લેજન્ડ યાદ કરે છે પોતાના ફિલ્ડના લેજન્ડસને!

ફિલ્મનામા -નરેશ શાહ
કિશોર કુમાર, મન્ના ડે , મોહમ્મદ રફી , મુકેશ, જી. એમ. દુર્રાની , તલત મહેમુદ મોહમ્મદ રફી, મુકેશ, જી. એમ. દુર્રાની અને કિશોરકુમાર જેવા ગાયકો વિશે મન્ના ડેનું શું કહેવું હતું? ‘રાજકપૂર હંમેશ પોતાના સ્વર માટે મુકેશનો આગ્રહ રાખતાં તેમ મારો આગ્રહ રાખનારા ઈન્ડસ્ટ્રીઝમાં એક જ કલાકાર હતા: (કૉમેડિયન) મહેમુદ. એ દરેક નિર્માતા પાસે મારો જ આગ્રહ રાખતા અને એ જ અભિગમ પ્રમાણે જ્યારે ‘પડોસન’ ફિલ્મ માટે ‘એક ચતુર નાર’ ગીત મારે ગાવાનું આવ્યું. ત્યારે ખબર પડી કે મારો સાથી ગાયક કિશોરકુમાર છે તો મારી બોલતી બંધ થઈ ગઈ!’ શાસ્ત્રીય સંગીતની તાલીમ પામેલા મજબૂત ગાયક મન્ના ડે (જન્મ: 1 મે 1919- અવસાન: 24 ઓકટોબર, 2013) આવી વાત કરે ત્યારે ચોંકી જવાય… કારણ?
મન્ના ડેના શબ્દોમાં જ જવાબ સાંભળો:
‘કિશોરકુમારની ગાયકી એકદમ અનોખી હતી. તેમાં જરાય બનાવટીપણું વર્તાતું નહીં એટલે જ એની સાથે ગાનારા ગાયક કાયમ નુકસાનીમાં જ રહેતા. એમના લહેરાતા અવાજમાં (બીજા ગાયકનો સ્વર) નીચે દબાઈ જવાની સંભાવના હંમેશ વધુ રહેતી!’ એક તાલીમબધ્ધ અને પંડિત કક્ષાના (કવિતા કૃષ્ણમૂર્તિ એમની પાસે ગાયન શીખવા આવતાં) ગાયક મન્ના ડે વગર તાલીમે ગાયક બનેલા કિશોરકુમાર માટે આવા શબ્દો વાપરે એ ખરેખર તો પ્રશંસા જ ગણાય. જોકે, કિશોરકુમારની વાત કરતાં પહેલાં તમારું ધ્યાન દોરવું છે કે મન્ના ડે મુંબઈની હિન્દી ફિલ્મોમાં ગીતો ગાવા માટે આવ્યા ત્યારે એના પ્રતિસ્પર્ધકો મહોમ્મદ રફી, તલત મહેમુદ, જી. એમ. દુર્રાની અને મુકેશ જ હતા. શોખિયાં ગાયન કરતાં અને એટલે જ મોટાભાઈ (અશોકકુમાર) જેના અવાજને ‘કાનસુરો’ કહેતાં એ કિશોરકુમારને એ જમાનામાં ખાસ કોઈ સિરિયસલી લેતું નહોતું. મન્ના ડેએ પણ એટલે પોતાના હેલ્ધી પ્રતિસ્પર્ધકો તરીકે ગણાવેલા વસંતની ગાયકીનું સરસ વિશ્ર્લેષણ પોતાની આત્મકથામાં કર્યું છે.
એમના મતે, મોહમ્મદ રફીના અવાજમાં વસંતની ખુશબૂ રહેતી. વસંતની વિવિધરંગી છટાઓની જેમ રફીનો અવાજ આકર્ષક લાગતો હતો. મોહમ્મદ રફી સાથે મન્ના ડેએ અનેક ગીતો ગાયાં છે તો તલત મહેમુદ માટેનું એમનું ઓબ્ઝર્વેશન ચોંકાવનારું છે: તલત મહેમુદમાં એક પ્રકારના વિકાર જેવું કશુંક હતું યા એમનામાં લગનનો અભાવ વરતાતો હતો. એમણે કસમયે જ પોતાના ગાવાના વ્યવસાયને તિલાંજલી આપી દીધી, જેનું સાચું કારણ આજ સુધી રહસ્યમય જ રહ્યું છે. રહેમાન અને અરિજીત સિંહની પેઢીએ કદાચ, નામ પણ ન સાંભળ્યું હોય એવા ગાયક જી. એમ. દુર્રાની વિશે મન્ના ડે કહે છે કે, દુર્રાનીજીના અવાજમાં મીઠાશ હતી, પણ ઠહરાવનો અભાવ હતો. કદાચ એટલે જ એ ગાયક તરીકે લાંબુ ટકી શક્યા નહોતા તો મુકેશ?
વેલ, મુકેશજી સાક્ષાત્ શાલિનતા અને શાંતિમયતા (મન્ના દા એ આ શબ્દ જ વાપર્યો છે!) ના અવતાર હતા. માનવતાની દૃષ્ટિએ એમનાથી ઉમદા કોઈ હોઈ જ ન શકે, પણ એમના (મુકેશજી) વિષે એવું સંભળાતું કે, એમની પાસે ગીત તૈયાર કરાવતી વખતે સંગીતકારોને પોતાની ખીજ, ગુસ્સો છુપાવવા માટે ઘણી મહેનત કરવી પડતી હતી…. એકવાર ગીત પર તેમની પકડ આવી જાય પછી મુકેશજીના ગાયનમાંથી નાનો અમથોય દોષ શોધવો અઘરો બની જતો.
એક લેજન્ડ પોતાના સમકાલીનની વાત કરે ત્યારે ધ્યાનથી સાંભળવા ઉપરાંત સમજવાનો પ્રયાસ પણ ચાહક-ભાવક તરીકે કરવો જોઈએ. મન્ના ડેએ જરૂરી લાગે ત્યાં સાચો અને યોગ્ય લાગે ત્યારે પ્રશંસા કરવામાં પણ કંજૂસાઈ કરી નથી, જે આત્મકથામાં ડગલે ને પગલે વ્યક્ત થાય છે. એમણે લખ્યું છે કે, અમારામાંના દરેક કોઈ ને કોઈ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ હતા. પ્રણય ગીતમાં તલત મહેમુદ સૌથી સારા હતા તો દર્દભર્યાં ગીત ગાવામાં મુકેશની તોલે ભાગ્યે જ કોઈ આવી શકે તેમ હતું. મોહમ્મદ રફી ખુશીભર્યાં, ઉમંગભર્યાં ગીતોમાં અવ્વલ હતા. – અને ફરી વાત એવરગ્રીન ગાયક કિશોરકુમારની.
મહત્ત્વની વાત એ પણ છે કે હિન્દી ગીતો ગાનારા તમામ ગાયકો કરતાં મન્ના ડેની બાયોગ્રાફીમાં કિશોરકુમાર (કિશોરદા) વિશે વધુ લખાયું છે. મન્ના ડે શબ્દો ચોર્યા વગર લખે છે કે, ‘કિશોર (કુમાર) ખરેખર તો ફિલ્મ સંગીતનો એક ચમત્કાર હતા. શાસ્ત્રીય સંગીતના નિયમોની જરા પણ પરવાહ કર્યા વગર મન થાય એ રીતે જ ગાતા. એમનામાં જનસમૂહને આકર્ષિત કરવાની (ગજબનાક) શક્તિ હતી!’ મન્ના ડે એક પ્રસંગ ટાંકે છે. 1974માં ‘અમીર ગરીબ’ (દેવ આનંદ, હેમા માલિની, પ્રેમનાથ) નામની એક ફિલ્મ આવેલી, તેમાં એક ગીત હતું: ‘તું મેરે પ્યાલે મેં શરાબ ડાલ દે, ફિર દેખ તમાશા’. ફિલ્મમાં હેલેનનો કેબરે ડાન્સ ચાલતો હોય છે એ દરમિયાન આ ગીત દેવ આનંદ અને પ્રેમનાથ ગાતાં હોય એવી સિચ્યુએશન છે. નેચરલી, દેવ આનંદ માટે કિશોરકુમાર ગાવાના હતા અને પ્રેમનાથ માટેનો સ્વર આપવાના હતા મન્ના ડે.
રેકોર્ડિંગ સમયે મન્ના ડેએ ગીતને યોગ્ય રાગ અને આરોહઅવરોહ સાથે ગાઈને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલને સંભળાવ્યું. બધું બરાબર હતું એટલે રેકોર્ડિંગ થયું, પણ કિશોરકુમારે આખું ગીત પોતાની રીતે (રાગ-રાગિણી, આરોહ અવરોહ, આલાપની ઐસી કી તૈસી કરીને) ગાયું, જે સ્વાભાવિક જ હતું કે સંગીતકારોને યોગ્ય ન લાગ્યું. એમણે કિશોકકુમારને એ ગીત (મન્ના ડેની જેમ) ગાવાનું કહ્યું. સાંભળીને કિશોરદાની છટકી ગઈ. એણે લક્ષ્મીકાંત (પ્યારેલાલ)ને સંભળાવી દીધું કે, તમને મારા ગીતથી સંતોષ ન હોય તો હું આ ચાલ્યો… અને જો મારી પાસે જ ગવડાવવું હોય તો હું એને મારી સ્ટાઈલથી જ ગાઈશ!’
સંગીતકારો પાસે છૂટકો જ નહોતો. કિશોરદાએ એ ગીત પોતાની રીતે જ ગાયું (યુ ટયુબ પર જોજો) પણ ફિલ્મમાં એ ગીત જોયા પછી મન્ના ડે ને લાગ્યું કે, કિશોરની ગાયકીને કારણે મારી શાસ્ત્રીય ગાયકીની બારીકાઈ એકદમ જ ઢંકાઈ ગઈ હતી!