મેટિની

નવા વરસે નવા સંકલ્પો નહીં જૂના અફસોસનું ‘તાજું’ લિસ્ટ!


સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

કિશોર કુમાર, ચાર્લી ચેપ્લિન, ઈરફાન ખાન, સંજીવ કુમાર નવું વરસ આવે ને નવા સંકલ્પો સૂઝે, પણ એ સંકલ્પો કે એ ઇચ્છાઓનું શું જે ગયા વરસના કે અને પહેલાનાં વરસમાં બાકી રહી ગયા છે? એક કલાકાર તરીકે મને થાય છે કે નવા સંકલ્પને બદલે જૂના અફસોસનું લિસ્ટ બનાવવું જોઇએ! -તો કયા કલાકારને ન મળી શકયાનો અફસોસ રહી ગયો છે?

જવાબમાં, એક નહીં ઘણાં ચહેરા સામે આવે છે. અનેક મહારથી કલાકારોનાં મનમાં ડૂબકી મારવાનું મન થાય. મહાન ગીતકાર શૈલેન્દ્રને ન મળ્યાનો અફસોસ છે કે જેણે ‘સજન રે જૂઠ મત બોલો ,ખુદા કે પાસ જાના હૈ’ થી લઇને ‘અજીબ દાસ્તા હૈ યે, કહાં શુરુ કહા’ ખતમ જેવા અદ્ભુત ગીતો લખ્યાં. અને શા માટે ‘તીસરી કસમ’ જેવી ફિલ્મ બનાવીને કરજાનાં બોજ નીચે હતાશ થઇને શા માટે માત્ર 43 વરસે હિમ્મત હારીને ગુજરી ગયા?

મને બીજો મોટો અફસોસ છે કે આપણા ગુજરાતના ગૌરવસમા અદ્ભુત અદાકાર હરિહર જરીવાલા
ઉર્ફ સંજીવકુમારને ના મળી શકાયું કે જેમણે દરેક રંગમાં પોતાની પર્સનાલીટી ઢાળી દીધેલી. રમેશ સિપ્પી,
સુભાષ ઘાઇથી લઇને સત્યજિત રે સુધીના ફિલ્મમેકરોના એ ફેવરિટ અભિનેતા આજે હોત તો કેવા રોલ કરત? એમને હું પૂછત કે તમને આજના હીરોની જેમ સિક્સ-પેકવાળી બોડી બનાવવાનું મન ના થયું? સંજીવભાઈએ અભિનયની શરૂઆત ગુજરાતી-હિંદી નાટકોથી કરેલી તો પછી એમને ફરી નાટકોમાં કામ કરવાનું મન ના થયું? મને અફસોસ છે કે નાનપણમાં હું કિશોરકુમારને એકવાર લાઇવ શોમાં અલપઝલપ જોઇ શકેલો, પણ નિરાંતે મળી ના શકયો … મારે એમને પૂછવા’તા સવાલો સંગીત વિશે અને એમની કોમેડીની વ્યાખ્યા વિશે, એમના પાગલપનની કક્ષાના બિંદાસ અભિનય વિશે, એમની કોમેડીની ફોર્મ્યુલા વિશે…

એ જ રીતે, અફસોસ એ પણ રહી ગયો કે ક્યારેય રાજ કપૂર જેવા અચ્છા કલાકાર ને સમર્થ નિર્દેશકને મળી ના શકાયું. ‘મેરા નામ જોકર’ જેવી ફિલ્મ ફ્લોપ થયા પછી અમેના મનમાં શું વિત્યું હતું અને ત્યારે એમની માનસિક હાલત કેવી હતી? એ જાણવું હતું.. આટઆટલી ફિલ્મોમાં આટલા સુંદર ગીતો કઇ રીતે રચી શક્યા એ પણ પૂછવું હતું.. એજ રીતે આજેય બાંદ્રાનાં દરિયા કિનારે ‘ઓટર્સ ક્લબ’ સામે એક ભવ્ય બંગલા પાસેથી ગુજરું છું ત્યારેસુજાતા, બંદિની, મધુમતી જેવી યાદગાર ફિલ્મોના બેનમૂન નિર્દેશક બિમલ રોય અચૂક યાદ આવે છે. ત્યાં હવે ઊંચું મોટું મકાન છે, પણ બિમલ રોયની ઉંચાઇને આંબી શકે એવો નિર્દેશક નથી થયો.એમને મળીને જાણવું હતું કે એ જમાનામાં છૂતઅછૂત જેવી વાર્તા પર ‘સુજાતા’ જેવી ફિલ્મ પછી મામૂલી કિસાનની કરુણ કથા પર ‘દો બીધા ઝમીન’ જેવી ફિલ્મ કેવી રીતે બનાવી હશે અને સફળ પણ કરી બતાવી હશે?

હજી હમણાં જ ગુજરી ગયેલા સ્ટાર યાર કલાકાર ઇરફાનને તો ઘણીવાર મળાયું હતું , પણ તોયે ઘણી વાર વાતો કરવાની બાકી જ રહી ગઇ, કંઇ કેટલાયે સવાલ પૂછવાનાં રહી ગયા, કારણ કે આપણાં સમકાલીન મિત્ર આમ અચાનક ગુજરી જશે એવી તો કલ્પના જ ક્યાંથી હોય? ઇરફાનમિયાંને પૂછવું હતું કે કેમેરા પર એની તીર જેવી વૈધક આંખોના ઉપયોગ વિશે, એની અજીબ પણ ઇંટરેસ્ટિંગ ડાયલોગ ડિલિવરી વિશે ખેર, કલાકાર ચાલ્યા જાય છે અને પાછળ યાદો મૂકતા જાય છે.. જો કે તેમ છતાં પણ જગતભરનાં કલાકારોમાંથી કોઇ એક વ્યક્તિનું નામ લેવાનું હોય તો, કોને ના મળ્યાનો અફસોસ રહી ગયો છે મને?

– તો એ છે ચાર્લી ચેપ્લિન ! ચાર્લી જેવા અદ્ભુત કલાકાર,અદ્ભુત નિર્દેશક જેણે આખી સદી આખી દુનિયાનાં દિલો દિમાગ પર રાજ કર્યું. એ સત્તાની કે તલવારની ધારથી નહીં, પણ તેવરની ધારથી. અત્યાચારથી નહીં, પણ અદાઓથી ચાર્લી વિશ્વવિજેતા હતો.કોઇ પણ દેશની સત્તામાં મોટી ખુરશી પર નહોતો બેઠો, પણ ઓડિયન્સમાં જે ખુરશી પર બેઠેલા એ પ્રેક્ષકોને એણે ખુશ કર્યા.જનતા માઇ-બાપને રાજા બનાવીને જ જીત્યો. એક પણ સંવાદ વિના માત્ર હાવભાવથી એણે દરેક ભાષા-ધર્મ- દેશનાં લોકો સુધી પહોંચ્યો. ચાર્લીને કોઇ સરહદ કે સત્તા રોકી ના શકી. એ પોતે જ એક ‘ભાષા’ હતો!

ચાર્લીને મળ્યો હોત તો એને પૂછત કોમેડીની ફોર્મ્યૂલા..એણે કહેલું કે કોમેડી ઇઝ ટ્રેજેડી ઇન લોંગ શોટ! વાહ …! આ વાક્યના બે અર્થ છે.એક કે કોઇકની કરૂણતા તમે દૂર થી જૂઓ તો હસવું આવે.કોઇ કેળાંની છાલ પર લપસી પડે તો દૂરથી જોઇને આપણને હસવું આવે પણ પડનાર માણસ માટે તો એ ટ્રેજેડી છે!હવે બીજી રીતે જોઇએ, ફિલ્મની ટેકનિકની ભાષામાં અર્થ કરીએ તો એમ કે લોંગશોટમાં -બહુ દૂરથી જો કોમેડીનું શૂટિંગ કરવામાં આવે તો એ ટ્રેજેડી બની જાય, કારણ કે કલાકારના હાવભાવ જોવા ના મળે! આવા તો કંઇક અર્થો પૂછવા હતાં.ચાર્લીને સતત આટલાં વર્ષો સુધી જોક્સ-રમૂજ કેવી રીતે સૂઝતી હતી?કઇ રીતે એ સતત પડી-આખડી-ઊંધો પડીને- ઘવાઇને, છૂંદાઇને પણ એ સ્વસ્થ ચેહેરે કોમેડી કઇ રીતે કરી શકતો? ચાર્લી ચેપ્લિનની ફિલ્મોમાં કોમેડી સાથે ઇમોશન્સ પણ દેખાતાં…તો હું પૂછત કે ચાર્લીને કયાંથી અને કઇરીતે આ વિચારો આવ્યાં હશે જે સૌને સમજાઇ જતાં?સૌને એની મૂર્ખામી,નખરાં એકસાથે કઇ રીતે ગમી જતા? મારે ચાર્લીને પૂછવું હતુ કે માત્ર લાકડી, મૂછ દ્વારા કેવી રીતે એણે પોતાની ઇમેજ ઊભી કરી? કદાચ આ જગતમાં ગાંધીજી અને ચાર્લી-આ બે જ ફિગર એવા છે જેને કોઇ પણ આસાનીથી બે-ચાર લસરકા દ્વારા ચીતરી શકે! તો આવી ટ્રેમ્પ કે રખડુની ઇમેજ એને કયાંથી સૂઝી?

આમ તો ચાર્લી ચેપ્લિનની આત્મકથામાંથી આ બધાના છૂટા છવાયા જવાબો મળે છે પણ તોયે ચાર્લીના મોઢે સાંભળવાની મજા ઓર જ હોત! રમૂજના રંગ અને આંસુઓની અદા એટલે શું એ હું ચાર્લીને પૂછત… બાળપણની કારમી ગરીબી, પાગલ કલાકાર માતા, 6 વરસે સ્ટેજ પર માતાને ખાંસી આવી ત્યારે ચાર્લી પોતે જઇને કોમેડી કરીને લોકોને રીઝવી શક્યો..પછી જગતભરમાં લોકલાડીલો બન્યો અને તોયે અનેકવાર પ્રેમમાં નિષ્ફળ ગયો શું હશે એ જિનિયસ કલાકારના મનમાં ? કહેવાય છે જ્યાં લોકોએ જિસસ ક્રાઇસ્ટનું નામ પણ સાંભળ્યું નહોતું ત્યાં પણ લોકો ચાર્લીને ઓળખતા! આવી અમાપ સિદ્ધિની ફોર્મ્યુલા શું હશે? કે પછી ચાર્લીને પોતાને ય ખબર નહીં હોય?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button