મેટિની

હિન્દુસ્તાન ઝિંદાબાદ થા… ઝિંદાબાદ હૈ… ઝિંદાબાદ રહેગા!

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

પહલગામ આતંકવાદી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ ‘ઑપરેશન સિંદૂર’થી આપ્યો છે. ‘ઘર મેં ઘૂસ કે મારેંગે’ની લાગણી બળવત્તર છે. પાનો ચડાવતા સંવાદ અને ગીત હિન્દી વોર ફિલ્મોનું અવિભાજ્ય અંગ રહ્યા છે.
આ રહી એની એક ઝલક…
22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓના હુમલામાં 26 લોકોએ જાન ગુમાવ્યા પછી આતંકીઓને જડબાતોડ જવાબ આપવા ‘ઘર મેં ઘૂસ કે મારેંગે’ની લાગણી દેશ આખામાં ફરી વળી છે. સોશિયલ મીડિયા પર ઠલવાયેલા જન આક્રોશમાં જે ડાયલોગબાજી થઈ રહી છે એ પ્રજાનું લોહી કઈ હદે ઉકળી ઊઠ્યું છે એ દર્શાવે છે. આતંકવાદીઓના અડ્ડા પર હલ્લાબોલ કરી ‘ઑપરેશન સિંદૂર’ના જડબાતોડ જવાબથી ભારતીય જનતાને રાહત થઈ છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં જે યુદ્ધલક્ષી ફિલ્મો બની છે એની કથા જેટલું અને ક્યારેક વધુ કૌવત ફિલ્મના સંવાદ અને ગીતો (ડાયલોગ્સ – સોંગ્સ)માં નીતર્યું છે. આ સંવાદોએ અને ગીતોએ જનતાને પાનો ચડાવ્યો છે.

આ રહ્યા એવા કેટલાક યાદગાર સંવાદ અને ગીત….

હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ રહેગા
ગદર: એક પ્રેમ કથા નામમાં ભલે પ્રેમકથા છે, પણ ફિલ્મનો ઢાંચો ભારત – પાકિસ્તાન ભાગલાની પાર્શ્વભૂમિ પર આધારિત છે. શીખ સૈનિક બુટાસિંહના જીવન પર આધારિત આ ફિલ્મને દર્શકોએ વધાવી લીધી હતી. આમિર ખાનની ‘લગાન’ સાથે રિલીઝ થવા છતાં બોક્સ ઓફિસ પર સની દેઓલની ફિલ્મ જ્વલંત સફળતા મેળવી શકી હતી. એનો એક ડાયલોગ આજે પણ સિને પ્રેમીઓ નથી ભૂલ્યા:

હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ રહેગા..!

સની દેઓલના આ સંવાદમાં એવું કૌવત છે કે 1947 – 48નું પ્રથમ કાશ્મીર યુદ્ધ હોય કે એ પછીના પાકિસ્તાન સાથેના ત્રણ યુદ્ધ હોય કે 1962ની ચીન વિરુદ્ધની લડાઈ હોય, હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ રહેગા દેશાભિમાનનું ઉચ્ચ પ્રતિબિંબ છે અને નસમાં વહેતા લોહીને ધગધગતું રાખે છે. સંવાદ લેખક હતા શક્તિમાન તલવાર, જેમણે ફિલ્મની કથા પણ લખી હતી.

ફર્જ ઔર ફર્જી મેં એક માત્રા કા હી અંતર હૈ…

નવ વર્ષ પહેલા જમ્મુ – કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી શહેરમાં ભારતીય લશ્કરી છાવણી પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં 16 ભારતીય જવાન શહીદ થયા હતા. સર્જિકલ સ્ટ્રાઈક કરી ભારતે પાકિસ્તાનના આતંકી જૂથ જૈશ – એ – મોહમ્મદના બધા આતંકવાદીઓને ઠાર કરી જડબાતોડ જવાબ આપ્યો હતો. આ કથાની પાર્શ્વભૂમિ પર બનેલી ફિલ્મ : ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં મેજર વિહાનસિંહ શેરગિલ (વિકી કૌશલ)નો એક સંવાદ ખૂબ જ પાવરફુલ હતો:

‘ફર્જ ઔર ફર્જી મેં એક માત્રા કા હી અંતર હૈ. મૈં વો માત્રા નહીં બનના ચાહતા સર. મૈં અપને દેશ, અપને ભાઈયોં કે લિએ અબ નહીં લડા તો મૈં અપની હી નઝરોં મેં ફર્જી બનકર રહ જાઉંગા. ઔર મૈં જી નહીં પાઉંગા….’

લશ્કરના મેજરની આવી ખુદ્દારી, આવું સમર્પણ દેશની જનતાનો અડગ વિશ્વાસ અખંડ દીવા જેવો બનાવી દે છે. અને આ જ ફિલ્મનો અન્ય ડાયલોગ ‘હાઉ ઈઝ જોશ? હાઈ સર!’ દ્રઢ મનોબળનો ઉચ્ચતમ પુરાવો છે. ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધરે જ આ સંવાદ લખ્યા છે.

વતન કે આગે કુછ ભી નહીં, ખુદ ભી નહીં…

ભારત – પાકિસ્તાન વચ્ચેના 1971ના યુદ્ધની પાર્શ્વભૂમિ પર મેઘના ગુલઝારે ‘રાઝી’ ફિલ્મ બનાવી હતી. ભારતીય ગુપ્તચર સંસ્થા ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ના અંડરકવર એજન્ટ બનવા 20 વર્ષની તરૂણી સેહમત પાકિસ્તાની લશ્કરી અધિકારી સાથે લગ્ન કરે છે. આલિયા ભટ્ટની અદાકારી અને મેઘના ગુલઝારની ડિરેક્શનથી બનેલી સર્વાંગ સુંદર ફિલ્મમાં એક સંવાદ ક્યારે પણ સાંભળીએ રૂંવાડા ઊભા થઈ જાય. મેઘનાએ જ લખેલો ડાયલોગ છે : ‘વતન કે આગે કુછ ભી નહીં, ખુદ ભી નહીં…!’ દેશ પ્રત્યેની ફરજ બજાવવા સેહમત પતિ સામે બંદૂક તાકે છે ત્યારે વતન સર્વોત્તમ છે એ સિદ્ધ થાય છે.

મુજે સ્ટેટ્સ કે નામ ના સુનાઈ દેતે હૈં ના દિખાઈ દેતે હૈં…

રાજ – રાહુલના કિરદાર સિવાય એક્ટર શાહરુખ ખાનની જે ચુનંદી ફિલ્મો છે એમાં ‘ચક દે ઈન્ડિયા’ વટથી બિરાજે છે. આર્મી – નેવી કે એરફોર્સનો યુનિફોર્મ પહેર્યો હોય તો જ દેશદાઝ દેખાડી શકાય એ જરૂરી નથી. દેશ માટે સમર્પણની ભાવના કોઈ પણ રીતે વ્યક્ત કરી શકાય છે, હોકીના કોચ બનીને પણ.

‘ચક દે ઈન્ડિયા’ સ્પોર્ટ્સ ફિલ્મ ભલે ગણાતી હોય, એમાં દેશદાઝ, દેશભક્તિ ઊડીને આંખે વળગે છે. ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા દેશના વિવિધ રાજ્યોની ખેલાડીઓ જ્યારે પરિચયમાં પોતાના નામ સાથે પોતે કયા રાજ્યની છે એ જણાવે છે ત્યારે કોચ કબીર ખાન (શાહરુખ) આક્રોશમાં આવી કહે છે કે ‘મુજે સ્ટેટ્સ કે નામ ના સુનાઈ દેતે હૈં ના દિખાઈ દેતે હૈં, સિર્ફ એક મુલ્ક કા નામ સુનાઈ દેતા હૈ.’ આપણે પહેલા ભારતીય છીએ એ વાત સમજાવવાની જરૂર ખરી? સંવાદ લેખક : જયદીપ સાહની.

જબ વહાં બોર્ડર પર લોગ અપની નીંદ કી પરવા કિયે બિના જાગતે હૈં…

અક્ષય કુમાર અને દેશભક્તિની ફિલ્મો મજબૂત તાંતણે બંધાયેલા છે. એમાંની એક છે ‘હોલિડે: અ સોલ્જર ઈઝ નેવર ઓફ ડ્યુટી.

દેશના રક્ષણ માટે સૈનિક શું કરી શકે એ ફિલ્મનો હાઈ પોઇન્ટ હોવાથી દર્શકોએ ફિલ્મને ગળે વળગાડી હતી. અક્ષયનો એક ડાયલોગ છે જે દરેક દેશવાસીએ માનસપટ પર અંકિત કરવા જેવો છે: ‘જબ વહાં બોર્ડર પર લોગ અપની નીંદ કી પરવા કિયે બિના જાગતે હૈં, તબ તુમ્હેં યહાં શહર મે ચૈન કી નીંદ આતી હૈ.’

કેવી મજબૂત ઢાલ આપણું રક્ષણ કરે છે. ડાયલોગ રાઈટર હતા એ. આર. મુરુગાદોસ.

યુદ્ધલક્ષી ફિલ્મોના ગીત- સંગીતની વાત નીકળે તો પહેલો નંબર નિર્વિવાદપણે ચેતન આનંદની ‘હકીકત’નો આવે. કૈફી આઝમી લિખિત અને મદન મોહને સ્વરબદ્ધ કરેલું ‘કર ચલે હમ ફિદા જાન – ઓ – તન સાથિયો, અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’ ક્યારે પણ સાંભળો ગર્વ અને આદરની લાગણી એક સાથે થયા વિના ન રહે. ગીતમાં ચાર કડી છે અને પ્રત્યેક કડીની પંક્તિઓ આંખોમાં આંજવા જેવી, દિમાગમાં સંગ્રહી રાખવા જેવી અને દિલ પર કોતરી રાખવા જેવી છે. કૈફી સાહેબની લાજવાબ કલમના ઉચ્ચ સ્તરને મદન મોહનનું અફલાતૂન સ્વરાંકન અને મોહમ્મદ રફીનો બુલંદ અવાજ સોનામાં સુગંધના સમુદ્રની ગરજ સારે છે.

મનોજ કુમારની ‘શહીદ’માં ભગતસિંહનો બ્રિટિશ શાસન સામે પ્રતિકાર કેન્દ્રબિંદુ છે, પણ ફિલ્મના બે ગીત પણ ત્યાગ અને દેશભક્તિને ઉજાગર કરે છે. રફી સાહેબે ગાયેલું અજરામર ‘અય વતન અય વતન, હમકો તેરી કસમ’ આજે પણ અનેક લોકોના માનસપટને ઢંઢોળી શકવાની ક્ષમતા ધરાવે છે. ગીત – સંગીત પ્રેમ ધવનના હતા. આ જ ફિલ્મનું અન્ય એક ગીત ‘સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ’ પણ એવરગ્રીન દેશદાઝનું ગીત છે. આ ગીતના રચયિતા છે બિસ્મિલ અઝીમાબાદી.

એક કરોડનો વકરો કરનારી પ્રથમ ફિલ્મ તરીકે પંકાયેલી અશોક કુમાર – નલિની જયવંતની ‘સમાધિ’હતી તો જાસૂસી કથા પણ એમાં સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ ફિલ્મની વાર્તામાં મહત્ત્વ ધરાવે છે. અશોક કુમાર સુભાષ બાબુના આર્મીમાં જોડાય છે અને યુદ્ધના લલકાર જેવું ગીત ‘કદમ કદમ બઢાએ જા’ દેશ પ્રેમની ઝાંખી કરાવે છે. ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, સંગીતકાર સી. રામચંદ્ર.

આ પણ વાંચો જીવી લઈએ એ જ ‘જિંદગી’… વીતે એને ‘વખત’ કહેવાય!

મૈત્રીભાવના એકવીસમી સદીના ઝરણાં જેવી ‘દિલ ચાહતા હૈ’ બનાવ્યા પછી ફરહાન અખ્તરે સાવ વેગળી વાટ પકડી ‘લક્ષ્ય’ ફિલ્મ બનાવી હતી, જેની વાર્તા 1999ના કારગિલ યુદ્ધ પર આધારિત હતી. ગીતકાર જાવેદ અખ્તર હોય અને સંગીતકાર શંકર – એહસાન – લોય હોય ત્યારે વિશિષ્ટ યોગદાનની અપેક્ષા ધૂળધાણી ન થાય. ‘કંધો સે મિલે કંધા’ ગીતમાં થનગનાટ અને ભાઈચારાની ભાવના દુશ્મનના દાંત ખાટા કરવામાં કેવા નિર્ણાયક સાબિત થાય છે એ બહુ સરસ રીતે ઊપસી આવ્યું છે.

દેવ આનંદે દિગ્દર્શિત કરેલી પહેલી ફિલ્મ તરીકે ‘પ્રેમ પૂજારી’ ઓળખ ધરાવે છે. જોકે, ફિલ્મમાં ભારત – ચીન સરહદી તણાવ અને લશ્કર છોડી દેવા માગતા લેફ્ટનન્ટ રામદેવ બક્ષીના વૈચારિક સંઘર્ષ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. રણભૂમિ છોડ્યા પછી રામદેવ બક્ષી દેશ માટે જાસૂસની જવાબદારી સંભાળવા તૈયાર થાય છે. કવિ – ગીતકાર નીરજ (ગોપાલદાસ સક્સેના) લિખિત ગીત ‘તાકત વતન કી હમસે હૈ. હિમ્મત વતન કી હમસે હૈ, ઈઝ્ઝત વતન કી હમસે હૈ, ઈન્સાન કે હમ રખવાલે’ આપણી કાળજી કોણ કરે છે એ સમજાવી દે છે.

આવી તો બીજી પણ કેટલીક હિન્દી ફિલ્મો છે, જેમાં એક યા બીજી રીતે દેશદાઝ-દેશસ્વમાનની કથા-સંવાદ અને ગીતો પણ છે. જોકે, સ્થળ સંકોચને કારણે એ બધાનો સમાવેશ અહીં શક્ય નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button