ગાયન રહ્યું… ગાયક બદલાયા!
મહેશ નાણાવટી
મુકેશ, મહેન્દ્ર્ર કપૂર, મન્ના ડે, મહમ્મદ રફી, કમલ બારોટ ફિલ્મ ‘ગજિની’નું એક ગીત છે: ‘તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ, તુ આ ગઈ દિલ કો રાસ રાસ, હે ગુઝારિશ…’
આ ગીતની શરૂઆતમાં સોનુ નિગમના અવાજમાં એક સુંદર આલાપ છે, પરંતુ આખું ગીત તો શાદ અલીના અવાજમાં છે. ફિલ્મમાં ‘પરદા ઉપર પણ માત્ર આમિર ખાન જ છે તો બે ગાયકોના અવાજ શા માટે?’એ આર રહેમાનને કોઈએ આ સવાલ પૂછ્યો ત્યારે રહેમાને રહસ્ય ખોલ્યું. વાત એમ હતી કે એ ગીત અગાઉ આખેઆખું સોનુ નિગમના જ અવાજમાં રેકોર્ડ થયું હતું, પરંતુ એ આર રહેમાનને એની ધૂનમાં ખાસ મજા આવી નહોતી. એમણે ધૂનમાં સ્હેજ ફેરફાર કર્યો. (‘પ્યાસ’ શબ્દ એક વાર હતો તેના બદલે બે વાર આવ્યો.) હવે રેકોર્ડિંગ કરવાની તૈયારી થઈ તે દરમિયાન સોનુ નિગમ વિદેશ પ્રવાસે નીકળી ગયો હતો. તેથી રહેમાને ગાયન તો શાદ અલીના અવાજમાં રેકોર્ડ કર્યું, પણ આગળનો આલાપ સોનુ નિગમના અવાજમાં જેમ હતો તેમ રહેવા દીધો!
મજાની વાત એ છે કે જાહેર કોન્સર્ટમાં સોનુ નિગમને એના ચાહકો એ નાનકડો આલાપ ગાઈ બતાડવાની ફરમાઈશ કરે છે! જોકે આખેઆખું ગાયન રેકોર્ડ થઈ ગયા પછી બીજા જ ગાયક પાસે ગવડાવ્યુ હોય એવા અન્ય કિસ્સાઓ પણ છે, જેમકે…ફિલ્મ ‘આદમી’નું ગીત છે ‘કૈસી હસીન આજ બહારોં કી રાત હૈ, ઈક ચાંદ આસમાં પે હૈ, ઈક મેરે સાથ હૈ…’ આ ગીત મહંમદ રફી અને તલત મહેમૂદના અવાજમાં રેકોર્ડ થઈ ગયું હતું. પરદા ઉપર એ ગીત દિલીપ કુમાર અને મનોજ કુમાર પર પિક્ચરાઈઝ થવાનું હતું. સંગીતકાર નૌશાદે બહુ વરસો પછી તલત મહેમૂદને આ ગીતમાં લીધા હતા કેમકે તલતના અવાજમાં એક ખાસ ઉદાસી હોય છે. (ખુશનુમા ગાયન હોય તો પણ!) પરંતુ ‘આદમી’ ફિલ્મ બની રહી હતી ત્યાં સુધીમાં તલત મહેમૂદનો જમાનો વીતી ચૂક્યો હતો.
આ બાજુ મનોજ કુમારને ખબર પડી કે તલત મહેમૂદ સાહેબ મારે ‘ગળે પડ્યા’ છે એટલે એમણે જીદ કરી કે બીજા કોઈ ગાયક પાસે ગવડાવો પણ તલત મહેમૂદ તો નહીં જ! છેવટે તલત મહેમૂદને બદલે મહેન્દ્ર કપૂરને લઈને એ ગાયન ફરી રેકોર્ડ કરવામાં આવ્યું.
આવી ઘટના મન્ના ડે સાથે પણ બની ચૂકી છે. ફિલ્મ ‘જાગતે રહો’ માટે સલીલ ચૌધરીએ ‘જિંદગી ખ્વાબ હૈ…’ ગાયન પહેલાં મન્ના ડે પાસે જ ગવડાવ્યું હતું. ફિલ્મના પ્રોડ્યુસર હતા રાજ કપૂર. ફિલ્મના હીરો પણ પોતે જ હતા. પરંતુ સ્ટોરી જ એવી હતી કે રાજ કપૂરનું પાત્ર ગીત ગાય એવી કોઈ સિચ્યુએશન જ નહોતી! છતાં રાજ કપૂરની ફિલ્મ હોય અને મુકેશનું ગાયન ન હોય એ કેમ ચાલે?
પ્રોડ્યુસર તરીકે રાજ કપૂરના મનમાં થોડી કોમર્શિયલ ગણતરી પણ હશે, કેમકે એ જમાનામાં ફિલ્મો રિલીઝ થાય એ પહેલાં ગાયનો રેડિયોમાં વાગવા લાગતાં હતાં. આથી પરદા ઉપર મોતીલાલ નામના ફેમશ કલાકાર હોવા છતાં રાજ કપૂરે એ જ ગીત ફરી મુકેશના અવાજમાં રેકોર્ડ કરાવ્યું.(સ…બ સચ હૈ!) ‘આદમી’ ફિલ્મમાં બીજી એક ‘હેરાફેરી’ પણ થઈ હતી. તલત મહેમૂદની જગ્યાએ મહેન્દ્ર કપૂરની એન્ટ્રી થઈ એ તો ખરું, પણ શું તમને ખબર છે કે એ જ ફિલ્મનું બીજું એક ગાયન ‘ન આદમી કા કોઈ ભરોસા…’ અગાઉ મહેન્દ્ર કપૂરના અવાજમાં હતું? જે પાછળથી મહંમદ રફીના ફાળે આવી ગયું હતું? જી હા, યુટ્યુબ ઉપર આ ગાયન છે!
અહીં મામલો એવો હતો કે શકીલ બદાયુનીએ લખેલું આ ગીત નૌશાદ સાહેબે જે ફિલ્મ માટે રેકોર્ડ કરેલું તે ફિલ્મ જ ડબ્બામાં બંધ થઈ ગઈ! ત્યારબાદ જ્યારે ‘આદમી’ માટે ગીત બનાવવાનો સમય આવ્યો ત્યારે એ જ ટ્યુનમાં થોડો ફેરફાર કરીને નૌશાદ સાહેબે જૂનો માલ રિ-સાઈકલ કર્યો અને શકીલ સાહેબે નવેસરથી શબ્દો લખ્યા. ગીત મહંમદ રફીના અવાજમાં રેકોર્ડ પણ થઈ ગયું!
જોકે, દિલીપ કુમારના દિમાગમાં આ ગીતના નવા શબ્દો કંઈ જામતા નહોતા. એમણે નૌશાદને કહ્યું ‘પેલું જે ગીત હતું એના જ શબ્દો રાખો ને? ’ આમ શબ્દો એ જ રહ્યા, ગીતકાર પણ એ જ રહ્યા, ધૂન સહેજ બદલાઈ ગઈ અને ગાયક આખેઆખા ‘રિપ્લેસ’ થઈ ગયા! કેવું કહેવાય, નહીં?
અચ્છા, ‘જ્વેલ થિફ’નું મશહૂર ગાયન ‘યે દિલ, ના હોતા બેચારા..’ તો યાદ છે ને? એની સ્ટોરી પણ અજબ છે. એમાં તો ગાયક પણ બદલાઈ ગયા, આખેઆખી ફિલ્મ બદલાઈ ગઈ. ગીતના શબ્દો બદલાઈ ગયા… માત્ર ના બદલાયા તે સંગીતકાર!
વાત એમ હતી કે ‘બહારે ફિર ભી આયેગી’ માટે સચિન દેવ બર્મન સંગીતકાર તરીકે નક્કી થયા હતા. એક ગાયન પણ રેકોર્ડ થઈ ગયું હતું, પરંતુ એ દરમિયાન સચિનદાને હાર્ટ એટેક આવ્યો. સંગીતનું કામ ખોરંભે ચડ્યું. આથી પ્રોડ્યુસર ગુરુદત્તે સચિનદેવને બદલે ઓપી નૈયરને લઈ લીધા. આમ પેલું ગાયન ‘ડબ્બા’માં જતું રહ્યું. વરસો પછી જ્યારે ‘જ્વેલ થિફ’ બની રહી હતી ત્યારે સચિન દેવે એ ધૂન પટારામાંથી બહાર કાઢી અને નવેસરથી ગીતના શબ્દો લખાવ્યા. જૂના શબ્દો કંઈક આવા હતા: ‘કોઈ ન તેરા સાથી હો, ડગર કહીં ભી જાતી હો, એ દિલ કે રાહી ચલ, બહારેં ફિર ભી આયેંગી…’
આ રીતે જ્યાં મોટા દિગ્ગજ ગાયકોનું રિપ્લેસમેન્ટ થઈ જતું હોય ત્યાં નાના, અજાણ્યા અથવા ઓછા પ્રખ્યાત ગાયકોની તો વિસાત જ શું? ફિલ્મ ‘કુદરત’નું ટાઈટલ સોંગ હતું: ‘સુખ દુખ કી હરએક માલા, કુદરત હી પિરોતી હૈ…’ આ ગીત મરાઠી ફિલ્મ સંગીતના ગાયક ચંદ્રશેખર ગાડગિલ ગાય એવી આરડી બર્મનની ઈચ્છા હતી. નિર્માતા નિર્દેશક ચેતન આનંદ વારંવાર એ વાતને ટાળી દેતા હતા. છેવટે ચંદ્રશેખર ગાડગિલના અવાજમાં એ ગીત રેકોર્ડ પણ થયું, પરંતુ એ પછી શી ખબર કયાં કારણોસર એ જ ગીત મહંમદ રફીના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું.
આ આખી કહાણી ચંદ્રશેખર ગાડગિલે પૂણેમાં ‘પંચમમેજિક’ નામના લાઈવ પ્રોગ્રામમાં કહી છે. યુટ્યુબ પર સાંભળવા જેવી છે. ગાડગિલનું તો એક જ ગીત આ રીતે એના નસીબમાંથી જતું રહ્યું, પરંતુ જૂના જમાનાની ખાસ્સી જાણીતી ગાયિકા કમલ બારોટનું કહેવું છે કે એમનાં ગાયેલાં કમ સે કમ બે ડઝન જેટલાં ગીતો ‘ભેદી’ કારણોસર લતા મંગેશકર તથા આશા ભોંસલેના અવાજોમાં ફરીથી રેકોર્ડ થતાં હતાં! હવે એ ગીતો કયાં હતાં તે તો કમલજીને જાતે જ મળીને પૂછવું પડે.