હારીને પણ ન હારવું એ જ તો શરૂઆત છે જીતની !
અરવિંદ વેકરિયા
બધાએ વાંચનની શરૂઆત તો કરી પણ મને લાગતું હતું કે, ‘અરે ! આ તો બધું મોઢે જ છે’ એવા ભાવ દરેક કલાકારના મોઢા
ઉપર દેખાતા હતા. ફરી એ જ, ‘રીવાઈવલ’ –ની મારી ઇચ્છા નહોતી, પણ એવું જરૂરી નથી કે આપણે જે ઇચ્છીએ એ જ આપણને મળે, ક્યારેક એના કરતાં સારું પણ મળવાની શક્યતા બને, ક્યારેક એને સારું બનાવવું પડે.
મારે પણ તુષારભાઈની ઈચ્છાને સારામાં પરિવર્તિત કરવાની હતી. કદાચ મન મારીને પણ ! તકલીફો હંમેશાં નવો રસ્તો બનાવવા આવતી હોય છે, હારીને પણ ન હારવું, એ જ શરૂઆત છે જીતની, બસ ! મનને મારવા કરતાં આવું વિચારી મન મનાવતો હતો. રાજેન્દ્રને કોઈ ફરક નહોતો પડતો.
કિશોર દવેએ તો જાતજાતના સવાલો શરૂ કર્યા. નાટક ફરી રીવાઈવ જ કરવું હતું તો પહેલા બંધ કેમ કર્યું?’ આવી બોલ્ડનેસ
‘ઉમેરવાથી ખાતરી છે કે નાટક ચાલશે જ…પછી પાછું બંધ કરશો?’ ‘જે કથાવસ્તુ પહેલા ન ચાલી એમા ગલગલીયા’ ઉમેરવાથી
થોડી ચાલવાની દોસ્ત !’ આવા તો અનેક વિચિત્ર અને માંડમાંડ ‘રીવાઈવ’ કરવા તૈયાર થયેલાને આવા નકારાત્મક સવાલો કરી જાણે ‘મોરલ’ તોડતા ન હોય!
તુષારભાઈ હજુ પહોંચ્યા નહોતા. જો આવી ગયા હોત તો અમે પહેલા જે સમજાવટ માટે ‘સોફ્ટ’ ભાષામાં વાક્યો બોલેલા એ
હાર્ડ’ ભાષામાં બોલેલા કિશોર દવેનાં વાક્યો સાંભળત તો વિચારતા થઇ જાત. આગળ જણાવ્યું એમ શેઠનાં શેઠ તમે ન બની શકો.’ સંબંધ સાચવવા નાં નહીં કહી શકનાર અમે તૈયાર તો થઇ જ ગયેલા. વિચાર્યું કે જો નાટક ચાલ્યું તો નસીબ સાથે તુષારભાઈની જીત કહેવાશે., અને ન ચાલ્યું તો પૈસા એમના હતા અને એમની ઇચ્છા જ હતી કે હું પૈસા કમાવ કે ગુમાવું, મારે
મારા ગમતા વિષય ઉપર ‘રિસ્ક’ તો લેવું જ છે. કુમુદ બોલે અને રાજેશ મહેતાએ વાત હસતા-હસતા જ સ્વીકારી કે ‘ભલે ફરી પ્રયત્ન કરી જોવામાં શું વાંધો?’ સોહિલ વિરાણી માત્ર શ્રોતા બની સાંભળતો રહ્યો. પોતાની રીતે એણે પણ જવાબો અને દેખાતા
સંદેહ રજુ કર્યા. રાજેશ મહેતા એક્ટિંગ કરતાં પોતે આપેલા સંગીત અને એમાં થોડા ફેરફાર કરવાના સૂચનો કરતાં રહ્યાં.
રીડિંગ કરવા રજનીને સ્ક્રીપ્ટ આપી. પહેલા તો એ હિન્દીમાં લખાવવી પડી. એ કામ ભરત જોશી (ભ.જો.)એ કર્યું. નિર્માણ
નિયામક તો ધનવંત શાહ હતા જ. નેપથ્યની પૂરી જવાબદારી ભરત જોશીએ સંભાળી લીધી. ધનવંત શાહે નાળિયેર અને પેંડા મંગાવી રાખ્યા હતા. ‘ફરી’ મુહૂર્ત કરવા માટે ! રાહ તુષારભાઈની જોવાતી હતી. એમના સાસરે- માટુંગા ફોન કર્યો તો ખબર પડી કે એ તો રિહર્સલમાં આવવા ક્યારના નીકળી ગયા હતા.
કિશોર દવે તો કિશોર ભટ્ટ વિષે પણ વાત કાઢી. તું ભલે એ રોલ કરે, પણ ‘એથીક્સ’ પ્રમાણે તારે ભટિયાને પૂછવું તો જોઈએ. (કિશોર ભટ્ટને એ પ્રેમથી ‘ભટિયો’ કહીને બોલાવતા. બંને એવા જીગરજાન મિત્રો હતા.) મને તો સમજાતું નહોતું કે જ્યારે કોઈ
કલાકાર માતબર સંસ્થાના નાટકમાં ‘કમિટેડ’ હોય, પાછા બે-ત્રણ મહિનાની ટુર પર બહારગામ હોય ત્યારે મારે પૂછવા ક્યા જવું? પણ એવા કોઈ પ્રતિભાવ આપી મારે વાતને વિવાદમાં ફેરવવી નહોતી. કિશોર દવે મનના બહુ સારા પણ એમનો રોફ કોઈ અવ્વલ ફિલ્મી હીરો જેવો. અમે બધું ચલાવનારા જયારે એ પોતાની ‘ડિમાંડ’ ચલાવનારા. કલાકાર તો સારા, પણ સ્વભાવને સંભાળી લેવો પડે. એક વાર પોતે વાત પકડે પછી પોતાનો કક્કો ખરો કરીને જ જંપે! આંખ સંસારની દરેક ચીજ જોઈ શકે છે,પણ આંખની અંદર જો કઇંક પડી જાય તો એ નથી જોઈ શકતી. માણસને બીજાની બુરાઈ દેખાય છે, પણ પોતાની અંદર છુપાયેલી બુરાઈ નથી દેખાતી.
થોડીવારમાં તુષારભાઈ આવી પહોંચ્યા. બધા કલાકારો એમને ઓળખતા જ હતા, સિવાય કે સોહિલ અને રજની. બંનેની ઓળખવિધિ કરાવી.
બે સીન્સની ઝેરોક્ષ-ફાઈલ દરેક કલાકારને આપી. ઓરિજિનલ લખેલા બે સીન્સ પૂજા માટે ટેબલ પર ગોઠવ્યા. સ્વસ્તિક કર્યા, ચોખા છોડ્યા. જાણે નવા નાટકનું મુહૂર્ત ન કરતા હોય? અન્ય કલાકારનો હોય કે ન હોય, તુષારભાઈ અને રાજેન્દ્રનો ઉત્સાહ અદકેરો હતો.
તુષારભાઈએ બધાને ‘ગુડ લક’ કહ્યા. ખરેખર ! ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે ,પરંતુ ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી
ખુશ છે. તુષારભાઈ ત્યારે એનું બેસ્ટ એકઝામ્પલ હતા.
પૂજા પૂરી કર્યા બાદ પેંડાથી બધાના મોઢા મીઠા થયા. બંને સીન્સનું રિડિંગ શરૂ કર્યું. મારે કિશોર ભટ્ટનો રોલ કરવાનો હતો. બીજા અમુક કલાકારો માટે તો રિડિંગ માત્ર ઔપચારિકતા હતી. હા, સોહિલ વિરાણી પણ મારી પંગત’ નો જ હતો, તો કોલગર્લની ભૂમિકાના સંવાદો રજની ને બદલે ભરત જોશી વાંચવા લાગ્યો.
જે ‘બોલ્ડ’ સંવાદો ઉમેર્યા હતા, એમાં બધા દિલ ખોલીને ખડખડાટ હસ્યા. મને પણ સંવાદો ગમ્યા. ‘બોલ્ડ’ જરૂર હતા પણ
ચીતરી ચડે એવા તો નહોતા..
રિવાઈવલ’ નાં નામ પર મેં હવે મૌન ધરી લીધું હતું. બધા કલાકારો બંને સીન્સમાં ખૂબ હસ્યા. વસ્તુ તો એ જ હતી પણ થોડું રાજેન્દ્રનું ઇન-પુટ અને જયંત ગાંધીની રમૂજે આખી વસ્તુ જાણે નવી-નક્કોર કરી નાખી હતી. થયું, મૌન અને મુસ્કાન બંનેનો ઉપયોગ કરતાં રહો, મૌન રક્ષાકવચ છે તો મુસ્કાન સ્વાગતદ્વાર… ફરી લખાયેલ આ નાટકમાં જાણે બધાનું ફરી સ્વાગત થઇ રહ્યું હતું.બે વાર રિડિંગ પૂરું કર્યું. કિશોર દવે પણ ખુશ થયા. પોતે કરેલા વિધાન બદલ એમણે ‘સોરી’ પણ જાહેરમાં કહ્યું. આ માણસની એ
જ ખૂબી હતી, પોતાને જે લાગે એ બિન્દાસ બોલી નાખે પણ પછી જો ‘ભૂલ’ જેવું લાગે તો જાહેરમાં માફી માગી લેવામાં કોઈ સંકોચ ન રાખે..
રાજેન્દ્રએ કહ્યું કે ત્રીજો સીન હું કાલે પૂરો કરી નાખીશ એટલે પહેલો અંક પૂરો. આપણે રિહર્સલ પરમ દિવસથી શરૂ કરીશું. બધા છુટા પડ્યા. હું, ધનવંત શાહ,તુષારભાઈ અને રાજેન્દ્ર ફાર્બસ હોલની સામે આવેલ ‘સદાનંદ’ હોટેલમાં થોડું ડિસ્કસ કરવા બેઠા મને ટેન્સન થિયેટરનું હતું એટલે મેં પહેલો સવાલ કર્યો કે ‘રિહર્સલ ક્યા સુધી ચલાવવા છે?’ તુષારભાઈએ પૂછ્યું : ‘કેમ? નાટક’
‘તૈયાર થઇ જાય ત્યાં સુધી, પછી જી.આર.’
‘પણ નાટક ઓપન કરવા હાથમાં થિયેટર જ ન હોય તો જી.આર. પતાવીને ક્યા જવાનું? ’ મેં કહ્યું. તુષારભાઈ કહે: થિયેટરનું તો તમારે જોવાનું. હું તો પૈસા આપી જાણું અને ગમતા વિષયનું નાટક કરવા ‘ફોર્સ’ કરી શકું, બાકી તમારા કોન્ટેક્ટ પ્રમાણે બને એટલું જલ્દી થિયેટર મેળવવાનું કામ તો તમારું ને?’
રાજેન્દ્ર કહે: ‘ચિતા ન કરો … બધું જ થઇ રહેશે…. . હવે હું કાલે પારડી જઈશ અને તમારી તૈયારી થઇ જાય પછી જ આવીશ. મારે પારડીમાં થોડું કામ બાકી છે.મને ફોન કરતાં રહેજો અને હું પણ કરતો રહીશ.’
આ વાતમાં ભરત જોશીએ પણ ટાપસી પુરાવી.’
‘થિયેટર મળશે કે નહિ?’ એવી શંકા કરવા કરતાં વાત ભગવાન ભરોસે મેં છોડી. એકવાર ભરોસો કર્યા પછી શંકા ન કરવી કેમ કે જમ્યા પછી જો ભૂખ લાગે તો ખામી આપણામાં, પીરસનારમાં નહીં.
જીવનભર તોફાનો સાથે એવો સંબંધ રહ્યો,દરિયો જાણીતો ને કિનારો જ અજાણ્યો રહ્યો….
શિયાળો આરોગ્ય-વર્ધક છે, ‘મેથી ખાવી’, ‘મારવી’ નહીં….!