કલા ઘણી, કદર ઓછી…

હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગીતકાર, સંગીતકાર, નૃત્ય નિર્દેશક અને અભિનેતા તરીકે નોંધપાત્ર યોગદાન આપનારા પ્રેમ ધવનની થવી જોઈએ એટલી પ્રશસ્તિ નથી થઈ.
કળા – આવડત અનુસાર કદર – આવકાર મળે જ એ જરૂરી નથી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઈતિહાસ તપાસતી વખતે એવા કેટલાક ઉદાહરણ ઊડીને આંખે વળગે છે જેમનામાં અસાધારણ પ્રતિભા હતી, પણ એ પ્રતિભાને છાજે એવી પ્રશંસાના હકદાર એ કલાકાર નથી રહ્યા. ફિલ્મ ડિરેક્ટર વિજય આનંદ, એક્ટર ઓમ પ્રકાશ, ફિલ્મ એડિટર રેણુ સલુજા, સંવાદ લેખક કાદર ખાન, ગીતકાર યોગેશ, સંગીતકાર રામલાલ, વગેરેનો આ યાદીમાં સમાવેશ થાય.
આ બુધવાર, સાતમી મેના રોજ જેમની 25મી પુણ્યતિથિ છે એ ઈન્ડસ્ટ્રીના ગીતકાર, સંગીતકાર, અભિનેતા અને નૃત્ય નિર્દેશક પ્રેમ ધવન પણ આ યાદીમાં જ બિરાજે છે. બહુમુખી પ્રતિભા ધરાવતા હોવા છતાં હયાતિમાં તેમજ ગેરહાજરીમાં પણ એમના ગુણગાન ગવાવા જોઈએ એવા નથી ગવાયા એ હકીકત છે.
1950 – 60નો સમયગાળો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ગોલ્ડન એરા- સુવર્ણકાળ ગણાય છે. આ દોરમાં ફિલ્મના ગીત- સંગીતની લોકપ્રિયતા એવરેસ્ટ પર બિરાજમાન હતી. ગીતકારોની વાત કરીએ તો સાહિર લુધિયાનવી, શૈલેન્દ્ર, કૈફી આઝમી, મજરૂહ સુલતાનપુરી, શકીલ બદાયૂંની… વગેરેના ગીત દસે દિશામાં ગુંજતા હતા. દરેકની અલાયદી ખાસિયત હતી. અલબત્ત , અહીં જણાવ્યા એ ગીતકારોની ફરતે ગ્લેમરનું વલય એવું વીંટળાયેલું હતું કે નિદા ફાઝલી કે કવિ પ્રદીપ અને પ્રેમ ધવન જેવા ગીતકારોના માતબર યોગદાન છતાં વાજાં એટલા વાગ્યાં નહીં. બેડ લક, બીજું તો શું કહી શકાય?
દેશભક્તિ – દેશપ્રેમના હિન્દી ફિલ્મોની યાદી ‘અય વતન અય વતન હમકો તેરી કસમ, તેરી રાહોં મેં જાન તક લૂટા જાયેંગે’ અને ‘મેરા રંગ દે બસંતી ચોલા’ વિના અધૂરી કહેવાય. આ બંને ગીત પ્રેમ ધવને લખ્યા છે એ ભુલાઈ ગયું છે. અચરજ થાય એવી વાત તો એ છે કે આ બંને ગીતનું સ્વરાંકન પણ ધવન સાહેબે જ કર્યું છે. ‘શહીદ’ અને મનોજ કુમાર યાદ છે, પણ એ બંને હૃદયમાં વસી ગયા એમાં મહત્ત્વનું યોગદાન આપનારા પ્રેમ ધવન વિસરાઈ ગયા એ કમનસીબી જ કહેવાય.
વિધિની વક્રતા તો જુઓ કે એમના જ ગીતનું મુખડું વાપરી અન્ય ગુણી ગીતકાર પ્રશંસાના હકદાર બન્યા, પણ ધવનજીને કોઈએ યાદ સુધ્ધાં ન કર્યા. કિસ્સો એવો છે કે દેશને આઝાદી મળી ત્યારે એક સમારોહમાં પ્રેમ ધવને એક ગીત ગાયું હતું ‘ઝૂમ ઝૂમ કે નાચો આજ, ગાઓ ખુશી કે ગીત’. આ કાર્યક્રમમાં સંગીતકાર નૌશાદ હાજર હતા. એમને આ ગીત બેહદ ગમી જતા પ્રેમ ધવનને ફિલ્મ ઓફર કરી હતી. જોકે, એ સમયે ધવન સાબ ‘બોમ્બે ટોકીઝ કંપની’ સાથે કરારબદ્ધ હોવાથી તેમને બહારની ફિલ્મો કરવાની પરવાનગી નહોતી. જોગાનુજોગ 1949માં આવેલી મેહબૂબ ખાનની ‘અંદાઝ’માં ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ એ મુખડાનો ઉપયોગ કરી એક નવું ગીત લખ્યું હતું. દિલીપ કુમાર પર ફિલ્માવાયેલા આ ગીતનું સ્વરાંકન નૌશાદજીએ કર્યું હતું અને ગાયક હતા મુકેશ. આજે પણ જ્યારે ગીત વાગે છે ત્યારે પ્રેમ ધવનને કોઈ યાદ નથી કરતું.
દેશપ્રેમનાં ગીતો ‘છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની, નયે દૌર મેં લિખેંગે મિલકર નયી કહાની’ (હમ હિન્દુસ્તાની) અને ‘અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન તુજ પે દિલ કુરબાન’ (કાબુલીવાલા) તમે આજે નહીં ભૂલ્યા હો. પણ પ્રેમ ધવને આ બંને ગીત લખ્યા એ તમને કાં તો ખબર નહીં હોય અથવા ભૂલી ગયા હશો.
‘હમ હિન્દુસ્તની’માં તો અન્ય ગીતકારમાં બે મોટા નામ હતા સાહિર લુધિયાનવી અને રાજીન્દર કૃષ્ણ. એમની હાજરીમાં હોવા છતાં પ્રેમ ધવનનું ગીત સૌથી વધુ યાદગાર સાબિત થયું એ મોટી સિદ્ધિ કહેવાય. ગીતકાર તરીકે એમનું યોગદાન વિશાળ છે, પણ અન્ય ગીતોની વાત ફરી ક્યારેક.
પ્રેમ ધવનને સંગીત દિગ્દર્શક તરીકે પણ કામ કરવાનો મોકો મળ્યો હતો. પંદરેક ફિલ્મ એમના નામે બોલે છે. અલબત્ત, ગીતકારની તુલનામાં સંગીતકાર તરીકે તેમનું યોગદાન એટલું દમદાર નથી. મનોજ કુમારની ‘શહીદ’ ઉપરાંત ‘પવિત્ર પાપી’ નામની ફિલ્મનું તેમનું સ્વરાંકન નોંધપાત્ર ગણાય છે. કિશોર કુમારના સ્વરમાં રેકર્ડ થયેલું ‘તેરી દુનિયા સે હો કે મજબુર ચલા, મૈં બહોત દૂર બહોત દૂર ચલા’ ઓલ ટાઈમ ફેવરિટ ગીતના લિસ્ટમાં વટથી બિરાજે છે. કિશોર કુમારનું અવસાન થયું ત્યારે (13 ઓક્ટોબર 1987) આ ગીત રેડિયો અને ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યું હતું.
ગુરુ દત્તે જેમ કારકિર્દીના પ્રારંભમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું એમ પ્રેમ ધવને પણ પ્રારંભમાં નૃત્ય નિર્દેશક અને ડાન્સરની ઝલક દેખાડી છે. સંગીતકારની સરખામણીએ કોરિયોગ્રાફર તરીકે તેમનો હિસાબ કિતાબ વધુ ઉજળો છે. 1949માં સુરૈયા, મધુબાલા અને જયરાજને ચમકાવતી ‘સિંગાર’ નામની ફિલ્મ આવી હતી. આ ફિલ્મના એક ગીતમાં પ્રેમ ધવન ડાન્સર તરીકે જોવા મળે છે (જુઓ તસવીર). આ સિવાય બી. આર. ચોપડાની ‘વક્ત’માં એમની કોરિયોગ્રાફી હતી અને ‘નયા દૌર’નું ‘ઉડે ઉડે જબ જબ ઝુલ્ફે તેરી’ તેમજ બિમલ રોયની ‘દો બીઘા ઝમીન’નું ‘હરિયાલા સાવન ઢોલ બજાતા આયા’ નૃત્ય નિર્દેશક પ્રેમ ધવનની જ કમાલ છે. ‘ધૂલ કા ફૂલ’નું આશા ભોસલે – મહેન્દ્ર કપૂરનું યુગલ ગીત ‘ધડકને લગી દિલ કે તારોં કી દુનિયા, જો તુમ મુસ્કુરા દો’ અને ‘આરઝૂ’, ‘વચન’, ‘સહારા’ વગેરે ફિલ્મોમાં પણ ધવન સાહેબે કોરિયોગ્રાફીમાં યોગદાન આપ્યું છે.
આટલું જાણ્યા પછી ગુણ ઝાઝા, ગુણગાન ઓછા એવું નથી લાગતું? ‘પ્યાસા’ના ગીત કાને પડતા સાહિર, ‘હકીકત’ના ગીત સાંભળતા કૈફી આઝમી, ‘ગાઈડ’ના ગીત ગણગણતા શૈલેન્દ્ર અને ‘મુઘલ – એ – આઝમ’ના કર્ણપ્રિય ગીત વાગતા જેમ શકીલ બદાયૂંની યાદ આવી જાય એ જ રીતે દેશભક્તિ – દેશપ્રેમના ગીતો વાગે ત્યારે પ્રેમ ધવનનું સ્મરણ ન થવું જોઈએ? તમારું શું માનવું છે?
આપણ વાંચો: શો-શરાબા : જૂના ફિલ્મ ટાઇટલ્સ અને નવી ફિલ્મ્સના અતરંગી કિસ્સા જાણવા જેવા છે.
અભિનય માત્ર અજમાયશ
ગીતકાર, સંગીતકાર અને કોરિયોગ્રાફર તરીકે ઉજળો હિસાબ ધરાવતા પ્રેમ ધવને અભિનયમાં પણ કરતબ અજમાવી જોયો છે. એક્ટર તરીકે એમના નામે માત્ર ચાર ફિલ્મ બોલે છે. આ યાદી લાંબી થઈ શકી હોત, પણ બ્રેક ખુદ ધવન સાહેબે જ મારી હતી. ‘સિંગાર’ (1949), ‘લાજવાબ’ (1950), ‘સિતારોં સે આગે’ (1958) અને ‘ગૂંજ ઉઠી શહનાઈ’ (1959)માં કેમેરા સામે નજરે પડ્યા હતા. વિજય ભટ્ટ દિગ્દર્શિત ‘ગૂંજ ઉઠી શહનાઈ’માં એમની એક્ટિંગની એટલી તારીફ થઈ કે પરિવારના સભ્યોએ અને ઈન્ડસ્ટ્રીના સહયોગીએ બાકી બધું તડકે મૂકી એક્ટર બનવાની સલાહ આપી, બલકે આગ્રહ કર્યો. જોકે, પ્રેમ ધવન પીગળ્યા નહીં, માન્યા નહીં. એમનો જવાબ હતો કે ગીતો લખવા એ એમનું જીવન છે, સંગીત આપવું એ એમનો શોખ છે, નૃત્યમાં એમને આનંદ મળે છે અને એક્ટિંગ તો માત્ર એક ચેન્જ તરીકે જ કરે છે. જો એ એક્ટર બન્યા હોત તો પ્રેક્ષકોનો અનુભવ કેવો રહ્યો હોત એ અટકળના વિષયથી વિશેષ કશું નથી, પણ એક પ્રતિભાશાળી ગીતકારથી સિને રસિકો વંચિત જરૂર રહી ગયા હોત.