મેટિની

નેશનલ એવોર્ડ: ગણ્યાગાંઠ્યા ગુજરાતી

રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવતા ચિત્રપટ પારિતોષિકમાં ગુજરાતીઓનો પનો ટૂંકો પડે છે. સરખામણીમાં મરાઠીઓએ ફિલ્મોએ ખાસ્સી સફળતા મેળવી છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

સૌ પ્રથમ સ્પષ્ટતા. એવોર્ડ આપવામાં પક્ષપાત થયો હતો, અમુક ભાષાને ઝૂકતું માપ મળ્યું અને તમુક સાથે ઓરમાયું વર્તન થયું, જેવી દલીલો કોરાણે મૂકી આ સ્ટોરીનો વિચાર કરવામાં આવ્યો છે. કારણ કે એ દલીલ તો અનેક ભાષા માટે થઈ શકે. આ વખતે ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા (અત્યાર સુધીનો શ્રેષ્ઠ પરફોર્મન્સ) છે એ નિમિત્તે રાષ્ટ્રીય પારિતોષિકનાલેખા- જોખા કરવા નિમિત્ત મળ્યું છે.
૧૯૫૪થી જ્યુરી દ્વારા ફિલ્મ મેકિંગના વિવિધ પાસા માટે આપવામાં આવતા નેશનલ એવોર્ડ પર નજર નાખતા એક વાત ઊડીને આંખે વળગે છે કે પારિતોષિકથી સન્માનિત થવામાં ગુજરાતીઓનો બહુ ગજ નથી વાગ્યો.

દેશના રાષ્ટ્રપતિના હસ્તે દર વર્ષે એનાયત કરવામાં આવતા આ એવોર્ડ જુદા જુદા ૨૦ વિભાગ માટે આપવામાં આવે છે. અલબત્ત, કેટલાક વિભાગની શરૂઆત મોડેથી થઈ હતી, પણ આટલા વર્ષ દરમિયાન વિવિધ વિભાગમાં ગુજરાતી વ્યક્તિ ગાજી હોય એવા માત્ર ૧૯ નામ ગણાવી શકાય છે. મૂંગી ફિલ્મના અને બોલપટનાપ્રારંભિક દોરમાં ગુજરાતી ફિલ્મ મેકરો સારી સંખ્યામાં પ્રવૃત્ત હતા અને ત્યારે જો નેશનલ એવોર્ડ આપવામાં આવતા હોત તો આ સંખ્યા વધુ હોત એવી દલીલ કોઈ કરી શકે છે. જોકે, એકંદરે સાંસ્કૃતિક ઉદાસીનતા એનું કારણ છે એ હકીકત પ્રત્યે આંખ મિચામણા ન કરી શકાય. ગુજરાતીની સરખામણીમાં મરાઠીનું પરફોર્મન્સ ઉજળું છે. મરાઠીમાં બનેલી ફિલ્મો શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર વિભાગને બાદ કરતાં લગભગ દરેક વિભાગમાં કમસે કમ એક એવોર્ડ મેળવવામાં તો સફળ જ રહી છે. આટલાં વર્ષમાં કુલ પપ નેશનલ એવોર્ડ મરાઠી ફિલ્મોને ફાળે આવ્યા છે અને મરાઠી કલાકાર – કસબીઓને સૌથી વધુ સફળતા શ્રેષ્ઠ પટકથા – સંવાદ વિભાગમાં (૭ એવોર્ડ) મળી છે.

એક્ટિંગ માટે ગુજરાતી કલાકારને ફાળે એક જ પારિતોષિક આવ્યું છે: આ વખતનું – માનસી પારેખ: ‘કચ્છ એક્સપ્રેસ’. અલબત્ત, માનસી સાથે નિત્યા મેનને (તમિળ ફિલ્મ માટે) એવોર્ડ શેર કર્યો છે. માનસીને મળેલો એવોર્ડ પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં પણ સ્ત્રી પાત્રોના વૈવિધ્યની પાવતી છે. ‘કચ્છ એક્સપ્રેસ’ માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનનો એવોર્ડ મેળવનારા નિકી જોશી આ સન્માન મેળવનારા ચોથા ડિઝાઈનર છે. આ એવોર્ડનો વિશેષ આનંદ નિકીને એટલા માટે થયો છે કે ‘કેજીએફ ૨’ અને ‘પીએસ ૧’ (મણિરત્નમની પોનીએન સેલવાન – ૧) પણ નોમિનેટ થઈ હતી. અગાઉ રમીલા પટેલ અને મણી રબાડી (પારસીને ગુજરાતી જ ગણવા જોઈએ)ને ‘પેસ્તનજી’ માટે, લીના દરૂનેનીતા લુલ્લા સાથે યશ ચોપડાની ‘લમ્હે’ માટે આ સન્માન મળ્યું હતું. ૨૦૧૮માં ’હેલ્લારો’ શ્રેષ્ઠ ચિત્રપટનોનેશનલ એવોર્ડ મેળવનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ તરીકે ખાસ્સી ગાજી હતી. કલમ કારીગરીમાં ગુજરાતીઓ ઉમેશ શુક્લ, ભાવેશ માંડલિયા, સંજય લીલા ભણસાલી અને પ્રકાશ કાપડિયા સન્માનિત થયા છે, અલબત્ત , હિન્દી ફિલ્મો માટે. ૧૯૬૮માં ‘સરસ્વતીચંદ્ર’ માટે કલ્યાણજી આનંદજીને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એ ફિલ્મના દિગ્દર્શક (ગોવિંદ સરૈયા) અને કથા લેખક (ગોવર્ધનરામ ત્રિપાઠી) પણ ગુજરાતી જ હતા.

(નેશનલ એવોર્ડ મેળવનારા અન્ય ગુજરાતીઓની જાણકારી માટે જુઓ બોક્સ.)
નેશનલ એવોર્ડ પ્રાપ્તિમાં હિન્દી ફિલ્મો અને એના કલાકાર કસબીઓ અત્યાર સુધી મહત્તમ સફળતા મેળવવામાં સફળ રહ્યા છે. બંગાળી અને સાઉથની અને વિશેષ કરી મલયાલમ ફિલ્મોએ ખાસ્સું સન્માન મેળવ્યું છે. આમ પણ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હાલ શ્રેષ્ઠ દોરમાંથી પસાર થઈ રહી છે અને આ વખતે નેશનલ એવોર્ડ મેળવવામાં તમિળ ફિલ્મો સાથે ખભે ખભો મિલાવી ઊભી રહી છે. અહીં આપણે ગોલ્ડન લોટસ અને સિલ્વર લોટસ એવોર્ડ પૂરતી જ વાત સીમિત રાખી છે. પ્રાદેશિક ફિલ્મોની વાત અહીં નથી.

નેશનલ એવોર્ડની કેટલીક વિગતો ઉપર છલ્લી રીતે જોતા વિચિત્ર લાગી શકે છે. ઉદાહરણ તરીકે શ્રેષ્ઠ સંવાદ લેખક (બેસ્ટ ડાયલોગ રાઇટર)ના વિજેતાઓની યાદીમાં સલીમ – જાવેદનું નામ જ નથી. ‘શું વાત કરો છો’? એવી પ્રતિક્રિયા સ્વાભાવિક કહેવાય. એનું કારણ એવું છે કે આ એવોર્ડ આપવાની શરૂઆત છેક ૨૦૦૯માં થઈ હતી અને ત્યારે તો
બંને લગભગ નિવૃત્ત હતા. હા, ૧૯૬૮થીઆપવામાં આવતું
અને વચ્ચે ૧૩ વર્ષ માટે એનાયત ન થયેલું શ્રેષ્ઠ ગીતકારનું પારિતોષિક જાવેદ અખ્તરને ૫ વખત (સાઝ, બોર્ડર, ગોડમધર, રેફ્યુજી અને લગાન) મળી ચૂક્યું છે.

નેશનલ એવોર્ડની કેટલીક અન્ય રસપ્રદ જાણકારી:
શ્રેષ્ઠ અભિનેતાનો સૌથી વધુ એવોર્ડ અમિતાભ બચ્ચન (૪) અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે શબાના આઝમી (૫)ને મળ્યા છે. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે સુરેખા સિક્રી (૩) નંબર વન પર છે. શ્રેષ્ઠ પાર્શ્ર્વ ગાયક – બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ) યેશુદાસ (૮) અને એ પણ ત્રણ ભાષામાં – હિન્દી, તેલુગુ અને મલયાલમ. મહિલા પાર્શ્ર્વ ગાયનમાં કે. એસ. ચિત્રા (૬) અને એ પણ ત્રણ ભાષામાં – હિન્દી, તમિળ અને મલયાલમ. શ્રેષ્ઠ સંગીતકારનો નેશનલ એવોર્ડ સંજય લીલા ભણસાલીને મળ્યો છે. જોકે, બેસ્ટ મ્યુઝિકના સૌથી વધુ એવોર્ડ એ. આર. રેહમાન(૭)ને મળ્યા છે.

નેશનલ એવોર્ડ મેળવનારા ગુજરાતીઓ
શ્રેષ્ઠ ફિલ્મ: હેલ્લારો (૨૦૧૮), કચ્છ એક્સપ્રેસ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણનાં મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મ – ૨૦૨૩).
શ્રેષ્ઠ અભિનેત્રી: માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ – ૨૦૨૩)
શ્રેષ્ઠ પટકથા – શ્રેષ્ઠ સંવાદ: ઉમેશ શુક્લ, ભાવેશ માંડલિયા (ઓએમજી – ઓહ માય ગોડ: ૨૦૧૨), સંજય લીલા ભણસાલી અને પ્રકાશ કાપડિયા (ગંગુબાઈ કાઠિયાવાડી)
શ્રેષ્ઠ સંકલન – એડિટિંગ: સંજીવ શાહ (મિર્ચ મસાલા – ૧૯૮૬) અને સંજય લીલા ભણસાલી (ગંગુબાઈ કાઠિયાવાડી – ૨૦૨૧).
શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન: મીરા લાખિયા (ભવની ભવાઈ – ૧૯૮૦).
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈન: રમીલા પટેલ, મણીર બાડી (પેસ્તનજી – ૧૯૮૭), લીના દરૂ (નીતા લુલ્લા સાથે – લમ્હે: ૧૯૮૧), નિકી જોશી (કચ્છ એક્સપ્રેસ – ૨૦૨૩).
શ્રેષ્ઠ સંગીત: કલ્યાણજી આનંદજી (સરસ્વતીચંદ્ર – ૧૯૬૮), રજત ધોળકિયા (ધારાવી – ૧૯૮૧), સંજય લીલા ભણસાલી (પદ્માવત- ૨૦૧૮)
શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન – કોરિયોગ્રાફી: શામક દાવર (દિલ તો પાગલ હૈ – ૧૯૯૭), વૈભવી મર્ચન્ટ (હમ દિલ દે ચુકે સનમ – ૧૯૯૯)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button