મનોરંજનનું મેઘધનુષઃ એક સાથે ત્રણ પેઢીનાં નામ સાથે એકમાત્ર કલાકારઃ નીલ નીતિન મુકેશ | મુંબઈ સમાચાર
મેટિની

મનોરંજનનું મેઘધનુષઃ એક સાથે ત્રણ પેઢીનાં નામ સાથે એકમાત્ર કલાકારઃ નીલ નીતિન મુકેશ

ઉમેશ ત્રિવેદી

નીલ નીતિન મુકેશ ચંદ માથુરનો પહેલો અને કદાચ એકમાત્ર એવો બોલિવૂડનો કલાકાર છે, જેણે પોતાના નામમાં પિતાનું નામ અને દાદાનું નામ પણ જોડી દીધું છે અને એ રીતે એ વધુ ‘ફેમસ’ થયો છે. એક હીરો મટિરિયલ હોવા છતાં નીલ નીતિન મુકેશ ખલનાયક તરીકે વધારે લોકપ્રિય છે.

‘મુકેશચંદ માથુર’ નામ કહીએ તો કદાચ કોઈ ન ઓળખે, પણ માત્ર ‘મુકેશ’ નામથી બોલિવૂડમાં ટોચના પાર્શ્ર્વગાયક તરીકે નામના મેળવનાર મુકેશ નીલના દાદા છે. પિતાને પગલે પુત્ર નીતિન મુકેશે પણ પાર્શ્ર્વગાયકમાં સફળતા મેળવી, પણ નીતિન મુકેશના પુત્ર નીલે અભિનયમાં હાથ અજમાવ્યો અને થોડી સફળતા અને ઘણી નિષ્ફળતા પછી હવે તે વિલન તરીકે કે સહાયક અભિનેતા તરીકે બોલિવૂડમાં પોતાનું એક અલગ સ્થાન ઊભું કરી શક્યો છે. ખાલી ‘નીલ’ કહેવાથી એ ઓળખાય એમ નથી. ‘નીલ નીતિન મુકેશ’ કહો તો તરત જ આંખ સામે આ ‘હેન્ડસમ વિલન’ દેખાવા લાગે છે.

આ પણ વાંચો: મનોરંજનનું મેઘધનુષઃ આર્યન ખાન: વધુ એક `સ્ટાર સન’નું આગમન

15 જાન્યુઆરી 1982ના મુંબઈમાં જન્મેલા નીલ નિતીન મુકેશે અભિનયની શરૂઆત એક બાળ કલાકાર તરીકે કરી છે. માત્ર છ વર્ષની ઉંમરે 1988માં એણે રાજેશ ખન્ના, હેમા માલિની, રિશી કપૂર, અનિલ કપૂર, મીનાક્ષી શેષાદ્રી, અનુપમ ખેર અભિનીત ફિલ્મ ‘વિજય’માં બાળ કલાકાર તરીકે શરૂઆત કરી. ત્યાર પછી 1989માં આવેલ ગોવિંદા અભિનીત ફિલ્મ ‘જેસી કરની વૈસી ભરની’માં પણ એ દેખાયો હતો.

ત્યાર બાદ એ છેક 2007માં ‘જ્હોની ગદ્દાર’માં હીરો તરીકે ચમક્યો. એ પછી ‘આ દેખે જરા’, ‘ન્યૂયોર્ક’, ‘જેલ’, ‘લફંગે પરિન્દે’, ‘સાત ખૂન માફ’ જેવી ફિલ્મમાં નજરે ચઢ્યો. આ ફિલ્મોમાં જોઈએ એવી સફળતા ન મળી પછી 2012માં આવેલી મલ્ટીસ્ટાર ફિલ્મ ‘પ્લેયર્સ’થી નેગેટિવ પાત્ર ભજવવાની શરૂઆત કરી અને તેમાં એ ક્લિક થયો.

આ પણ વાંચો: મનોરંજનનું મેઘધનુષ : વધુ એક વિશ્વસુંદરીનું બોલિવૂડમાં આગમન…

બોલિવૂડ ઉપરાંત એણે દક્ષિણની તમિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો અને નેગેટિવ પાત્રમાં તે ત્યાં પણ ચમક્યો. આ દરમિયાન બોલિવૂડની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’, ‘ગોલમાલ અગેઈન’, ‘સોહો’ જેવી ફિલ્મમાં એનો અભિનય વખણાયો. 2019માં એણે એક નિર્માતા તરીકે પણ શરૂઆત કરી છે. ઓટીટી માટે ‘બાયપાસ રોડ’ નામની સિરીઝ બનાવી અને તેમાં અભિનય પણ કર્યો. 2024માં તે ઓટીટી પર જ આવેલી ‘હિસાબ બરાબર’માં પણ દેખાયો છે.

હવે એની આગામી ફિલ્મ આજે 12 સપ્ટેમ્બરે રજૂ થવાની છે. ઉમેશ શુકલા દિગ્દર્શિત તુલસીકુમાર અભિનીત ફિલ્મ ‘એક ચતુર નાર’માં નીલ નિતીન મુકેશ ફરી આંચકો આપવા તૈયાર છે. આ ફિલ્મમાં એ મલ્ટીમિલિયોનેર અભિષેક વર્માની ભૂમિકામાં દેખાશે. આ પાત્ર પણ નેગેટિવ છાંટ ધરાવતું પાત્ર છે. આમ 18 વર્ષની કારકિર્દીમાં નીલ નિતીન મુકેશે અનેક ચઢાવ-ઉતાર જોયા છે, પણ એક વિલન રૂપે એ અલગ તરી આવે છે અને એનું કામ વધુ વખણાય છે પણ ખરું.

આ પણ વાંચો: મનોરંજનનું મેઘધનુષઃ દિગ્દર્શકનો માનીતો કલાકાર કે. કે. મેનન…

13 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી શું જોશો… રજનીકાંત-નાગાર્જુન-કાજોલની ફિલ્મો અને નિયમિત સિરિયલ્સ…

OTTનું હોટસ્પોટ

ઓટીટી પર આ વખતનું અઠવાડિયું ખૂબ જ ધમાકેદાર રહેવાનું છે. રજનીકાંત, નાગાર્જુન, શ્રુતિ હાસન અને મહેમાન કલાકાર આમિર ખાન, પૂજા હેગડે અભિનીત ફિલ્મ ‘કુલી’નું પ્રસારણ ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર શરૂ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર રૂ. 550 કરોડ કરતાં પણ વધારે કમાણી કરી છે અને હવે ઓટીટીના દર્શકો માટે રજૂ થઈ ગઈ છે.

*એમેઝોન પ્રાઈમ વીડિયો:

‘માલિક’: રાજકુમાર રાવ પહેલી જ વાર એકશન અવતારમાં 17 સપ્ટમ્બરથી ‘જનરેશન-વી’ની બીજી સિઝન શરૂ થઈ રહી છે.

*જિયો હોટસ્ટાર: કાજોલ, અલી ખાન અને કુબ્રા સૈન અભિનીત ‘ટ્રાયલ- બીજી સિઝન’ શરૂ થઈ ગઈ છે તો નાગાર્જૂનના સંચાલન હેઠળની ‘બિગ-બોસ- તેલુગુની નવમી સિઝન’ પણ શરૂ થઈ ગઈ છે. આ સિવાય ‘ઓન્લી મર્ડર્સ ઈન ધ બિલ્ડિંગ’ની પાંચમી સિઝન પણ શરૂ થઈ છે.

*નેટફ્લિક્સ: આર્યન ખાનના દિગ્દર્શન હેઠળની ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ શરૂ થઈ ગઈ છે તો તૃપ્તિ ડીમરી અને સિધ્ધાંત ચતુર્વેદીની ‘ધડક-ટુ’ નેટફ્લિક્સ પર રજૂ થવાની જાહેરાત થઈ ગઈ છે.

*ઝી ફાઈવ: વિક્રાંત મૈસી અને શનાયા કપૂર અભિનીત ‘આંખો, કી ગુસ્તાખીયાં’નું પ્રસારણ શરૂ થઈ ચૂકયું છે.

Umesh Trivedi

પત્રકાર તરીકે 40 વર્ષનો અનુભવ. 1986માં 'જન્મભૂમિ'માં સબ એડિટર તરીકે શરુઆત કરી. 19 વર્ષ 'ગુજરાત સમાચાર' મુંબઈ એડિશનમાં ચીફ સબ એડિટર તરીકે, 'ગુજરાત ગાર્ડિયન' સુરતમાં 18 મહિના News Editor તરીકે, 'સંદેશ' મુંબઈ એડિશન-Resident Editor તરીક, 'હલચલ' મુંબઈ એડિશન સાડા ત્રણ વર્ષ રેસિડન્ટ એડિટર તરીકે, 'મુંબઈ સમાચાર'માં કુલ પાંચ વર્ષ, તેમાં… More »

સંબંધિત લેખો

Back to top button