‘નાના’ કો ગુસ્સા ક્યૂં આતા હૈ ?
બોલીવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકર આમ તો પોતાની દમદાર ભૂમિકાને કારણે લાઈમલાઈટમાં રહેતા હોય છે, પરંતુ તાજેતરમાં તેમની એક હરકતને લઈને ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં નાનાએ તેમના એક ચાહકને જોરદાર લાફો મારી દીધો હતો. હવે તેનો વીડિયો પણ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. એ યુવક નાના પાટેકર સાથે સેલ્ફી લેવા ઈચ્છતો હતો, પણ નાનાએ તેને લાફો મારી દીધો હતો, ત્યારબાદ એ વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેની જોરદાર ટીકા કરી હતી.
દરમિયાન આ મુદ્દે ફિલ્મના ડાયરેક્ટરે પણ દાવો કર્યો હતો કે આ ફિલ્મના એક સીનનો ભાગ હતો. આ વીડિયો વારાણસીના દશાશ્ર્વમેઘ ઘાટનો છે, જ્યાં નાના પાટેકર તેમની આગામી ફિલ્મ ‘જર્ની’નું શૂટિંગ કરી રહ્યાં હતા.
વાઈરલ વીડિયોમાં નાના પાટેકર ભૂરા રંગના કોટ સાથે ભૂરા રંગની હેટ અને મફલર પહેરેલા દેખાય છે. ત્યારે જ ત્યાં એક છોકરો આવે છે અને નાના સાથે સેલ્ફી લેવા માટે ફોનનો કેમેરા ખોલે છે. અને એ જ સમયે નાના એ છોકરાને થપ્પડ મારી દે છે. વાત અહીં આવીને નથી અટકતી પણ નાના સાથે ક્રૂ મેમ્બર તેની બોચી પકડીને બહાર ધકેલી દે છે.
નાના પાટેકર કાયમ સમાચારોમાં છવાયેલા રહે છે. હાલમાં જ રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ દરમિયાન તેમણે ઘણાં વિવાદાસ્પદ નિવેદનો કર્યાં હતાં. શાહરુખ ખાનથી માંડીને સની દેઓલની ફિલ્મ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સાથે જ તેમણે બોલીવુડના સ્ટાર કિડ્સ વિશે પણ ટિપ્પણી કરી હતી. ત્યારે પણ તેઓ મીડિયામાં ખૂબ છવાયેલા હતા.
સોશિયલ મીડિયા પર નાના પાટેકરના આવા વીડિયો અંગે લોકો તેની નિંદા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે નાના પાટેકર સારું દેખાવાનો દેખાડો કરી રહ્યા છે, પણ તેમનું સત્ય તો આ જ છે. આ અગાઉ પણ નાના પાટેકર ઘણા વિવાદોમાં ઘેરાયેલા છે. હાલમાં જ તેઓ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’માં દેખાયા હતા. ફિલ્મના પ્રમોશન દરમિયાન નાના પાટેકરે ઘણાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતાં. તેમણે નામ લીધા વગર શાહરુખ ખાનની ‘જવાન’ ફિલ્મની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ આ ફિલ્મને સહન નહીં કરી શકે. નાના પાટેકર હાલમાં ‘ગદર’ના ડિરેક્ટર અનિલ શર્માની ફિલ્મ ‘જર્ની’નું શુટિંગ કરી રહ્યાં છે. વીડિયો વાઈરલ થયા પછી ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માએ કહ્યું હતું કે વાઈરલ વીડિયો એ વાસ્તવમાં ફિલ્મનો શોટ છે. સોશિયલ મીડિયા પર લોકો નાનાને નેગેટિવ અને રુડ એક્ટરની રીતે પ્રોજેક્ટ કરે છે, જે ખોટી વાત છે. જો કે નાના પાટેકરે આ બાબતે માફી માગી લીધી હોવાના સમાચાર વહેતા થયા છે.