મેટિની

‘મેરે પાસ મા હૈ’ સિનેમા તથા માનો અતૂટ સંબંધ

વિશેષ -રાજેશ યાજ્ઞિક

ભારતીય ફિલ્મો જેમ ગીતો વિના અધૂરી ગણાય છે, તેમ તેની લાગણીશીલતા વિના પણ તેની કલ્પના કરી ન શકાય. ફિલ્મોમાં દાયકાઓથી જેમ હીરો, હિરોઈન અને વિલન હોય તેમ એક અન્ય મહત્ત્વનું પાત્ર પણ જોવા મળે જ છે, અને તે છે માનું પાત્ર. સિનેમા શબ્દમાં જ મા શબ્દ સમાયેલો છે. ફિલ્મોમાં માનું પાત્ર ઘણું મહત્ત્વનું રહ્યું છે, સાથે સાથે મા ને સશક્ત ભૂમિકામાં બતાવતી ફિલ્મો પણ અસંખ્ય બની છે. માની મમતા દર્શાવનાર ગીતો ફિલ્મોમાં દર્શકોના હૃદયના તાર ઝણઝણાવી દે છે.

હિન્દી ફિલ્મોમાં માના અલગ અલગ રૂપ જોવા મળ્યા છે. જુના જમાનામાં સંઘર્ષ કરીને પોતાનાઁ બાળકોને મોટા કરતી ‘ગરીબ’, ‘બિચારી’ માની છબી કદાચ એ વખતના સામાજિક પરિપેક્ષમાં બંધબેસતી હતી અને સાધારણ લોકો તેમાં પોતાના સંઘર્ષની છબી જોતા હતા. તો આજના સમયમાં ફિલ્મોમાં મા પણ આધુનિક બની ગઈ છે. પણ એ બધા વચ્ચે તેમાં મા- દીકરા કે મા- દીકરી વચ્ચેના સંબંધનું જે તત્ત્વ છે તે અકબંધ રહ્યું છે. કેમકે તેના વિના દર્શકોને લાગણીના તંતુથી કેવી રીતે જોડી શકાય? ફિલ્મોમાં પોતાના સંતાનો માટે આખી દુનિયા સાથે લડનારી માતાઓની કહાણી દર્શકોને ખૂબ પસંદ આવે છે તે મહેબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’ ફિલ્મે સાબિત કર્યું. તે વખતે માતાની ભૂમિકા ભજવવા જેટલી ઉંમરના ન હોવા છતાં નરગીસે આ જોખમ ઉઠાવ્યું અને એ જોખમ એમના જીવનનો માઈલસ્ટોન સાબિત થયો! આ ફિલ્મમાં માતાના પાત્રમાં નરગિસના અભિનયની એવી છાપ પડી કે નરગિસનું નામ પડે એટલે ‘મધર ઇન્ડિયા’ યાદ આવે જ. ખોટે રસ્તે ચડેલા દીકરાને પોતાના હાથે ગોળી મારી દેનાર માતાની સાવ અનોખી વાત દર્શકોમાં માનસપટલ પર કાયમ માટે અંકિત થઇ ગઈ.

એવી જ રીતે સિનેમાની માની વાત આવે ત્યારે પહેલા કઈ અભિનેત્રીનું નામ યાદ આવે? નિરૂપા રોયનું! નિરૂપા રોય વિના સિનેમાની માની વાત અધૂરી ગણાય. નિરુપા રોય ૭૦ અને ૮૦ ના દાયકામાં લગભગ દર બીજી ફિલ્મમાં માતા તરીકે જોવા મળતાં હતાં. આ પ્રતિભાવાન અભિનેત્રીની માતા તરીકેની છબી બલિદાન આપનાર માતાનો ચહેરો બની હતી જેણે જુલમ સહન કર્યો છે અને તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય તેનાં બાળકોનું સુખ છે. હિન્દી ફિલ્મોના ઇતિહાસની સૌથી લોકપ્રિય મા એટલે નિરૂપા રોય. દેવ આનંદથી લઈને ધર્મેન્દ્ર સુધીના અભિનેતાઓની માતા બનનાર નિરૂપ રોય સિવાય અત્યંત સુંદર દેખાતાં હતાં. મજાની વાત એ છે કે પોતાના કરતા મોટી ઉંમરના અભિએંતાઓની માતાની ભૂમિકા પણ તેમણે નિભાવી છે. નિરૂપા રોયે ૧૯૫૫માં દેવ આનંદની માતાની ભૂમિકા ભજવી હતી. જો કે, તે તેના કરતા લગભગ ૮ વર્ષ નાના હતા. પણ તેમની સૌથી સશક્ત ઓળખાણ તો અમિતાભ બચ્ચનની માતા તરીકે બની. ‘દીવાર’ સિવાય ‘અમર અકબર એન્થની’, ‘સુહાગ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ખૂન પસીના’, ‘ઇન્કલાબ’, ‘ગિરફ્તાર’, ‘મર્દ’, ‘ગંગા જમુના સરસ્વતી’ જેવી બીજી ઘણી ફિલ્મો છે. ફિલ્મોમાં તેઓ ‘મા’ની ભૂમિકા પ્રાણ પુરી દેતા હતા.

બીજા એક સશક્ત ગુજરાતી અભિનેત્રી પણ હિન્દી ફિલ્મોમાં મા તરીકે છવાઈ ગયાં હતાં. તેમણે ફિલ્મોમાં માનો એક નવો ચહેરો રજૂ કર્યો હતો, એ હતો પ્રેમાળ, હસમુખી છતાં કડક માતાનો. એ માતા, જે ગરીબડી, બિચારી નહોતી દેખાતી, છતાં દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ બની હતી. આ માતા, એટલે દીના પાઠકને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રેમાળ માતા કહી શકાય. અપને તેમણે ૭૦ અને ૮૦ના દાયકાના મોટાભાગના હળવા કોમેડી ફેમિલી ડ્રામાઓમાં પ્રેમાળ માતાની ભૂમિકા ભજવતા જોયા છે. તેણે ઘણી ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે. ‘કોશિશ’, ‘આપ કી કસમ’, ‘કિતાબ’, ‘દો લડકે દોનો કડકે’, ‘બ્યુટીફુલ’, ‘થોડી સી બેવફાઈ’, ‘વિજેતા’, ‘વો સાત દિન’, ‘રક્ત બંધન’, ‘જૂઠી’, ‘ફૂલ’, ‘ઈના મીના ડીકા’, ‘સબસે બડા ખિલાડી’, ‘મેરે સપનો કી રાની’, ‘દેવદાસ’ વગેરે જેવી ફિલ્મોમાં માતા અથવા દાદીની ભૂમિકા ભજવી છે. તે કડક પરંતુ પ્રેમાળ માતાના પાત્રમાં છવાઈ ગયા હતા.

માતાની વાત આવે એટલે પેલો ‘મેરે કરન-અર્જુન આયેંગે’ ડાયલોગ યાદ આવ્યા વિના ન રહે. અને આ ડાયલોગને અમર કરનાર રાખી પણ પોતાના જમાનાની સુંદર અભિનેત્રી હતા. ‘કરન-અર્જુન’મા તેને બદલો લેનારી અને આશાવાદી માતા તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ફિલ્મ ‘રામ લખન’માં આપણે આશાવાદી માતા પણ જોઈ, જેને ખાતરી છે કે તેનાં બાળકો તેમના દુશ્મનો પાસેથી ચોક્કસ બદલો લેશે. આ સિવાય તેમણે ’શક્તિ’, ‘જીવન એક સંઘર્ષ’, ‘ખલનાયક’, ‘અનાડી’, ‘બાઝીગર’, ‘સોલ્જર’, ‘એક રિશ્તા’ જેવી ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી હતી.

આ સિવાય અભિનેત્રીઓ નૂતન, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હીરા મંડી’થી ફિલ્મોમાં કમબેક કરનાર ફરીદા જલાલ, કામિની કૌશલ, સુલોચના, દુર્ગા ખોટે જેવી અભિનેત્રીઓએ માતા તરીકે ફિલ્મોમાં દર્શકો ઉપર પ્રભાવ પાડ્યો છે. હા, આધુનિક સમયમાં માતાના પાત્રને નવા અંદાજમાં રજૂ કરનાર રીમા લાગુને પણ કેમ ભુલાય? સંજય લીલા ભણસાલીના દેવદાસની માતા કિરણ ખેરની ભૂમિકા પણ દમદાર હતી, તો ફિલ્મ ‘બેટા’મા અરુણા ઈરાનીની સાવકી માતાની ભૂમિકા પણ માઈલસ્ટોન સાબિત થઇ હતી. એ હદે કે દર્શકો ફિલ્મની હિરોઈનના અભિનય સામે તેમના અભિનયને સરખાવતાં હતા. એ વાત સાથે ઇન્કાર ન કરી શકાય કે જૂની ફિલ્મો હોય કે નવી ફિલ્મો, માતાની ભૂમિકા અતિ મહત્ત્વની રહી છે. કારણકે દર્શકોના હૃદયના તાર ઝણઝણાવવા હોય તો માતાનું પાત્ર અતિ મહત્ત્વનું બની જાય છે. જ્યાં સુધી હિન્દી સિનેમા રહેશે ત્યાં સુધી સિનેમાની મા પણ અમર રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button