મેટિની

મારું લક્ષદ્વીપ છે રૂડું, માલદીવ્સ નહીં રે આવું

દક્ષિણ એશિયાના ટચૂકડા દેશે ભારત અને નરેન્દ્ર મોદીનું અપમાન કરતા એની સહેલગાહનો વિરોધ નોંધાવવામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ જોડાઈ છે. માલદીવ્સને ટક્કર મારે એવા ભારતીય શૂટિંગ લોકેશન્સ પર એક નજર

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

‘કાખમાં છોકરું ને ગામમાં ધમાધમ’ બહુ જ જાણીતી કહેવત છે જે અન્ય ભાષાઓમાં પણ વિવિધ સ્વરૂપે નજરે પડે છે. વસ્તુ હાથવેંતમાં હોય અને એને શોધવા ગામ આખામાં હડિયાપટ્ટી કાઢતા ફરીએ એ આ કહેવતનો ભાવાર્થ છે. કહેવતનો ઉલ્લેખ કરવાનું કારણ એટલું જ કે ભારતીય સહેલાણીઓના મનગમતા વેકેશન સ્થળ માલદીવ્સ (દક્ષિણ એશિયાનો ટચૂકડો ટાપુ દેશ)ના ત્રણ પ્રધાનોએ તાજેતરમાં ભારત અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરતા રાજકીય સ્તરે તેમજ જનતામાં તીવ્ર આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. માલદીવ્સના બહિષ્કારમાં જે લોકો જોડાયા છે એમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અગ્રણી પણ સામેલ થયા છે. માલદીવ્સને ટક્કર મારે એવા એક એકથી ચડિયાતા રળિયામણા સ્થળ આપણા દેશમાં જ મોજૂદ છે તો માલદીવ્સ ગયું તેલ લેવા, ત્યાં સુધી લાંબા થવાની જરૂર જ શું છે? એવી લાગણી પ્રવર્તી રહી છે. દેશભક્તિને કેન્દ્રમાં રાખી બનેલી કેટલીક ફિલ્મોના હીરો અક્ષય કુમારે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ’આપણે પાડોશીઓ સાથે સુમેળભર્યા સંબંધો રાખીએ છીએ, પણ આવો ધિક્કાર શું કામ સહન કરવાનો? હું ઘણી વાર માલદીવ્સ ગયો છું અને એની પ્રશંસા સુધ્ધાં કરી છે, પણ ગૌરવના ભોગે તો નહીં જ. આપણે આપણા જ પ્રવાસન ઉદ્યોગને ઉત્તેજન આપવું જોઈએ.ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે એક ટ્વિટમાં ઉડુપી, પોન્ડિચેરી અને આંદામાનના રળિયામણા સમુદ્ર કિનારાનો ઉલ્લેખ કરી આ અને આવા બીજા અન્ય રણીય સ્થળને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવાની અપીલ કરી છે. આ ટ્વિટનો ઉલ્લેખ કરી અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે ‘ભાઈ વીરુ, તારી વાત સોળ આના સાચી છે. હું લક્ષદ્વીપ અને આંદામાન જઈ આવ્યો છું. અદભુત સૌંદર્ય ત્યાં પથરાયેલું છે. આપણે ભારતવાસી આત્મનિર્ભર છીએ.’ આ ઉપરાંત સલમાન ખાન, કંગના રનૌટ, શ્રદ્ધા કપૂર અને જોન અબ્રાહમે પણ માલદીવ્સની તીવ્ર શબ્દોમાં ઝાટકણી કાઢી છે. અલબત્ત માલદીવ્સમાં ગણતરીની હિન્દી ફિલ્મોનું જ શૂટિંગ થયું છે.

પાંચેક વર્ષ પહેલા બનેલી આસામી ફિલ્મો ’ઇીહબીહ ઈફક્ષ જશક્ષલ’ ફક્ષમ ’ટશહહફલય છજ્ઞભસતફિંતિ’ વિશે કદાચ તમને જાણકારી નહીં હોય. અનુકૂળતા હોય તો આ બંને ફિલ્મ જોજો. આ ફિલ્મો એના વિષય વૈવિધ્ય માટે તો અલગ તરી આવે છે, પણ સાથે સાથે ઈશાન ભારતના સેવન સિસ્ટર્સ રાજ્યો પૈકી એક એવા આસામનું નખશીખ સૌંદર્ય આંખોને અલાયદો એહસાસ કરાવે છે. ફિલ્મના માધ્યમ દ્વારા સૌંદર્યનું સરનામું જેવા ભારતના અનેક સ્થળો થિયેટરમાં બેઠેલા દર્શકોને મંત્રમુગ્ધ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ફિલ્મમેકરો માટે આ ઇજન છે. આવા રમણીય સ્થળ દર્શકનું હૈયું તો પુલકિત કરે જ છે, પણ સાથે સાથે સ્થાનિક ટુરિઝમને ઉત્તેજન આપે છે. એનો સીધો અર્થ એમ થાય કે આ પ્રકારના સ્થળના વિકાસમાં સહભાગી બની તમે દેશનું અર્થતંત્ર મજબૂત બનાવવામાં યથાશક્તિ ફાળો આપો છો અને દેશના વિકાસમાં નિમિત્ત બનો છો. દેશભક્તિ કે દેશ દાઝ વ્યક્ત કરવા માટે ઘરના દીવાનખાનામાં બેસી ચીન – પાકિસ્તાનને ગાળો ભાંડવા સિવાય બીજું ઘણું ઘણું કરી શકાય છે.

ફિલ્મનું શૂટિંગ વ્યાપક અર્થમાં બે પ્રકારે થતું હોય છે. ઈન્ડોર એટલે કે કોઈ સ્ટુડિયોમાં સેટ ઊભો કરી કે પછી કોઈના ઘરમાં (નમકહરામ, ચુપકે ચુપકે વગેરે ફિલ્મોનું અમુક શૂટિંગ જી.પી. સિપ્પીના બંગલામાં થયું હતું) અથવા બહારના કોઈ સ્થળે જે ફિલ્મમેકિંગની શૈલીમાં આઉટડોર લોકેશન શૂટિંગ તરીકે ઓળખાય છે. આપણે ત્યાં અનેક વર્ષ કાશ્મીર અને ઊટી ફિલ્મમેકરોના પ્રિય લોકેશન હતા. ૧૯૬૦ના દાયકામાં વિદેશી લોકેશન પર ફિલ્માંકન કરવામાં વેગ આવ્યો હતો. રાજ કપૂરની ‘સંગમ’, શક્તિ સામંતની ‘એન ઈવનિંગ ઈન પેરિસ’ એ દોરના અત્યંત પ્રચલિત ઉદાહરણ છે. ત્યારબાદ ફિલ્મમાં વિદેશી વાતાવરણનો આગ્રહ મહદંશે જોવા મળ્યો છે. જેવું જેનું ખિસ્સું અને જેવી જેની જરૂરિયાત. અલબત્ત વીસમી સદીમાં વિદેશી સહેલગાહનું પ્રમાણ ઘણું ઓછું હતું અને એટલે યશ ચોપડાની ફિલ્મો વિદેશ ફરવાનો પાસપોર્ટ ગણાતી હતી. એકવીસમી સદીમાં તો આઇસલેન્ડ જેવા અગાઉ ક્યારેય ન સાંભળેલા લોકેશન પસંદ કરવામાં આવી રહ્યા છે. જોકે, લોકેશન પસંદ કરવામાં વાર્તા અનુસાર એની યોગ્યતા કે એના સૌંદર્ય ઉપરાંત અન્ય પરિબળ પણ કામ કરતા હોય છે. આ બાબત પર પ્રકાશ ફેંકતા ‘એક વિલન’, ‘મર્ડર ૨’ જેવી ફિલ્મોના દિગ્દર્શક મોહિત સુરીના અભિપ્રાય અનુસાર વિદેશમાં શૂટિંગ કરવાની સરખામણીએ ભારતમાં શૂટિંગ કરવું ખર્ચાળ હોય છે. ઉદાહરણ આપતા તેઓ જણાવે છે કે અનેક દેશમાં એવી વ્યવસ્થા છે કે તમે ત્યાં જે પૈસા ખર્ચ કરો એના પર કમિશન મળે, પ્રોત્સાહન આપવામાં આવે. મોરિશિયસ હોય કે લંડન, તમે ખર્ચેલા પૈસાના અમુક ટકા પાછા મળે છે. ટુરિઝમની મોટી આવક ધરાવતા માલદીવ્સ કે પછી સેશલ્સ અથવા મોરિશિયસ જેવા સ્થળ પર શૂટિંગ કરવા જતા ફિલ્મમેકરોને આ પ્રકારની કોઈ આકર્ષક ઓફર મળતી હોય તો ફિલ્મમેકર ત્યાં શું કામ ન જાય? મોહિત સુરીની વાત વિચારવા જેવી છે. એના જવાબ તરીકે કોઈ ફિલ્મમેકર આખી ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ કરે અને અમુક ટકા ટુરિઝમ સ્થળ પર કરે તો એની પાસેથી વસૂલ કરવામાં આવતા એન્ટરટેઇન્મેન્ટ ટેક્સમાં રાહત જેવા પ્રોત્સાહન વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. રાજમૌલીની ‘આરઆરઆર’નું મોટાભાગનું શૂટિંગ આટોપી લેવામાં આવ્યું હતું, પણ ‘નાટુ નાટુ’ ગીતનું ફિલ્માંકન બાકી હતું. જોકે, કોવિડની મહામારીને કારણે ભારતમાં લોકડાઉન હતું અને વિદેશમાં પણ શૂટિંગની પરવાનગી મળવી અસંભવ હતું. ૨૦૨૧માં રશિયા અને યુક્રેને વિદેશીઓ માટે દરવાજા ઉઘાડી દીધા અને રાજામૌલીએ ‘નાટુ નાટુ’નું શૂટિંગ યુક્રેનમાં કર્યું અને યુક્રેનના પ્રેસિડેન્ટ એક જમાનામાં એક્ટર હોવાથી એમના મહેલની બહાર જ ફિલ્માંકનની પરવાનગી મળી.

આ મુદ્દા ધ્યાનમાં રાખી લક્ષદ્વીપનો શૂટિંગ લોકેશન માટે વિચાર કરવો જોઈએ. લક્ષદ્વીપ કે પછી આંદામાન અથવા વિશ્ર્વવિખ્યાત નાયગ્રા ફોલને ટક્કર મારે એવા દક્ષિણ ભારતના ધોધના વિસ્તાર કે પછી શ્રીનગરનું ટ્યૂલિપ ગાર્ડન, રાજસ્થાનના સ્વિટઝર્લેન્ડ તરીકે ઓળખાતું નયનરમ્ય કિશનગઢ ડમ્પિંગ ગ્રાઉન્ડ, કેરળનું મુન્નાર, સિક્કિમનો ગુરુ ડોન્ગમાર લેક, ઉત્તરાખંડનું કાનાતલ.. આ લિસ્ટમાં ઘણું લાંબું બની શકે છે. આપણા ફિલ્મ મેકરો વિદેશનો મોહ ઓછો કરી આવા સ્થળે શૂટિંગ કરવા પ્રેરાય એ માટે આર્થિક પ્રોત્સાહન, કનેક્ટિવિટીની સુગમતા જેવી વિવિધ સગવડ હાથવગી હોય એ આવશ્યક છે. લક્ષદ્વીપમાં નવું એરપોર્ટ બાંધવાની જાહેરાત એ દિશામાં મહત્ત્વનું પગલું છે. જોકે, ભારત અને નરેન્દ્ર મોદીનું અપમાન થયું એટલે આપણે લક્ષદ્વીપ માટે સફાળા જાગ્યા. શું આવી કોઈ ઘટના બને ત્યાં સુધી રાહ જોવાની? મોહિત સૂરી બીજી એક વાત પર ધ્યાન દોરતા કહે છે કે ’ગોવામાં શૂટિંગ કરવું બહુ ખર્ચાળ હોય છે કારણ કે ત્યાં ફિલ્મ મેકિંગમાં મદદરૂપ થાય એવા લોકો નથી મળતા. એટલે આવા લોકોને મુંબઈથી સાથે લઈ જવા પડે. તેમની મુસાફરીનો તેમજ રહેવા માટેનો વધારાનો ખર્ચ બજેટ વધારી દે છે. વિદેશમાં આવા લોકો સ્થાનિક સ્તરે સહેલાઈથી મળી જાય છે. અલબત્ત વિદેશમાં શૂટિંગ કરવું જ નહીં એવી વાત નથી, પણ ઉપાધ્યાય જ કાયમ આટો લઇ જાય ને ઘરના છોકરા ઘંટી ચાટતા રહી જાય એવું ન થાય એ જવાબદારી આપણી નથી?

૨૦૧૫માં ‘ધ ફિલ્મ ફેસિલિટેશન ઓફિસ (એફએફઓ)ની સ્થાપના થઈ હતી. આંતરરાષ્ટ્રીય ફિલ્મ મેકરોને ભારતમાં ફિલ્મ શૂટિંગ કરવામાં સરળતા રહે એ મુખ્ય હેતુ સાથે સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. આ સંસ્થાના અધ્યક્ષ વિક્રમજીત રોયના કહેવા અનુસાર’ આપણો દેશ એના સૌંદર્ય, એના વૈવિધ્યને કારણે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મેકરોને આકર્ષવામાં સફળ રહ્યો છે. વિદેશીઓ આપણે ત્યાં ફિલ્મોનું શૂટિંગ કરવા થનગની રહ્યા હોય તો પછી આપણે કેમ વધુ પ્રાધાન્ય આપણા દેશની લાક્ષણિકતાને ન આપીએ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button