‘મહલ’-‘આશિકી ૨’ને પણ ટકાવારીમાં ટંકશાળ
૭૫ વર્ષ પહેલા રિલીઝ થયેલી અશોક કુમાર – મધુબાલાની અને ૧૦ વર્ષ પહેલા આવેલી આદિત્ય રોય કપૂર – શ્રદ્ધા કપૂરની ફિલ્મો સુધ્ધાં ફાંકડું વળતર આપવામાં સફળ રહી હતી
હેન્રી શાસ્ત્રી
બે સપ્તાહ પહેલા ‘મુંબઈ સમાચાર’માં ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન અને રોકાણ સામે મળેલા વળતર અંગે લેખ પ્રસિદ્ધ થયા પછી જાગૃત વાચકો અને ફિલ્મ ઈતિહાસના ઊંડા અભ્યાસુઓએ બજેટ સામે અદ્ભુત ટકાવારી આપનારી બે ફિલ્મના ઉદાહરણનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ એમ ભારપૂર્વક જણાવ્યું છે. એક ફિલ્મ છે ૭૫ વર્ષ પહેલા રિલીઝ થયેલી બોમ્બે ટોકિઝ નિર્મિત અને કમાલ અમરોહી દિગ્દર્શિત ‘મહલ’ અને બીજી છે ૧૦ વર્ષ પહેલા આવેલી મુકેશ ભટ્ટ – ભૂષણ કુમાર નિર્મિત અને મોહિત સૂરી દિગ્દર્શિત ‘આશિકી ૨’. પહેલી નજરે આ બંને ફિલ્મનો બોક્સ ઓફિસ વકરો જોઈએ તો વાત બહુ સાધારણ લાગે, પણ રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ (કેટલા ટકા છૂટ્યા)ના દ્રષ્ટિકોણથી તપાસીએ તો આંખો પહોળી થઈ જાય એવી વાત છે. મીરા નાયરની ’મોન્સૂન વેડિંગ’ની હરોળમાં બેસી શકે એવી વાત બને છે. બંને ઉદાહરણ વારાફરતી તપાસી જોતા મુદ્દો સ્પષ્ટ થઈ જશે.
મહલ: નિર્માણ કંપની – બોમ્બે ટોકીઝ, નિર્માતા – અશોક કુમાર અને સેવક વાચ્છા, કથા, પટકથા, દિગ્દર્શન – કમાલ અમરોહી, મુખ્ય કલાકાર – અશોક કુમાર અને મધુબાલા. પુનર્જન્મ અને ભૂતપ્રેતની થીમને સાંકળતી આ ફિલ્મને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રથમ હોરર ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. દાદામોની અશોક કુમારે અંગત અનુભવના વર્ણવેલા એક કિસ્સામાં થોડો બદલાવ લાવી કમાલ અમરોહીએ કથા અને પટકથા લખી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું એ પહેલા હિરોઈન નક્કી કરતા નાકે દમ આવી ગયો હતો. એ સમયની અત્યંત અનોખી એવી વાર્તાવાળી ફિલ્મમાં કામ કરવા કેટલીક પ્રતિષ્ઠિત અભિનેત્રીઓએ કામ કરવાની ના પાડી દીધી. ત્યારબાદ નિર્માતા મિસ્ટર વાચ્છા સુરૈયાને સમજાવવામાં સફળ રહ્યા, પણ અભિનેત્રીના દાદીને વાર્તા ખટકી અને એટલે સુરૈયાના નામ પર ચોકડી મારવી પડી. બાળ કલાકાર તરીકે કેટલીક ફિલ્મો કરનાર અને ૧૪ વર્ષની ઉંમરે રાજ કપૂરની હિરોઈન બનેલી મધુબાલાએ ‘મહલ’માં કામ કરવાની તત્પરતા દેખાડી. જોકે, મિસ્ટર વાચ્છા ૧૫ વર્ષની મધુબાલા માટે ઉત્સુક નહોતા. અંતે કમાલ અમરોહીના આગ્રહથી મધુબાલાની પસંદગી થઈ. આ ફિલ્મ આજે વિશેષ સ્મરણમાં છે એનું મુખ્ય કારણ છે લતા મંગેશકરના ગીત ‘આયેગા આનેવાલા’ ગીતની અફાટ લોકપ્રિયતા. જાણવા જેવી વાત એ છે કે ‘આયેગા…’ ગીત ટુનટુન (ઉમા દેવી) ગાવાના હતાં, પણ અન્ય કંપની સાથેના કોન્ટ્રેક્ટને કારણે એ શક્ય ન બન્યું અને લતાજીએ ગીત ગાયું જે તેમની કારકિર્દીને સડસડાટ દોડતી કરવામાં નિમિત્ત બન્યું. ૧૩ ઓક્ટોબર ૧૯૪૯ના દિવસે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કોઈએ એને વખાણી તો કોઈએ વખોડી, પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. મધુબાલા અને લતાદીદીને સ્ટારડમ આવનાર આ ફિલ્મ નવ લાખ રૂપિયાના બજેટમાં બની હતી અને ફિલ્મ ૧.૪૫ કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. બોમ્બે ટોકીઝને આર્થિક ભીંસમાંથી બહાર કાઢનાર આ ફિલ્મનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ હતું અધધ ૧૫૧૧ ટકા. ઓહ માય ગોડ તમે બોલી ઉઠશો. વેપારની ગણતરી હેરત પમાડનારી હોય છે.
આશિકી ૨: નવા નક્કોર હીરો – હિરોઈન (રાહુલ રોય, અનુ અગ્રવાલ) અને ૧૧ ગીતો વચ્ચે બેસાડવામાં આવેલી કથા પરથી ટી સિરીઝ માટે મહેશ ભટ્ટ દિગ્દર્શિત ’આશિકી’ (૧૯૯૦)ની સિક્વલ ‘આશિકી ૨’માં પણ એ સમયે ઓછા જાણીતા કલાકાર આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર હીરો – હિરોઈન હતા. મહેશ ભટ્ટ ફિલ્મ ડિરેક્ટ નહીં કરે એ નક્કી થયા પછી બે – ત્રણ નામના વિચાર બાદ હિટ ફિલ્મ બનાવનાર ‘મર્ડર ૨’ના દિગ્દર્શક મોહિત સૂરીનું નામ નક્કી થયું. જેમ ‘મહલ’ના ગીતથી લતાદીદીની લોકપ્રિયતામાં ભરતી આવી હતી એ જ રીતે એ સમયે થોડા જાણીતા બનેલા અરિજિત સિંહને ‘ચૈન ભી મેરા દર્દ ભી, મેરી આશિકી અબ તુમ હી હો’ ગીતની અભૂતપૂર્વ સફળતાએ ‘મોસ્ટ વોન્ટેડ’ ગાયક બનાવી દીધો હતો. ગીત યુ ટ્યુબ પર રિલીઝ થયું એના ૧૦ જ દિવસમાં ૨૦ લાખ લોકોએ ગીત માણી લીધું હતું. આજે ૧૦ વર્ષ પછી અરિજિત એક અલગ ઊંચાઈ પર બિરાજમાન છે એમાં ‘આશિકી ૨’ના ગીતનું મહામૂલું યોગદાન છે એ વાત તો એ ખુદ પણ સ્વીકારશે. અરિજિતને આ ગીત માટે શ્રેષ્ઠ પાર્શ્ર્વગાયકનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મનું બજેટ ૧૫ કરોડનું હોવાની આધારભૂત માહિતી છે અને આ ફિલ્મ બધું મળી ૧૦૯.૪૦ કરોડનું કલેક્શન મેળવવામાં સફળ રહી હતી. વેપારી ગણતરીના હિસાબે ૬૨૯% વળતર. બીજી એક રસપ્રદ વાત. ૨૦૦૪થી ૨૦૧૩ના દસકની રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ (વળતરની ટકાવારી)ના હિસાબે નંબર વન ફિલ્મ છે ‘ભેજા ફ્રાય’ (૨૦૦૭). ફ્રેન્ચ કોમેડી ફિલ્મ પર આધારિત આ ફિલ્મનું બજેટ નિર્માતા ગૌરાંગ દોશીના કહેવા અનુસાર ૧.૧૮ કરોડ રૂપિયા હતું. કોઈ પણ નામી કલાકાર ન હોવા છતાં અનોખા વિષય અને કલાકારોના પ્રભાવી અભિનયને કારણે ‘ભેજા ફ્રાય’ ૧૨.૫૮ કરોડનું કલેક્શન મેળવવામાં સફળ રહી હતી.
ગણતરી માંડીએ તો ફિલ્મના રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટની ટકાવારી થાય છે ૭૪૦
ટકા. સાચે આંકડાઓની દુનિયા ગજબની
હોય છે જે જાણ્યા પછી ભલભલાને ચક્કર
આવી જાય.