મેટિનીસ્પેશિયલ ફિચર્સ

કભી તન્હાઈયોં મેં યૂં હમારી યાદ આયેગી…

૭૫ વર્ષ પહેલાં ગાયન સાથે અભિનયથી શરૂઆત કરનારાં મુબારક બેગમની કારકિર્દી ઊંચે આકાશમાં લહેરાવાની શરૂઆત થતા જ જમીનદોસ્ત થઈ ગઈ

હેન્રી શાસ્ત્રી

મુબારક બેગમ, તનુજા

હિન્દી  ફિલ્મ સંગીતમાં લતા મંગેશકરના ડંકા વાગવાની શરૂઆત થઈ એ દોરની વાત છે. ‘નીલ કમલ’, ‘બાવરે નૈન’, ‘જોગન’ વગેરે એ સમયની લોકપ્રિય ફિલ્મ બનાવનારા કેદાર શર્માએ નવોદિતો સાથે એક રોમેન્ટિક ડ્રામા બનાવવાનું આયોજન કર્યું હતું. મરાઠી ફિલ્મ સંગીતમાં આગવી છાપ પાડનાર મ્યુઝિક ડિરેક્ટર સ્નેહલ ભાટકરને ગીતો સ્વરબદ્ધ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્નેહલ ભાટકરને લતા દીદી સાથે અંગત પરિચય હતો અને દીદીની વધી રહેલી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી શર્મા સાહેબ પણ એમના અવાજમાં ગીત રેકોર્ડ કરવા ઉત્સુક હતા. એમને ભાટકરની ધૂન બેહદ પસંદ પડી હતી. રેકોર્ડિંગની સર્વ તૈયારી થઈ ગઈ અને દીદી આવે એટલે ગીત સ્વરબદ્ધ કરવાનું હતું. 

જોકે, લતા મંગેશકર રેકોર્ડિંગ માટે આવ્યાં જ નહીં. એમનો સંપર્ક કરવામાં આવતાં એ કોઈ અન્ય ફિલ્મના ગીતોના રેકોર્ડિંગમાં વ્યસ્ત હતાં.  પત્યું. કેદાર શર્મા છંછેડાઈ ગયા અને એ જ ઘડીએ હવે આ ગીત લતા નહીં ગાય એવો નિર્ણય લઈ ગીત મુબારક બેગમના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું. એ ફિલ્મ હતી ‘હમારી યાદ આયેગી’ અને એ ગીત હતું તનુજાને કેન્દ્રમાં રાખી તૈયાર થયેલું ‘કભી તન્હાઈયો મેં યૂં હમારી યાદ આયેગી’.

ફિલ્મ રિલીઝ થતાની સાથે અનેક હોઠ ગીત ગણગણવા લાગ્યા, અનેક કાન આ ગીત સાંભળવા સરવા થવા લાગ્યા. હિન્દી ફિલ્મ સંગીતમાં એવાં અનેક ઉદાહરણ છે, જે પ્રતિભાને જોરે સડસડાટ સીડી ચડી ઊંચા શિખરે પહોંચી ગયા હોય, પણ દ્વેષ, કમનસીબ જેવા કોઈ કારણસર તળેટી તરફ ધકેલાઈ ગયા હોય.

રાજસ્થાનના રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં જન્મેલાં મુબારક બેગમ આ પંક્તિમાં બિરાજે છે. ૭૫ વર્ષ પહેલાં  હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એમનું આગમન થયું ત્યારે શમશાદ બેગમ (સૈયાં દિલ મેં આના રે, કજરા મુહબ્બતવાલા વગેરે), ઝોહરાબાઈ અંબાલેવાલી (સાવન કે બાદલો, અખિયાં મિલા કે જીયા ભરમા કે), ગીતા દત્ત (મેરા સુંદર સપના બીત ગયા, હો ગોરી તેરા બાંકા છૈલા) અને લતા મંગેશકર (આયેગા આનેવાલા, એક દિલ કા લગાના બાકી થા)ના સૂર બરાબર સેટ થઈ રહ્યા હતા અને સરગમ એમની આસપાસ જ ફરતી હતી.

સદ્નસીબે સંગીત રસિક પિતાશ્રીને પુત્રીમાં પ્રતિભાના દર્શન થયા અને એ જમાનામાં જેમ અનેક લોકો નસીબ અજમાવવા મુંબઈ આવતા હતા એમ મુબારક બેગમના પરિવારે પણ પચરંગી શહેરમાં સ્થળાંતર કર્યું. પુત્રીને સંગીત તાલીમ મળે એની તજવીજ કરી અને ‘ઓલ ઈન્ડિયા રેડિયો’ પર ગાવાની તક મળી. એક તક બીજી તક ખેંચી લાવે એમ કોમિક અને વિલન રોલમાં પ્રભાવ પાડનારા યાકૂબે ‘આયી’ (૧૯૪૯) નામની ફિલ્મનું નિર્માણ કર્યું જેમાં મુબારક બેગમને ગીત ગાવા ઉપરાંત પડદા પર ચમકવાની તક સુધ્ધાં મળી. એ દોર સિંગર – એક્ટરનો હતો. બંને આવડત ધરાવતા કલાકાર (સુરૈયા, નૂરજહાં ઈત્યાદિ)ને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. ફિલ્મ ફ્લોપ થઈ, પણ મુબારક બેગમે ગાયેલાં બે ગીત ‘મોહે આને લગી અંગડાઈ’ અને લતા મંગેશકર સાથેનું યુગલ ગીત ‘આઓ ચલે વહાં’ નજરે ચડ્યું અને ૧૯૫૦ના દાયકામાં એમની કારકિર્દી પાટે ચડી ગઈ.

અગ્રણી સંગીતકારો ગુલામ મોહમ્મદ, સરદાર મલિક, એસ. ડી. બર્મન, સલિલ ચૌધરી એમના સ્વરને સૂર આપતા થઈ ગયા. આ દાયકામાં એમણે ગાયેલાં યાદગાર ગીત હતા ‘દેવતા તુમ હો મેરા સહારા’ (દાયરા), ‘હમ હાલ – એ – દિલ સુનાએંગે’ (મધુમતી), ‘વો ના આયેંગે પલટકર’ (દેવદાસ), ‘ક્યા ખબર થી યૂં તમન્ના’ (રિશ્તા) વગેરે. જોકે, આ બધાં ગીત એ સમયે લોકોને ગમતાં પણ બહુ જલદી વિસરાઈ પણ જતાં. મુબારક બેગમના નામ સાથે એક પણ અવિસ્મરણીય ગીત નહોતું બોલતું. આખરે એ સમય આવ્યો ખરો.

Also read:

આપણે શરૂઆતમાં કેદાર શર્માની ફિલ્મના જે ગીતની વાત કરી એ ‘કભી તન્હાઈયોં મેં યૂં હમારી યાદ આયેગી, અંધેરે છા રહે હોંગે, કે બીજલી કૌંધ જાયેગી’થી બદલાવ આવ્યો. ખુદ કેદાર શર્માએ લખેલા આ ગીતમાં એક જ કડી હોવા છતાં એને અફાટ લોકપ્રિયતા સાંપડી હતી. મુખડામાં એક શબ્દ છે કૌંધ…. ‘બીજલી કૌંધ જાયેગી’ મતલબ વીજળીનો ચમકારો. આ ગીત મુબારક બેગમની કરિયરમાં વીજળીનો ચમકારો સાબિત થઈ.

આ ગીત સાથે સંકળાયેલો એક મજેદાર કિસ્સો મુબારક બેગમએ ખુદ એક ઈન્ટરવ્યૂમાં બયાન કર્યો હતો. ‘ગીતનું રેકોર્ડિંગ પૂરું થયા પછી કેદાર શર્માએ મારા હાથમાં ૨૫ પૈસાનો એક સિક્કો મૂક્યો (પાવલી પકડાવી). મને સમજાયું નહીં કે શર્મા સાહેબ શું કામ આવું કરી રહ્યા છે. હું અવઢવમાં હતી કે શું કરવું? સંગીતકાર સ્નેહલ ભાટકર એ સમયે ત્યાં હાજર હતા. તરત મને કહેવા લાગ્યા કે સિક્કો લેવાની ના નહીં પાડતી. એ ૨૫ પૈસા નથી, શર્માજીના આશીર્વાદ છે. કોઈના કામથી બહુ રાજી થાય ત્યારે એ પાવલી આપતા હોય છે. એમની વાત સોળ આના સાચી સાબિત થઈ. ગીતને કારણે એવી લોકપ્રિયતા મળી કે સફળતા મારા આંગણે ફેર ફુદરડી ફરવા લાગી.’

દોડવા માટે ઢાળ મળ્યો અને ૧૯૬૦ના દાયકામાં અનેક યાદગાર ગીત એમના નામ સાથે જોડાયા. ફિલ્મ ‘સુશીલા’માં તેમનું સોલો સોંગ ‘બે – મુરવત બેવફા બેગાના અય દિલ આપ હૈ’, ‘હમરાહી’નું યુગલ ટાઈટલ સોંગ ‘મુજકો અપને ગલે લગા લો અય મેરે હમરાહી’, ‘શગુન’નું તલત મેહમૂદ સાથેનું યુગલ ગીત ‘ઈતને કરીબ આ કે ભી ક્યા જાને કિસ લિએ’, ‘મોરે મન મિતવા’નું ’, ‘મેરે આંસુઓ પે ના મુસ્કુરા’ …. લોકપ્રિયતાનો ગુણાકાર થવા લાગ્યો. જોકે, એ સાથે  કલ્પનામાં પણ નહોતા એવા બનાવ બનવા લાગ્યા. 

મુબારક બેગમે કરેલા ખુલાસા અનુસાર ‘જબ જબ ફૂલ ખિલે’નું ‘પરદેસિયોં સે ના અખિયાં મિલાના’ અને ‘કાજલ’નું ‘અગર મિલે ના મુજે તુમ’ તેમના અવાજમાં રેકોર્ડ થયું હતું, પણ રેકોર્ડ બહાર પડી ત્યારે બીજા કોઈનો અવાજ હતો. કોઈ કાવતરું રચાયું અને ફિલ્મોમાં ગાવાની તક મળતી લગભગ બંધ થયું એવું મુબારક બેગમનું પોતાનું માનવું હતું. ૧૯૭૦ના દાયકામાં તો અલવિદા જેવી હાલત થઈ ગઈ હતી.

ફિલ્મની ગ્લેમરસ દુનિયાની બહાર મુબારક બેગમ આદરણીય ગઝલ ગાયિકા તરીકે પણ ખ્યાતિ ધરાવતા હતાં. વારે -તહેવારે ગઝલ કાર્યક્રમોમાં એમને આમંત્રણ મળતું અને ફિલ્મ કારકિર્દીનો વીંટો વળી ગયા પછી અનેક વર્ષો સુધી પરફોર્મન્સ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતાં રહ્યાં. 

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એમને મળવી જોઈએ એટલી તક મળી નહીં એ હકીકત છે. ૨૦૦૭માં ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ્સ ડિવિઝને તૈયાર કરેલી મુબારક બેગમની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી. કમનસીબે એ રજૂઆત એમની સંગીત સફર કરતાં એમની સાથે થયેલા અન્યાય માટે વધુ સ્મરણમાં રહી છે. ૧૯૫૦ના દાયકામાં ધુરંધર સંગીતકારો માટે સૂર રેલાવનારાં મુબારક બેગમના જીવનના સૂર ૨૦૧૬માં દારુણ અવસ્થામાં બંધ પડી ગયાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button