ગઈ! એટલે એ પછી મોજડી કૅમેરામાં ન આવે એ રીતે દૃશ્ય લેવાયું!
જોકે એક મજૂરભાઈ જે પેલા કલાકારનો ‘ડાઇ-હાર્ડ’ ચાહક હતો એનાથી આ સહન થયું નહીં એટલે જ શૂટિંગ પત્યું પછી પેલા સિંહાસનને ટેમ્પોમાં ચડાવતી વખતે એ રીતે ફંગોળ્યું કે એના બધા સ્પેરપાર્ટ્સ છૂટા પડી ગયા! આખરે જ્યારે સ્ટુડિયોના મિસ્ત્રીએ ચુકાદો આપ્યો કે ‘હવે આ સ્પેરપાર્ટ્સમાંથી સિંહાસનનો ર્જીણોદ્ધાર કરી શકાય એમ નથી’ આમ પેલા સિંહાસનનું સત્તાવાર ‘મરણ’ જાહેર થયું ત્યાર બાદ નવું સિંહાસન બનાવવામાં આવ્યું!