લગ્ન – માતૃત્વથી પડદો નથી પડી જતો
કરિના કપૂર- દીપિકા પાદુકોણ- આલિયા ભટ્ટ- યામી ગૌતમને અંગત જીવનમાં મા બન્યા પછી હીરોઈન તરીકે સાઈન નહીં કરવામાં આવે એ ભય નથી સતાવતો.
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
વાત છે ૧૯૯૫ની. ત્રીસેક વર્ષ પહેલાની. ‘સલ્તનત’માં નાનકડા રોલથી શરૂઆત કર્યા બાદ ‘કયામત સે કયામત તક’, ‘બોલ રાધા બોલ’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘આઈના’, ’હમ હૈ રાહી પ્યાર કે’ વગેરે ફિલ્મોથી જુહી ચાવલા નંબર વન હીરોઈન બની ગઈ હતી. દર્શકોના દિલમાં રાજ કરવા લાગી હોવાથી સ્વાભાવિક રીતે ફિલ્મમેકરોમાં પણ એને સાઈન કરવાની તાલાવેલી જોવા મળી રહી હતી. રાજકુમાર સંતોષીની ‘અંદાઝ અપના અપના’ રિલીઝ થઈ હતી અને જુહી ઉદ્યોગપતિ જય મહેતા સાથે પરણી ગઈ. લગ્ન જો જાહેર થશે તો ફિલ્મી કરિયરનો વીંટો વળી જશે એ શંકા – ભયને કારણે જુહીએ લગ્નની વાત છુપાવી રાખી. પરણેલી અભિનેત્રીને દર્શકો હિરોઈન તરીકે જોવી પસંદ ન કરે અને એટલે ફિલ્મમેકરો પણ મોઢું ફેરવી લે એ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વણલખ્યો નિયમ અનેક વાર જોવા મળ્યો છે.
હવે વાત કરીએ ૨૦૨૪ની. આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, અનુષ્કા શર્મા, યામી ગૌતમ
માત્ર પરણી નથી ગઈ, પણ એમના ઘરે પારણું ઝુલે છે (દીપિકા સપ્ટેમ્બરમાં માતૃત્વ ધારણ કરશે) અને તેમ
છતાં ફિલ્મમેકરોએ મોઢું નથી ફેરવી લીધું. ૧૨ વર્ષ
પહેલા ‘ચશ્મે બદ્દદુર’ ફિલ્મથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરનાર તાપસી પન્નુ અને અદિતિ રાવ હૈદરીએ પણ લગ્ન કરી લીધા હોવાની જાહેરાત કરી દીધી છે. તાપસીની ત્રણ ફિલ્મ અત્યારે ફ્લોર પર છે અને
અન્ય ફિલ્મો માટે વાતચીત ચાલી રહી છે. ટૂંકમાં
પરણી ગયા એટલે પતી ગયા કે મા બન્યાં એટલે
પરવારી ગયા એવી પરિસ્થિતિ હવે નથી રહી. લગ્ન થયા પછી કે માતૃત્વ ધારણ કર્યા પછી લીડ રોલમાં તક નહીં
મળે એ ભય – આશંકામાંથી આજની હિરોઈનો મુક્ત થઈ ગઈ છે.
એકવીસમી સદીના ત્રીજા દાયકાના દર્શકોના દ્રષ્ટિકોણમાં આવેલા બદલાવનું આ પરિણામ છે. યશ ચોપડાની ‘દિવાર’નો અજરામર ડાયલોગ ‘મેરે પાસ માં હૈ’ શશી કપૂર બોલે છે એનો ભાવાર્થ ફિલ્મમાં જુદો હતો, પણ આજે હિન્દી ફિલ્મ મેકરો ‘મેરે પાસ માં હૈ’ બોલી રહ્યા છે એનું કારણ સાવ જુદું છે. અલબત્ત, એના પડઘા કેવા પડે છે અને એ કઈ હદે અનુકરણીય બને છે એ તો આવનારો સમય જ કહેશે.
ફિલ્મની અભિનેત્રી હવે રૂપાળી ગર્લફ્રેન્ડ, કહ્યાગરી પત્ની – પુત્રવધૂ જેવી બીબાંઢાળ વ્યાખ્યામાંથી સદંતર બહાર આવી ગઈ છે અને એટલે જ અંગત જીવનમાં એના સ્ટેટસ સાથે દર્શકોને અને એને પગલે ફિલ્મમેકરને ઝાઝી નિસ્બત નથી રહી. વાત તો એ હદે આગળ વધી છે કે દીપિકા પાદુકોણ અંગત જીવનમાં મા બન્યા પહેલાં ત્રણ ફિલ્મમાં માતાનો રોલ કરવાનું સાહસ કરી શકે છે. એને ખબર છે કે આવો પ્રયોગ કર્યા પછી ફિલ્મમેકરો એને માના રોલમાં સાઈન કરવા દોડ્યા નહીં આવે. એક્ટિંગની આવડત અનુસાર એને રોલ ઓફર કરવામાં આવશે, નહીં કે એના લગ્ન થઈ ગયાં છે કે એ માતા બની ગઈ છે એ અનુસાર કામ મળશે. દીપિકાએ તો માતાના રોલની અનોખી હેટ ટ્રીક કરી છે. સૌપ્રથમ ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન – શિવા’ (૨૦૨૨)માં રણબીર કપૂરની માના રોલમાં ચમકી. ‘બચના અય હસીનો’, ‘યે જવાની હૈ દીવાની’, ‘તમાશા’માં રણબીર સાથે રોમેન્ટિક હીરોઈનનો રોલ કરનારી દીપિકાને રણબીરની માતાના રોલમાં જોઈ દર્શકો ચોંકી ન ગયા. ગયા વર્ષે ‘જવાન’માં શાહરૂખ ખાનની માતુશ્રી બની અને લેટેસ્ટ સમાચાર એ છે કે બહુ ગાજી રહેલી ’કલ્કિ ૨૮૯૮ એડી’માં વિષ્ણુના દસમા અવતાર કલ્કિના માતા તરીકે દીપિકા રૂપેરી પડદા પર જોવા મળશે.
જોગાનુજોગ, રણવીર સિંહ સાથે ૨૦૧૮માં લગ્ન કરનારી દીપિકા ટૂંક સમયમાં પહેલા સંતાનને જન્મ આપવાની છે. આ પરિસ્થિતિમાં પણ દીપિકા મેટરનિટી લીવ પછી ફરી એક વાર લીડ રોલ કરવા થનગની રહી છે અને કેટલાક ફિલ્મમેકર એની રાહ જોવા પણ
તૈયાર છે.
બીજું દમદાર ઉદાહરણ છે આલિયા ભટ્ટનું. ૨૦૨૨ના એપ્રિલમાં લગ્ન અને એ જ વર્ષે નવેમ્બરમાં માતૃત્વ ધારણ કર્યા પછી અભિનેત્રીની ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ રિલીઝ થઈ અને હિટ પણ થઈ. ૧૨ વર્ષ પહેલાની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની હિરોઈન બની ગઈ છે. લગ્ન અને પુત્રી જન્મ કારકિર્દીમાં ક્યાંય અવરોધ નહીં બને એની ખાતરી – વિશ્ર્વાસ છે એને. એની આગામી ફિલ્મોમાં ’જિગરા’ (પોતે જ નિર્માત્રી છે) ઉપરાંત સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’, ‘બ્રહ્માસ્ત્ર ૨’ અને યશરાજ ફિલ્મ્સની સ્પાય ફિલ્મોનો સમાવેશ છે. પ્રિયંકા ચોપડા તો હવે હોલીવૂડમાં વસવાટ કરે છે, પણ ભારતની ભૂમિ પર પગ મૂકતાંની સાથે એની સાથે કામ કરવાની સંભાવના ફિલ્મમેકર ગોતતા હોય છે. ફરહાન અખ્તરની ફિલ્મ અટવાઈ ગઈ છે, પણ બંને પક્ષ રાજી છે એ હકીકત છે. અનુષ્કા શર્મા તો હવે બે સંતાનની માતા બની છે અને આજકાલ સ્ટુડિયો કરતાં વધુ સ્ટેડિયમમાં નજરે પડે છે. એણે સ્વૈચ્છિક સંન્યાસ લીધો હોવાની ચર્ચા છે. જો એ તૈયારી દેખાડે તો નિર્માતા એને સાઈન કરવા વિચારે તો જરૂર. ટીવી સિરિયલોમાં કામ કરી સુજીત સરકારની ‘વિકી ડોનર’થી હિરોઈન બનેલી યામી ગૌતમે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ‘બદલાપુર’, ‘સરકાર ૩’ વગેરે ફિલ્મોમાં સાઈડ રોલ કર્યા પછી ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’થી યામી પ્રથમ હરોળમાં આવી ગઈ. ‘ઉરી…’ના દિગ્દર્શક આદિત્ય ધર સાથે સાત ફેરા ફરનારી યામીની છેલ્લી ત્રણ ફિલ્મ ‘ચોર નિકલ કે ભાગા’, ‘ઓએમજી ૨’ અને ‘આર્ટિકલ ૩૭૦’ની સફળતા કરિયર માટે આવકારદાયક રહી છે. તાજેતરમાં પુત્ર જન્મ પછી યામી થોડો સમય ફિલ્મોથી દૂર રહેશે, પણ હવે ફિલ્મો નહીં મળે એવું ટેન્શન નહીં અનુભવતી હોય.
-અને હાં , આ બધા વચ્ચે કરિનાને કેમ ભૂલાય ?!