મેટિની

લો, તેજીનો ‘ખિલાડી’ મંદીમાં …!

‘સરફિરા’ સુપર ફ્લોપ થતા અક્ષય કુમારનાં નિષ્ફળ ચિત્રપટોમાં વધુ એકનો ઉમેરો થયો છે. ‘શું હવે અક્ષયે કિંગ’ શાહરૂખને અનુસરવાનો સમય આવી ગયો ?

કવર સ્ટોરી – હેમા શાસ્ત્રી

‘સરફીરા’ બોક્સ ઓફિસ પર જબરી જમીનદોસ્ત થઈ ગઈ છે. વિશિષ્ટ વિમાન કંપની – એરલાઇન બનાવવાની વાર્તા પર આધારિત સાઉથની ફિલ્મની રિમેકનું ક્રેશ લેન્ડિંગ થયું છે. કોરોના કાળ પછી ‘ઓએમજી ૨’ જેવા અપવાદ બાદ કરતાં સતત માઠા દિવસો જોઈ રહેલા અક્ષય કુમારની ૨૦૨૦થી અત્યાર સુધીની આ ૧૨મી લાગલગાટ ફ્લોપ (૯ થિયેટરમાં અને ૩ ઓટીટી પ્લેટફોર્મ પર) થઈ છે. ફિલ્મ હિટ થાય કે ફ્લોપ થાય એ અભિનેતાના હાથની વાત નથી, પણ સતત નિષ્ફળતા કોઈ પણ એક્ટરના હૃદયને ઠેસ પહોંચાડ્યા વિના ન રહે.

પડદા પર અક્ષય કુમાર હીરો છે, પણ અંગત જીવનમાં એક સંવેદનશીલ માણસ છે એ ન ભૂલવું જોઈએ. આ સતત નિષ્ફળતાને પગલે કોઈ છાને ખૂણે એણે આંસુ સાર્યા હોય તો એ સ્વાભાવિક ગણવું જોઈએ અને એના માટે અનુકંપા દેખાડવી જોઈએ.

૧૯૯૧માં રિલીઝ થયેલી ‘સૌગંધ’થી ૨૦૧૯ની ‘ગુડ ન્યુઝ’ સુધી દર્શકોને વહાલો રહેલો એક્ટર હવે દવલો થઈ ગયો છે. સોનેરી દિવસો યાદ કરી ‘વો ભી ક્યા દિન થે હમેં દિલમેં બિઠાયા થા કભી, ઔર હંસ હંસ કે ગલે તુમને લગાયા થા કભી’ (દિલ ને ફિર યાદ કિયાના ગીતની પંક્તિ) ગણગણતો હશે.

શેર બજારની ભાષામાં કહીએ તો ‘માલ લાવ, માલ લાવ’ જેવો તેજીનો ખેલાડી મિસ્ટર ખિલાડી હવે મંદીમાં સપડાયો છે. નરસિંહ મહેતાની રચનાની જેમ ‘મારી ફિલ્મ સ્વીકારો દર્શક રે…’ ગાવાનો સમય આવી ગયો છે. આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે આજની તારીખમાં એની અડધો ડઝન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અક્ષયને મળેલો જાકારો જોઈ એમાંથી કોઈ નિર્માતાનું બ્લડ પ્રેશર વધી ગયું હોય તો નવાઈ ન લાગવી જોઈએ. એક વખતનો વહાલો આજે કેમ દવલો થઈ ગયો છે એ માટે એકથી વધુ તર્ક વ્યક્ત થઈ રહ્યા છે. તેની લેટેસ્ટ ફ્લોપ ફિલ્મ ‘સરફિરા’ના અર્થ જેવી લાગણી અક્ષય કુમાર અંગત જીવનમાં અનુભવી રહ્યો હશે.

આવું કેમ થઈ રહ્યું છે એ વિશે વિવિધ તર્ક બાંધવામાં આવી રહ્યા છે. પહેલું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે અક્ષયની રિલીઝ થયેલી મોટાભાગની ફિલ્મો ‘કોવિડ – ૧૯’ની મહામારી પહેલાં અથવા એ દરમિયાન સાઈન કરવામાં આવી હતી. આ મુદ્દા પર પ્રકાશ પાડી વરિષ્ઠ ફિલ્મ પત્રકાર ભારતી દુબે કહે છે કે ‘આપણે બધા જાણીએ છીએ કે ‘કોવિડ – ૧૯’ પછી ફિલ્મો તેમજ દર્શકોની રુચિ બદલાઈ ગયા છે. ઘણી ફિલ્મોમાં અક્ષય અભિનયમાં અવ્વલ હોવા છતાં બોક્સ ઓફિસ પર એ ફિલ્મો કશું નથી ઉકાળી શકી. બીજું મને લાગે છે કે અક્ષયે હવે રિમેકમાં કામ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે મૂળ ફિલ્મો હવે ઓટીટી પ્લેટફોર્મ કે યુ ટ્યુબ પર રિલીઝ થાય છે અને ભાષાનો છોછ રાખ્યા વિના દર્શકો એ ફિલ્મો જોતા હોય છે. એટલે રિમેક માટે વિશેષ કુતૂહલ નથી રહેતું અને એની સીધી અસર એના કલેક્શન પર પડે છે.’

બીજી એક દલીલ એ પણ કરવામાં આવી છે કે અક્ષયની ફિલ્મનું પ્રમોશન દમ વગરનું હોય છે. જો, અક્ષયની ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન માત્ર ૨.૫ કરોડ રૂપિયા હોય તો એના સ્ટાર પાવર સામે સવાલ ઊભો થાય છે. ૧૫ ઓગસ્ટના દિવસે અભિનેતાની ‘ખેલ ખેલ મેં’ રિલીઝ થઈ રહી છે પણ એની ઉત્સુકતા જગાડવા કોઈ પ્રયાસ નથી થઈ રહ્યા.

અમુક ફિલ્મ સમીક્ષકોનું એવું પણ કહેવુ છે કે ફિલ્મ જલ્દીમાં જલદી પૂરી કરવાની ઉતાાળમાં અક્ષય અભિનયમાં પણ વૈવિધ્ય લાવતો નથી- લાવી શક્તો નથી અને સરવાળે કાચી ફિલ્મ દર્શક સુધી પહોંચે છે .

સૌથી મહત્ત્વનું કારણ કદાચ ‘ઓવર એસ્પોઝર’ હોઈ શકે છે. સતત નવું અને નવાઈ ઝંખતા સિને રસિકોમાં હવે અક્ષયને પડદા પર જોવાની તાલાવેલીમાં ઓટ આવી ગઈ હોય એવી પૂરેપૂરી સંભાવના છે. આ મામલે અક્ષયે શાહરુખ ખાનને અનુસરવા જેવું છે. ૨૦૧૮માં ‘ઝીરો’ ઝીરો સાબિત થયા પછી કિંગ ખાને બ્રેક લીધો અને ચાર વર્ષના બ્રેકમાં ફિલ્મોની પસંદગીમાં વૈવિધ્ય લાવી ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’માં ડંકો વગાડી ગયો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભ્યાસુઓનું કહેવું છે કે ‘ટેક અ બ્રેક અક્ષય.’ અક્ષયને આ વાત ગળે ઉતરશે?

૧૦૦૦ કરોડ ક્લબ
આજે ભલે અક્ષય કુમારની ફિલ્મ બોક્સ ઓફિસ પર ટળવળતી હોય, પણ પાંચ વર્ષ પહેલા મિસ્ટર ખિલાડીના ચિત્રપટ બોક્સ ઓફિસ પર અવનવા ખેલ દેખાડી નિર્માતાઓના ગજવા ભરી રહ્યા હતા. બોક્સ ઓફિસની વિગતો અનુસાર અક્ષય કુમાર એકમાત્ર એક્ટર છે જેની ફિલ્મ સામૂહિક સ્વરૂપે ૧૦૦૦ કરોડથી વધુ બિઝનેસ કરવામાં સફળ રહી હોય. કોરોના કાળ પહેલા ૨૦૧૮ અને ૨૦૧૯માં અક્ષયે આ અનન્ય સિદ્ધિ મેળવી હતી. ૨૦૧૮માં અક્ષયની ‘પેડ મેન’, ‘ગોલ્ડ’ અને ‘૨.૦’ રિલીઝ થઈ હતી. આ ત્રણેય ફિલ્મના વિશ્ર્વભરના કલેક્શનનો સરવાળો ૧૧૧૧ કરોડ થયો હતો.
એ વર્ષે રિલીઝ થયેલી ‘સિમ્બા’માં કુમારનો કેમિયો હતો અને એ ફિલ્મ પણ આર્થિક સફળતાને વરી હતી. ૨૦૧૯માં રૂપેરી પડદા પર અક્ષય ચાર વાર ચમક્યો. ‘કેસરી’, ‘મિશન મંગલ’, ‘હાઉસફુલ ૪’ અને ‘ગુડ ન્યૂઝ’. ચારેય ફિલ્મ સફળ અને કુલ કલેક્શન ૧૦૯૫ કરોડ. એક એવી વાત પણ વહેતી થઈ છે કે અક્ષયની ફ્લોપ ફિલ્મોની નુકસાનીનો આંકડો ૧૦૦૦ કરોડને પાર કરી ગયો છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button