મેટિની

નવી જોડી, નવો દાવ

અશોક કુમાર – દેવિકારાણીના સમયથી ફિલ્મની મુખ્ય જોડી માટે ફિલ્મ રસિયાઓને આકર્ષણ રહ્યું છે. આગામી ફિલ્મોમાં વિવિધ જોડી મનોરંજન કરવા સજ્જ છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

હિન્દી ફિલ્મોમાં બોલપટનો પ્રારંભ થયો ‘આલમ આરા’ (૧૯૩૧)થી. એના પાંચ વર્ષ પછી એટલે કે ૧૯૩૬માં બે ફિલ્મ રિલીઝ થઈ, ‘જીવન નૈયા’ અને ‘અછૂત ક્ધયા’. બન્ને ફિલ્મને સારો આવકાર મળ્યો અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી જોડીનો જન્મ થયો: અશોક કુમાર-દેવિકા રાણી. એ વાતને ૮૭ વર્ષના વહાણા વીતી ગયા, પણ ફિલ્મના હીરો-હિરોઈન વિશેની ઉત્સુકતા અને કુતૂહલ આજે પણ બરકરાર છે. વીસમી સદીમાં તો જોડીના એવા અનેક ઉદાહરણ આપી શકાય કે જેમના નામ જોઈ લોકો ફિલ્મ જોવા જતા. દિલીપ કુમાર-મધુબાલા કે દિલીપ કુમાર-વૈજયંતી માલા, રાજ કપૂર-નરગીસ, દેવ આનંદ-વહિદા રેહમાન, ધર્મેન્દ્ર-હેમા માલિની, અમિતાભ-રેખા, શાહરુખ-કાજોલ, રણબીર-દીપિકા અને બીજા પણ કેટલાક નામ ઉમેરી શકાય. આજની તારીખમાં હીરો – હિરોઈન માટેની ઘેલછામાં ઓટ જરૂર આવી છે, પણ રિલીઝ થનારી ફિલ્મની જોડી માટે ઉત્સુકતા ધરાવનારાની વસતી બહુ ઘટી નથી. સતત બદલાઈ રહેલી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી જોડી તેમના કરિશ્મા અને પ્રતિભાથી નવો પ્રાણ ફૂંકી દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવે છે. ૨૦૨૩-૨૪માં દર્શકોને જોવા મળનારી વિશિષ્ટ જોડીઓ વિશે જાણીએ.

કરીના કપૂર-વિજય વર્મા: ‘જાને મન’

૨૩ વર્ષ પહેલા અભિષેક બચ્ચન સાથે ‘રેફ્યુજી’માં ફિલ્મ સફર કરનારી કરીના કપૂર આજકાલ ફિલ્મો કરતા વિજ્ઞાપનમાં વધુ નજરે પડે છે. છેલ્લા સાત વર્ષમાં માત્ર છ ફિલ્મોમાં દેખાયેલી કરીનાની છેલ્લી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ની બોક્સ ઓફિસ પર બૂરી વલે થઈ હતી. એના નામ સામે અત્યારે ત્રણ ફિલ્મ બોલે છે જેમાંની ‘જાને મન’ આવતા અઠવાડિયે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. અભિષેક ઉપરાંત આમિર ખાન, શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, શાહિદ કપૂર જેવા વિવિધ હીરો લોકો સાથે જોડી જમાવનાર કરીના ‘જાને મન’માં ઓટીટીના સફળ અને વ્યસ્ત અભિનેતા વિજય વર્મા સાથે જોવા મળશે. ‘કહાની’, ‘બદલા’ જેવી રહસ્યમય ફિલ્મો બનાવનાર સુજોય ઘોષ આ હટકે જોડીને કઈ રીતે પેશ કરે છે એની ઉત્સુકતા છે.

શાહિદ કપૂર-ક્રિતી સેનન: ‘એન ઈમ્પોસિબલ લવ સ્ટોરી’

૨૦ વર્ષ પહેલા ‘ઈશ્ક વિશ્ક’ નામની રોમેન્ટિક કોમેડીથી શરૂઆત કરનારા શાહિદ કપૂર કરીના, પ્રિયંકા, આલિયા ભટ્ટ, વિદ્યા બાલન જેવી વિવિધ હિરોઈન સાથે ચમક્યો છે, પણ ક્રિતી સેનન સાથે તેની પહેલી ફિલ્મ છે. રિલીઝ થયેલું પોસ્ટર જોઈ આ નવી જોડી જાદુ પાથરશે એવી અપેક્ષા જાગી છે. શાહિદ આજની હિરોઈન સાથે પણ જામે છે એ ‘કબીર સિંહ’ (કિયારા અડવાણી)માં સિદ્ધ થયું હતું. ‘મિમી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર ક્રિતીનો આત્મવિશ્ર્વાસ બુલંદ હશે. એક્સાઈટિંગ જોડી સાબિત થઈ શકે છે.

રિતિક રોશન – દીપિકા પાદુકોણ: ‘ફાઈટર’

ભૂતકાળમાં આ અત્યંત પ્રતિભાશાળી કલાકારોને ચમકાવતી ફિલ્મ ઘોષણાથી આગળ નથી વધી શકી. ૨૦૧૯માં બે શાનદાર ફિલ્મ (‘સુપર ૩૦’ અને ‘વોર’) આપનાર રિતિકની ગયા વર્ષે બહુ ગાજેલી ‘વિક્રમ વેધા’ બોક્સ ઓફિસ પર સરિયામ નિષ્ફળતાને વરી હતી. દીપિકાની ‘પઠાન’ની સફળતા વિશે તો શું કહેવું અને શાહરુખની ‘જવાન’માં પણ તેનો નાનકડો રોલ છે. સિદ્ધાર્થ આનંદ (‘વોર’ અને ‘પઠાન’) દિગ્દર્શક હોવાથી આ જોડી પડદા પર કઈ રીતે પેશ થાય છે એ જોવું રસપ્રદ રહેશે. બન્ને પહેલીવાર સાથે નજરે પડી રહ્યા હોવાથી દર્શકોમાં કુતૂહલ જરૂર નિર્માણ થવાનું. દેશભક્તિનો ડોઝ ધરાવતી આ ફિલ્મ ૨૦૨૪ના પહેલા મહિનામાં ૨૬ જાન્યુઆરી પહેલા ફિલ્મ રિલીઝ કરવાની ગણતરી છે.

સારા અલી ખાન-આદિત્ય રોય કપૂર: ‘મેટ્રો ઈન દિનો’

અનુરાગ બાસુની ‘લાઈફ… ઈન અ મેટ્રો’ (૨૦૦૭) જેમણે પણ જોઈ હશે એ લોકોના માનસપટ પર એ અંકિત થઈ ગઈ હશે. આજના સમયમાં માનવીય સંબંધોએ કેવું સ્વરૂપ ધારણ કર્યું છે એ નવી ફિલ્મમાં જોવા મળશે એવો દાવો કરવામાં આવ્યો છે. વિકી કૌશલ સાથે ‘ઝરા હટ કે ઝરા બચ કે’ને સફળતા મળી હોવાથી સારાની ફિલ્મ માટે દર્શકોમાં ઉત્સુકતા હશે એમ માની શકાય. જોકે, ફિલ્મના હીરો આદિત્ય રોય કપૂરના નામે ખાસ સફળતા નથી બોલતી. અનુરાગની ‘લુડો’માં એ જોવા મળ્યો હતો ખરો. આ એક એવી જોડી છે જેમાં હિરોઈનની લોકપ્રિયતા અને એના ગ્લેમરનો લાભ હીરોને મળશે. ફિલ્મનું નામ અને સારા અલી ખાન માટે જેટલું આકર્ષણ હશે એનું અડધું આકર્ષણ પણ આદિત્ય રોય કપૂર માટે નહીં હોય.

શાહરુખ ખાન-તાપસી પન્નુ: ‘ડંકી’
ફિલ્મ રસિકોમાં સૌથી વધુ ઉત્સુકતા આ જોડી વિશે હોવાની એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. હીરો ૫૮ વર્ષનો શાહરુખ ખાન અને હિરોઈન ૩૫ વર્ષની તાપસી પન્નુ. કજોડું જ કહેવાય, પણ ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર હિરાણી છે એટલે કોઈ ચોક્કસ ગણતરી સાથે જ ઉંમરના મોટા તફાવત છતાં લીડ પેર તરીકે બન્ને કલાકારની પસંદગી કરવામાં આવી હશે. ફિલ્મમાં વિકી કૌશલનો પણ મહત્ત્વનો રોલ હોવાથી એનું તાપસી સાથે કોઈ કનેક્શન હોવાની સંભાવના નકારી ન શકાય. રાજકુમાર હિરાણી પહેલી વાર શાહરુખ અને તાપસી સાથે કામ કરી રહ્યા છે. ‘પઠાન’ અને હવે ‘જવાન’ની સફળતાને કારણે શાહરુખની ફિલ્મ માટે તાલાવેલી ચોક્કસ રહેવાની.
કેટરીના કૈફ-વિજય સેથુપતિ: ‘મેરી ક્રિસમસ’
આ જોડી વિશે ઉત્સુકતા જાગવાના એકથી વધુ કારણો છે અને બધા કારણ દમદાર છે. પહેલું કારણ એ કે ગયા દસકામાં કેટરીના કૈફની ફિલ્મો નિયમિત તબક્કે રિલીઝ થતી હતી. જોકે, છેલ્લા પાંચ વર્ષમાં તેની ત્રણ જ ફિલ્મ ‘ભારત’, ‘સૂર્યવંશી’ અને ‘ફોનભૂત’ આવી છે. એના ચાહકો તેને પડદા પર જોવા તલપાપડ હશે. બીજું કારણ છે વિજય સેથુપતિ. તમિળ ફિલ્મોના આ અભિનેતાએ તાજેતરમાં રિલીઝ થયેલી ‘જવાન’માં કાલી ગાયકવાડના રોલ માટે તાળીઓનો ગડગડાટ મેળવ્યો છે. હિન્દી ફિલ્મોના દર્શકોમાં સાઉથના એક્ટરો માટે વધી રહેલું આકર્ષણ વિજય સેથુપતિના લાભમાં રહેશે. ત્રીજું કારણ છે ફિલ્મના દિગ્દર્શક શ્રીરામ રાઘવન જેમણે ‘જોની ગદ્દાર’, ‘બદલાપુર’ અને ‘અંધાધૂન’ જેવી ફિલ્મો આપી દર્શકોના દિલમાં રાજ કર્યું છે.
રણબીર કપૂર-રશ્મિકા મંદાના: ‘એનિમલ’
આ જોડીની ખાસિયત એ છે કે રણબીર પહેલી વાર મીઠડા યુવાન (સ્વીટ બોય)ની ઇમેજ તોડી અલગ જ પ્રકારનો રોલ કરી રહ્યો છે. હિન્દી ફિલ્મો જોતા દર્શક વર્ગને બેહદ પસંદ પડેલી ‘પુષ્પા: ધ રાઇઝ’ની રશ્મિકા મંદાનાની બે હિન્દી ફિલ્મ આ વર્ષે આવી, પણ એમની તો ‘ગુડબાય’ને દર્શકોએ એક જ અઠવાડિયામાં ગુડબાય કરી દીધું. બીજી હતી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘મિશન મજનુ’ જેની પણ ખાસ નોંધ લેવાઈ નહીં. આમ રશ્મિકાનું પરફોર્મન્સ હિન્દી ફિલ્મમાં જોવાથી મોટો વર્ગ વંચિત રહી ગયો છે. જોઈએ નોર્થ-સાઉથ જોડી માટે કેવું કુતૂહલ જાગે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ