મેધના ગુલઝાર : સંઘર્ષથી સફળતા સુધી
માતા-પિતા જ્યારે પોતાના ક્ષેત્રમાં સારી નામના કમાયા હોય ત્યારે સંતાનો પાસેથી પણ અપેક્ષા રાખવામાં આવે કે તેઓ પણ સારું કામ જ કરી બતાવે અને તે પણ ત્યારે જ્યારે સંતાન પણ એ જ ક્ષેત્રમાં હોય. પણ આજની સેલિબ્રિટી સાથે કંઈક અલગ થયું. પોતપોતાના ક્ષેત્રમાં હોનહાર માતા-પિતાની આ દીકરી પહેલી જ પરીક્ષામાં નાપાસ થઈ અને નાસીપાસ પણ. જોકે તેણે ૧૨ વર્ષ પછી એવી ધમાકેદાર વાપસી કરી કે સાબિત થઈ ગયું કે મોરના ઈંડા ચિતરવા ન પડે. ભારતીય ફિલ્મઉદ્યોગમાં નિર્દેશન, લેખન, નિર્માણ વગેરે ક્ષેત્રમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે. બહુ ગણ્યાગાંઠ્યા નામ છે જે તમે નિર્દેશન ક્ષેત્રમાં લઈ શકો. આમાંનું એક ખૂબ જ જામીતું નામ એટલે મેઘના ગુલઝાર.
૧૩મી ડિસેમ્બરે તેનો જન્મદિવસ ઉજવાયો પિતા ગુલઝાર અને એટલી જ પ્રતિભાશાળી અભિનેત્રી માતા રાખીની દીકરી મેઘનાએ સંઘર્ષ અને સફળતા બન્ને અનુભવ્યા છે. મેઘનાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેના જન્મ પછી ગુલઝાર અને પત્ની રાખી અલગ થઈ ગયા. આ પછી મેઘનાએ તેના પિતાનો સાથ ન છોડ્યો અને તેણે મુંબઈમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો. સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેણે તેના પિતાની જેમ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું.
તેના પિતાની ફિલ્મો માચીસ અને હુતુતુમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. આ પછી મેઘનાએ ૨૦૦૨માં તબ્બુ અને સુષ્મિતા સેન અભિનીત ફિલ્મ ‘ફિલહાલ’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. મેઘના નિરાશ થઈ અને ફિલ્મોથી થોડા સમય માટે દૂર થઈ. તે બાદ બારેક વર્ષ બાદ દિલ્હીના આયુષી કાંડ પરથી ફિલ્મ તલવાર બનાવી જેણે ખૂબ જ ચાહના મેળવી ને પૈસા પણ. તે બાદ આવી રાઝી. આલિયાની આ ફિલ્મએ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી. એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી પર તેણે દિપીકા પદુકોણને લઈ છપાક બનાવી જેને જોઈએ તેટલો પ્રતિસાદ ન મળ્યો અને હવે સૈમ બહાદુર ફિલ્મ લઈને આવી છે, જેને પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે તેની તમામ ફિલ્મો વિવિચકોએ ખૂબ જ વખાણી છે. ચીલાચાલુ ફિલ્મો ન બનાવતા અલગ જ અંદાજમાં કામ કરતી મેઘના ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતું નામ છે.
મેઘનાને તેના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છા.