મેટિની

ડબલ રોલ ધરાવતી ફિલ્મો જેટલી જ રસપ્રદ છે ફિલ્મોમાં ડબલ રોલની વાતો

ફોકસ -રાજેશ યાજ્ઞિક

હેમા માલિનીની ફિલ્મ સીતા ઔર ગીતા, દિલીપકુમારની રામ ઔર શ્યામ, અમિતાભ બચ્ચનની સત્તે પે સત્તા અને વર્ષોથી ટીવી ઉપર ચાલતી ‘સૂર્યવંશમ’માં શું સમાનતા છે, એમ કોઈ પૂછે તો મટકું માર્યા વિના તમે કહેશો કે ‘ડબલ રોલ’. વાત સાચી પણ છે. હિન્દી ફિલ્મોમાં ડબલ રોલનો ઇતિહાસ હિન્દી ફિલ્મો જેટલો જ જૂનો છે, એમ કહીએ તો અતિશયોક્તિ પણ નહિ કહેવાય. ૧૯૧૭માં આવેલી ફિલ્મ ‘લંકા દહન’માં અન્ના સાલુંખે નામના કલાકારે રામ અને સીતા એમ બંને પાત્રો ભજવેલા, જે કલાકારે ભજવેલા ડબલ રોલની પહેલી ફિલ્મ બની. ત્યારથી અત્યાર સુધી અનેક કલાકારોએ હિન્દી અને બિન-હિન્દી ફિલ્મોમાં ડબલ રોલ ભજવ્યા છે.

ભારતની બધી ભાષાઓમાં બનેલી ફિલ્મોને ધ્યાનમાં લઈએ તો સૌથી વધુ વખત ડબલ રોલ ભજવનાર કલાકાર તરીકે જેનું નામ છે એ કલાકારના નામે અનેક રેકોર્ડ્સ છે. પણ ડબલ રોલનો રેકોર્ડ તો ન ભૂતો ન ભવિષ્યતિ છે. તેમણે અધધધ ૪૦ ફિલ્મોમાં ડબલ રોલ ભજવ્યા છે. તેમનું નામ છે, પ્રેમ નાઝિર, જેઓ મલયાલમ સિનેમાના આઇકોનિક અભિનેતા છે.

ભારતના ઉત્કૃષ્ટ અદાકારમાં કમલ હાસન પણ અનેક વખત, એટલે કે કુલ ૨૦ વખત ડબલ રોલ ભજવ્યા છે. અને જો હિન્દી ફિલ્મોની વાત કરીએ તો સૌથી વધુ ડબલ રોલ મિથુન ચક્રવર્તીએ ભજવ્યા છે ૧૭ વખત, અને તેમાં એક બંગાળી ફિલ્મ ઉમેરીએ તો ૧૮ વખત ડબલ રોલ ભજવ્યા હોવાનું રેકોર્ડ પર બોલાય છે. તેમની જોડાજોડ મલ્ટી ટેલેન્ટેડ અભિનેતા-લેખક કાદર ખાનનું નામ લેવાય છે, જેમણે પણ લગભગ ૧૮ ફિલ્મોમાં ડબલ રોલ ભજવ્યા છે. ત્યાર પછી ભારતીય ફિલ્મોના આઇકોન અભિનેતા, રજનીકાંત, એવર યંગ અભિનેતા જીતેન્દ્ર અને હિન્દી ફિલ્મોના શહેનશાહ અમિતાભ બચ્ચન.

સૌથી પહેલી ફિલ્મમાં ડબલ રોલ એક જ અભિનેતાએ કરવો એ કોઈ પહેલેથી નક્કી કરેલું આયોજન નહોતું, પરંતુ એક મજબૂરી હતી! કેમકે એ જમાનામાં ફિલ્મોમાં અભિનય કરવો એ નિમ્ન કક્ષાનું ગણાતું અને મહિલાઓ તે વખતે ફિલ્મોમાં કામ કરવા તૈયાર નહોતી થતી. તેથી નાજુક બાંધાના પુરુષ અભિનેતાઓને ફાળે સ્ત્રી પાત્રો આવતા.

જોકે આ મજબૂરીને કારણે કેટલાક અદ્ભુત અભિનેતાઓ આપણને નાટકો અને ફિલ્મોમાં સ્ત્રી પાત્રો ભજવતા જોવા મળ્યા છે, અને તેઓ ખુબ પ્રખ્યાત થયા છે, તે આપણે જાણીએ જ છીએ. હિન્દી ફિલ્મોમાં, ડબલ રોલ રજૂ કરવામાં વાર્તાકાર કે દિગ્દર્શકની પ્રસ્તુતિ ઓછી અને તેને બદલે કોમર્શિયલ હેતુ વધુ હતો. તેણે મોટા, વેચાણપાત્ર સ્ટારને વધુ ફૂટેજ આપ્યા અને ફિલ્મોને વધુ સારા લોકપ્રિય પ્રતિસાદની ખાતરી આપી.

ડબલ રોલમાં કેવા વૈવિધ્ય આવ્યા એ પણ રસપ્રદ છે. ટોકી યુગની પ્રથમ બેવડી ભૂમિકાનું સન્માન ૧૯૩૨ની “આવારા શહજાદા” ને જાય છે જેમાં શાહુ મોડકને બે અલગ-અલગ પાત્રો દર્શાવવામાં આવ્યા હતા: એક રાજકુમાર અને ગરીબ. ત્યાર પછી આ ફોર્મેટ અનેક ફિલ્મોમાં ડબલ રોલ માટે વાપરવામાં આવ્યું હતું.

૧૯૪૮માં રિલીઝ થયેલ નિશાન ફિલ્મમાં જન્મ સમયે અલગ થયેલા જોડિયા ભાઈઓની વાર્તા પહેલી વાર વપરાઈ. ત્યાર પછી વર્ષો સુધી, આ હિન્દી ફિલ્મ નિર્માતાઓની પ્રિય ફોર્મ્યુલા બની રહી. સૌથી પ્રસિદ્ધ ફિલ્મોમાં વો કૌન થી માં સાધના, રામ ઔર શ્યામ માં દિલીપ કુમાર, સીતા ઔર ગીતા માં હેમા માલિની, કિશન ક્ધહૈયા માં અનિલ કપૂર, આંખે માં ગોવિંદા અને “જુડવામાં સલમાન ખાનનો સમાવેશ થાય છે. ડબલ રોલની જેમ, પુનર્જન્મ પણ ભારતીય સિનેમામાં ડબલ રોલ માટે એક લોકપ્રિય થીમ રહી છે. બિમલ રોયની ૧૯૫૮ની ક્લાસિક “મધુમતીમાં દિલીપ કુમાર અને વૈજયંતિમાલાની જોડીએ પ્રેમીઓની ભૂમિકા ભજવી હતી, જેમની અધૂરી પ્રેમકહાની બીજા જીવનકાળમાં પૂર્ણ થાય છે.

શક્તિ સામંતની ૧૯૬૨ની ફિલ્મ “ચાઇનાટાઉન, માં ડબલ રોલમાં વધુ એક વળાંક રજૂ કર્યો – અસંબંધિત પણ સમાન દેખાવના બે લોકો, જેમાંથી એક અપરાધિક ગતિવિધિમાં હોય. આ યુક્તિનો ઉપયોગ કરતી સૌથી લોકપ્રિય ફિલ્મ અમિતાભ બચ્ચનની “ડોન રહી છે. ૯૦ ના દાયકામાં, “બોલ રાધા બોલ” માં ઋષિ કપૂર અને “ડુપ્લિકેટ માં એસઆરકે પણ સમાન ટ્રેકને અનુસરતા હતા. ૯૦ ના દાયકાની કલ્ટ કોમેડી અંદાઝ અપના અપનામાં ડબલ રોલ શૈલીમાં એક નવો વળાંક ઉમેરાયો હતો.

આ ફિલ્મમાં હીરોને બદલે વિલનનો જોડિયો ભાઈ હતો. કિશોર કુમાર અભિનીત દો દૂની ચાર (૧૯૬૮) અને સંજીવ કુમાર અભિનીત અંગૂર (૧૯૮૨)માં જોડીયાઓની બે જોડીઓ અજમાવવામાં આવી હતી. આ બંને ફિલ્મોના મૂળ શેકસપિયરની ‘કોમેડી ઓફ એરર્સ’માં હતા. આમ દર્શકોના મનોરંજન માટે ડબલ રોલમાં વૈવિધ્ય ઉમેરાતું ગયું અને આપણને કેટલીક સુંદર ફિલ્મો જોવા મળી.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો