મેટિની

આહુતિ

ટૂંકી વાર્તા -કિશોર અંધારિયા

ડિસેમ્બર મહિનાની રાત્રિ, ઠંડીની શરૂઆત થઇ ચૂકી હતી. શહેરનો મુખ્ય ભાગ પૂરો થયો એટલે અજવાસ પાછળ રહી ગયો હતો. બધાં ડિલર્સની મીટિંગ હતી તેથી દેવયાનીને એટેન્ડ કર્યાં વગર છૂટકો નહોતો. આખરે કોસ્મેટિક પ્રોડકટ્સના વેચાણમાં તેણે ત્રણ-ચાર મહિના પહેલાં પોતાનો ટાર્ગેટ એચીવ કરી લીધો હતો. મુંબઇથી આવેલ મિસ્ટર ભાટિયાએ મીટિંગમાં બે-એક વખત દેવયાનીનો ઉલ્લેખ કર્યો હતો. ઊંચી, ગોરી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી દેવયાનીએ આજે ઠસ્સાદાર ડાર્ક બ્લ્યૂ કલરની સાડી પરિધાન કરી હતી તો ગળામાં કીંમતી સ્ટોનના નાજુક હાર સાથે કાનમાં એની મેચિંગ બુટ્ટી. ડિનરડિપ્લોમસી પછી મોડું થવાથી એ ઝડપથી બેન્કવેટ હોલની બહાર નીકળી. ડ્રાઇવર યુસુફચાચાએ કાર પોર્ચમાં લીધી અને એ પાછળની સીટમાં સાડીને સરખી કરતી બેસી ગઇ. અડધાં-પોણા કલાકમાં તો કાર શહેરના પૂર્વ વિસ્તારના છેવાડે આવેલ ઓવરબ્રિજ સુધી પહોંચી ગઇ. હવે ડિસ્ટ્રિક જેઇલને વટાવ્યા પછી કેટલોક મેદાની વિસ્તાર હતો. માત્ર સ્ટ્રીટ લાઇટનો છૂટોછવાયો પ્રકાશ અહીં અંધકારને દૂર હડસેલવામાં અસમર્થ હતો. એક કાચો રસ્તો પૂરો થયો કેટલાક વિશાળ બંગલાઓ નવાસવા બન્યા હતા એમાંનો એક દેવયાનીનો હતો.

ડિસ્ટ્રિક જેઇલ વટાવ્યા પછી અવરજવર વગરના એ સાંકડા રસ્તા પર કાર પ્રમાણમાં ધીમી ઝડપે જઇ રહી હતી. વળાંક આવતા કારની હેડલાઇટના પ્રકાશમાં અચાનક દેવયાનીનું બહાર ધ્યાન ગયું. અંધારામાં રસ્તાની એક બાજુએ માનવ આકૃતિ પડેલી હોય એવું લાગ્યું.

‘યુસુફચાચા, કાર રોકો તો… કોઇ ઇજાગ્રસ્ત વ્યક્તિ પડી હોય એવું લાગે છે…’ દેવયાનીએ બહાર નજર માંડતા કહ્યું. કાર ઊભી રાખી યુસુફચાચા બહાર નીકળ્યા. સહેજ વિચારી દેવયાની પણ તેની પાછળ કારમાંથી ઊતરી. યુસુફચાચાએ ત્યાં પહોંચી જોયું, ‘બેન, કોઇ માણસ લાગે છે…’ બોલી એને ઢંઢોળવા પ્રયત્ન કરતા આગળ કહ્યું, ‘…કોઇ વાગ્યાની નિશાની નથી લાગતી… નાડી ચાલે છે, પણ બેભાન હોય એવું લાગે છે…’

એટલીવારમાં દેવયાની પણ ત્યાં પહોંચી ગઇ. અંધારાને હિસાબે સ્પષ્ટ લાગતું નહોતું. દેવયાનીએ હાથમાં રહેલ મોબાઇલની ટોર્ન ઓન કરી. મેલાં ડાઘાવાળા જીન્સ અને સફેદ શર્ટધારી કોઇ યુવાન પડ્યો હોય એવું લાગ્યું. એ બે ઘડી વિમાસણમાં મુકાઇ ગઇ. અહીંથી ચાલ્યા જવું કે પછી કોઇ મદદ કરવી? રખેને અજાણતા ક્યાંક પોલીસના ચક્કરમાં ફસાઇ જવાય તો? શક્ય છે કોઇકે દારૂ પીને સંતુલન ગુમાવ્યું હોય અને પછી… યુસુફચાચાએ ગોઠણભેર બેસી નીચે પડેલ વ્યક્તિને ખભાથી ઝાલી પોતાની તરફ પડખું ફેરવ્યું. દેવયાનીએ મોબાઇલની ટોર્ન એના ચહેરા પર નાખી. અરે…? આ શું? એ અહીં આવી રીતે? નહીં નહીં કોઇ બીજું જ હોવું જોઇએ એના જેવું… દેવયાનીના દિલની ધડકન તેજ થઇ ગઇ. ક્ષણ-બે ક્ષણ અટકી ને પછી બે-ત્રણ ફૂટ વધુ નજીક ગઇ. અજવાળાનું કૂંડાળું એના તરફ ફેરવ્યું. તેના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. આ તો… આ તો અંક્તિ જ છે! અંક્તિ ઝવેરી… તેનો અચંબો આઘાતમાં ફેરવાઇ ગયો. અંક્તિ આમ અહીં, આવી અવસ્થામાં કંઇ રીતે? પહેલાં કરતાં સહેજ સ્થૂળ, થોડો કાળો પડી ગયેલો ચહેરો. એ જ વાંકડિયા પણ વધી ગયેલા વાળ… અને આ દાઢી તો પહેલા નહોતી… તેમ છતાં પોતે એને ભૂલી કંઇ રીતે શકે? ખરેખર એ ક્યારેય ભૂલી શકી હતી ખરી? મનના અતળ ઊંડાણમાંથી સપાટી પર આવવા મથતા વિચારોને તેણે ક્રૂરતાપૂર્વક અંદર ધરબી દીધા. “યુસુફચાચા…! એ બાજુમાંજ હતા છતાં તે બરાડી ઊઠી.


‘નાઉ સ્ટોપ અંક્તિ…. આમ બરાડા પાડવાની જરૂર નથી.’ સીમાનો ચહેરો ક્રોધથી લાલધૂમ થઇ ગયો.’… મને બધું સમજાય છે, હું કંઇ નાની કિકલી નથી!’
સોફા પરથી ઊભા થઇ જતા અંક્તિ બોલ્યો, ‘પ્લીઝ, વાતનું વતેસર કરમાં… અને રાડો હું નહીં ક્યારની તું પાડી રહી છે… હું તને રિકવેસ્ટ઼ ટોનમાં કહું છું કે એવી સિચ્યુએશન વારંવાર શું કામ ઊભી જ કરે છે, કે મારે બોલવું પડે!’

‘મતલબ?’ સીમાએ એના તરફ ડોક ફેરવી ગુસ્સામાં કહ્યું, ‘ફરી તું આમ કહે છે? તું પોતે જાણે સર્વગુણ સંપન્ન, નિર્દોષ… પુરુષોત્તમ!’ ‘બસ કર હવે તારી કટાક્ષવાણી, મને ઉત્તમ બનવામાં કોઇ રસ નથી… સામાન્ય, સીધો સાદો માણસ રહેવા દે તો બસ છે.’

‘તું બહાર જતો હતો એટલે એક કામ સોંપ્યું હતું… ત્રણ કલાક પછી તો આવ્યો અને એ પણ ભૂલીને! જયદીપકાકાના દીકરાના મેરેજમાં એ સાડી પહેરવાની છે એટલે ડ્રાયકલીનિંગમાં આપી હતી.’
‘તો શું આભ તૂટી પડ્યું એમાં’ અંક્તિે વાતને પૂર્ણવિરામ આપવા પ્રયત્ન કર્યો, ‘હું ભૂલી ગયો છું તો કાલે હું લાવી આપીશ… અને લગ્ન હજુ મંગળવારે છે…’ ‘ગમે તે બાબતમાં આવું અવારનવાર થાય છે અંક્તિ અને પછી…’

‘હવે તું બંધ થઇશ? કોઇ વાતનો તંત નથી મૂકતી… જમીને મારે ઑફિસે પહોંચવાનું છે.

તિરસ્કારભરી નજર એના તરફ નાખી સીમા ડ્રોઇંગરૂમનો પડદો હટાવી કિચનમાં ગઇ, નિ:સાસો નાખતા અંકિતે અખબારમાં નજર ઠેરવવા પ્રયત્ન કર્યો, પરંતુ ચિત્ત એમાં ચોટ્યું નહીં.
એ વિચારે ચઢી ગયો. ચારેક વર્ષ પહેલાં એના સીમા સાથે લગ્ન ગોઠવાયા હતા. આટલા સમયનું સરવૈયું કાઢતા જમા પક્ષે સુખની માંડ બે-પાંચ લીટીને બાદ કરતા કજિયા-કંકાસના તો જાણે પાનાંના ભરાઇ ગયાં હતાં! વિવાદની એ ઘડી કમનસીબીની કાલિમા બની એના જીવનમાં અંધકાર સ્વરૂપે પથરાઇ ગઇ હતી. એ કેટલા બધાં પ્રયત્ન કરતો રહેતો કે ઘરમાં બોલાચાલીનો કોઇ પ્રસંગ ઊભો ન થાય. જોકે, એને મોટેભાગે તેમાં નિષ્ફળતા મળતી.
હજુ ગયા અઠવાડિયાની જ વાત છે. અંકિતે ઑફિસેથી ઘરે ફોન કર્યો અને કહ્યું: ‘આજે સાંજે તૈયાર રહેજે સીમા, પહેલા ‘રેઇનબો’માં મૂવી જોવા જઇશું, ટિકિટ લઇ લીધી છે… અને ત્યાંથી ડિનર માટે… કોઇ સારી હોટેલમાં…’
સીમાએ જરાપણ ઉત્સાહિત થવાને બદલે ઊલટું બિલકુલ નિષ્ઠુર બની પૂછ્યું, ‘આજે ફિલ્મ જોવા માટે કે બહાર જવાં વિશે તે મને પૂછ્યું’તું?’ ‘મને થયું… તને તો ગમવાનું જ ને!’ ‘અંક્તિ, એટલીસ્ટ ટિકિટ લેતા પહેલા તારે મને મોબાઇલ તો કરવો જોઇએ ને?’
‘કેમ?’
‘આજે સવારથી જ મને બહુ માથુ દુ:ખે છે… હું કઇ રીતે આવું?’
‘સવારે તો તું કંઇ કહેતી નહોતી આ અંગે?’ ‘એટલે હું ખોટું બોલતી હોઇશ? ઉપહાસભર્યા અવાજે એ બોલી.

‘બસ, બસ… હવે ફોનમાં તો પ્લીઝ આ તારી દલીલો બંધ કર!’
‘ફોન તે કર્યો છે અંક્તિ, એટલે તારે ફોનમાંજ સાંભળવું પડે ને!’
સામે છેડે ધડામ દઇને અંકિતે ફોન મૂકી દીધો. સાંજે એ ઘરે આવ્યો ને જોયું. સીમા તો સોફામાં આરામથી લંબાવીને ટીવી જોતી હતી. છતાં ઉગ્ર બોલાચાલીના ભયે અંક્તિે એ વાત જ ન કાઢી. નવાઇની વાત એ હતી કે પછી ફિલ્મની ટિકિટ લઇ લીધેલી એનું શું થયું? વગેરે કશું સીમાએ પણ તેને ન પૂછ્યું!

આવી જ રીતે ચાર દીવાલોના બનેલા આ ઘરમાં બોલવાનું સાવ ઓછું કરી નાખ્યું. પોતાની વેદના-વ્યથા કહે તો કહે પણ કોને? મા તો હતી નહીં. એ નાનો હતો ત્યારે મૃત્યુ પામી હતી. પોતાના લગ્ન થયા પછી માંડ એકાદ વર્ષ થયું હશે પિતાએ પણ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. સીમાનું વાતે વાતે ઝઘડવું હવે વધતું જતું હતું. ઉત્સાહ-ઉમંગથી છલકાતો અંક્તિ હવે બદલાતો, મૂરઝાતો જતો હતો. થોડા સમયથી સ્લી઼પિંગ ટેબ્લેટ્સ લેવાની કૂટેવ પડી ચૂકી હતી. એક વખત અંક્તિને તાવ આવ્યો હતો એટલે ઑફિસે નહોતો જઇ શક્યો. દરમિયાનમાં સીમાની કોઇ ફ્રેન્ડનો મોબાઇલ આવ્યો એટલે એ તેની તબિયતની પણ પરવા કર્યા વગર ઘરની બહાર નીકળી ગઇ. અંક્તિ દવા લેવા જઇ શકશે કે શું જમશે? એની પણ કોઇ વાત કાઢી નહોતી. સાંજે એ પાછી આવી. અંકિત હજુ બેડરૂમમાં સૂતો હતો. ઓરડામાં અંધારું હતું. રૂમમાં પ્રવેશી સ્વીચ ઓન કરતા બોલી, ‘લાઇટ ન કરાય? કે એના માટે પણ મારી રાહ જોવાની?’
બેડ પર તક્યિાના સહારે અધૂકડા બેઠા થતા અંક્તિે કહ્યું ‘તને ખબર છે ને મને સવારથી તાવ આવ્યો છે?… તુ ંઆજે બહાર ન ગઇ હોત તો ન ચાલત?’
એ નફ્ફટ થઇ બોલી, ‘તબિયત બગડે એમાં હું શું કરી શકું? ડૉકટ્ર પાસે જઇ આવવું જોઇએ ને! ને મારી ફ્રેન્ડને એના નવા ફ્લેટ માટે કેટલીક ખરીદી કરવાની હતી એટલે ગઇ’તી… એમાં કંઇ તારી મંજૂરી ન લેવાની હોય!’ ‘હું ક્યાં એવું કંઇ કહું છું સીમા, પરંતુ…’

‘મને લાગે છે તને મારી સામે બસ વાંધા જ વાંધા છે… પણ આફટરઓલ હું તારી વાઇફ છું… તારો ઇરાદો જો એવો કોઇ હોય કે મને આ ઘરમાંથી, તારા જીવનમાંથી કાઢવી હોય તો એ વાત તું ભૂલી જજે!’ નબળાઇ વરતાતી હોવાં છતાં એ બેઠો થઇ ગયો. ‘સીમા, ભૂલી તો હું ઘણું ગયો છું જીવનમાં… મને લાગે છે હવે આપણે સાથે નહીં રહી શકીએ… મારી સહનશીલતાની હદ આવી ગઇ છે… બહુ થયું હવે તું નહીં જાય તો હું ચાલ્યો જઇશ અહીંથી…’

‘તારી ધમકીથી હું ડરી નહીં જાઉં અંક્તિ!’ બોલી એ બેડરૂમ છોડીને ડ્રોઇંગરૂમમાં ચાલી ગઇ. બળપૂર્વક ચાદર ખસેડી અંક્તિ ઊભો થયો. તેણે મનોમન કશુંક નક્કી કરી લીધું હતું.


અંક્તિે મહામહેનતે આંખો ખોલી. પોપચાંઓ પર જાણે મણ-મણનો ભાર લાગતો હતો! એને થયું પોતે આ ક્યાં આવી ગયો? તેણે નજર ફેરવી. એ કોઇ હૉસ્પિટલના ઓરડામાં એક બેડ પર સૂતો હતો. ડાબા હાથ પર સોય ભોંકાયેલી હતી અને ગ્લુકોઝ સલાઈનના ડ્રોપસ ટપક ટપક વેઇન મારફતે પોતાના શરીરમાં જઇ રહ્યાં હતાં. ત્યાંથી નજર હટાવી જમણી તરફ ડોક ફેરવી. આશ્ર્ચર્યથી એની આંખો પહોળી રહી ગઇ.’ દેવયાની તું?!?’ એ બેઠો થવાં જતાં બોલી ઊઠયો.
દેવયાનીએ તેની તરફ જોઇ સ્મિત કરતા કહ્યું, ‘થેન્ક ગોડ તું ભાનમાં તો આવ્યો…! બટ ટેઇક કેર, તારે ઊભા નથી થવાનું.’ ‘પરંતુ હું આમ અહીં કેવી રીતે આવી ગયો? અને દેવયાની તું ક્યાંથી અહીં…?’ ચેર એની બેડ તરફ ખસેડી અને બોલી, ‘ધીરે ધીરે બધી ખબર પડી જશે અંકિત… અત્યારે ટેઇક રેસ્ટ.’
‘પરંતુ દેવયાની… કશું સમજાતું નથી…’

એ ઊભી થઇ ગઇ, ‘તારે હમણાં મગજને ટ્રેસ નથી આપવાનું… હું હવે જાઉં અને ડૉકટરને તારા ભાનમાં આવવા વિશે કહેતી જાઉં છું…. બહાર યુસુફચાચા બેઠાં છે એને અંદર મોકલું છું… એ તને વિગત આપશે.’

સાંજેે દેવયાની હૉસ્પિટલ પરત આવી. એ ઓશિકાનો ટેકો લઇને બેઠો હતો. દેવયાની તેના તરફ જોયું ન જોયું કરી બારી તરફ ગઇ અને આવેલા આંસુને છુપાવવા વિન્ડો ગ્લાસમાંથી બહાર જોવાનો ડોળ કરવા લાગી. આખરે અંકિતે મૌનની દીવાલ તોડી. ‘મને શા માટે અહીં લાવી દેવયાની?’

એ તેની પાસે આવી બોલી, ‘…તો શું તને મરવાં દઉં?… પરંતુ આખરે અંકિત તારે આવું અંતિમ પગલું ભરવું કેમ પડ્યું? ડૉકટરે મને કહ્યું… ટ્રાન્કવીલાઇઝરનો મોટો ડોઝ પેટમાં ઠાલવી દીધો હતો… બે દિવસ તું બેભાન રહ્યો હૉસ્પિટલમાં લાવ્યાને આજે ત્રીજો દિવસ થયો.’

એ કંઇ ન બોલતા નીચું જોઇ રહ્યો. દેવયાની ખુરશી પરથી ઊઠી તેની બેડને એક છેડે બેસી આગળ બોલી, ‘હજુ પણ જો મને તારી અંગત ગણી શક્યો હો તો મને કહે… તારી જેવા ઝિંદાદિલ માણસની જિંદગી આટલા ટૂંકા ગાળામાં આવી ભારરૂપ કેમ બની ગઇ?’

‘કહીશ તને દેવયાની…’ એ બોલ્યો, સઘળું કહી દઇશ તને…’

‘અને હા અંક્તિ, તારા ખિસ્સામાંથી મોબાઇલ મળી આવ્યો હતો એ મને આજે ખબર પડી. સ્વીચ ઑફ હતો…. એમાંથી કેટલાક ફોન કરતા આખરે સીમાનો, તારી વાઇફનો નંબર ટ્રેસઆઉટ થયો. એને મેં તારા સમાચાર આપ્યા.’

‘ઓહ દેવયાની તને શું કહું હવે?’ … આ બધાં માટે જવાબદાર જો કોઇ હોય, તો એ સીમા જ છે! ખરું કહું? તેણે તો મને ક્યારનો મારી નાખ્યો છે. હું હવે માત્ર અંકિત નામધારી માત્ર પડછાયો રહી ગયો છું…’
દેવયાનીએ પોતાનો હાથ તેના પર મૂક્યો. અંકિતે અત્યાર સુધી રોકી રાખેલા અશ્રુનો પ્રવાહ ધસમસતો બહાર આવ્યો. સીમાના અતિ ઝઘડાળું સ્વભાવ, પોતાના તરફની ગેરવર્તણૂક, વાતેવાતે અપમાન અને હેરાનગતિની એક પછી એક બાબત એ કહેવા લાગ્યો. સહનશીલતાની ચરમસીમા આવી ગઇ ત્યારે ઊંઘની ટીકડી એક સાથે ખાઇ એ ઘરની બહાર નીકળી ગયો હતો. કંઇ દિશામાં જવું એવું પણ એ વખતે ભાન નહોતું.

‘હા’ એ બોલી, ‘યુસુફચાચાની મદદથી જેમતેમ કરી તને આ હૉસ્પિટલમાં લાવ્યા… ડૉકટરે ઘણી મહેનત કરી…’

‘નહીં દેવયાની’એ ભાવુક બની ગયો, ‘ડૉકટર કે હૉસ્પિટલ એ બધું તો પછી નિરાશવદને આગળ બોલ્યો ‘… પરંતુ હવે હું શું કામ જીવું? કોના માટે જીવું…?’

ત્યાં જ અંદર પ્રવેશી ચૂકેલી સીમા ધ્રૂજતા પગે તેની બેડ પાસે પહોંચી ને બોલી ઊઠી, ‘અરે અંકિત, તને આ શું થઇ ગયું?… આ ત્રણ દિવસ કેમ કાઢ્યા એ મારું મન જાણે છે! તને શોધવા માટે આકાશપાતાળ એક કરી નાખ્યા હતા…’

દેવયાનીએ સીમા તરફ તિરસ્કારભરી નજર નાખી અને બોલી, ‘અંકિતને શોધવા શું કામ જવો પડ્યો એ બાબત કરતાં મોટો સવાલ તો એ છે કે એને કેમ આમ ખોવાઇ જવું પડ્યું, નાસી જવું પડ્યું એ છે!’
અંકિતે સીમા તરફ જોયા પણ વગર દેવયાની બાજુ એક દષ્ટિપાત કરી એને કહ્યું, ‘સીમા, ઓળખે છે ખરી આને?… જેને કારણે હું અત્યારે હયાત છું!’

દેવયાની કડવું હસી બોલી, ‘આ તારી પત્નીએ માત્ર તને ઓળખ્યો હોત ને, તો પણ બસ હતું!’

સીમા રડમસ થઇ ગઇ. વારાફરતી બન્ને તરફ જોઇ પછી દેવયાની તરફ વંદનની મુદ્રામાં હાથ જોડ્યા.

અંકિતના અવાજમાં રોષ હતો, ‘લાગ સીમા, પગે લાગ એને…! એવા પગ ધોઇને પી તો પણ ઓછું છે!’

દેવયાનીએ તેને અટકાવ્યો, ‘છોડ હવે બીજી બધી વાતો.’

‘અરે… ઘર છોડી. જિંદગીને છોડીને નીકળી તો હું ગયો હતો દેવયાની… કાયમ માટે!’
હવે સીમા મોટેથી રડી પડી. ‘મને માફ કરી દે અંકિત, ખરા દિલથી તારી માફી માગું છું…. આ ત્રણ દિવસના તારી ગેરહાજરીના ખાલીપાએ મારાં અંત:ચક્ષુ ખોલી નાખ્યા છે… મેં તને ખૂબ દુ:ખી કર્યો, તારું જીવવું હરામ કરી નાખ્યું. હવે મને મારા વર્તન અંગે ઘણો પસ્તાવો થાય છે… શું કહું? મને એક તક આપ. હું તને ખૂબ ચાહું છું… હવે મને સમજાય છે કે તારા વગર નહીં રહી શકું!’
દેવયાનીએ સીમાનો ખભો પકડી સધિયારો આપ્યો અને અંકિત સંબોધતા કહ્યું. ‘…ચાલ જવા દે એ બધો ભયાનક ભૂતકાળ, જૂની વાતો… હવે એક નવી શરૂઆત કરો.’
‘એક મિનિટ દેવયાની’એ વચ્ચે બોલ્યો, ‘આજે જે સીમા નથી જાણતી એ કહી જ દઉં… એને ખબર પડવી જ જોઇએ…’

સીમાએ પ્રશ્ર્નસૂચક દષ્ટિએ એની તરફ જોયું. એ આગળ બોલતો રહ્યો, ‘સીમા, મારા પિતાને ધંધામાં ભયંકર ખોટ જતા અમારા ફેમિલીની હાલત કફોડી થઇ ગઇ હતી. મકાન પણ ગીરવે મૂકવું પડ્યું હતું… તને એ તો ખ્યાલ જ છે કે તારા પપ્પા જયસુખલાલ અને મારા પિતા વિનુભાઇ બાળગોઠિયા. બન્નેની અઠંગ દોસ્તી. તારા પપ્પાને અમારી આ દારુણ પરિસ્થિતિની ખબર પડતા અમને એમાંથી ઉગારી લીધા… બહુ મોટી રકમ ચૂકવી અમારું ઘર પણ ગિરોમાંથી છોડાવી દીધું… બધું કર્યું ખાનગીમાં પણ મને એની જાણ થઇ ગઇ. એવામાં તારા પપ્પાએ તારા લગ્ન મારી સાથે કરવા માટેની વાત નાખી. આ બધી બાબતોમાં એક વાતની તને જાણ નથી સીમા…’

‘કઇ વાત?’ સીમાએ સ-આશ્ર્ચર્ય પૂછ્યું.

‘વિગતે નથી કહેતો, પરંતુ… હું અને દેવયાની એક કૉલેજમાં સાથે સ્ટડી કરતા હતા… બન્ને એકબીજાને ચાહતા હતા… તારા પપ્પાના ઉમદા વ્યક્તિત્વ અને અમારા માટે કરેલ અગણિત ઉપકારને કારણે હું મારા પિતાને અમારા પ્રેમની વાત ક્યારેય કહી ન શક્યો. હા, ડરતા ડરતા દેવયાનીને આ સઘળી વાત કરી. જોવાની વાત એ હતી સીમા, કે દેવયાનીએ આ બધું જાણી-સમજીને પછી ચહેરા પર જરા પણ નારાજગી કે દુ:ખની લકીરો લાવ્યા વગર મને સ્પષ્ટ કહી દીધું… તારે સીમા જોડે લગ્ન કરી લેવા જોઇએ. પ્રેમ અને કુટુંબ પ્રત્યેની જવાબદારી એ જીવનના સિક્કાની બે બાજુઓ છે. મારો તારા પ્રત્યેનો પ્રેમ જો સાચો હોય તો એ ક્યારેય પઝેસીવ ન હોઇ શકે!’

સીમા આ જાણી હતપ્રભ રહી ગઇ. ‘તેં મને આ સઘળું ક્યારેય કહ્યું નહીં અંકિત?’

હવે દેવયાની બોલી, ‘મેં જ એને કહ્યું હતું, કે આપણાં પ્રેમને હવે અહીં પૂર્ણવિરામ આપી દેવાનું છે…આપણી ખુશીઓ અંગત નથી. એ ફેમિલીની ખૂશીઓમાં જ સમાયેલી છે.’

અંકિત ગળગળો થઇ ગયો, ‘સીમા આમ આપણાં સંબંધ, આપણી લગ્નવેદીમાં દેવયાનીએ પોતાના પ્રેમની આહુતિ આપી દીધી!’

સીમા બેઘડી અવાચક થઇ ગઇ. પછી સ્વસ્થ થતા બન્ને સામું વારાફરતી જોઇ બોલી, ‘દેવયાનીનું ઋણ તો હું કોઇ ભવે ના ચૂકવી શકું એ હકીકત છે… ભાગ્યે જ કોઇ આટલું નિ:સ્વાર્થ બની શકે… તેણે પોતાના પ્રેમની આહુતિ આપી એ બહુ મોટી કુરબાની છે…. મારે તો તેની સરખામણીએ સાવ નાનકડી આહુતિ આપવાની છે… આજે હું તમારા બન્ને સમક્ષ પ્રતિજ્ઞા લઉં છું કે મારા ઝઘડાળું સ્વભાવ, અમાનુષી વર્તન અને તને દુ:ખી કર્યાં કરવાની, દુભવ્યા કરવાની મારી કૂટેવની આજે હું આહુતિ આપું છું, કાયમ માટે ત્યાગું છું…’

થોડું અટકી, ને પછી દેવયાનીનો હાથ પોતાના હાથમાં લઇ માંડ બોલી શકી ‘થેન્કયુ દેવયાની!’
બન્ને ીઓની આંખોમાં અશ્રુનાં પૂર ઊમટ્યા.

અંકિત સ્તબ્ધ બની જોઇ રહ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button