મેટિની

ખતરનાક નહીં, રમૂજી વિલન

અનેક ફિલ્મોમાં કોમિક પાત્રથી પ્રેક્ષકોને પેટ પકડીને હસાવનારા જોની વોકર ખલનાયકના પાત્રમાં વિનોદી લાગ્યા તો ’આનંદ’માં હસતા હસતા આંખના ખૂણા ભીના કરી દીધા

હેન્રી શાસ્ત્રી

(ડાબેથી) મા ‘બાપ’માં નેગેટિવ રોલ અને ‘આનંદ’માં કોમિકથી શરૂ કરી ટ્રેજિકમાં પૂર્ણાહુતિ

નશેડીના અભિનયથી ગુરુ દત્તને પ્રભાવિત કરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પા પા પગલી માંડનારા જોની વોકરને ચમકાવવાનો નશો દિગ્દર્શકોને અને તેમને પડદા પર જોવાનો નશો દર્શકોને ચડવા લાગ્યો.જોની વોકરની લોકપ્રિયતા એ હદની હતી કે ગુરુ દત્ત ઉપરાંત તેમણે બી. આર. ચોપડા (નયા દૌર) અને બિમલ રોય (મધુમતી) સાથે કામ કર્યું હતું. એ દોરમાં તેમના પર એક ગીતનું પિક્ચરાઈઝેશન જાણે એક વણલખ્યો નિયમ બની ગયો હતો અને અનેક વાર એ ગીત ફિલ્મની હાઈલાઈટ બની જતું. ’નયા દૌર’નું ’મૈં બમ્બઈ કા બાબુ નામ મેરા અંજાના’ અને ’મધુમતી’નું ’જંગલ મેં મોર નાચા કિસીને ના દેખા’ ઉપરાંત ’અય દિલ હૈ મુશ્કિલ હૈ જીના યહાં’, ’સર જો તેરા ચકરાયે’, ’જાને કહાં મેરા જીગર ગયા જી’, ’સુનો સુનો મિસ ચેટરજી, ’ઓલ લાઈન ક્લિયર’ વગેરે ગીત સુપરહિટ થયા હતા. એમનું વ્યક્તિત્વ જ વિનોદી હોવાથી રેગ્યુલર હીરોના રોલમાં તેઓ ફિટ બેસી શકે એમ નહોતા, પણ કોમિક હીરો તરીકે તેમને ચમકાવવાનો એક પ્રયોગ જરૂર થયો હતો. અલબત્ત એમાં સફળતા ઓછી, નિષ્ફળતા ઝાઝી હતી. હીરો તરીકે તેમની ફિલ્મો હતી ’શ્રીમતી ૪૨૦’, ’છૂમંતર’, ’જોની વોકર’, ’મિસ્ટર કાર્ટૂન એમએ’ તેમજ ’ઝરા બચકે’.એમાં ’છૂમંતર’નું ’ગરીબ જાન કે ના હમકો
તુમ મિટા દેના, તુમ્હી ને દર્દ દિયા હૈ તુમ્હી
દવા દેના’ ગીત આજે પણ રસિકોને યાદ
હશે. એક રસપ્રદ વાત એ પણ છે કે જોની
વોકર ’જોની વોકર’ નામની ફિલ્મના પણ
હીરો હતા. ફિલ્મનો રોમાંચક અને રમૂજ
પેદા કરનારો ક્લાઈમેક્સ દર્શકોને પસંદ પડ્યો હતો.

હવે એક એવી વાત કરીએ જેની જાણકારી ભાગ્યે જ કોઈને હશે. અનેક ફિલ્મોમાં વિનોદી નટની ભૂમિકા કરનારા મિસ્ટર જોની વોકરને ફિલ્મમાં વિલન તરીકે ચમકાવવાનો અખતરો પણ કરવામાં આવ્યો હતો.

અને એ પણ એક નહીં બે વાર. પહેલી ફિલ્મ હતી ’રેલવે પ્લેટફોર્મ’ (૧૯૫૫). સુનિલ દત્તની પહેલી ફિલ્મ તરીકે અને આજે પણ લોકોના સ્મરણમાં રહેલા ’બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બંજારા, લેકર દિલ કા એક તારા’ ગીતને કારણે વધુ યાદ છે. આ ફિલ્મમાં જોની વોકર પહેલી વાર નેગેટિવ રોલ (મારવાડી બિઝનેસમેન નૌબત સિંહ)માં જોવા મળ્યા. આવો અન્ય એક અખતરો ૧૯૫૭માં એમ. સાદિક નામના ફિલ્મમેકરે કરેલો. ’ચૌદહવી કા ચાંદ’ તેમજ ’તાજ મહલ’ જેવી અવિસ્મરણીય રોમેન્ટિક ફિલ્મો આપનારા એમ. સાદિકએ ’માઈ બાપ’ નામની ફિલ્મ બનાવેલી જેમાં જોની વોકર લોટરી વિક્રેતાના વિલન જેવા રોલમાં છે. અલબત્ત આ બંને ફિલ્મમાં જોની વોકરની લુચ્ચાઈ, છળકપટ કે બદમાશી ઓછા નજરે પડે છે, સપાટી પર જ કહી શકાય. એમનો વિલન પણ કોમિક અંદાજમાં નજરે પડે છે. ફિલ્મ ઈતિહાસમાં કદાચ આ એકમાત્ર ઉદાહરણ હશે જ્યારે વિલનને જોઈ લોકોના ચહેરા પર સ્મિત કે હાસ્ય નજરે પડ્યા હશે. જોની વોકરે વિલનને ન્યાય આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ જરૂર કર્યો છે, પણ એ વિલન લાગતા જ નથી એ હકીકત છે.

’આનંદ’ના મુરારીલાલ ઉર્ફે ઈસાભાઈ સુરતવાલાના રોલમાં પણ ગુરુ દત્ત જોની વોકરને અફલાતૂન એક્ટર શું કામ કહેતા એનો વધુ એક વાર પરિચય થાય છે. આનંદ (રાજેશ ખન્ના) જ્યારે તેમને વાંસા પર ધબ્બો મારી મુરારીલાલ કહી સંબોધે છે ત્યારે થોડી ક્ષણ માટે તેમના ચહેરા પર મૂંઝવણ દેખાય છે, પણ પછી તરત ચહેરાના હાવભાવ બદલી ’અરે જયચંદ’ બોલીને મૂંઝવણને હરખમાં જે રીતે પરિવર્તિત કરી દે છે એ બેમિસાલ છે. ત્યારબાદ આનંદ ડો. ભાસ્કર બેનરજી (અમિતાભ બચ્ચન)ને બોલાવી કહે છે કે ’મુરારીલાલ મિલ ગયા.’ ઔપચારિક ઓળખાણ પછી જોની વોકર અમિતજીને કહે છે કે ’મૈં ઔર જયચંદ બચપન મેં એક હી સાથ પઢા કરતે થે…’ તરત અમિતજી કહે છે કે ’ઈનકા નામ જયચંદ નહીં, આનંદ હૈ.’ ત્યારે જોની વોકર તરત ચહેરા પરના હાવભાવ બદલી ’મેરા નામ ભી મુરારીલાલ નહીં, ઈસાભાઈ હૈ, ઈસાભાઈ સુરતવાલા, યાદ રખિયેગા’ જે રીતે વ્યક્ત કરે છે, પ્રેક્ષકો તાળી પાડ્યા વિના રહી જ ન શકે. એ વાત ખરી કે સંવાદનું કૌવત છે, પણ સામાન્ય લાગતા સીનને જોની ભાઈએ તેમની આગવી છટાથી અલગ ઊંચાઈ પર બેસાડી દીધો છે. ’આનંદ’ના યાદગાર દ્રશ્યોમાં આ સીન ઠાઠથી બિરાજે છે. એવી જ રીતે અંત ભાગમાં ખુશ મિજાજી ઈસાભાઈ આનંદને બોલાવવા આવે છે ત્યારે તેમને ડો. બેનરજી પાસેથી જાણ થાય છે કે આનંદને કેન્સર છે અને લાસ્ટ સ્ટેજમાં છે ત્યારે ’મરતે મરતે ચેલા ગુરુ કો જીના સીખા ગયા’ સંવાદમાં દુ:ખમિજાજી ઈસાભાઈ માટે અનુકંપા જાગે છે.

દરેક કલાકારના જીવનમાં બનતું હોય છે એમ મહેનતથી કપરા ચઢાણ ચઢી લોકપ્રિયતાના શિખરે મુકામ કર્યા પછી બીજી તરફ ઢાળ પરથી નીચે ગબડવાનો વારો આવતો જ હોય છે. ૧૯૬૦ના દાયકાના મધ્ય ભાગમાં મેહમૂદ અલગ અંદાજમાં કોમેડી લાવ્યો અને જોની વોકરનું કોમેડિયન તરીકે સર્વોચ્ચ સ્થાન એની પાસે જતું રહ્યું. જોકે, ૧૯૭૦ના દાયકામાં પણ ટકી રહેલા જોનીભાઈ ૧૯૮૦ના દાયકામાં તો લુપ્ત થઈ ગયા એમ કહી શકાય. ૧૯૫૮માં એક વર્ષમાં જોનીભાઈની ૧૬ ફિલ્મ રિલીઝ થઈ હતી જ્યારે ૧૯૮૦ના આખા દાયકામાં ગણીને ૧૦ ફિલ્મ આવી હતી, પણ એક સુધ્ધાં દમદાર રોલ નહીં. કોમેડીનું સ્વરૂપ બદલાઈ ગયું હતું. કોમેડિયન ફિલ્મની વાર્તામાં એક પાત્ર નહીં, પણ અમુક દ્રશ્યો વચ્ચે કોમિક રિલીફ – દર્શકોને હસાવવાનું મોહરું બની ગયો. જોની વોકરને આ બદલાવ માકફ આવે એવો નહોતો અને તેમણે ફિલ્મોમાં કામ કરવાનું
બંધ કરી દીધું. અલબત્ત ત્યારબાદ છેક
૧૯૯૭માં ’ચાચી ૪૨૦’માં એક નાનકડા રોલમાં પણ સિને રસિકોના દિલમાં વસી
ગયા. હિન્દી ફિલ્મોમાં કોમેડીને આદર
અપાવનારા કલાકાર તરીકે જોની વોકરનું યોગદાન બહુમૂલ્ય છે. (સમાપ્ત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button